લોકસભામાં બંધારણીય સુધારા (131મો સુધારા) બિલ પસાર ન થઈ શક્યું ત્યારબાદ દેશના રાજકારણમાં એક નવો વિવાદ ઊભો થયો છે. વિપક્ષે તેને મહિલા આરક્ષણના નામે ડિલિમિટેશન થોપવાનો પ્રયાસ ગણાવ્યો જ્યારે સરકારનું કહેવું છે કે આ પ્રયાસ 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલાઓને 33 ટકા આરક્ષણનો વાસ્તવિક લાભ આપવા માટે કરવામાં આવ્યો હતો. આ બધી ચર્ચાના કારણે કેન્દ્ર સરકારે વિસ્તૃત FAQ જારી કરીને સમજાવવું પડ્યું કે આખરે ત્રણ અલગ-અલગ બિલો એકસાથે કેમ લાવવાં પડ્યાં અને તેમનો વાસ્તવિક ઉદ્દેશ શું હતો.
2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયા બાદ સામાન્ય ધારણા એ બની કે મહિલા આરક્ષણ હવે માત્ર ઔપચારિક પ્રક્રિયા જ છે અને આગામી ચૂંટણીઓમાં તેનો લાભ આપોઆપ મળી જશે. પરંતુ બંધારણીય વાસ્તવિકતા તેનાથી અલગ હતી. કાયદો પસાર થવો અને તેનો અમલ થવો બે અલગ તબક્કા હતા. વસ્તી ગણતરી, ડિલિમિટેશન (સીમાંકન) અને મતવિસ્તારના ક્ષેત્રોના પુનર્ગઠન વગર મહિલા આરક્ષણ માત્ર બંધારણીય જાહેરાત બનીને રહી જાય. આ જ તે બિંદુ હતું જ્યાં 2026નાં નવાં બિલોની જરૂરિયાત સામે આવી.
𝐖𝐎𝐌𝐄𝐍'𝐒 𝐑𝐄𝐒𝐄𝐑𝐕𝐀𝐓𝐈𝐎𝐍
— All India Radio News (@airnewsalerts) April 18, 2026
𝐅𝐫𝐞𝐪𝐮𝐞𝐧𝐭𝐥𝐲 𝐀𝐬𝐤𝐞𝐝 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 (𝐅𝐀𝐐s) 🧵 pic.twitter.com/mmJGDdrqql
સરકારે 16 એપ્રિલ 2026ના રોજ લોકસભામાં ત્રણ બિલો રજૂ કર્યાં હતાં. બંધારણીય સુધારા (131મો સુધારા) બિલ-2026, ડિલિમિટેશન બિલ-2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ. કોંગ્રેસ સહિતની વિપક્ષી ઇકોસિસ્ટમે આ નિર્ણયને રાજકીય ચાલ ગણાવી, જ્યારે સરકારે તેને મહિલાઓને સમયસર પ્રતિનિધિત્વ આપવાની બંધારણીય જરૂરિયાત ગણાવી છે. આ અંગે કેન્દ્ર સરકારે 14 મહત્વના પ્રશ્નો દ્વારા પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.
Frequently Asked Questions (FAQs)
1. 16 એપ્રિલ 2026ના રોજ સરકાર કયાં-કયાં બિલ લઈને આવી હતી?
સરકારે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યાં હતાં. બંધારણીય સુધારા (131મો સુધારા) બિલ, 2026, સીમાંકન બિલ, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ. આ ત્રણેયનો ઉદ્દેશ અલગ-અલગ નહોતો, પરંતુ એકબીજા સાથે જોડાયેલો હતો.
બંધારણીય સુધારા બિલ મહિલા આરક્ષણને સમયબદ્ધ રીતે અમલમાં મૂકવાનો માર્ગ તૈયાર કરતું હતું. સીમાંકન બિલ મતવિસ્તાર ક્ષેત્રોના પુનર્ગઠન અને લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા સાથે જોડાયેલું હતું. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પોંડિચેરીમાં મહિલા આરક્ષણ અમલમાં મૂકવા માટે અલગ કાનૂની સુધારાની જરૂર હતી, તેથી ત્રીજું બિલ લાવવામાં આવ્યું હતું.
2. આ ત્રણેય બિલ આ જ સમયે કેમ લાવવાં પડ્યાં?
આ સૌથી મહત્વનો પ્રશ્ન હતો. 2023માં પાસ થયેલા નારી શક્તિ વંદન અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે મહિલા આરક્ષણ 2026 પછી થનારી પ્રથમ વસ્તીગણતરી અને તે પછીના સીમાંકનના આધારે અમલમાં આવશે.
જો સરકાર માત્ર પ્રક્રિયાની રાહ જોત તો 2029ની લોકસભા ચૂંટણી સુધી મહિલાઓને 33 ટકા આરક્ષણનો લાભ મળવો લગભગ અસંભવ બની જાત. વસ્તી ગણતરી, તેના આંકડાની ચકાસણી, સીમાંકન આયોગની પ્રક્રિયા અને પછી તેની મંજૂરી, આ તમામ તબક્કાઓ લાંબો સમય લે છે.
સરકારની દલીલ એ જ હતી કે જો દેશની અડધી વસ્તીને લાભ સમયસર આપવો હોય તો આ પ્રક્રિયાને વ્યવહારુ રીતે ઝડપી બનાવવી જરૂરી છે. તેથી જ આ બિલો લાવવામાં આવ્યાં હતાં અને આ સમયે લાવવામાં આવ્યાં હતાં.
3. જો આ બિલ પાસ થઈ જાત તો મહિલાઓને શું લાભ મળત?
સરકારનો સીધો દાવો હતો કે જો આ બિલો પાસ થઈ જાત તો 2029ની લોકસભા ચૂંટણી સુધી મહિલાઓને 33 ટકા આરક્ષણનો લાભ મળી શકત. આ જ રાજકીય કેન્દ્ર હતું. વિપક્ષ તેને ‘સીમાંકનનું કાવતરું’ કહી રહ્યો હતો જ્યારે સરકાર તેને ‘મહિલા પ્રતિનિધિત્વનું સમયબદ્ધ અમલીકરણ’ બતાવી રહી હતી.
4. મહિલા આરક્ષણ સાથે સીમાકંનને જોડવાની જરૂરિયાત કેમ પડી?
આ તે જ બિંદુ છે જ્યાં સૌથી વધુ ભ્રમ ફેલાવવામાં આવ્યો. સીમાંકનનો અર્થ માત્ર બેઠકો વધારવાનો નથી, પરંતુ મતવિસ્તાર ક્ષેત્રોની સીમાઓને અંતિમ સ્વરૂપ આપવાનો છે.
જો મહિલાઓ માટે 33 ટકા બેઠકો આરક્ષિત કરવી હોય તો સૌપ્રથમ એ નક્કી કરવું પડે કે કઈ બેઠકો કયા સ્વરૂપમાં પુનર્ગઠિત થશે. ડિલિમિટેશન વિના આ નક્કી જ ન થઈ શકે. આ જ કારણે નારી શક્તિ વંદન અધિનિયમમાં પણ ડિલિમિટેશનને અનિવાર્ય શરત તરીકે રાખવામાં આવ્યું હતું. સરકારનું કહેવું છે કે તેને રાજકીય ચાલ કહેવું એ બંધારણીય પ્રક્રિયાને ન સમજવું છે. મહિલા આરક્ષણ અને ડિલિમિટેશન અલગ-અલગ ન જોઈ શકાય.
5. શું સીમાંકન આયોગના કાયદામાં રાજકીય લાભ માટે ફેરફાર કરવામાં આવી રહ્યો હતો?
વિપક્ષે એ પણ આરોપ લગાવ્યો કે સરકાર સીમાંકન આયોગના માળખામાં ફેરફાર કરીને રાજકીય લાભ લેવા માંગે છે. સરકારે FAQમાં આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.
સીમાંકન આયોગ અધિનિયમમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ન હતો. વર્તમાન કાનૂની માળખું જેમનું તેમ જ રાખવામાં આવ્યું હતું. આયોગની ભલામણોને પણ સંસદની મંજૂરી અને રાષ્ટ્રપતિની અનુમતિ જરૂરી રહેત. એટલે એવું કહેવું કે સરકાર ગુપ્ત રીતે ચૂંટણીનો નકશો બદલી રહી છે, તે તથ્ય કરતાં વધુ રાજકીય આરોપ હતો.
6. લોકસભાની બેઠકોને 850 સુધી વધારવાનો તર્ક શું હતો?
1976માં લોકસભાની બેઠકોની મર્યાદા 550 નક્કી કરવામાં આવી હતી. તે સમયે ભારતની વસ્તી લગભગ 54 કરોડ હતી. આજે તે જ સંખ્યા 140 કરોડની આસપાસ છે. સવાલ એ છે કે શું 54 કરોડ માટે બનાવેલું પ્રતિનિધિત્વનું માળખું 140 કરોડ લોકો માટે પર્યાપ્ત માની શકાય? સરકારનો જવાબ હતો– ના.
આ જ કારણે લોકસભાની બેઠકોની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વર્તમાન 543 બેઠકો પર લગભગ 50 ટકા સમાન વૃદ્ધિના મોડલને અમલમાં મૂકતાં સંખ્યા લગભગ 815–816 સુધી પહોંચે છે. તેથી ઉપરી મર્યાદા 850 રાખવામાં આવી. સરકાર તેને ‘fair representation’નો (ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વ) મુદ્દો ગણાવી રહી હતી, ન કે માત્ર રાજકીય પુનર્વિતરણ.
7. શું દક્ષિણ ભારત અથવા નાનાં રાજ્યોને નુકસાન થવાનું હતું?
આ જ વિપક્ષનું સૌથી મોટું રાજકીય હથિયાર બની ગયું. તમિલનાડુ, કેરલમ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં એ નેરેટિવ બનાવવામાં આવ્યો કે ભાજપ ઉત્તર ભારતની બેઠકો વધારીને દક્ષિણ ભારતની રાજકીય શક્તિ ઘટાડવા માંગે છે.
સરકારે FAQમાં સ્પષ્ટ કર્યું કે તમામ રાજ્યોમાં લગભગ 50 ટકાની સમાન વૃદ્ધિનું મોડલ હતું. દક્ષિણી રાજ્યોની વર્તમાન ભાગીદારી 23.76 ટકા છે, જે પ્રસ્તાવિત મોડલ પછી 23.87 ટકા સુધી પહોંચે છે. એટલે કે ભાગીદારી ઘટતી નથી, સ્થિર જ રહે છે. તમિલનાડુની 39 બેઠકો વધીને 59 થાત, પરંતુ તેની અસર ઘટતી નહોતી. સરકારનો આરોપ એ જ છે કે મહિલા આરક્ષણને રોકવા માટે પ્રાદેશિક ભયને હથિયાર બનાવવામાં આવ્યો.
8. શું વસ્તી નિયંત્રણ કરનારાં રાજ્યોને સજા મળત?
દક્ષિણ ભારતમાં એ પણ કહેવામાં આવ્યું કે જેણે વસ્તી નિયંત્રણ કર્યું છે, તેને આ નવા સીમાંકનમાં નુકસાન થશે. સરકારે આ આરોપને પણ નકારી કાઢ્યો છે. તેમનું કહેવું હતું કે જ્યારે વૃદ્ધિ તમામ રાજ્યોમાં સમાન રીતે થઈ રહી છે, ત્યારે કોઈ રાજ્યનું રાજકીય વર્ચસ્વ ઘટતું નથી. પ્રતિનિધિત્વ લગભગ સ્થિર જ રહે છે. તેથી ‘વસ્તી નિયંત્રણની સજા’ના નારા માત્ર રાજકીય હથિયાર હતા, બંધારણીય રીતે તેનું કોઈ ઔચિત્ય નહોતું.
9. શું SC/ST પ્રતિનિધિત્વ પર અસર થાત?
સરકારે સ્પષ્ટ કર્યું કે સીમાંકન પ્રક્રિયા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સમાન આરક્ષણ સુનિશ્ચિત કરે છે. જ્યારે લોકસભાનું કદ વધે છે, ત્યારે આરક્ષિત બેઠકોની સંખ્યા પણ વધે છે. તેનો સીધો અર્થ એ છે કે તેમનું પ્રતિનિધિત્વ નબળું નથી પડતું, પરંતુ વધુ મજબૂત બને છે. તેથી આ બિલને સામાજિક ન્યાય વિરુદ્ધ ગણાવવું પણ ભ્રામક હતું.
10. શું આ સુધારો જાતિ આધારિત વસ્તીગણતરીને ટાળવા માટે લાવવામાં આવ્યો હતો?
વિપક્ષે એ આરોપ પણ લગાવ્યો કે સરકાર મહિલા આરક્ષણ અને સીમાંકનના નામે જાતિ વસ્તીગણતરીને ટાળવા માંગે છે. FAQમાં સરકારે કહ્યું કે જાતિ વસ્તીગણતરી માટે સમયબદ્ધ કાર્યક્રમ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિસ્તૃત ગણતરી અને વસ્તીગણતરીના તબક્કા દરમિયાન જાતિ-સંબંધિત ડેટા નોંધવામાં આવશે. એટલે કે આ બિલ જાતિ વસ્તીગણતરીને રોકવા માટે નહોતું. બંનેને જોડવું માત્ર રાજકીય ભ્રમ પેદા કરવાનું હતું.
11. મુસ્લિમ મહિલાઓ માટે અલગ કોટા કેમ ના રાખવામાં આવ્યો?
એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો કે જો મહિલા આરક્ષણ આટલું વ્યાપક છે તો મુસ્લિમ મહિલાઓ માટે અલગ આરક્ષણ કેમ નહીં. સરકારનો જવાબ સીધો હતો કે ભારતનું બંધારણ ધર્મ આધારિત અનામતને મંજૂરી આપતું નથી. આરક્ષણ સામાજિક અને આર્થિક પછાતપણાના બંધારણીય સિદ્ધાંતો પર આધારિત છે, ન કે ધાર્મિક ઓળખ પર. તેથી અલગ ‘મુસ્લિમ મહિલા કોટા’ની માંગ બંધારણીય માળખાની અંદર સંભવ જ નહોતી.
12. 2024ની લોકસભા ચૂંટણીમાં મહિલા આરક્ષણ લાગુ કેમ નહીં કરવામાં આવ્યું?
આ પ્રશ્ન જનતા વચ્ચે સૌથી વધુ પૂછવામાં આવ્યો. જ્યારે 2023માં કાયદો પાસ થઈ ગયો તો 2024માં જ લાગુ કેમ ના કરવામાં આવ્યો? સરકારનો જવાબ હતો કે સીમાંકન વગર આ શક્ય નહોતું. સીમાંકન એક વિસ્તૃત સંસ્થાગત અને પરામર્શ આધારિત પ્રક્રિયા છે, જેને પૂર્ણ થવામાં લગભગ બે વર્ષ લાગે છે. આ જ કારણ હતું કે 2023માં કાયદો પાસ કરવો એ પ્રથમ તબક્કો હતો, જ્યારે 2026નાં બિલો તેના વાસ્તવિક અમલને સુનિશ્ચિત કરવાના પ્રયાસ હતા.
13. જો તરત અમલમાં ન આવે તો 2023માં બિલ લાવવાની શું જરૂર હતી?
વિપક્ષે એ પણ કહ્યું કે જો મહિલા આરક્ષણ તરત અમલમાં નહોતું આવવાનું તો 2023માં તેને લાવીને રાજકીય ઉત્સવ કેમ મનાવવામાં આવ્યો. સરકારનો જવાબ હતો કે 2023માં બંધારણીય અને કાનૂની માળખું સ્થાપિત કરવું જરૂરી હતું. તેથી જ નારી શક્તિ વંદન અધિનિયમ બન્યો અને મહિલા આરક્ષણનો સિદ્ધાંત સ્થાયી રૂપે બંધારણીય સુરક્ષામાં આવ્યો. તે સમયે લગભગ સર્વસંમતિથી સમર્થન મળ્યું હતું. એટલે કે પ્રથમ તબક્કો રાજકીય સહમતિ અને બંધારણીય વૈધતાનો હતો. બીજો તબક્કો વાસ્તવિક અમલનો હતો.
14. કેન્દ્રશાસિત પ્રદેશો માટે અલગ બિલની જરૂર કેમ પડી?
જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પોંડિચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓ અલગ કાનૂની જોગવાઈઓ હેઠળ સંચાલિત થાય છે. તેથી માત્ર બંધારણીય સુધારો પૂરતો નહોતો. ત્યાં મહિલા આરક્ષણ અમલમાં મૂકવા માટે અલગ કાનૂની સુધારો જરૂરી હતો. આ જ કારણે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ અલગથી લાવવામાં આવ્યું હતું.


