Saturday, January 4, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ....શું છે અંતર અને કેવી રીતે...

    અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ….શું છે અંતર અને કેવી રીતે થાય છે ગણતરી, કેમ પ્રયાગરાજમાં જ યોજાય છે મહાકુંભ

    મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય હિંદુ પરંપરામાં કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ એમ અલગ-અલગ પ્રકારના કુંભ આયોજાય છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિભવ્ય મહાકુંભ (Maha Kumbh) મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. દર 144 વર્ષે આવતા મહાયોગના આ અવસરમાં કરોડો લોકો ભાગ લેશે. એક અંદાજ પ્રમાણે, આ વર્ષે મહાકુંભમાં 40થી 45 કરોડ લોકો ભાગ લેશે. આ કરોડો લોકો અહીં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં વિવિધ સ્નાન કરી પવિત્રતા અને ધન્યતા અનુભવશે. કુંભને ભારતીય સંસ્કૃતિનો સહુથી મોટો મહાપર્વ માનવામાં આવે છે. ખાસ તેમાં સંગમ સ્નાનનો વિશેષ મહિમા છે. આ મેળામાં સાધુ-સંતો અને નાગા સાધુઓના અખાડાઓ સાથે-સાથે સામાન્ય લોકોનો મેળાવડો પણ ઉમટી પડે છે. આજે જાણીશું કે, સનાતન સંસ્કૃતિમાં કુંભ મેળાના પ્રકાર કેટલા છે.

    આ મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ પણ છે. આ વખતે પ્રયાગરાજમાં આયોજિત કુંભને મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે, તો સવાલ થાય કે આખરે તેને મહાકુંભ શા માટે કહેવામાં આવી રહ્યો છે? ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય હિંદુ પરંપરામાં કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ એમ અલગ-અલગ પ્રકારના કુંભનું આયોજન થાય છે. આ અલગ-અલગ આયોજન પાછળ ખગોળીય ગણના મૂળ આધાર છે. તેની ગણતરી કેવી રીતે થાય છે અને તેનું આગવું મહત્વ શું છે તે વિશેની આપણે માહિતી મેળવીશું.

    મહાકુંભ મેળો ભારતીય પરંપરાનો એક એવો સાંસ્કૃતિક પવિત્ર ઉત્સવ છે, જેનો મહિમા પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સંભળાય છે. આ મેળો માત્ર આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ભારત દર્શન, પરંપરાઓ અને ખગોળીય વિજ્ઞાનનો બેજોડ સંગમ પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્રમંથન સમયે અનેક વસ્તુઓ સાથે અમૃત કળશ પણ નીકળી આવ્યો હતો. તે સમયે તેમાંથી અમૃતની કેટલીક બુંદો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતેના પવિત્ર સ્થળોએ પડી હતી. આ જ કારણ છે કે, આ ચાર પવિત્ર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે.

    - Advertisement -

    ખગોળીય ગણનાઓના આધારે અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભનું આયોજન અનંતકાળથી થતું આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ થાય છે અને સૂર્યનો મેશ રાશિમાં પ્રવેશ થાય છે, ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભનું આયોજન થાય છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય છે. સાથે જ જ્યારે માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ આયોજિત થાય છે. અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે. હવે જાણીએ અલગ-અલગ કુંભ મેળાનો મહિમા.

    અર્ધ કુંભ

    અર્ધ કુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે, જે દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. આ આયોજન અતિપવિત્ર એવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે. અર્ધ કુંભનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે, તેને કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જોવામાં આવે છે.

    લાખો ભક્તો આ પર્વમાં સંગમનું પવિત્ર સ્નાન કરવા આવે છે. એવી માન્યતા છે કે, આ સમય દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. અર્ધ કુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અર્ધ કુંભનું આયોજન થાય છે.

    કુંભ મેળો

    કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર 12 વર્ષે ચાર સ્થળો – હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. કુંભ મેળાની દંતકથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે.

    આ મેળો ખગોળીય ગણતરીઓ પર પણ આધારિત છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય, ત્યારે કુંભ મેળો ભરાય છે. આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્વની છે.

    પૂર્ણ કુંભ

    પૂર્ણ કુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તરણ છે, જે દર 12 વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્વ અન્ય કુંભ મેળાઓ કરતા વધારે છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે.

    પૂર્ણ કુંભનું આયોજન સનાતન હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે. ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્વનું છે. આ દરમિયાન ધાર્મિક વિધિઓ, હવન, કથાવાંચન અને પ્રવચનો થાય છે. પૂર્ણ કુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે.

    મહાકુંભ

    મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ મેળામાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત બને છે.

    મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીઓના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, મહાકુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ સાથે એટલે કે દર 144 વર્ષે કરવામાં આવે છે, તે પણ માત્ર પ્રયાગમાં જ. છેલ્લે 2013માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ વખતે મહાકુંભનો 12મો અવસર એટલે કે 144મું વર્ષ છે , તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે.

    દર 144 વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હોય છે. આ ગણતરીના આધારે 144 વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે.

    મહાકુંભ 2025માં પાંચ પ્રમુખ સ્નાનપર્વ, ત્રણ રાજસી સ્નાનનો પણ સમાવેશ

    • પોષ પૂર્ણિમા/પોષી પુનમ (13 જાન્યુઆરી 2025): કલ્પવાસનો આરંભ
    • મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી 2025): પ્રથમ અમૃત સ્નાન
    • મૌની અમાસ (29 જાન્યુઆરી 2025): દ્વિતીય અમૃત સ્નાન
    • વસંતપંચમી (3 ફેબ્રુઆરી 2025) તૃતીય અમૃત સ્નાન
    • માઘ પૂર્ણિમા (12 ફેબ્રુઆરી 2025): કલ્પવાસનું સમાપન
    • મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી 2025): મહાકુંભ 2025નો સમાપન દિન

    હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ જેવા દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે. આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે, જે તેમની વિશેષતાને વધુ વિશેષ બનાવે છે. મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજમાં જ થાય છે, જે તેને વધુ ખાસ બનાવે છે. 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જ નહીં હોય, પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ હશે.

    ઇતિહાસકારો માને છે કે, કુંભ મેળો સિંધુ ખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઇતિહાસકારો અનુસાર, કુંભ મેળાનું આયોજન ગુપ્ત કાળ (ત્રીજીથી પાંચમી સદી)માં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પણ 629-645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું હતું, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્ત કાળથી શરૂ થયું અને શંકરાચાર્યે તેને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં