બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections) પહેલાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાનને (Special Intensive Revision – SIR) લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષી નેતાઓ પણ સતત આ મામલે નવાં-નવાં ગતકડાં કરી રહ્યા છે અને કોઈપણ ભોગે વિરોધ કરવાની તકો શોધી રહ્યા છે. પણ હવે તેમાંથી મીડિયા પણ બાકાત નથી રહ્યું. હાલ મીડિયા, ખાસ કરીને ગુજરાતી મીડિયાના કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) રહેઠાણ પ્રમાણપત્ર (Residence Certificate) જારી કરવામાં આવ્યું છે. વધુમાં આ અહેવાલોમાં SIR પર આડકતરી રીતે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે.
ગુજરાતી મીડિયામાં સંદેશ સમાચાર, નિર્ભય ન્યૂઝ અને લોકસત્તા ન્યૂઝ જેવાં પોર્ટલો પર બિહારની આ ઘટનાનું થોડું ભ્રામક રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ અહેવાલોમાં માહિતી એક જ પ્રકારની જોવા મળી રહી છે અને તમામે એવો દાવો કર્યો છે કે, બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પનું રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે, આ મામલો સામે આવ્યા બાદ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ પણ સતત પ્રશ્નો ઉઠાવી રહી છે.
તે સાથે ભ્રામક દાવા કરતા લખાયું છે કે, હમણાં સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર પોતાની ટેરિફ નીતિને લઈને દેશમાં હેડલાઇન્સ પર આવી રહ્યા હતા, પરંતુ હવે તો તેઓ બિહારની ચૂંટણીમાં પણ ઉતરી આવ્યા છે. ઉપરાંત સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે, હકીકતમાં એક રહેઠાણ પ્રમાણપત્ર વાયરલ થયું છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ બિહારના સમસ્તીપુરના હોવાનું કહેવાયું છે.
શું છે હકીકત?
આ સમગ્ર ઘટના બિહારના સમસ્તીપુર જિલ્લામાં મોહદ્દીનગર બ્લોકમાંથી સામે આવી છે. અહીં એક ટીખળખોરે 29 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના નામની અરજી કરી હતી. સમસ્તીપુર જિલ્લાના અધિકારીઓએ આ અરજી જોઈ હતી, પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. અરજીમાં ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત માહિતી હતી અને તેમનો ફોટો પણ હતો. સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ સમસ્તીપુરના હસનપુર ગામના રહેવાસી છે. અરજીમાં તેમના માતા-પિતાના નામ ફ્રેડરિક ક્રાઇસ્ટ ટ્રમ્પ અને મેરી એની મેકલિયોડ લખાયાં હતાં.
અધિકારીઓના ધ્યાને આ અરજી આવી હતી અને તરત જ તેમણે 4 ઑગસ્ટના રોજ આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ હરકત કરનારની ઓળખ માટે સમસ્તીપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, ચૂંટણી પંચે આવું કોઈ રહેઠાણ પ્રમાણપત્ર જારી કર્યું નથી અને વાયરલ થઈ રહેલો ફોટો માત્ર આરોપી દ્વારા કરાયેલી અરજીનો છે.
અહીં નોંધવા જેવું એ પણ છે કે, રહેઠાણ પ્રમાણપત્ર માટેની અરજી કોઈપણ નાગરિક કરી શકે છે. અરજી થયા બાદ જે-તે અધિકારી તેનો સ્વીકાર કરે છે અને ત્યારબાદ જઈને રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. પરંતુ આ ઘટનામાં અધિકારીઓ દ્વારા અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. જોકે, અધિકારીઓએ અરજી ફગાવી દીધી હતી. આ મામલે સમસ્તીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસે એક આધિકારિક નિવેદન પણ આપ્યું હતું.
જેમાં કહેવામાં આવ્યું હતું કે, “એવું લાગી રહ્યું છે કે, ચૂંટણી પંચના દિશાનિર્દેશ પર ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાનને (Special Intensive Revision – SIR) નકારાત્મક રીતે ચિત્રિત કરી અભિયાનને પ્રભાવિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રશાસને આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તરત જ BNSની કલમ 318 (4) અને 336 (4) તથા IT એક્ટ, 2000ની કલમ 66 (c) અને 66 (D) હેઠળ ગુનો દાખલ કર્યો છે.”
આ ઘટનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, આમાં ભૂલ ન તો તંત્રની છે અને ન તો ચૂંટણી પંચની. આ ઘટનામાં ભૂલ માત્ર અરજી કરનાર વ્યક્તિની છે. વાસ્તવિકતા તો એ છે કે, આવું કોઈ રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું નથી. તેમ છતાં, મીડિયાએ વિપક્ષને વાચા આપીને આડકતરી રીતે SIR પર પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. SIRનો હેતુ માત્ર ખોટા મતદારોની ઓળખ કરીને તેને હટાવવાનો છે, તેમ છતાં વિપક્ષો સતત તેના વિશે ભ્રામક વાતો કરીને લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
અને વિપક્ષના આ પ્રોપગેન્ડાને હવા આપી રહ્યું છે મીડિયા. SIR અભિયાનને પ્રભાવિત કરવા માટે વિપક્ષી પ્રોપગેન્ડા આગળ વધારવાનું કામ મીડિયા કરી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતી મીડિયાના અહેવાલોમાં પણ આ ઘટનાને SIR સાથે જોડીને પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે અને આડકતરી રીતે વિપક્ષની વાણીને વાચા આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અંતે હકીકત તો એ જ છે કે, આવું કોઈ પ્રમાણપત્ર તંત્ર દ્વારા જારી કરવામાં નથી આવ્યું.


