26/11 મુંબઈ હુમલામાં (Mumbai Terror Attack) સામેલ તહવ્વુર રાણાને (Tahavvur Rana) નજીકના સમયમાં જ ભારત (India) લાવવામાં આવી શકે છે. અમેરિકાની એક કોર્ટે (American Court) રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપી દીધો છે. ભારત માટે આ એક મોટી જીત સમાન છે. રાણા પાકિસ્તાની મૂળનો કથિત કેનેડિયન બિઝનેસમેન છે. ભારતીય તપાસ એજન્સી (NIA) 2008માં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) દ્વારા કરવામાં આવેલા 26/11ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ જણાવ્યું કે રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નોંધનીય છે કે મુંબઈ હુમલાની 405 પાનાની ચાર્જશીટમાં રાણાના નામનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. જે અનુસાર રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ચાર્જશીટ મુજબ રાણા હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો. 26/11 2008ના રોજ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા આતંકવાદીઓને ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં મદદ કરી રહ્યો હતો.
26/11 accused Tahawwur Rana set to be extradited to India. @arvindojha gets more details.#news #MumbaiTerrorAttacks #TahawwurRana #India #UnitedStates @snehamordani pic.twitter.com/mPxfLnazRp
— IndiaToday (@IndiaToday) January 1, 2025
અહેવાલ અનુસાર ડિપ્લોમેટિક માધ્યમથી રાણાને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તહવ્વુર રાણાએ તેને ભારતને સોંપવામાં ન આવે તે માટે તેણે યુએસ કોર્ટમાં હેબિયસ કોર્પસ એટલે કે બંદીપ્રત્યક્ષીકરણની અરજી કરી હતી. જોકે, લોસ એન્જલસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ભારતે જે આરોપોના આધારે તહવ્વુરના પ્રત્યાર્પણની માંગ કરી છે તેના પર વિચાર કરીને તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી શકાય છે.
15 ઓગસ્ટ 2024ના રોજ દાખલ કરેલી તહવ્વુરની આ અરજી યુએસ કોર્ટે ફગાવી દીધી હતી. નોંધનીય છે કે 2009માં રાણાની અમેરિકાના શિકાગો શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાની નેટવર્ક સાથેના તેના તાર જોડાયેલા હોવાના મામલે FBIએ તેની ધરપકડ કરી હતી. રાણા પર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. પુરાવા મુજબ રાણા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે.