Saturday, January 25, 2025
More

    26/11 હુમલાના આરોપી આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ: અમેરિકન સુપ્રીમ કોર્ટે આપી પ્રત્યાર્પણને મંજૂરી

    વર્ષ 2008માં મુંબઈ આવીને 26/11 હુમલા (Attack) માટેની બ્લુ-પ્રિન્ટ રેડી કરનાર આતંકવાદી તહવ્વુર રાણાને (Tahawwur Rana) ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે તેને ભારત પ્રત્યાર્પણ (Extradition) કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ભારત-US પ્રત્યાર્પણ સંધિ હેઠળ આપવામાં આવી છે. મૂળ પાકિસ્તાની અને હાલ અમેરિકાના કબજામાં રહેલો આતંકવાદી તહવ્વુર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે. તેણે મુંબઈ આવીને આતંકવાદીઓ માટે રેકી કરી હતી અને હુમલાની બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે, ગત 13 નવેમ્બર 2024ના રોજ રાણાએ પ્રત્યાર્પણના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો, જોકે ગત 21 જાન્યુઆરીએ અમેરિકન સુપ્રીમ કોર્ટે તેની અરજીને ફગાવીને તેને ભારત મોકલવાનો રસ્તો સાફ કરી દીધો હતો. તે આ પહેલાં સાન-ફ્રાન્સિસ્કોની કોર્ટમાં પણ ગયો હતો, પરંતુ ત્યાંથી પણ તેને અસફળતા મળી હતી. અમેરિકાનું માનવું છે કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે.

    મુંબઈ પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટ અનુસાર, તહવ્વુર રાણા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને તે મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરીન હુમલા માટે તૈયારી કરાવી રહ્યો હતો. આ માટે તે મુંબઈ આવ્યો હતો અને તેણે આતંકવાદીઓ માટે મુંબઈમાં રેકી કરી હતી. આતંકવાદીઓ ક્યાં ઉતરશે, ક્યાં છુપાશે, ક્યાંથી ક્યા જઈ શકશે તે તમામ બાબતોની માહિતી રાણાએ જ ભેગી કરી હતી.

    ત્યારબાદ 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસી ગયા હતા અને 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની પર ભીષણ હુમલો કર્યો હતો. હુમલામાં 166 લોકો માર્યા ગયા અને 300 ઘાયલ થયા હતા. હુમલા સમયે મુંબઈ પોલીસે 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જયારે અજમલ ક્સાબ જીવતો ઝડપાઈ ગયો હતો. વર્ષ 2012માં તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો.

    2009માં રાણાની અમેરિકાના શિકાગો શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાની નેટવર્ક સાથેના તેના તાર જોડાયેલા હોવાના મામલે FBIએ તેની ધરપકડ કરી હતી.  રાણા પર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. પુરાવા મુજબ, રાણા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે.