હોમપેજરાજકારણઆજે ભારતમાં હોત લાહોર-સિયાલકોટ, કોંગ્રેસની નીતિઓએ બગાડ્યો હતો ખેલ: વાંચો 60 વર્ષ...

આજે ભારતમાં હોત લાહોર-સિયાલકોટ, કોંગ્રેસની નીતિઓએ બગાડ્યો હતો ખેલ: વાંચો 60 વર્ષ પહેલાં થયેલા તાશ્કંદ એગ્રીમેન્ટ વિશે

આજે 60 વર્ષ પછી પણ આ એક બોધપાઠ છે કે યુદ્ધ જીતીને પણ સતર્ક રહેવું જોઈએ. વાટાઘાટો કરવી જોઈએ પણ રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ. કોંગ્રેસની જૂની નીતિઓમાંથી શીખ લઈને આજે મજબૂત ભારત બની રહ્યું છે.

- Advertisement -

ભારતના ઇતિહાસમાં 10 જાન્યુઆરી 1966નો દિવસ એક એવો કાળો અધ્યાય છે જે આજે પણ આપણને ખૂંચે છે. આ જ દિવસે તાશ્કંદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેને તાશ્કંદ કરાર તરીકે ઓળખવામાં આવે છે. આપણા બહાદુર સૈનિકોએ 1965નાં યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપીને અને દુશ્મનોનો હરાવીને જે વિસ્તારો જીત્યા હતા તેને આ કરાર હેઠળ વાતચીતના ટેબલ પર એમ જ પાછા સોંપી દેવામાં આવ્યા હતા.

જરા વિચારો, જો તાશ્કંદ કરાર ન થયો હોત તો આજે લાહોર શહેર પાકિસ્તાનનું નહીં, પરંતુ ભારતનો હિસ્સો હોત. આપણો નકશો કેટલો અલગ અને મજબૂત દેખાતો હોત. પરંતુ આવું ન થઈ શક્યું અને તેના માટે જવાબદાર હતી તે સમયની કોંગ્રેસ સરકારની નબળી અને દબાણમાં ઝૂકી જનારી વિદેશ નીતિ. આ એક નિર્ણયે દેશને સદીઓનું નુકસાન પહોંચાડ્યું છે, જેની કિંમત આપણે આજે પણ આપણે ચૂકવી રહ્યા છીએ.

કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદની ઘટનાઓ, પુલવામા જેવા હુમલાઓ… આ બધું તે ભૂલનું જ પરિણામ છે. આ રિપોર્ટમાં આપણે તે સમયની સમગ્ર ઘટનાને વિગતવાર સમજીશું, જેથી ઇતિહાસમાંથી બોધપાઠ લઈ શકાય અને આવી ભૂલો ફરી ક્યારેય ન થાય.

- Advertisement -

1965માં ભારત સામે હાર્યું હતું પાકિસ્તાન

વર્ષ 1965નું ભારત-પાક યુદ્ધ મુખ્યત્વે કાશ્મીર મુદ્દે શરૂ થયું હતું. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને એક મહત્વાકાંક્ષી યોજના બનાવી હતી, જેને ‘ઑપરેશન જિબ્રાલ્ટર’ નામ આપવામાં આવ્યું હતું. આ ઑપરેશન હેઠળ પાકિસ્તાને હજારો ઘૂસણખોરો અને સૈનિકોને જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યા હતા, જેથી સ્થાનિક લોકોને ભડકાવીને વિદ્રોહ કરાવી શકાય અને કાશ્મીર પર કબજો કરી શકાય. અયુબ ખાન એટલા અહંકારમાં હતો કે તેણે કહ્યું હતું કે તે દિલ્હી પર કબજો કરીને ‘દિલ્હીમાં ડિનર’ કરશે. પરંતુ ભારતીય સેનાએ તેનાં આ સપનાને દફનાવી દીધું.

આપણા સૈનિકોએ ન માત્ર ઘૂસણખોરોને પકડ્યા, પરંતુ પાકિસ્તાન પર વળતો પ્રહાર પણ કર્યો. તે સમયે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા, જે સાદગીથી ભરેલા પરંતુ મજબૂત ઈરાદાવાળા નેતા હતા. તેમણે પોતાના સૈનિકોને કહ્યું હતું કે, “આવતી કાલનો નાસ્તો આપણે લાહોરમાં કરીશું.”

આ વાત માત્ર એક નારો નહોતી, પરંતુ ભારતીય સેનાની હિંમતનું પ્રતીક હતી. અને ખરેખર યુદ્ધ દરમિયાન આ વાત ઘણી હદ સાચી સાબિત થઈ હતી, કારણ કે આપણા જવાનો લાહોરની સરહદો સુધી પહોંચી ગયા હતા. આ યુદ્ધે બતાવ્યું કે ભારતની સેના કેટલી તૈયાર અને બહાદુર હતી, પરંતુ રાજકીય નિર્ણયોએ બધું જ બદલી નાખ્યું.

કાશ્મીરથી લઈને કચ્છ સુધી ભારતીય સૈનિકો ભારે પડ્યા, લાહોર સેક્ટરમાં પણ ઘૂસ્યા

યુદ્ધ અનેક મોરચે લડાયું અને દરેક જગ્યાએ ભારતીય સેનાનો દબદબો રહ્યો. લાહોર સેક્ટરમાં તો ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સંરક્ષણ રેખાઓને ધ્વસ્ત કરી દીધી હતી. આપણે ઈચ્છોગિલ નહેર સુધી પહોંચી ગયા હતા, જે લાહોર શહેરની છેલ્લી સંરક્ષણ લાઇન માનવામાં આવતી હતી. જો થોડા વધુ આગળ વધ્યા હોત તો લાહોર પર કબજો થઈ ગયો હોત. તેવી જ રીતે કાશ્મીરમાં ‘હાજી પીર દર્રા’ જેવા વ્યૂહાત્મક મહત્વના વિસ્તાર પર ભારતનો કબજો થઈ ગયો, જે પાકિસ્તાન માટે બહુ મોટો ઝટકો હતો, કારણ કે આ દર્રા ઘૂસણખોરીના માર્ગને નિયંત્રિત કરતી હતી.

પાકિસ્તાની સેના ખૂબ ખરાબ રીતે હારી રહી હતી. તેમના હજારો સૈનિકો માર્યા ગયા, તેમની સૌથી આધુનિક ‘પેટન ટેન્કો’ તબાહ થઈ ગઈ અને હવાઈ જહાજો તોડી પાડવામાં આવ્યા હતા. યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને એટલું નુકસાન થયું કે તેમની લડવાની શક્તિ જ ઓછી થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને વિજેતા માનવામાં આવતું હતું, કારણ કે આપણે ન માત્ર આપણું રક્ષણ કર્યું, પરંતુ દુશ્મનની જમીન પર પગ પણ મૂક્યો હતો. પરંતુ આ જીત અધવચ્ચે લટકી ગઈ.

ભારતીય જવાનોની બહાદુરીના કિસ્સાઓ આજે પણ સાંભળવા મળે છે અને તે આપણને ગર્વથી ભરી દે છે. ઉદાહરણ તરીકે અસલ ઉત્તરની લડાઈને યાદ કરો. ત્યાં પાકિસ્તાનની સૌથી અત્યાધુનિક પેટન ટેન્કોને ભારતીય સેનાએ નેસ્તનાબૂદ કરી દીધી હતી. આપણી શેરમન ટેન્કો તેના પર ભારે પડી હતી અને તે બતાવ્યું હતું કે હથિયારો કરતાં હિંમત વધુ મહત્વપૂર્ણ હોય છે.

આ લડાઈમાં મેજર ભૂપિન્દર સિંઘ જેવા અધિકારીઓ હુતાત્મા થયા, પરંતુ તેમણે દુશ્મનને પાછળ ધકેલી દીધા હતા. તેવી જ રીતે ચંબ સેક્ટરમાં આપણા જવાનોએ પાકિસ્તાની હુમલાઓને રોક્યા અને કબજો મેળવ્યો હતો. પાકિસ્તાનને ભારે નુકસાન થયું, અંદાજે તેના 4,000થી વધુ સૈનિકો માર્યા ગયા, જ્યારે ભારતના લગભગ 3,000 જવાનો વીરગતિ પામ્યા હતા.

પાકિસ્તાનની 200થી વધુ ટેન્કો તબાહ થઈ, જ્યારે આપણી માત્ર 80. હવાઈ યુદ્ધમાં પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અનેક ‘F-86 સેબર જેટ’ તોડી પાડ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયા પણ ભારતની જીતની વાતો કરી રહ્યું હતું. પરંતુ અહીંથી જ આખી વાર્તા બદલાઈ ગઈ, કારણ કે રાજકીય હસ્તક્ષેપ થયો અને યુદ્ધનો નિર્ણય મેદાનમાંથી નીકળીને ટેબલ પર આવી ગયો.

શીત યુદ્ધના સમયમાં વહેંચાયેલી હતી દુનિયા, સોવિયેત સંઘના આમંત્રણ પર વાતચીત

આ યુદ્ધ કોલ્ડવોરના સમયમાં થયું હતું, જ્યારે દુનિયા બે છાવણીઓમાં વહેંચાયેલી હતી – એક તરફ અમેરિકા હતું તો બીજી તરફ સોવિયેત સંઘ. બંને મહાસત્તાઓ ભારત-પાક યુદ્ધને રોકવા માંગતી હતી, કારણ કે તેનાથી એશિયામાં અસ્થિરતા ફેલાઈ રહી હતી. અમેરિકાએ પાકિસ્તાનને હથિયારો આપ્યાં હતાં, પરંતુ યુદ્ધ શરૂ થતા જ બંને દેશો પર હથિયાર સપ્લાય રોકી દીધો હતો. સોવિયેત સંઘે મધ્યસ્થી કરવાની પહેલ કરી. સોવિયેત વડા પ્રધાન એલેક્સી કોસિગિનએ (Alexei Kosygin) ભારત અને પાકિસ્તાનને તાશ્કંદ બોલાવ્યા હતા.

આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આમંત્રણ સ્વીકાર્યું અને તાશ્કંદ ગયા. પાકિસ્તાન તરફથી અયુબ ખાન હતો. વાતચીત શરૂ થઈ અને દબાણ કરવાનું શરૂ થયું. સોવિયેત સંઘ શાંતિ ઈચ્છતું હતું, કારણ કે તે ભારતને પોતાનો સહયોગી માનતું હતું, પરંતુ પાકિસ્તાનને પણ ખોવા માંગતું નહોતું. અમેરિકા પણ પાછળથી દબાણ કરી રહ્યું હતું. શાસ્ત્રીજી પર આ દબાણ એટલું વધી ગયું કે તેઓ (લશ્કરી રીતે) મજબૂત હોવા છતાં નમતું જોખવા મજબૂર થઈ ગયા.

આંતરરાષ્ટ્રીય દબાણમાં ઝૂકી સરકાર, નેહરુએ જ કરી હતી શરૂઆત

કોંગ્રેસ સરકાર આંતરરાષ્ટ્રીય દબાણમાં આવી ગઈ અને એ જ તેની સૌથી મોટી નબળાઈ સાબિત થઈ. અમેરિકાએ હથિયારો પર પ્રતિબંધ (Embargo) લાદી દીધો હતો, જેનાથી પાકિસ્તાનને વધુ નુકસાન થઈ રહ્યું હતું. કારણ કે તેઓ અમેરિકી હથિયારો પર નિર્ભર હતા, પરંતુ ભારત પણ અમુક અંશે પ્રભાવિત થયું હતું. સોવિયેત સંઘ શાંતિ ઈચ્છતું હતું અને તેણે શાસ્ત્રીજીને સમજાવ્યા કે યુદ્ધ ચાલુ રાખવું બંને દેશો માટે ઘાતક સાબિત થશે.

શાસ્ત્રીજી એક મજબૂત નેતા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેની અમલદારશાહીની (Bureaucracy) નબળી કૂટનીતિએ તેમને એકલા પાડી દીધા. પાર્ટીના નેતાઓ અને સલાહકારો દબાણમાં ઝૂકી ગયા, કારણ કે કોંગ્રેસની જૂની નીતિ જ એવી હતી કે આંતરરાષ્ટ્રીય દબાણમાં ઝૂકીને શાંતિ સ્થાપિત કરવામાં આવે. નેહરુના સમયથી આ ઘટનાક્રમ ચાલ્યો આવતો હતો, જ્યારે તેમણે 1948ના યુદ્ધમાં પણ જીતની નજીક પહોંચીને સંયુક્ત રાષ્ટ્રમાં મામલો લઈ જઈને પાકિસ્તાનને ફાયદો કરાવી આપ્યો હતો. શાસ્ત્રીજી પર એટલું દબાણ આવ્યું કે તેઓ સમજૂતી માટે તૈયાર થઈ ગયા, જ્યારે મેદાનમાં જીત આપણી થઈ હતી.

આપણે દુશ્મનને સોંપી દીધા આપણી જીતના વિસ્તારો

10 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ ઘોષણા પર હસ્તાક્ષર થયા અને આ દિવસ ભારત માટે એક દુઃખદ વળાંક સાબિત થયો. સમજૂતીના મુખ્ય મુદ્દાઓ એ હતા કે બંને દેશો યુદ્ધ દરમિયાન કબજે કરેલા તમામ વિસ્તારો ખાલી કરશે અને 5 ઑગસ્ટ 1965 પહેલાંની સ્થિતિ પુનઃસ્થાપિત કરશે. આ સિવાય બંને દેશો શાંતિપૂર્ણ રીતે પોતાના વિવાદો ઉકેલશે અને બળનો પ્રયોગ કરશે નહીં. રાજદ્વારી સંબંધો સામાન્ય કરવામાં આવશે, વેપાર અને સંચારના માર્ગો ખોલવામાં આવશે. એકબીજાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં નહીં આવે અને યુદ્ધકેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવામાં આવશે.

આ બધું સાંભળવામાં તો સારું લાગે છે, જાણે શાંતિ તરફનું એક મોટું ડગલું હોય, પરંતુ હકીકતમાં ભારતે પોતાની વ્યૂહાત્મક જીત પૂરેપૂરી ગુમાવી દીધી. આપણે લાહોર સેક્ટર, સિયાલકોટ અને કાશ્મીરના મહત્વના વિસ્તારો પાછા આપી દીધા, જ્યારે પાકિસ્તાને બદલામાં કંઈ જ આપ્યું નહીં. આ સમજૂતી એકતરફી હતી, જે ભારત માટે નુકસાનકારક સાબિત થઈ.

હાજી પીર પાસ પરત કરવો એ ભારતની સૌથી મોટી ભૂલ

હાજી પીર દર્રા પરત કરવી એ સૌથી મોટી ભૂલ હતી અને આ નિર્ણયના પરિણામ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. આ પાસ કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવા માટે અત્યંત મહત્વપૂર્ણ હતો, કારણ કે તે પાકિસ્તાનથી ભારતમાં આવતા રસ્તાઓને નિયંત્રિત કરતો હતો. યુદ્ધમાં આપણા સૈનિકોએ તેને જીત્યો હતો, પરંતુ સમજૂતીમાં તે પાછો આપી દેવામાં આવ્યો. તેનું પરિણામ શું આવ્યું?

પાકિસ્તાને પાછળથી આ જ રસ્તેથી આતંકવાદીઓને મોકલવાનું શરૂ કરી દીધું. 1980 અને 1990ના દાયકામાં કાશ્મીરમાં જે આતંકવાદ ફેલાયો, તેની પાછળ હાજી પીર જેવા વિસ્તારો પરત કરવા તે એક મોટું કારણ હતું. તેવી જ રીતે, લાહોર સેક્ટરમાં જીતેલા વિસ્તારો પણ પરત કરી દેવામાં આવ્યા. જો આપણે આ વિસ્તારો આપણી પાસે રાખ્યા હોત તો પાકિસ્તાનની સંરક્ષણ રેખાઓ નબળી પડી ગઈ હોત અને કાશ્મીર પર તેનો દાવો વધુ નબળો પડી ગયો હોત. લાહોર શહેરની સુરક્ષા પર તેની અસર પડત અને પાકિસ્તાન ક્યારેય આટલું આક્રમક ન બન્યું હોત. પરંતુ કોંગ્રેસની નબળી નીતિએ આ બધું પાછું આપી દીધું, જેનાથી પાકિસ્તાનને નવી તાકાત મળી.

વિદેશ નીતિમાં ભારતની નબળાઈનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો

કોંગ્રેસની આ નબળી નીતિ નેહરુના સમયથી ચાલતી આવતી હતી અને આ ભારતની વિદેશ નીતિની સૌથી મોટી નબળાઈ રહી છે. નેહરુએ 1947-48ના કાશ્મીર યુદ્ધમાં પણ જીતની નજીક પહોંચીને યુદ્ધ રોકી દીધું અને મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા, જેનાથી પાકિસ્તાનને ફાયદો થયો અને કાશ્મીર સમસ્યા આજે પણ લટકી રહી છે. 1962ના ચીન યુદ્ધમાં પણ કોંગ્રેસની નબળી તૈયારી અને નીતિનું પરિણામ ભોગવવું પડ્યું હતું. 1965માં પણ આવું જ થયું, જીતના ઉંબરે ઊભા રહીને કોંગ્રેસે બધું જ પરત કરી દીધું. આ એક રાજકીય નબળાઈ હતી, કારણ કે પાર્ટી આંતરરાષ્ટ્રીય દબાણમાં ઝૂકી જતી હતી.

નેહરુની ‘અહિંસા’ અને ‘શાંતિ’ની નીતિ સારી હતી, પરંતુ દુશ્મન સામે તે એટલી નબળી સાબિત થઈ કે દેશને નુકસાન થયું. શાસ્ત્રીજી જેવા મજબૂત નેતા પણ આ નીતિનો શિકાર બની ગયા. જો કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું હોત તો ઇતિહાસ આજે કંઈક અલગ હોત.

હારીને પણ હીરો બની ગયો અયુબ ખાન

યુદ્ધમાં ભારતને ઓછું નુકસાન થયું હતું અને તે સાબિત કરે છે કે આપણી જીત કેટલી સ્પષ્ટ હતી. પાકિસ્તાનના 4,000થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ભારતના લગભગ 3,000. પાકિસ્તાનની 200થી વધુ ટેન્કો તબાહ થઈ હતી અને તેમના ‘F-86 સેબર જેટ’ તોડી પાડવામાં આવ્યા હતા. આપણા સૈનિકોએ સિયાલકોટ, લાહોર અને કચ્છનાં રણમાં દુશ્મનને પાછળ ધકેલી દીધો હતો. પરંતુ તાશ્કંદ સમજૂતીથી બધું વિફળ થઈ ગયું. પાકિસ્તાનને હાર્યા છતાં નવું જીવન મળી ગયું. અયુબ ખાન ઘરે પાછા ફરીને હીરો બની ગયો, કારણ કે તેણે (ટેબલ પર) કંઈ ગુમાવ્યું નહોતું. ભારતે પોતાની જીતેલી જમીન પરત કરીને પોતાની જાતને નબળી સાબિત કરી. આ નિર્ણય કોંગ્રેસના નબળા નેતૃત્વનું પરિણામ હતું.

આજે પણ થાય છે શાસ્ત્રીજીના મૃત્યુની તપાસની માંગ

સમજૂતીના બીજા જ દિવસે 11 જાન્યુઆરીએ શાસ્ત્રીજીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું, જે આજે પણ એક કોયડો બનેલું છે. સત્તાવાર રીતે તેને હાર્ટ-એટેક જણાવવામાં આવ્યો હતો, પરંતુ અનેક સવાલો ઉભા થયા હતા. તેમનું શરીર વાદળી પડી ગયું હતું, જે ઝેરની અસર જેવું લાગતું હતું. તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું, જે શંકા વધારે છે. પરિવારે ઝેર અપાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે શાસ્ત્રીજી આ સમજૂતીથી ખુશ નહોતા. કેટલાક લોકો સોવિયેત સંઘ અથવા પાકિસ્તાનનું ષડયંત્ર માને છે, કારણ કે સોવિયેત સંઘને સમજૂતી જોઈતી હતી અને પાકિસ્તાનને શાસ્ત્રીજીના મૃત્યુથી ફાયદો થયો હતો. આ મૃત્યુ સમજૂતી સાથે જોડાયેલી ઘણી થિયરીઓ પેદા કરે છે અને આજે પણ તેની તપાસની માંગ થાય છે. શાસ્ત્રીજીના અવસાને સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો હતો.

શાસ્ત્રીજી મજબૂત નેતા હતા અને તેમનો ‘જય જવાન, જય કિસાન’ નારો આજે પણ ગુંજે છે. તેમણે દેશને અનાજના સંકટમાંથી ઉગાર્યો અને યુદ્ધમાં સેનાનું મનોબળ વધાર્યું. પરંતુ કોંગ્રેસની જૂની નીતિએ તેમને દબાણમાં લાવી દીધા. જો તેમણે વધુ સમય માંગ્યો હોત અથવા કડક વલણ અપનાવ્યું હોત તો કદાચ પરિણામ અલગ હોત. તેમના મૃત્યુના કારણે દેશ શોકમાં ડૂબી ગયો અને સમજૂતીની ટીકાઓ વધી ગઈ. લોકો કહે છે કે શાસ્ત્રીજી સમજૂતીથી દુઃખી હતા અને આ તણાવને કારણે જ તેમનું મૃત્યુ થયું હતું.

ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ટીકા

ભારતમાં તાશ્કંદ સમજૂતીની આકરી ટીકા થઈ અને તે સ્વાભાવિક પણ હતું. લોકો રસ્તા પર ઉતરી આવ્યા, પ્રદર્શનો થયા. સેનામાં પણ નિરાશા ફેલાઈ ગઈ, કારણ કે જવાનોએ લોહી વહાવીને જીતેલી જમીન પરત કરવી કોઈને પણ સ્વીકાર્ય નહોતી. વિરોધ પક્ષોએ કોંગ્રેસ પર નબળાઈનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ દેશદ્રોહ સમાન છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસની વિદેશ નીતિ હંમેશા દબાણમાં ઝૂકનારી રહી અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ ન કરી શકી.

પાકિસ્તાનમાં પણ સમજૂતીની ટીકા થઈ, કારણ કે કાશ્મીર મુદ્દે તેમને કંઈ પ્રાપ્ત થયું નહોતું. પરંતુ તેમને ભારત દ્વારા જીતેલી જમીન પાછી મળી ગઈ, જે તેમના માટે મોટી રાહત હતી. તાશ્કંદે પાકિસ્તાનને આતંકવાદ ફેલાવવાની તક આપી હતી. હાજી પીર પરત કરવાથી ઘૂસણખોરી સરળ થઈ ગઈ અને કાશ્મીરમાં દાયકાઓ સુધી અશાંતિ રહી અને આજે પણ ક્યાંક ક્યાંક છમકલાઓ થતા જ હોય છે.

આજ સુધી કોંગ્રેસની ભૂલોની સજા ભોગવી રહ્યું છે ભારત

આજે જ્યારે પુલવામા, ઉરી જેવા હુમલા થાય છે, ત્યારે તાશ્કંદની યાદ આવે છે. જો તે વિસ્તારો ભારત પાસે હોત તો પાકિસ્તાન આટલું મજબૂત ન હોત અને આતંકવાદનાં મૂળ આટલા ઊંડા ન ગયાં હોત. કોંગ્રેસની આ ભૂલ દેશ આજે પણ ભોગવી રહ્યો છે અને તેના કારણે હજારો જીવ ગયા છે. વર્તમાન સરકારે નીતિ બદલી છે. સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ-સિંદૂર જેવા ઑપરેશન બતાવે છે કે હવે ભારત દબાણમાં ઝૂકતું નથી. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આ ફેરફાર જરૂરી હતો. તાશ્કંદ જેવી ભૂલ ફરી ક્યારેય ન થાય તે માટે મજબૂત કૂટનીતિ હોવી અનિવાર્ય છે.

તાશ્કંદ સમજૂતી ન થઈ હોત તો ભારતના હોત લાહોર-સિયાલકોટ

જો તાશ્કંદ સમજૂતી ન થઈ હોત તો ભારતનો નકશો અલગ હોત. લાહોર અને સિયાલકોટ જેવા શહેરો ભારતના હોત અને પાકિસ્તાન આટલો મોટો ખતરો ન બન્યું હોત.

આજે 60 વર્ષ પછી પણ આ એક બોધપાઠ છે કે યુદ્ધ જીતીને પણ સતર્ક રહેવું જોઈએ. વાટાઘાટો કરવી જોઈએ પણ રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ. કોંગ્રેસની જૂની નીતિઓમાંથી શીખ લઈને આજે મજબૂત ભારત બની રહ્યું છે અને દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ ઇતિહાસની એવી ઘટના છે જે દુઃખદાયક છે. આપણા જવાનોના બલિદાનને સન્માન આપવાનું હોય, તેમના દ્વારા જીતેલી જમીન પરત ન કરવાની હોય. તાશ્કંદ કરાર એ વાતની યાદ અપાવે છે અને આપણને જણાવે છે કે નબળાઈની કિંમત કેટલી ભારે હોય છે.

આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં