
યુનાઇટેડ આરબ અમીરાતની (UAE) મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે ડિફેન્સ સહયોગ, ઊર્જા સુરક્ષા અને મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક મહત્વપૂર્ણ કરારો થયા છે. આ ઉપરાંત UAEએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય ક્ષેત્રમાં 5 અબજ ડૉલરના રોકાણની જાહેરાત પણ કરી છે.
અબુધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મહમ્મદ બિન જાયેદ અલ નાહયાન અને પીએમ મોદીની હાજરીમાં આ તમામ કરારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની પાંચ દેશોની રાજદ્વારી યાત્રાની આ પ્રથમ મુલાકાત હતી.
મુલાકાતનું સૌથી મહત્વપૂર્ણ પાસું ‘સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ’ માટેનો નવો ફ્રેમવર્ક એગ્રીમેન્ટ રહ્યો. પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતા વચ્ચે ભારત અને UAE વચ્ચે સૈન્ય અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
PM Narendra Modi’s short trip to UAE brings big returns for India. Here are the major agreements and investment decisions announced today:
— ANI (@ANI) May 15, 2026
Agreement on Framework for the Strategic Defence Partnership between India and UAE
MoU on Strategic Petroleum Reserves
Agreement on…
ઊર્જા ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે. ભારત અને UAEએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ અંગે MoU પર હસ્તાક્ષર કર્યા છે, જ્યારે LPG સપ્લાય માટે પણ અલગ કરાર કરવામાં આવ્યો છે. આ કરારો ભારતની લાંબાગાળાની ઊર્જા સુરક્ષા અને સપ્લાય ડાયવર્સિફિકેશન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર વિકસાવવા માટે પણ બંને દેશો વચ્ચે MoU કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સહયોગને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આર્થિક મોરચે UAEએ ભારતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપરાંત RBL બેન્ક અને સમ્માન કેપિટલમાં મળીને 5 અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેને ભારતના વિકાસ અને આર્થિક ક્ષમતામાં વધતા વૈશ્વિક વિશ્વાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
શેખ મહમ્મદ બિન જાયેદ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ભારત હંમેશા સંવાદ અને રાજદ્વારીને જ આગળનો રસ્તો માને છે.’
પીએમ મોદીએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લો અને સુરક્ષિત રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને વૈશ્વિક વેપાર માર્ગોમાં સ્થિરતા જાળવવા આંતરરાષ્ટ્રીય કાયદાના પાલનની જરૂરિયાત જણાવી હતી.
પીએમ મોદીએ UAEમાં ભારતીય સમુદાયને મળતા સન્માન બદલ પણ UAEના નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે UAEમાં ભારતીયોને ‘પરિવારના સભ્યોની જેમ’ વ્યવહાર આપવામાં આવે છે.

