ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ નેતાઓથી લઈને મીડિયાએ પણ અનેક ખોટા અને ભ્રામક સમાચાર (Fake News) વહેતા કર્યા હતા અને હાલ પણ તે સિલસિલો ચાલુ છે. તેમાં એક સમાચાર કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophiya Qureshi) અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને (Wing Commander Vyomika Singh) લઈને પણ હતા. સમાચાર એવા હતા કે, ભાજપ (BJP) કર્નલ કુરેશી અને વિંગ કમાન્ડર સિંઘને પ્રચાર માટે પોતાનો ચહેરો બનાવશે. વધુમાં ભાજપે આ માટેની જવાબદારી લઘુમતી મોરચાને આપી હોવાનું પણ કહેવાયું હતું. જોકે, ભાજપે આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. ભાજપે કહ્યું છે કે, તેઓ આવી કોઈ યોજના પર કામ નથી કરી રહ્યા.
વાસ્તવમાં આ સમાચાર મુખ્યરૂપે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ (TOI) છાપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 9 જૂન, 2025ના રોજ મોદી સરકારનાં 11 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ મહિલાઓને કેન્દ્રમાં રાખીને એક અભિયાન ચલાવવા જઈ રહી છે. વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ અભિયાનમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને ભાજપ પોતાનો ચહેરો બનાવશે અને ભાજપના લઘુમતી મોરચાને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે.
સાથે એવું પણ કહેવાયું કે, મસ્જિદો, દરગાહો, ગુરુદ્વારાઓ અને ચર્ચો પર આવાં આયોજનો કરવાનું ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવાયું હતું કે, ‘ભગવા પાર્ટી લઘુમતી સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આ અભિયાન ચલાવી રહી છે અને દિલ્હીના શાહીન બાગમાં આ અભિયાનની પહેલી સભાનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.’
શું છે હકીકત?
‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ છાપેલા આ સમાચારને લઈને ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભાજપે આવા તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે. ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ સમાચારને ખોટા ગણાવ્યા. તેમણે લખ્યું છે કે, “આ ફેક ન્યૂઝ છે. ભાજપની કર્નલ સોફિયા કુરેશી અથવા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને અભિયાનનો ચહેરો બનાવવાની કોઈ યોજના નથી.”
This is #FakeNews. The BJP has no plans to use either Col Sofia Qureshi or Wing Commander Vyomika Singh as campaign faces. The comments made by BJP Minority Morcha President Jamal Siddiqui have been misconstrued. He simply made a limited point about highlighting Col Qureshi as an… pic.twitter.com/nPttvpTWMs
— Amit Malviya (@amitmalviya) June 1, 2025
તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દિકીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કર્નલ કુરેશીને સમુદાયની અંદર એક સશક્ત મુસ્લિમ મહિલા તરીકે દર્શાવવા વિશે બસ સીમિત વાત કરી હતી.” ભાજપે આ સમાચારને લઈને સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટી આવા કોઈ અભિયાન વિશેની યોજના ધરાવતી નથી.
નોંધનીય છે કે, આ પહેલાં ભાજપે દૈનિક ભાસ્કરના તે સમાચારને પણ ફગાવી દીધા હતા, જેમાં એવું કહેવાયું હતું કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળની વર્ષગાંઠ નિમિત્તે ભાજપ ઘર-ઘર સિંદૂર મોકવાનું અભિયાન ચલાવશે. ભાજપે ત્યારે પણ દૈનિક ભાસ્કરના અહેવાલને ખોટો ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે, પાર્ટી આવી કોઈ યોજના પર કામ કરી રહી નથી.