હોમપેજદેશભારતના વિભાજન સમયે સંઘના સ્વયંસેવકોની ભૂમિકા: લાખો હિંદુઓના રક્તથી રંજિત એ ઇતિહાસ,...

ભારતના વિભાજન સમયે સંઘના સ્વયંસેવકોની ભૂમિકા: લાખો હિંદુઓના રક્તથી રંજિત એ ઇતિહાસ, જેને ભુલાવી દેવાયો

કોંગ્રેસ અને વામપંથી ઇતિહાસકારો-ટોળકીઓનો તે દાવો કે, RSS સ્વતંત્રતાની ચળવળમાં સામેલ નહોતું થયું, એ પાયાવિહોણો અને જાણીજોઈને ષડ્યંત્રના ભાગ હેઠળ ફેલાવવામાં આવેલો પ્રોપગેન્ડા છે. પ્રકૃતિનો સર્વવિદિત નિયમ છે કે, સત્યને ગમે તેટલું દબાવવામાં આવે, પણ સમયે આવ્યે તે અસત્યની છાતી ચીરીને બહાર આવે છે. આ સમય એ જ છે. 

- Advertisement -

14 ઑગસ્ટ, 1947. ભારતના ઇતિહાસનો એ કાળો દિવસ, જે લાખો ભારતીયોના રક્તથી રંગાયેલો છે. સમય હતો ભારતના વિભાજનનો. એક સ્વતંત્ર, સ્વાયત્ત અને શક્તિશાળી હિંદુઓની ભૂમિને મજહબના આધારે વહેચી દેવામાં આવી, કારણ ટૂ નેશન થિયરીનું આપવામાં આવ્યું. પ્રથમ અલગ રાષ્ટ્રની માંગ ઉઠી અને ભોગ બન્યા હજારો હિંદુઓ. ત્યારબાદ જ્યારે અલગ પ્રદેશ આપી દેવાયો ત્યારે પણ રક્તપિપાસુઓએ હિંદુઓનાં લોહી રેડ્યાં. પાકિસ્તાન તરફથી આવી રહેલી ટ્રેનોમાં હજારો હિંદુઓના મૃતદેહો ભરીને મોકલાયા અને હજારો મહિલાઓ પર બળાત્કાર થયા.

સ્થિતિ એટલી ગંભીર હતી કે, પાકિસ્તાનમાં રહેલા લાખો હિંદુઓ પર પણ મજહબની લોહીભૂખી તલવાર તોળાઈ રહી હતી. આ વિભાજને માત્ર જમીન નહીં, પણ લાખો હિંદુઓનાં કાળજાં કાપી નાખ્યાં હતાં. હિંદુઓની આ કાળી ચીસ સાંભળનારું કોઈ નહોતું. તેઓ મરી રહ્યા હતા અને પોતાના જ પૂર્વજોની જમીનો છોડીને ભાગી રહ્યા હતા. આવા કપરા સમયે માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હિંદુઓની પડખે આવીને ઊભું રહ્યું. ન તો સરકાર સામું જોઈ રહી હતી અને ન તો કોંગ્રેસ. હિંદુઓને બચાવવા જીવના જોખમે તૂટી પડ્યા હતા માત્ર સંઘના સ્વયંસેવકો.

વિભાજન સમયે સંઘના સ્વયંસેવકોએ શું ભૂમિકા ભજવી?

ભાગલા સમયે સંઘ અને તેના સ્વયંસેવકોએ પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ પર પર સતત નજર રાખી હતી. જ્યારે રમખાણો ફાટી નીકળ્યાં અને નહેરુ સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ ત્યારે સંઘે મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનથી આવેલા લાખો હિંદુ શરણાર્થીઓ માટે ત્રણ હજારથી વધુ રાહત શિબિરોની વ્યવસ્થા કરી. RSSએ પાકિસ્તાનમાં રહેલા હિંદુઓને સુરક્ષિત રીતે ભારત લાવવાનું બીડું ઝડપી લીધું. આ સમયે RSS એક સાથે બે મોરચે યુદ્ધ કરી રહ્યું હતું. એક તો પાકિસ્તાનમાંથી કોઈપણ ભોગે હિંદુઓને સુરક્ષિત કાઢવા પર અને બીજું દેશની અંદર જ મુસ્લિમ લીગે શરૂ કરેલાં હિંદુવિરોધી રમખાણો પર.

- Advertisement -

સંઘ પર કામ કરી ચૂકેલા પ્રોફેસર ડૉ. હરેન્દ્ર સિંહ એક લેખમાં જણાવે છે કે, વિભાજન સમયે મુસ્લિમ લીગે મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો એકઠા કરીને દિલ્હીમાં એક વિશાળ શસ્ત્રાગાર બનાવ્યું હતું. એટલું જ નહીં, પણ તેણે અસંખ્ય પ્રશિક્ષિત મુસ્લિમ કાર્યકરો તૈયાર કર્યા હતા અને ભારતમાં રહેલા હિંદુઓ અને શીખોનો નરસંહાર કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ સંકટના સમયમાં પણ સંઘના સ્વયંસેવકોએ પોતાના જીવ જોખમમાં મૂકીને કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. સંઘના બીજી હરોળના નેતાઓ અને સ્વયંસેવકો દેશમાં જ હિંદુઓને સુરક્ષિત કરી રહ્યા હતા તો પ્રથમ હરોળના નેતાઓ અને ઘણા સ્વયંસેવકો પાકિસ્તાનમાં જઈને હિંદુઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. 

પાકિસ્તાન સ્થિત પંજાબ, સિંધ, બલૂચિસ્તાન, લાહોર અને કરાચી જેવા પ્રદેશોમાં સંઘના તત્કાલીન સરસંઘચાલક ગુરુજી અને વરિષ્ઠ અધિકારીઓ તનતોડ કામ કરી રહ્યા હતા અને ત્યાંનાં હિંદુ સમુદાયનું મનોબળ વધારવા અનેક લોકોને સાથે લઈ જતા હતા અને રક્ષણાત્મક પગલાં લેતા હતા. સંઘે સમગ્ર પંજાબમાં વીર સાવરકર જેવા ક્રાંતિવિરો અને બાળાસાહેબ દેવસરજી જેવા નેતાઓની યાત્રાઓનું આયોજન પણ કર્યું હતું. એટલું જ નહીં, પણ રાષ્ટ્ર સેવિકા સમિતિના સંચાલિકા સિંધુતાઈએ સિંધ અને પંજાબમાં જાગૃતિ ફેલાવીને હિંદુ મહિલાઓને સંગઠિત કરી હતી અને કરાચીથી લાહોર સુધી ત્રણ અઠવાડિયાં દરમિયાન ધરખમ પ્રયાસો કર્યા હતા. 

લેખમાં કહેવાયું છે કે, વિભાજનના સમયે સંઘના તત્કાલીન સરસંઘચાલક ગુરુજીએ પોતે આહ્વાન કર્યું હતું કે, “જ્યાં સુધી ત્યાં (પાકિસ્તાનમાં) એક પણ હિંદુ છે, ત્યાં સુધી તેને ત્યાં છોડશો નહીં.” તેમની હાકલ પર લાખો સ્વયંસેવકો પાકિસ્તાનમાંથી લગભગ બે કરોડ હિંદુઓને સુરક્ષિત લઈ આવ્યા હતા. પાકિસ્તાનમાં તો RSS મદદ કરી જ રહ્યું હતું, પરંતુ ભારતના સ્વતંત્ર ભાગની અખંડિતતાને જાળવી રાખવા અને બીજા અલગ થયેલાઆ ભાગમાં ફસાયેલા હિંદુઓના જીવ બચાવવા માટે પણ સંઘર્ષ ચાલુ હતો.

શિક્ષા વર્ગને સ્થગિત કરીને હિંદુઓને જીવ બચાવવા આવ્યા હતા સ્વયંસેવકો

સંઘે પાકિસ્તાનમાં હિંદુઓના જીવન અને સન્માનનું રક્ષણ કરવાની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી હતી. વિભાજન સમયે જ પંજાબમાં ચાલી રહેલા સંઘ શિક્ષા વર્ગને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને ઘરે ગયા વગર જ સ્વયંસેવકો પોતાના સેવાધર્મને નિભાવવા લાગ્યા હતા. સંઘે લાહોરમાં 80 અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં 300થી વધુ સુરક્ષા શિબિરો સ્થાપીને હિંદુઓને સંરક્ષણ પૂરું પાડ્યું હતું. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને જમ્મુ, દિલ્હી, અમૃતસર, કોલકાતા પહોંચેલા હિંદુઓ માટે હિંદુ રક્ષા સમિતિ, પંજાબ રાહત સમિતિ, વાસ્તુહાર સહાયતા સમિતિ વગેરે નામો સાથે રાહત શિબિરો પણ સ્થાપી હતી.

સ્વયંસેવકોએ સમાજ સાથે મળીને આ શિબિરો દ્વારા વિવિધ સેવાઓ પણ કરી હતી. જેમ કે, છૂટા પડેલા ભાઈ-બહેનો, માતા-પિતા, પતિ-પત્નીને શોધવા અને ફરીથી મિલન કરાવવાની જવાબદારી સંઘે ઉઠાવી લીધી હતી. તે સિવાય ઘાયલોની સારવાર, જરૂર પડ્યે લોહી આપવું, રક્તદાન કેમ્પ ચલાવવા જેવી સેવાઓ તો ખરી જ. દરરોજ 20થી 25 હજાર લોકોને ભોજન પૂરું પાડવાની અને કપડાં, વાસણો, ખાદ્ય પદાર્થો વગેરે પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના અન્ય શહેરો અને સ્થળોએ શાળો, ધર્મશાળાઓ અને આર્થિક સંપન્ન રહેઠાણોમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 

કોઈપણ પ્રચાર વગર કર્યું ભગીરથ કાર્ય

સરદાર વલ્લભભાઈ પટેલે વિભાજનના તે કપરા સમયે સ્વયંસેવકોના કાર્યની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “સંઘના બહાદુર સ્વયંસેવકોએ અસંખ્ય નિર્દોષ મહિલાઓ અને બાળકોને બચાવ્યા તે વાતને નકારી શકાય નહીં. તેમણે તેમને દૂર-દૂરથી બચાવ્યા અને અહીં લાવ્યા.” જોકે, એક વાસ્તવિકતા એ પણ છે કે, સંઘના આ ભગીરથ કાર્યની નોંધ ખૂબ ઓછા લોકોએ લીધી હતી. એવું પણ કહી શકાય કે, લીધી જ નહોતી. 

હાલના સમયે તો સંઘે જે કામ કર્યું હતું, તે વિશેની માહિતી ભાગ્યે જ કોઈ પાસે હશે. ગાંધી તે સમયે દૂર નોઆખલીમાં બેઠા હતા અને હિંદુઓ મરી રહ્યા હતા, બાળકો કપાઈ રહ્યાં હતાં અને મહિલાઓ લૂંટાઈ રહી હતી. બીજું દ્રશ્ય જો કોઈ હોય તો એ માત્ર સંઘનો સેવાભાવ હતો. સંઘના હજારો સ્વયંસેવકોએ કોઈપણ પ્રચાર વિના પોતાનું સર્વસ્વ તે કમનસીબ પડિતોની સેવામાં અર્પણ કરી દીધું હતું.

લાખો હિંદુઓ ઇસ્લામી જેહાદનો બન્યા હતા ભોગ

ભારત-પાકિસ્તાન બંને તરફ સૌથી વધુ હિંસાનો ભોગ હિંદુઓ બન્યા હતા. લગભગ 20 લાખ લોકો માર્યા ગયા હતા અને બે કરોડ લોકોને તેમના પૂર્વજોની ભૂમિ છોડવી પડી હતી. પિતાની સામે પુત્રી પર બળાત્કાર થતાં હતા. આખેઆખા પરિવારોને સળગાવી દેવામાં આવતા હતા, મંદિરો અને ગુરુદ્વારાઓ પર લક્ષિત હુમલાઓ થતા હતા અને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ મુસ્લિમ ટોળાં મારી નાખતા હતા.

સિંધ, હૈદરાબાદ, પંજાબ, બંગાળ અને કાશ્મીરમાં સૌથી વધુ હિંસા આચરવામાં આવી હતી. કાશ્મીરમાં કબીલાઈ વેશમાં પાકિસ્તાનીઓ હિંદુઓનો નરસંહાર કરી રહ્યા હતા, સિંધ, બંગાળ અને પંજાબમાં હિંદુઓ અને શીખોના પરિવારોને જીવતા સળગાવવામાં આવી રહ્યા હતા અને બાળકોને ત્રાસ આપીને મારી નખાયાં હતાં. આ બધી જ ઘટનાઓ દરમિયાન હિંદુ મહિલાઓ-બાળકીઓ પર બળાત્કાર અને સામૂહિક બળાત્કારની ઘટનાઓ સામાન્ય થઈ ચૂકી હતી. લાખો લોકોએ વિસ્થાપન અને વિભાજનની આ ચીસો ક્યારેય ભૂલી નથી. 

દેશની કમનસીબી એટલી કે આટલી ભયાનક, ક્રૂર અને બર્બર ઘટનાઓને ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં આવી. શૈક્ષણિક ઇતિહાસમાં આવી કોઈ ઘટનાઓનો ઉલ્લેખ નથી અને તત્કાલીન લોકોમાં પણ ગણ્યાગાંઠ્યા માણસોએ જ માત્ર તેનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુનશી, સાવરકર, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ઝૂઝ લોકોનો સમાવેશ થાય છે. લાખો હિંદુઓની એ પીડાને યાદ રાખવાનું અને આગામી પેઢીને સત્યથી વાકેફ કરવાનું આ કામ વિભાજન વિભાષિકા સ્મૃતિ દિવસ દ્વારા થાય છે.

સ્વતંત્રતા આંદોલનમાં નિષ્ક્રિય હતું RSS? 

વામપંથીઓ અને કોંગ્રેસે હાલ સુધી સૌથી મોટો પ્રોપગેન્ડા એ ફેલાવ્યો છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વતંત્રતાના આંદોલનમાં નિષ્ક્રિય રહ્યું હતું. આ પ્રોપગેન્ડા ઇરાદાપૂર્વક થયેલા એક ષડ્યંત્રનો ભાગ છે. હકીકત તો એ છે કે, સ્વતંત્રતાના મહાસંગ્રામમાં સંઘે ન માત્ર ભૂમિકા ભજવી હતી, પણ જરૂર પડ્યે પોતાના જીવ પણ આપ્યા હતા. ઉમાકાંત કડિયા જેવા સંઘના સ્વયંસેવકોએ ગાંધીના ‘હિન્દ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો અને વીરગતિ પણ પામ્યા હતા. ઉમાકાંત કડિયા ‘હિન્દ છોડો’ આંદોલનમાં વીરગતિ પામેલા પ્રથમ ક્રાંતિકારી છે.

વાસ્તવિકતા તો એ છે કે, દેશને જ્યારે જરૂર પડી છે, ત્યારે સૌથી આગળ આવીને સંઘે સેવાયજ્ઞ કર્યો છે. ન માત્ર સેવા, પણ દેશની અખંડિતતા માટે સૌથી આગળ આવીને પોતાના પ્રાણની આહુતિ આપવામાં પણ સંઘ મોખરે રહ્યો છે. તત્કાલીન નહેરુ સરકાર જ્યારે બેકફૂટ પર જઈ રહી હતી, ત્યારે આ જ સંઘના સ્વયંસેવકોએ પાકિસ્તાની સેના અને મુસ્લિમ લીગની ગતિવિધિઓ ખુલ્લી પાડીને સરકારને મદદ કરી હતી. સ્વતંત્રતાની આ ચળવળમાં અનેક સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને દેશ માટે પોતાના જીવ પણ આપ્યા હતા. 

આ ઉપરાંત, હિંદુ સમાજને જ્યારે એકલો અને અસ્પૃશ્ય કરી દેવાયો હતો, ત્યારે પણ માત્ર સંઘના સ્વયંસેવકો જ તેમની પડખે આવીને ઊભા રહ્યા હતા. તેઓ હિંદુ સમાજ માટે પોતાના જીવને જોખમના નાખીને લડ્યા હતા અને લાખો લોકોના જીવ પણ બચાવ્યા હતા. બાદમાં તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલે એવું પણ કહ્યું હતું કે, લાખો લોકોના જીવ બચાવવા અને મહિલાઓ પરની બર્બરતાને ડામવા સંઘના હજારો બહાદુર સ્વયંસેવકો મોખરે રહ્યા હતા. 

તેથી, કોંગ્રેસ અને વામપંથી ઇતિહાસકારો-ટોળકીઓનો તે દાવો કે, RSS સ્વતંત્રતાની ચળવળમાં સામેલ નહોતું થયું, એ પાયાવિહોણો અને જાણીજોઈને ષડ્યંત્રના ભાગ હેઠળ ફેલાવવામાં આવેલો પ્રોપગેન્ડા છે. પ્રકૃતિનો સર્વવિદિત નિયમ છે કે, સત્યને ગમે તેટલું દબાવવામાં આવે, પણ સમયે આવ્યે તે અસત્યની છાતી ચીરીને બહાર આવે છે. આ સમય એ જ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં