26 નવેમ્બર 2008નો એ ગોઝારો દિવસ, જયારે માયાનગરી મુંબઈની (Mumbai) શેરીઓ ધાણીફૂટ ગોળીઓના ધણધણાટથી ગુંજી ઉઠી હતી. લોકોની મરણ ચિચિયારીઓએ આખા દેશને સુન્ન કરી દીધો. આતંકના અડ્ડા પાકિસ્તાનથી આવેલા 10 ઇસ્લામી જેહાદી આતંકવાદીઓએ (Terrorist Attack) ખેલેલા લોહિયાળ આતંકમાં 166 લોકો મોતને ભેટ્યા અને 300થી વધુ ઘાયલ થયા હતા. નિર્દોષોના લોહીના ખાબોચિયા ભરનાર આ હિચકારા હુમલા પાછળના કાયર કુત્તાઓના મુળિયા તો પાકિસ્તાનમાં હતા, પરંતુ તેની શાખાઓ છેક કેનેડા અને અમેરિકા સુધી ફેલાયેલી હતી. અહીં વાત થઈ રહી છે, આતંકવાદી તહવ્વુર રાણા (Tahawwur Rana) અને દાઉદ સઈદ ગિલાની (dawood sayed gilani) ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીની (David Headley).
તાજા સમાચાર અનુસાર અમેરિકાથી તહવ્વુર રાણાને ભારત લાવવા માટેના રસ્તાઓ ખૂલી ગયા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે. ભારતથી બચવા માટે તેણે અનેક પ્રયાસો કરી જોયા, પરંતુ આખરે ન્યાયાલયે પણ તેની અરજી ફગાવી દેતા હવે ગમે ત્યારે તેને ભારતમાં લઈ આવવામાં આવશે. ત્યારે આ લેખમાં જાણીશું કે તહવ્વુર રાણા કોણ છે અને મુબઈના 26/11 હુમલામાં તેની શું ભૂમિકા હતી.
મુંબઈ હુમલાના તાર પહોંચ્યા છેક અમેરિકા
તહવ્વુર રાણા સુધી પહોંચવા માટે આપણે એક નજર તે ખોફનાક મંજર પર પણ મારવી જ રહી. 26 નવેમ્બર 2008માં દરિયાઈ માર્ગે થઈને 10 પાકિસ્તાની આતંકવાદીઓએ આખા મુંબઈને બાનમાં લીધું. 26 નવેમ્બરની રાતથી લઈને 29 નવેમ્બરની સવાર સુધી મુંબઈમાં આ આતંકવાદીઓએ મોતનો નગ્ન નાચ કર્યો. રેલવે સ્ટેશન, મોટી-મોટી હોટેલો, હોસ્પિટલો જેવા સાર્વજનિક સ્થળોએ જઈને અત્યાધુનિક હથિયારોથી ધાણીફૂટ ગોળીબાર કર્યો. હુમલામાં વિદેશી નાગરિકો, મુંબઈ પોલીસના બહાદુર અધિકારીઓ સાથે બાળકો, મહિલાઓ સહિત 166 લોકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી. 300થી વધુ લોકો ઘાયલ થયા.
એક ક્ષણ શ્વાસ લેવા ન થોભતી માયાનગરી મુંબઈ તે સમયે સ્મશાન જેવી ભેંકાર ભાષી રહી હતી. હુમલામાં દસ પૈકી અજમલ કસાબને બાદ કરતા બાકીના તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. કસાબ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો અને 2012માં તેને પણ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો. જોકે, અહીં આ ઘટનાનો અંત નથી થઈ થતો. આટલી મોટી ઘટનાની ઝીણવટથી તપાસ ચલાવવામાં આવી. તપાસમાં એક પછી એક પાનાં ખુલતા ગયા અને ચોંકાવનારા ખુલાસાઓ થતા રહ્યા. દરમિયાન બે નામ સામે આવ્યા, જે નામ આ હુમલાની બ્લુ પ્રિન્ટ રેડી કરવામાં મુખ્ય સુત્રધાર હતા.
બે પૈકીનું એક નામ હતું ડેવિડ હેડલી, જે મૂળ પાકિસ્તાની નસલનો કટ્ટરપંથી મુસ્લિમ હતો પણ અમેરિકા જઈને ત્યાની નાગરિકતા મેળવીને દાઉદ સઈદ ગિલાની મનથી ડેવિડ હેડલી બની ગયો. બીજું નામ હતું તહવ્વુર રાણાનું, રાણા પણ પાકિસ્તાની નસલનો કટ્ટર ઇસ્લામી હતો, પણ બાદમાં તે કેનેડા સ્થાયી થયો અને કેનેડિયન બની ગયો. રાણા પાકિસ્તાની સેનામાં ડોક્ટર હતો અને ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક્ટિવ મેમ્બર હતો. હેડલી અને રાણા આ હુમલામાં એવા બે કેરેક્ટર છે, જેમણે હુમલાની બ્લુ પ્રિન્ટ રેડી કરી. ચાર્જશીટમાં પણ આ બંનેના નામ ખૂલ્યા હતા. જોકે, આ બંનેને અમેરિકન સુરક્ષા એજન્સી FBIએ અન્ય સ્થાનિક કેસમાં શિકાગોથી ઉઠાવી લીધા હતા.
તહવ્વુર રાણા અને ડેવિડ ઉર્ફે દાઉદ બાળપણના મિત્રો
તહવ્વુર રાણા અને હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્રો છે. હેડલીની મા અમેરિકન અને બાપ પાકિસ્તાની હતો. તેના દેખાવમાં બાપ કરતા માના ગુણ વધારે આવ્યા અને આથી જ તે એક એશિયાઈ નાગરિક કરતા યુરોપીયન વધારે લાગતો અને આ વાતનો તેણે ખૂબ ફાયદો ઉઠાવ્યો. અમેરિકા આવતા પહેલાં હેડલી 5 વર્ષ સુધી હસન અબ્દાલ કેડેટ સ્કુલમાં ભણ્યો, બીજી તરફ તહવ્વુર રાણા પણ આ જ સ્કુલમાં ભણ્યો હતો. એક તરફ જ્યાં હેડલી તેની અમેરિકન મા સાથે અમેરિકા ચાલ્યો ગયો, તો બીજી તરફ તહવ્વુર રાણાએ ‘ભણીગણીને’ પાકિસ્તાની સેનામાં ડોક્ટરનું પદ સંભાળ્યું.
પાકિસ્તાની સેનામાં કામ કર્યા બાદ રાણા કેનેડા ચાલ્યો ગયો અને થોડા જ સમયમાં તેને ત્યાની નાગરિકતા પણ મળી ગઈ. તેવામાં એક વાર શિકાગોમાં તેનો ભેટો તેના નાનપણના મિત્ર ડેવિડ હેડલી સાથે થઈ ગયો. તેની મદદથી તેણે ‘ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસિસ’ નામની ફર્મ ચાલુ કરી. હેડલી દેખાવે તો તેની મા જેવો યુરોપીયન હતો, પણ તેના વિચાર તદ્દન કટ્ટર ઇસ્લામી અને ભારતવિરોધી હતા. તેણે અને રાણાએ લશ્કર-એ-તૈયબા જોઇન કર્યું અને આતંકવાદી બનવાની તાલીમ પણ લીધી. દરમિયાન તે બંને ISIના મજર ઇકબાલના સંપર્કમાં આવ્યા. ઇકબાલે બંનેને મુંબઈ હુમલામાં સામેલ કરવાની ઓફર આપી અને બંને રાજી-ખુશીથી આ મકસદમાં જોડાયા.
રાણાએ હેડલીની મદદથી શરૂ કરેલી ટ્રાવેલ બિઝનેસ ફર્મની એક બ્રાંચ મુંબઈમાં સ્થાપિત કરી. અહીં હેડલીનું યુરોપીયન રૂપ અને અંગ્રેજી નામ કામ કરી ગયું. તેને તરત જ જરૂરી બધી પરવાનગીઓ મળી ગઈ અને મુંબઈમાં ‘ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસ’ શરૂ થઈ. હેડલીને પાંચ વર્ષના બિઝનેસ વિઝા મળ્યા અને તે ભારત આવ્યો. હેડલીએ આખું મુંબઈ ખંગાળી લીધું અને હુમલા માટેનો નકશો તૈયાર કર્યો. તેણે જ્યાં-જ્યાં રેકી કરીને માહિતી એકઠી કરી, ત્યાં-ત્યાં બાદમાં હુમલો થયો. આટલું જ નહીં, હુમલા પહેલાં તહવ્વુર રાણા પણ તેની બીવી સાથે ભારત આવ્યો હતો અને એ જ તાજ હોટેલમાં રોકાયો હતો, જેને બાદમાં આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.
હેડલીએ જ કર્યો હતો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, આ આખા ઘટનાક્રમ વચ્ચે જ 2009માં શિકાગોના એરપોર્ટ પરથી હેડલીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ અન્ય એક મામલામાં કરવામાં અવી હતી, જોકે બાદમાં FBIની પૂછપરછમાં તેણે મુંબઈ હુમલા કેસમાં તેની સંલિપ્તતા સ્વીકારી અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. બાદમાં વિડીયો કોલ મારફતે હેડલીએ ભારતીય અધિકારીઓ સામે રાણાની આખી ગેમનો ખુલાસો કર્યો. અમેરિકાની કોર્ટે હેડલીને 35 વર્ષની સજા ફટકારી. હેડલીની ધરપકડના થોડા જ સમય બાદ તહવ્વુર રાણાની પણ શિકાગોથી ધરપકડ કરવામાં આવી. તેના પર પણ મુંબઈ હુમલા મામલે તપાસ ચલાવવામાં આવી, પરંતુ તેમાં તે નિર્દોષ છુટ્યો, જયારે ડેનમાર્કના કેસમાં તેને 14 વર્ષની સજા ફટકારવામાં આવી. દરમિયાન ભારતમાં મુંબઈ હુમલા કેસમાં અબુ જુંદાલની ધરપકડ કરવામાં આવી. હેડલી ત્યાં સુધીમાં સરકારી ગવાહ બની ગયો. વિડીયો કોલ મારફતે જ તેણે તહવ્વુર રાણાએ ઘડેલો આખેઆખો કારસો જણાવી દીધો.
શું હતો 26/11નો આખો ઘટનાક્રમ?
26 નવેમ્બર, 2008ના રોજ, દારૂગોળા અને શસ્ત્રોનો મોટો જથ્થો લઈને લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા. તેઓએ મુંબઈમાં 9 જગ્યાએ રીતસરનો નરસંહાર કર્યો. આતંકવાદીઓએ જે સ્થળોને નિશાન બનાવ્યા છે, તેમાં દક્ષિણ મુંબઈના 8 સ્થળો – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ, તાજ હોટેલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલીનો સમાવેશ થાય છે. મુંબઈના પોર્ટ એરિયા મઝગાંવ અને વિલે પાર્લેમાં એક ટેક્સીમાં પણ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.
28 નવેમ્બરની સવાર સુધીમાં મુંબઈ પોલીસ અને સુરક્ષાદળોએ તાજ હોટેલ સિવાયનાં બધાં જ સ્થળોને સુરક્ષિત કરી લીધાં હતાં. તાજ હોટલમાં છુપાયેલા આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની (NSG) મદદ લેવી પડી હતી. NSGએ 29 નવેમ્બરના રોજ ‘ઓપરેશન બ્લેક ટોર્નેડો’ શરૂ કર્યું હતું, જેનો અંત તાજ હોટેલમાં છેલ્લા બચી ગયેલા આતંકવાદીઓને ઠાર મારવા સાથે થયો હતો અને આખરે મુંબઇમાં 72 કલાક ચાલેલા આ ભયાવહ આતંકવાદી હુમલાનો અંત આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ
આ આખા હુમલાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં સામેલ તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે તેને ભારત પ્રત્યાર્પણ (Extradition) કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ભારત-US પ્રત્યાર્પણ સંધિ હેઠળ આપવામાં આવી છે. ગત 13 નવેમ્બર 2024ના રોજ રાણાએ પ્રત્યાર્પણના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો, જોકે ગત 21 જાન્યુઆરીએ અમેરિકન સુપ્રીમ કોર્ટે તેની અરજીને ફગાવીને તેને ભારત મોકલવાનો રસ્તો સાફ કરી દીધો હતો. તે આ પહેલાં સાન-ફ્રાન્સિસ્કોની કોર્ટમાં પણ ગયો હતો, પરંતુ ત્યાંથી પણ તેને અસફળતા મળી હતી.
દલીલ એવી કરવામાં આવી હતી કે, રાણા મુંબઈ હુમલાને લઈને પહેલા જ અમેરિકામાં સજા કાપી ચૂક્યો છે, જો તેને ભારત મોકલવામાં આવશે તો એક જ કેસમાં તેને બેવડી સજા મળશે. જોકે, તેની એકેય દલીલ કામ નથી આવી અને આગામી સમયમાં તેને ભારત લઈ આવવામાં આવશે. તહવ્વુર રાણાને ભારત લાવ્યા બાદ તેના વિરુદ્ધ કેસ ચલાવીને મુંબઈ હુમલામાં માર્યા ગયેલા લોકોને ખરા અર્થમાં ન્યાય મળી શકશે.