તાજેતરમાં 19 વર્ષના વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ વૈદિક પરંપરામાં એક અસાધારણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે 200 વર્ષ પછી શુક્લ યજુર્વેદના સૌથી કઠિન પાઠ ‘દંડકર્મ પારાયણ’ને શુદ્ધતા સાથે પૂર્ણ કર્યો છે. તેમની આ અવિશ્વસનીય સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી છે.
PM મોદીએ દેવવ્રતની પ્રસંશા કરતા લખ્યું હતું કે, દેવવ્રતની સફળતા આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. આગળ તેમણે લખ્યું કે, “ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખનારા દરેકને એ જાણીને આનંદ થશે કે શ્રી દેવવ્રતે શુક્લ યજુર્વેદની માધ્યન્દિની શાખાના 2,000 મંત્રોનો પાઠ ‘દંડકર્મ પારાયણમ’ 50 દિવસ સુધી કોઈ વિક્ષેપ વિના પૂર્ણ કર્યા છે.” PM મોદીએ આ સિદ્ધિને સનાતન ગુરુ પરંપરાનું સર્વોચ્ચ સ્વરૂપ ગણાવ્યું હતું.
19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है।
— Narendra Modi (@narendramodi) December 2, 2025
भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o
આગળ તેમણે લખ્યું કે, “કાશીના સાંસદ તરીકે મને ગર્વ છે કે તેમની નોંધપાત્ર આધ્યાત્મિક સાધના આ પવિત્ર ભૂમિ પર પૂર્ણ થઈ હતી. હું તેમના પરિવાર, સંતો, ઋષિઓ, વિદ્વાનો અને દેશભરની તમામ સંસ્થાઓને પ્રણામ કરું છું જેમણે આ તપસ્યામાં તેમને સહયોગ આપ્યો હતો.”
કોણ છે દેવવ્રત મહેશ રેખે?
દેવવ્રતનો જન્મ મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મહેશ ચંદ્રકાંત રેખે પોતે એક મોટા વેદ-વિદ્વાન છે અને તેઓ જ દેવવ્રતના પ્રથમ ગુરુ છે. માત્ર 5 વર્ષની ઉંમરથી જ દેવવ્રતે વેદ મંત્રો બોલવાનું શરૂ કરી દીધું હતું. આજે 19 વર્ષની ઉંમરે, તેમણે શુક્લ યજુર્વેદની માધ્યન્દિની શાખાના આશરે 2,000 શ્લોકો સંપૂર્ણપણે કંઠસ્થ (મોઢે) કરી લીધા છે અને દુર્લભ એવી ‘વેદમૂર્તિ’ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.
2 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી દેવવ્રતે કાશીના રામઘાટ ખાતે વલ્લભરામ શાલીગ્રામ સંવેદ વિદ્યાલયમાં દરરોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી સતત 50 દિવસ સુધી શુક્લ યજુર્વેદના આશરે 2,000 મંત્રોનું દંડકર્મ પારાયણ કર્યું હતું.
19-year-old Devavrat Mahesh Rekhe’s incredible 50-day recitation of 2,000 mantras from the Shukla Yajurveda is truly inspiring. His discipline and devotion reflect the timeless power of our Vedic heritage and Guru–Shishya tradition. Heartfelt respect to his family, gurus, saints… pic.twitter.com/tevKTOemjr
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) December 2, 2025
વિશ્વમાં ફક્ત બેવાર દંડકર્મ પારાયણ થયા છે. આ પહેલાં નાસિકમાં વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવે 200 વર્ષ પહેલાં દંડકર્મ પાઠ કર્યો હતો. આ કાર્યક્રમના અંતિમ દર્શન ગયા શનિવારે થયા હતા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને સોનાનું કડું અને ₹1,01,116 ની રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન રેખેને શ્રૃંગેરી શંકરાચાર્ય તરફથી આશીર્વાદ તરીકે આપવામાં આવ્યું હતું.
દંડકર્મનો અર્થ
દંડકર્મ પારાયણ એ શુક્લ યજુર્વેદની માધ્યન્દિની શાખાના આશરે 2,000 મંત્રોનો પાઠ કે એક રીતે કસોટી છે. 8 પ્રકારના વેદ પાઠમાંનું એક દંડકર્મ પારાયણ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ મંત્રો કંઠસ્થ કરવામાં આવે છે અને પછી તેનો પાઠ કરવામાં આવે છે. દંડકર્મને તેના જટિલ સ્વર પેટર્ન અને મુશ્કેલ ધ્વન્યાત્મક ક્રમચયોને કારણે વૈદિક પાઠનો રત્ન માનવામાં આવે છે.
તેમાં એક સાથે શ્લોકોને એક અનન્ય શૈલીમાં વિપરીત અને આગળના ક્રમમાં પાઠ કરવાનો સમાવેશ થાય છે. આ ક્રમ એટલો જટિલ હોય છે કે મંત્રોના સ્વર, ઉચ્ચારણ અને ધ્વનિની શુદ્ધતામાં સહેજ ભૂલ થવી શક્ય છે. પરંતુ દેવવ્રતે આ પારાયણ પૂર્ણ કર્યું છે. આ પદ્ધતિ વેદોને સદીઓ સુધી તેના મૂળ સ્વરૂપમાં સુરક્ષિત રાખવાની એક પ્રાચીન તકનીક છે.
આ આયોજન શૃંગેરી પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજના આશીર્વાદથી સંપન્ન થયું હતું. આ મહાન સિદ્ધિની પૂર્ણાહુતિના દિવસે કાશીમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં 500થી વધુ બટુક (વિદ્યાર્થીઓ) અને દક્ષિણ ભારતીય વાદ્ય યંત્રો સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના પિતા-ગુરુ મહેશ રેખે, શ્રોતા દેવેન્દ્ર ગઢીકર અને સંયોજક નીલેશ કેદાર જોશીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


