વિશ્વ રાજકારણમાં આજે ઊર્જા સુરક્ષા માત્ર આર્થિક મુદ્દો રહી નથી. કોઈ દેશ પાસે કેટલું તેલ છે, કેટલા દિવસનો જથ્થો છે અને યુદ્ધ કે વૈશ્વિક સંકટ વખતે તે પોતાની અર્થવ્યવસ્થા અને સૈન્ય વ્યવસ્થાને કેટલો સમય સુધી અવિરત ચલાવી શકે છે, આ બાબતો હવે સીધી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વે જોયું હતું કે માત્ર એક સંઘર્ષે કેવી રીતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવને આસમાને પહોંચાડી દીધા હતા. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ યુદ્ધ અને ઈરાન સંબંધિત તણાવ વચ્ચે ફરી એક વખત વિશ્વનું ધ્યાન ઊર્જા સુરક્ષા તરફ ગયું છે. આ જ સમયે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે થયેલો નવો કરાર માત્ર વેપારિક સમજૂતી નહીં, પરંતુ લાંબાગાળાની વ્યૂહાત્મક તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં થયેલા કરાર મુજબ UAEની સરકારી તેલ કંપની ADNOC હવે ભારતના વ્યૂહાત્મક તેલ ભંડારમાં લગભગ 3 કરોડ બેરલ જેટલું ક્રૂડ ઑઇલ સંગ્રહિત કરી શકશે. સામાન્ય ભાષામાં કહીએ તો UAE હવે ભારતની જમીન પર જ વિશાળ માત્રામાં કાચું તેલ રાખશે. પ્રથમ નજરે આ માત્ર એક ઊર્જા કરાર જેવું લાગી શકે, પરંતુ હકીકતમાં આ પગલું ભારતની ઊર્જા સુરક્ષા, મધ્ય-પૂર્વ સાથેના વધતા સંબંધો અને સંભવિત વૈશ્વિક સંકટ માટેની તૈયારી સાથે સીધું જોડાયેલું છે.
શું હોય છે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ?
સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે દેશ દ્વારા ઈમરજન્સી માટે સંગ્રહિત કરવામાં આવતું વિશેષ કાચા તેલનો ભંડાર. સામાન્ય દિવસોમાં તેનો ઉપયોગ થતો નથી. પરંતુ જો કોઈ મોટું યુદ્ધ થાય, સમુદ્રી માર્ગો બંધ થઈ જાય, વૈશ્વિક સપ્લાય ખોરવાઈ જાય અથવા તેલ ઉત્પાદક દેશો સપ્લાય ઘટાડે, ત્યારે આવા ભંડારો દેશ માટે સુરક્ષા કવચની જેમ કામ કરે છે.
વિશ્વના મોટા દેશો વર્ષોથી આ પ્રકારના ભંડાર ઉભા કરી રહ્યા છે. અમેરિકા પાસે દુનિયાનું સૌથી મોટું વ્યૂહાત્મક તેલ ભંડાર છે. ચીન પણ ઝડપથી પોતાના સંગ્રહમાં વધારો કરી રહ્યું છે. કારણ કે આધુનિક યુદ્ધોમાં માત્ર સૈન્ય શક્તિ પૂરતી નથી હોતી, ઇંધણ વિના અર્થવ્યવસ્થા, વાયુસેના, નૌકાદળ, પરિવહન અને ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકતા નથી.
ભારતે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ દિશામાં ઝડપથી કામ કર્યું છે. વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુર જેવા વિસ્તારોમાં ભૂગર્ભ ભંડાર બનાવવામાં આવ્યા છે. આ ભંડારોમાં લાખો ટન ક્રૂડ ઑઇલ સંગ્રહિત રાખી શકાય છે. હવે UAE દ્વારા 3 કરોડ બેરલ સુધી તેલ સંગ્રહિત કરવાની તૈયારી ભારતની આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
સામાન્ય વાંચકને ‘3 કરોડ બેરલ’ માત્ર આંકડો લાગે, પરંતુ ઊર્જા ક્ષેત્રમાં આ અત્યંત મોટી માત્રા માનવામાં આવે છે. એક બેરલમાં અંદાજે 159 લિટર ક્રૂડ ઑઇલ આવે છે. એટલે 3 કરોડ બેરલનો અર્થ અબજો લિટર કાચું તેલ. આ જથ્થો કોઈ એક સામાન્ય વેપારિક સોદો નથી, પરંતુ લાંબાગાળાની વ્યૂહાત્મક સુરક્ષા માટેનો સંગ્રહ છે.
અહેવાલો અનુસાર આ કરાર બાદ ભારતના વ્યૂહાત્મક તેલ સંગ્રહમાં અંદાજે 70 ટકા સુધી વધારો થવાની શક્યતા છે. ભારત જેવો દેશ, જે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ વિદેશથી ખરીદે છે, તેના માટે આ પ્રકારનો વધારાનો બફર અત્યંત મહત્વનો બની જાય છે.
ભારત માટે કેમ મહત્વનું?
ભારત પોતાની કુલ જરૂરિયાતનું અંદાજે 85 ટકા જેટલું ક્રૂડ ઑઇલ આયાત કરે છે. એટલે ભારતની ઊર્જા વ્યવસ્થા મોટા પ્રમાણમાં મધ્ય-પૂર્વ અને વૈશ્વિક બજાર પર આધારિત છે. આવી સ્થિતિમાં જો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવે, ઈરાન-ઇઝરાયેલ તણાવ વધે અથવા મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળે તો તેની સીધી અસર ભારત પર પડી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલના જહાજો આ માર્ગ મારફતે પસાર થાય છે. જો કોઈ કારણસર આ માર્ગ ખોરવાઈ જાય તો વૈશ્વિક બજારમાં તરત જ તેલના ભાવમાં ઉછાળો આવે છે. ભારત જેવા આયાત આધારિત દેશો માટે આવી સ્થિતિ ગંભીર આર્થિક દબાણ ઊભું કરી શકે છે. આ કારણસર જ સ્ટ્રેટેજિક તેલ ભંડારને માત્ર વેપારિક વ્યવસ્થા નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માળખાનો ભાગ માનવામાં આવે છે.
UAE પોતાનું તેલ ભારતમાં કેમ રાખવા માંગે છે?
આ સવાલ પણ મહત્વનો છે. UAE માત્ર તેલ વેચવા માટે આ પગલું નથી લઈ રહ્યું. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને ઊર્જા માટેના સૌથી મોટા બજારો પૈકીનું રહ્યું છે. આવનારા વર્ષોમાં ભારતની ઇંધણ જરૂરિયાત વધુ વધવાની છે.
આવી સ્થિતિમાં UAE ભારત સાથે લાંબાગાળાનો વિશ્વસનીય ઊર્જા સંબંધ મજબૂત કરવા માંગે છે. ભારતની જમીન પર જ તેલ સંગ્રહિત કરવાથી UAEને પણ ઝડપી પુરવઠો અને બજાર સુધી સરળ પહોંચ મળી શકે છે. બીજી તરફ ભારતને સંકટ સમયે તાત્કાલિક ઉપલબ્ધ જથ્થાનો લાભ મળશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદી અને UAEના નેતૃત્વ વચ્ચે વધેલી નજીકતાએ બંને દેશોના સંબંધોને નવા સ્તરે પહોંચાડ્યા છે. બંને દેશો હવે માત્ર તેલ વેપાર સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ રક્ષા, બંદરો, રોકાણ, ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પણ ઝડપથી સહકાર વધારી રહ્યા છે.
માત્ર તેલ નહીં, અન્ય ઊર્જા કરારો પણ થયા
પીએમ મોદીની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે માત્ર સ્ટ્રેટેજિક ભંડાર અંગે જ નહીં, પરંતુ લાંબાગાળાના એલપીજી પુરવઠા, ગેસ સહકાર અને ઊર્જા ક્ષેત્રમાં અન્ય રોકાણ સંબંધિત સમજૂતીઓ પણ થઈ છે. ભારત લાંબા સમયથી પોતાની ઊર્જા સપ્લાયને સ્થિર અને વૈવિધ્યસભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે જો કોઈ એક ક્ષેત્ર અથવા દેશ પર વધુ નિર્ભરતા હોય તો વૈશ્વિક સંકટ દરમિયાન જોખમ વધી જાય છે.
ભારત હવે માત્ર કાચું તેલ ખરીદનાર દેશ બની રહેવા માંગતું નથી, પરંતુ વૈશ્વિક ઊર્જા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. UAE સાથેનો આ કરાર એ જ મોટી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ઊર્જા ક્ષેત્રમાં એક અલગ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. એક તરફ ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદીને પોતાના હિતોને પ્રાથમિકતા આપી તો બીજી તરફ મધ્ય-પૂર્વના દેશો સાથે લાંબાગાળાના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કર્યા. હવે UAE સાથેનો આ કરાર પણ એ જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાનું સૌથી મહત્વનું પાસું એ છે કે ભારત હવે માત્ર બજારમાંથી જરૂર મુજબ તેલ ખરીદતો દેશ બની રહેવા માગતું નથી. વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતા જીઓપોલિટિકલ તણાવ વચ્ચે ભારત હવે માત્ર ઊર્જા આયાત કરનાર દેશ તરીકે નહીં, પરંતુ પોતાની લાંબાગાળાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરનાર વ્યૂહાત્મક શક્તિ તરીકે પણ આગળ વધી રહ્યું છે. UAE સાથેનો આ કરાર એ જ બદલાતી ભારતીય વ્યૂહરચનાનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે.


