હોમપેજરાજકારણમમતાને તેમના જ ગઢમાં બે વાર હરાવ્યાં, ભાજપને 3 સીટથી 2/3 બહુમત...

મમતાને તેમના જ ગઢમાં બે વાર હરાવ્યાં, ભાજપને 3 સીટથી 2/3 બહુમત સુધી પહોંચાડવામાં સિંહફાળો: કોણ છે બંગાળના પ્રથમ ભાજપી મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી

ભાજપની ઐતિહાસિક જીત પછી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર આખરે મોહર લાગી ગઈ છે. આ સાથે જ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવાના છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળના રાજકારણમાં 2026ની ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન જ નથી માનવામાં આવી રહી, પરંતુ તેને રાજ્યની દાયકાઓ જૂની રાજકીય તાસીરમાં મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહી છે. આ જ બદલાવના કેન્દ્રમાં છે શુભેન્દુ અધિકારી, જેમને ભાજપ વિધાનસભા દળે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. એક સમયે મમતા બેનર્જીના સૌથી વિશ્વસનીય સહયોગીઓમાં ગણાતા શુભેન્દુ અધિકારી હવે એ જ તૃણમૂલ કોંગ્રેસને સત્તાથી બહાર કરનારા મુખ્ય ચહેરો બની ચૂક્યા છે.

નંદીગ્રામ આંદોલનથી લઈને બંગાળમાં ભાજપના વિસ્તાર સુધી અને પછી મુખ્યમંત્રી પદ સુધીની યાત્રા શુભેન્દુ અધિકારીની રાજકીય કારકિર્દી બંગાળની બદલાતી રાજકીય તાસીરનું સ્પષ્ટ પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.

પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અધિકારી

શુભેન્દુ અધિકારીનો જન્મ 15 ડિસેમ્બર 1970ના રોજ પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથીમાં થયો હતો. તેમના પિતા શિશિર અધિકારી બંગાળની રાજનીતિનું મોટું નામ રહ્યા છે અને લાંબા સમય સુધી તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય નેતાઓમાં સામેલ રહ્યા છે. અધિકારી પરિવારનો પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ બંગાળના અનેક વિસ્તારોમાં વર્ષોથી મજબૂત પ્રભાવ રહ્યો છે.

- Advertisement -

શુભેન્દુ અધિકારીએ વિદ્યાસાગર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને વિદ્યાર્થી રાજકારણથી જ જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા. શરૂઆતમાં તેઓ કોંગ્રેસમાં હતા અને પછી મમતા બેનર્જી સાથે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. બંગાળમાં જ્યારે વામપંથી પાર્ટીઓનું વર્ચસ્વ હતું, ત્યારે અધિકારી પરિવાર તે થોડા રાજકીય કુટુંબોમાં સામેલ હતો જે જમીની સંગઠન ક્ષમતા માટે ઓળખાતા હતા.

નંદીગ્રામ આંદોલને બનાવ્યા બંગાળના મોટા નેતા

શુભેન્દુ અધિકારીના રાજકારણનો સૌથી મોટો વળાંક 2007નું નંદીગ્રામ આંદોલન માનવામાં આવે છે. તે સમયે વામપંથી સરકારે ઇન્ડોનેશિયન કંપની સલીમ ગ્રુપ માટે વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) બનાવવા માટે જમીન અધિગ્રહણની યોજના બનાવી હતી. ગ્રામીણોના વિરોધે મોટા આંદોલનનું સ્વરૂપ લીધું અને શુભેન્દુ અધિકારી આ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા.

નંદીગ્રામ આંદોલને ન માત્ર વામ મોર્ચા સરકારને રાજકીય નુકસાન પહોંચાડ્યું, પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસને રાજ્યવ્યાપી ઓળખ પણ અપાવી. શુભેન્દુ અધિકારીએ ગ્રામીણ બંગાળમાં આંદોલનને સંગઠિત કર્યું અને આ જ તે સમય હતો જ્યારે તેમને ‘જમીન સાથે જોડાયેલા નેતા’ તરીકે ઓળખ મળી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નંદીગ્રામ આંદોલન વગર 2011માં બંગાળમાંથી વામપંથી શાસનનો અંત આટલી જલદી શક્ય નહોતો.

TMCમાં કરી ચૂક્યા છે કામ

2011માં તૃણમૂલ કોંગ્રેસની સત્તા આવ્યા પછી શુભેન્દુ અધિકારી બંગાળ સરકાર અને સંગઠન બંનેમાં ઝડપથી મજબૂત બન્યા. તેમને પરિવહન, સિંચાઈ અને પછી અનેક અગત્યના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સતત લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ જીતતા રહ્યા.

તૃણમૂલ કોંગ્રેસની (TMC) અંદર તેમને સંગઠન સંભાળનારા આક્રમક નેતા તરીકે જોવામાં આવતા હતા. ખાસ કરીને દક્ષિણ બંગાળમાં પાર્ટીના વિસ્તારમાં તેમની મોટી ભૂમિકા માનવામાં આવે છે. પરંતુ સમય જતાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો પ્રભાવ વધવા લાગ્યો. તૃણમૂલની અંદર ‘પરિવારવાદ’ અને નિર્ણય પ્રક્રિયામાં મર્યાદિત લોકોના પ્રભાવને લઈને અસંતોષની ખબરો આવવા લાગી. શુભેન્દુ અધિકારી અને તેમના સમર્થકો પણ ધીમે-ધીમે પાર્ટી નેતૃત્વથી અંતર વધારવા લાગ્યા.

ભાજપમાં પ્રવેશ અને બંગાળના રાજકારણમાં પરિવર્તન

ડિસેમ્બર 2020માં શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો. તે સમયે તેને માત્ર દળબદલ નહીં, પરંતુ બંગાળના રાજકારણનો મોટો સંકેત આવ્યો હતો. ભાજપ લાંબા સમયથી બંગાળમાં મજબૂત સંગઠન બનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેને એક મોટા અને વિશ્વાસુ સ્થાનિક ચહેરાની જરૂર હતી.

શુભેન્દુ અધિકારી ભાજપમાં આવ્યા પછી પાર્ટીને દક્ષિણ બંગાળમાં ઝડપી વધારો મળ્યો. અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા. ભાજપે તેમને બંગાળમાં મમતા બેનર્જીના સૌથી મોટા પ્રતિસ્પર્ધી તરીકે પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું.

નંદીગ્રામમાં મમતાને હરાવીને બન્યા ભાજપનો સૌથી મોટા ચહેરો

2021ની વિધાનસભા ચૂંટણી શુભેન્દુ અધિકારીની રાજકીય કારકિર્દીનો સૌથી વધુ ચર્ચિત અધ્યાય બની ગઈ. ભાજપે તેમને નંદીગ્રામથી ઉમેદવાર બનાવ્યા, જ્યારે મમતા બેનર્જીએ પણ તે જ સીટ પસંદ કરીને સીધી ચેલેન્જ આપી.

સમગ્ર ચૂંટણી નંદીગ્રામ વિરુદ્ધ મમતાના નેરેટિવમાં ફેરવાઈ ગઈ. પ્રચાર, હિંસા અને હાઈ-વોલ્ટેજ અથડામણ વચ્ચે શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવી દીધાં. આ જીત પ્રતીકાત્મક રીતે અત્યંત મોટી માનવામાં આવી, કારણ કે પહેલી વખત કોઈ નેતાએ મમતા બેનર્જીને તેમના રાજકીય ગઢમાં પડકાર આપીને પરાજિત કર્યાં હતાં. જોકે ભાજપ સરકાર ન બનાવી શકી, તેમ છતાં શુભેન્દુ અધિકારી રાજ્યમાં પાર્ટીના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા. તેમને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. 

 હિંદુત્વ, ભ્રષ્ટાચાર વિરોધ અને ‘કટ મની’ના મુદ્દા પર આક્રમક રાજનીતિ

નેતા પ્રતિપક્ષ બન્યા પછી શુભેન્દુ અધિકારીએ બંગાળમાં હિંદુત્વ, રાજકીય હિંસા, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના મુદ્દાઓ પર સતત મમતા સરકારને ઘેરી. શિક્ષક ભરતી કૌભાંડ, રાશન કૌભાંડ અને સંદેશખાલી જેવા મુદ્દાઓ પર ભાજપના આંદોલનોમાં તેઓ સૌથી આગળ દેખાયા.

ભાજપે બંગાળમાં જે આક્રમક રાજકીય શૈલી અપનાવી, તેમાં શુભેન્દુ અધિકારીની મોટી ભૂમિકા માનવામાં આવી. તેઓ સતત એ દાવો કરતા રહ્યા કે તૃણમૂલ કોંગ્રેસ ‘ભ્રષ્ટાચાર અને પરિવારવાદ’નું કેન્દ્ર બની ચૂકી છે. તેમનાં ભાષણો અને અભિયાનોએ ભાજપ સમર્થક વર્ગ વચ્ચે તેમને એક સંઘર્ષશીલ નેતાની છબી આપી. બીજી તરફ વિરોધી પક્ષો જે પોતે મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરી રહ્યા છે, તેઓ તેમના પર ધ્રુવીકરણની રાજનીતિ કરવાના આરોપ લગાવતા રહ્યા અને અંતે શુભેન્દુએ પોતે પણ સ્વીકાર્યું કે તેમને માત્ર હિંદુઓ તરફથી જ મત મળે છે અને તેઓ માત્ર હિંદુઓનું જ કામ કરશે.

2026ની ચૂંટણી અને મુખ્યમંત્રી પદ સુધીની યાત્રા

2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શુભેન્દુ અધિકારીને બંગાળમાં પોતાના સૌથી મુખ્ય ચહેરા તરીકે આગળ રાખ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાજકીય હિંસા, હિંદુ મતદારોની એકતા, ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને મુખ્ય મુદ્દા બનાવ્યા. આ વખતે પણ તેમણે મમતા બેનર્જી સામે TMCનું ગઢ ગણાતા ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી અને મમતાને 15000 વૉટથી હરાવ્યાં.

ભાજપની ઐતિહાસિક જીત પછી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર આખરે મોહર લાગી ગઈ છે. આ સાથે જ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવાના છે. રાજકીય રીતે આ યાત્રા એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે જે નંદીગ્રામ આંદોલને મમતા બેનર્જીને સત્તા સુધી પહોંચાડ્યાં હતાં, તે જ આંદોલનમાંથી નીકળેલા નેતા હવે તેમની સરકારનો અંત કરનારા ચહેરા બની ગયા છે. બંગાળની રાજનીતિમાં આ પરિવર્તન માત્ર નેતૃત્વ પરિવર્તન નથી, પરંતુ વૈચારિક અને રાજકીય ધ્રુવોના પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહ્યું છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં