Tuesday, March 31, 2026
More
    હોમપેજદુનિયાએક સમયે રશિયામાં 'કટ્ટરવાદી પુસ્તક' ગણાવી બેનની થઈ હતી માંગ, પીએમ મોદીએ...

    એક સમયે રશિયામાં ‘કટ્ટરવાદી પુસ્તક’ ગણાવી બેનની થઈ હતી માંગ, પીએમ મોદીએ એ જ ભગવદ્ ગીતા પુતિનને આપી ભેટ- વાંચો શું હતો વિવાદ?

    2011માં આવેલ સંકટ રશિયન કોર્ટના ચુકાદા અને ત્યારબાદ નેતાઓના સકારાત્મક આદાન-પ્રદાનને કારણે દૂર થયું હતું. હવે તાજેતરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ધાર્મિક સ્વતંત્રતા અને આંતર-સાંસ્કૃતિક સમજણ એ મજબૂત આંતરરાષ્ટ્રીય સંબંધોનો પાયો છે.

    - Advertisement -

    રશિયન રાષ્ટ્રપતિ પુતિન બે દિવસીય ભારતની યાત્રા પર છે. દરમિયાન તેમના સ્વાગત બાદ વડા પ્રધાન મોદીએ તેમને રશિયન ભાષામાં અનુવાદિત એક ભગવદ્ ગીતા ભેટમાં આપી છે, જે ચર્ચાનો વિષય બની છે. કારણ કે તે માત્ર એક પુસ્તક નથી, પરંતુ બંને દેશોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતિક પણ છે. મહત્વની વાત તો એ જ છે કે 2011માં રશિયામાં આ જ ભગવદ્ ગીતાને ‘કટ્ટરવાદી પુસ્તક’ ગણાવીને પ્રતિબંધિત કરવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, પછી કોર્ટે તેને ‘ક્લાસિક ધાર્મિક ગ્રંથ’ તરીકે માન્યતા આપી અને કહ્યું કે તેમાં કોઈ કટ્ટરતાના તત્વો નથી.

    2011માં ભગવદ્ ગીતા પર પ્રતિબંધ મૂકવાની થઈ હતી માંગણી

    ભગવાન શ્રીકૃષ્ણના વિચારો વિશ્વભરમાં ફેલાવતી સંસ્થા ISKCON 1980ના દાયકામાં રશિયામાં પણ પહોંચી હતી. આ જ દરમિયાન 20મી સદીની શરૂઆતમાં ISKCONના સ્થાપક એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે ‘ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ’ નામનું અંગ્રેજી અનુવાદ અને ભાષ્ય લખ્યું હતું. આ પુસ્તકમાં મૂળ સંસ્કૃત શ્લોકો સાથે પ્રભુપાદની વ્યાખ્યા છે, જે વૈષ્ણવ વૈદિક પરંપરા પર આધારિત છે.

    જૂન 2011માં રશિયાના સાયબિરીયાના એક દૂરના શહેર ટોમ્સ્કમાં સ્થાનિક સ્ટેટ પ્રોસિક્યુટરે અદાલતમાં અરજી દાખલ કરી હતી. જેમાં આ પુસ્તકને ‘કટ્ટરપંથી સાહિત્ય’ (extremist literature) જાહેર કરવાની માગણી કરતી હતી. સ્ટેટ પ્રોસિક્યુટરે આ પુસ્તક પર આરોપ મૂકવા માટે રશિયાના ફેડરલ લૉ નંબર 114-એફઝેડનો (‘અતિવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા પરનો કાયદો’ – Federal Law on Counteracting Extremist Activity) આધાર લીધો હતો.

    - Advertisement -

    આ કાયદા હેઠળ પુસ્તકને કટ્ટરપંથી જાહેર કરીને તેને ’ફેડરલ લિસ્ટ ઑફ એક્સ્ટ્રેમિસ્ટ મટિરિયલ્સ’માં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી. 2002માં રશિયાએ આ લિસ્ટ બનાવ્યું હતું, જેમાં હિટલરનું ‘માઇન કામ્ફ’ અને જેહોવાહ વિટનેસ જેવા ગ્રુપ્સના પુસ્તકો સામેલ છે. નોંધનીય છે કે આ વિવાદનું મૂળ પુસ્તકના મૂળ સંસ્કૃત શ્લોકોમાં નહીં, પરંતુ પ્રભુપાદના રશિયન ભાષ્યમાં (Commentary) રહેલું હતું.

    આ કેસ ટોમ્સ્ક સ્ટેટ યુનિવર્સિટીના એક્સપર્ટસ દ્વારા તૈયાર કરાયેલા મૂલ્યાંકનના આધારે કરવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખ હતો કે આ ભાષ્યમાં ‘સોશિયલ ડિસ્કોર્ડ’ના તત્વો છે જે ‘ધાર્મિક, સામાજિક અને વંશીય અસહિષ્ણુતાને ઉત્તેજન’ આપે છે અને ‘અન્ય ધર્મો પ્રત્યે દ્વેષ ફેલાવે’ છે. ઉલ્લેખનીય છે કે ISKCON સમુદાય રશિયામાં એક નોંધપાત્ર ધાર્મિક લઘુમતી છે. રશિયામાં ઇસ્કોનના મોટા અનુયાયીઓ છે, જેમાં 50,000થી વધુ સક્રિય ભક્તો છે. ઇસ્કોનના રશિયામાં 100થી વધુ નોંધાયેલા સમુદાયો છે અને ડઝનેક રશિયન શહેરોમાં 31 સંલગ્ન કેન્દ્રો છે.

    કહેવાય છે કે આ વિવાદના મૂળમાં રશિયન ઓર્થોડોક્સ ચર્ચની ભૂમિકા હતી. ISKCON એક પરોપકારી સંસ્થા તરીકે દાયકાઓથી વિશ્વભરમાં કામ કરે છે, રશિયા પણ તેમાંથી બાકાત નથી. તેથી તેના સેવાકાર્યોના કારણે ઓર્થોડોક્સ ચર્ચનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો. આ સિવાય ટોમ્સ્ક સ્ટેટ યુનિવર્સિટીના એક્સપર્ટ્સના મૂલ્યાંકનમાં ઇન્ડોલોજિસ્ટ્સની ઉણપ હતી, જેના કારણે તપાસને નિષ્પક્ષ નહોતી ગણાતી.

    ભારતીય અને વૈશ્વિક પ્રતિક્રિયા

    આ ઘટના સામે આવ્યા બાદ ISKCONને વૈશ્વિક સમર્થન મેળવવા માટે ‘સેવ ધ ભગવદ્ ગીતા’ કેમ્પેઈન શરૂ કર્યું હતું. જેને વિશ્વમાંથી અને રશિયામાં ISKCONના અનુયાયીઓ દ્વારા પણ સમર્થન મળ્યું હતું. બીજી તરફ આ ઘટનાનો ભારતમાં પણ વ્યાપક વિરોધ થયો હતો. વધતા વિરોધના પગલે ભારત સરકારે વિવાદમાં હસ્ત્કક્ષેપ કર્યો હતો.

    તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘ અને વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાએ રશિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાએ નવી દિલ્હીમાં રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર કદકિન સાથે બે વાર વાત કરી હતી અને જણાવ્યું હતું કે રશિયન સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવી જોઈએ.

    આ મામલો એટલો ગંભીર હતો કે તેના પડઘા ભારતીય સંસદમાં પણ પડ્યા હતા. સંસદમાં બધા પક્ષોના નેતાઓએ એકઠા થઈને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો, જેમાં આ કેસને ‘ભારતીય સંસ્કૃતિ પર હુમલો’ ગણાવવામાં આવ્યો હતો.

    કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટનો અંતિમ ચુકાદો

    કેસ જૂન 2011માં ટોમ્સ્ક કોર્ટમાં શરૂ થયો હતો. પ્રોસિક્યુટરોની તરફથી એવી દલીલો કરવામાં આવી કે ભાષ્યમાં કૃષ્ણને ‘સુપીરિયર’ ગણાવીને અન્ય ધર્મોને નીચા બતાવાયા છે, જે રશિયન કાયદા વિરુદ્ધ છે. ISKCONના વકીલ અલેક્સાન્ડર શાખોવે જવાબ આપ્યો કે આ વ્યાખ્યા વૈદિક પરંપરા પર આધારિત છે અને તેમાં કોઈ નફરતના તત્વો નથી. તેમણે દલીલ કરી કે ગીતા શાંતિ અને સમાનતાનો સંદેશ આપે છે.

    એક તરફ કોર્ટમાં ટ્રાયલ ચાલુ હતી તો બીજી તરફ આ મામલો વૈશ્વિક રીતે ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો બની ચૂક્યો હતો. આખરે ડિસેમ્બર 2011માં કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યો. 28 ડિસેમ્બર, 2011ના રોજ, ટોમ્સ્કની લેનિન ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેસને રદ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પુસ્તક ભગવદ્ ગીતાના ધાર્મિક શાસ્ત્રના અર્થઘટનમાંથી એક છે અને તેને કટ્ટરપંથી સાહિત્ય માનવા માટે કોઈ નક્કર આધાર નથી.

    આ સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે ભગવદ્ ગીતા એક ઉત્તમ ધાર્મિક ગ્રંથ છે અને પ્રભુપાદના ભાષ્ય અને સમજૂતીઓ ધરાવતી આ વિશેષ આવૃત્તિ ધાર્મિક અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આવે છે, જેમાં કોઈ કટ્ટરપંથી તત્વો નથી. આ ઘટનાના વિરોધમાં હચમચી ઉઠેલી ભારતીય સંસદે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

    આ નિર્ણયની પ્રશંસા કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમને એ જાણીને આનંદ થયો કે રશિયન ફેડરેશનના ટોમ્સ્કમાં આવેલી અદાલતે ભગવદ્ ગીતા એઝ ઈટ ઈઝ સાથે સંબંધિત કાનૂની કેસને ફગાવી દીધો છે. અમે સંવેદનશીલ મુદ્દાના આ સમજદારીભર્યા ઉકેલની પ્રશંસા કરીએ છીએ.”

    આ ઉપરાંત રશિયામાં ભારતીય રાજદૂત અજય મલ્હોત્રાએ પણ આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, “આખરે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.” આ કેસ જૂન મહિનાથી ટોમ્સ્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હતો. ઇસ્કોન ગ્લોબલ ચીફ ભક્તિ વિજ્ઞાન ગોસ્વામીએ કોર્ટ, ભારત અને રશિયન સરકાર, મૉસ્કોમાં ભારતીય દૂતાવાસ, નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ, બંને દેશોના મીડિયા અને વિશ્વભરના તે બધા લોકોનો આભાર માન્યો જેમણે તેમના અધિકારોને જાળવી રાખવા માટે હિંદુ ઝુંબેશને સમર્થન આપ્યું હતું.

    PM મોદી દ્વારા પુતિનને ગીતા ભેટ

    જોકે, તે ઘટનાના 14 વર્ષ બાદ હવે PM મોદીએ ભારતની 2 દિવસીય મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભગવદ્ ગીતાનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો છે. PM મોદીએ પુતિન સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે, “રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં ગીતાની એક નકલ ભેટમાં આપી. ગીતાના ઉપદેશો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.”

    પીએમ મોદીની પોસ્ટનો જવાબ આપતા ISKCONના કોલકાતા પ્રવક્તા રાધારમણ દાસે ઇસ્કોનના સ્થાપક શ્રીલ પ્રભુપાદ દ્વારા લખાયેલ ‘ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ’ શીર્ષકવાળી ભગવદ્ ગીતાની રશિયન આવૃત્તિ રશિયન રાષ્ટ્રપતિને ભેટમાં આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. દાસે વધુમાં જણાવ્યું કે ઇસ્કોને વિશ્વભરમાં 110થી વધુ ભાષાઓમાં ગીતાની 600 મિલિયનથી વધુ નકલોનું વિતરણ કર્યું છે.

    નોંધનીય છે કે આ ભેટ માત્ર એક ઉપહાર નહોતો. તે સાંકેતિક રીતે 2011ના વિવાદ પર સકારાત્મક પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ હતો. મોદીએ આ ભેટ દ્વારા વૈશ્વિક સ્તરે સંદેશ આપ્યો કે જે ગ્રંથ પર ભૂતકાળમાં વિવાદ થયો હતો, તે જ ગ્રંથ હવે ભારતની સંસ્કૃતિના ગૌરવપૂર્ણ પ્રતીક તરીકે રશિયાના સર્વોચ્ચ નેતાને સન્માનપૂર્વક ભેટમાં આપવામાં આવે છે. ભગવદ્ ગીતા વિવાદ અને મોદી દ્વારા પુતિનને ગીતા ભેટ આપવાની આખી ઘટના દર્શાવે છે કે ભારત અને રશિયાની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિમાણ કેટલું ઊંડું છે.

    2011માં આવેલ સંકટ રશિયન કોર્ટના ચુકાદા અને ત્યારબાદ નેતાઓના સકારાત્મક આદાન-પ્રદાનને કારણે દૂર થયું હતું. હવે તાજેતરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ધાર્મિક સ્વતંત્રતા અને આંતર-સાંસ્કૃતિક સમજણ એ મજબૂત આંતરરાષ્ટ્રીય સંબંધોનો પાયો છે. આજે પુતિનને મળેલી ગીતાની રશિયન આવૃત્તિ માત્ર એક ભૌતિક વસ્તુ નથી, પરંતુ તે બંને દેશો વચ્ચેના પરસ્પર આદર અને સમયની કસોટી પર ખરી ઉતરેલી મૈત્રીની એક શાશ્વત નિશાની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં