Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાયુદ્ધક્ષેત્ર અને આપદાગ્રસ્ત વિસ્તારમાં વરદાન રૂપ સાબિત થશે 'ભીષ્મ ક્યૂબ': જાણો શું...

    યુદ્ધક્ષેત્ર અને આપદાગ્રસ્ત વિસ્તારમાં વરદાન રૂપ સાબિત થશે ‘ભીષ્મ ક્યૂબ’: જાણો શું છે તે ‘હરતી-ફરતી હૉસ્પિટલ’, જે PM મોદીએ યુક્રેનને આપી ભેટમાં

    એક ભીષ્મ ક્યૂબ લગભગ 200 જેટલા ઇમરજન્સી કેસોનું સંચાલન કરી શકે છે. જ્યાં સ્થાનિક તબીબી સુવિધાઓ અપ્રાપ્ય હોય અથવા તો સારવાર મળી શકે તેમ ના હોય, તેવા વિસ્તારમાં ભીષ્મ ક્યૂબ એક નિર્ણાયક સંસાધન તરીકે કાર્ય કરે છે. ભીષ્મ ક્યૂબ પડકારજનક વાતાવરણમાં પણ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી શુક્રવારે (23 ઑગસ્ટ) યુક્રેનના ઐતિહાસિક પ્રવાસ પર હતા. તેઓ પૉલેન્ડથી 10 કલાકની ટ્રેન યાત્રા બાદ યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજધાની કિવમાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. દરમિયાન તેમણે યુક્રેની સરકારને ચાર BHISHM (Bharat Health Initiative For Sahyog Hita & Maitri) ક્યૂબ ભેટ પણ કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ ભેટ માટે વડાપ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીની ભેટ બાદથી ભીષ્મ ક્યૂબ વિશેની ચર્ચાએ જોર પડક્યું છે. સરળ શબ્દોમાં ભીષ્મ ક્યૂબને ‘હરતી-ફરતી હૉસ્પિટલ’ પણ કહેવામાં આવી રહ્યું છે. તે દર્દીઓને તાત્કાલિક ધોરણે આપવામાં આવતી સારવારમાં ખૂબ મદદગાર બને છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “Bharat Health Initiative For Sahyog Hita & Maitri (BHISHM) એક અનોખો પ્રયાસ છે, જે ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરશે.” તેમણે વધુમાં કહ્યું કે, “તેમાં એવા ક્યૂબ્સ હોય છે, જેમાં તબીબી દેખરેખ માટે દવાઓ અને સાધનો રાખવામાં આવ્યા હોય છે. આજે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભીષ્મ ક્યૂબ ભેટ કરવામાં આવ્યા છે.” આપણે સરળ શબ્દોમાં ભીષ્મ ક્યૂબ વિશેની માહિતી મેળવવા પ્રયાસ કરીશું.

    શું છે ભીષ્મ ક્યૂબ?

    ભીષ્મ ક્યૂબ કોમ્પેક્ટ, પૉર્ટેબલ મેડિકલ યુનિટ છે. તેની શરૂઆત પ્રોજેક્ટ આરોગ્ય મૈત્રી હેઠળ કરવામાં આવી છે, જે માનવીય સહાય માટે વિકાસશીલ દેશોને નિર્ણાયક તબીબી સેવા પુરી પાડવાનો એક કાર્યક્રમ છે. તેને સરળતાથી મોબાઈલ હૉસ્પિટલ તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે. જેને ઇમરજન્સીની સ્થિતિમાં પ્રાથમિક સારવાર અને દેખરેખ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભીષ્મ નામનો અર્થ છે – Bharat Health Initiative For Sahyog Hita & Maitri. જે ભારતના સહયોગ અને મિત્રતાની ભાવનાનું પ્રતિક ગણવામાં આવે છે. આ ક્યૂબ ઈજાઓ અને મેડિકલ ઇમરજન્સીની અનેક સ્થિતિને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. આ મોબાઈલ હૉસ્પિટલમાં તમામ જરૂરી દવાઓ અને સાધનો 15 ઇંચના ક્યૂબિકલ બોક્સમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે. સંઘર્ષ વિસ્તાર કે વિપદાગ્રસ્ત વિસ્તારમાં તે એક જરૂરી સંપત્તિ તરીકે કામ કરે છે. દરેક ભીષ્મ ક્યૂબમાં મેડિકલ કટોકટીના અનેક સાધનો ઉપલબ્ધ હોય છે. ક્યૂબમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી તમામ દવાઓ અને સાધનો પણ સામેલ હોય છે. તેમાં ઘાવ (ઈજાઓ), રક્તસ્ત્રાવ, દાઝવું અને ફ્રેકચર જેવી ઈજાઓની સારવાર માટેના તમામ સાધનો ઉપલબ્ધ હોય છે.

    - Advertisement -

    આ ક્યૂબ દ્વારા ગંભીર ઇજા અને મેડિકલ ઇમરજન્સીને તાત્કાલિક ધોરણે હેન્ડલ કરવામાં કરવામાં આવે છે. તે સિવાય આ ક્યૂબમાં બેઝિક ઓપરેશન રૂમ (OR) માટે જરૂરી તમામ સર્જીકલ સાધનો પણ ઉપલબ્ધ હોય છે. તેનાથી પ્રતિદિન 10થી 15 સર્જરી પણ થઈ શકે છે. જેમાં નાના ઓપરેશનથી લઈને મોટી અને જટિલ સર્જરી પણ થઈ શકે છે. ઇમરજન્સી દરમિયાન જો ખૂબ જરૂરી લાગે તો તમામ પ્રકારની અઘરી સર્જરી પણ આ ક્યૂબમાં જ થઈ શકે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ભીષ્મ ક્યૂબ એક વરદાન તરીકેનું કાર્ય કરે છે. આ ક્યૂબ મજબૂત પ્રક્રિયામાં તૈયાર થયું છે. તે એડજસ્ટેબલ સ્થિતિ પર હોવાનું કહેવાય છે. તેથી તે હવા, સમુદ્ર, જમીન અને ડ્રોન દ્વારા મલ્ટી-મોડ પરિવહનમાં પણ કાર્ય કરી શકે છે. તે સિવાય ભીષ્મ ક્યૂબને માત્ર એક વ્યક્તિ પણ સંચાલિત કરી શકે છે, કારણ કે તેનું મહત્તમ વજન માત્ર 20 કિલો સુધીનું હોય છે.

    પોતાની વીજળી અને ઓક્સિજન ઉત્પાદિત કરવામાં પણ સક્ષમ

    એક ભીષ્મ ક્યૂબ લગભગ 200 જેટલા ઇમરજન્સી કેસોનું સંચાલન કરી શકે છે. જ્યાં સ્થાનિક તબીબી સુવિધાઓ અપ્રાપ્ય હોય અથવા તો સારવાર મળી શકે તેમ ના હોય, તેવા વિસ્તારમાં ભીષ્મ ક્યૂબ એક નિર્ણાયક સંસાધન તરીકે કાર્ય કરે છે. ભીષ્મ ક્યૂબ પડકારજનક વાતાવરણમાં પણ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે, તેને એ રીતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પોતાની રીતે જ વીજળી ઉત્પન્ન કરવાની અને મર્યાદિત માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જે દૂરસુદૂર અને યુદ્ધવિસ્તારમાં અનેક જિંદગીઓને બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ ક્યૂબનો પ્રભાવી ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચિકિત્સા વિશેષજ્ઞોની એક ટીમ યુક્રેનમાં તહેનાત કરવામાં આવી છે.

    આ મેડિકલ ટીમને યુક્રેની કર્મચારીઓને પ્રારંભિક ટ્રેનિંગ આપવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું છે. જેથી તેઓ ક્યૂબને સારી રીતે સંચાલિત કરી શકે અને યુદ્ધવિસ્તારમાં તેનો ઉપયોગ પણ કરી શકે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ પગલું યુક્રેનને માનવીય સહાય પ્રદાન કરવાની ભારતની નિરંતર પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને તાત્કાલિક મેડિકલ સેવાઓ મળી રહે તે માટે ભારત તરફથી ભીષ્મ ક્યૂબ ભેટ તરીકે આપવામાં આવ્યા છે. જે ભારત તરફથી એક માનવીય સહાય તરીકે જોવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં