તાજેતરમાં ગુજરાત સરકારના આદેશ પર દેવભૂમિ દ્વારકામાં (Dwarka) મેગા ડિમોલિશન ડ્રાઈવ (Mega Demolition Drive) પૂર્ણ કરવામાં આવી છે. જે હેઠળ પવિત્ર યાત્રાધામમાં ગેરકાયદે તાણી બંધાયેલા મઝહબી બાંધકામોને પણ ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ મામલો તરત જ હાઇકોર્ટ પહોંચી ગયો હતો અને ખાસ કરીને મઝહબી બાંધકામોને તોડવા પર રોક લગાવવાની માંગ સાથે અરજી પણ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન 22 જાન્યુઆરીએ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પરંતુ ત્યારથી ‘વક્ફ બાય યુઝર’ની (Waqf by user) જોગવાઈ ચર્ચામાં આવી છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી ‘વક્ફ બાય યુઝર’નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બાંધકામ વક્ફની માલિકીનું હોવાની દલીલ કરતા અરજદારના વકીલે કોર્ટને કહ્યું હતું કે, બૉમ્બે પ્રોવિઝન ટ્રસ્ટ એક્ટ હેઠળ જે ‘વક્ફ બાય યુઝર’ની વ્યાખ્યા આપવામાં આવી છે, તે આ સંપત્તિના ઉપયોગમાં પણ બંધબેસે છે. તેમણે કહ્યું હતું કે, દ્વારકાની તે સંપત્તિ કબ્રસ્તાન હોવાથી પાક ગણાય છે અને મઝહબી પણ. તેમણે આગળ દલીલ કરી કે, કોર્ટના આદેશ અનુસાર, જો કોઈ સંપત્તિ રેવન્યુ રેકર્ડમાં કબ્રસ્તાન તરીકે નોંધાયેલી હોય અને સરકાર દ્વારા જાળવણી કરવામાં આવતી હોય તો આ પ્રકારની સંપત્તિને ‘વક્ફ બાય યુઝર’ કહેવામાં આવશે અને તેને પણ વક્ફ એક્ટ હેઠળ જ સંરક્ષણ પ્રાપ્ત થશે.
તેમણે આગળ કહ્યું કે, આ બાંધકામો વ્યક્તિગત હતાં કે મઝહબી એ તપાસનો વિષય છે અને જો યોગ્ય પ્રક્રિયાના પાલન વગર તેને તોડી પાડવામાં આવે તો એ અરજદાર પ્રત્યે પૂર્વગ્રહ કહેવાશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કબ્રસ્તાનને સ્પર્શ પણ નથી કરવાના, બસ ગેરકાયદે બાંધકામો તોડવા જઈ રહ્યા છે. પરંતુ, આ દલીલ બાદ હવે ‘વક્ફ બાય યુઝર’ જોગવાઈ ચર્ચાનો વિષય બની છે. આપણે આ રિપોર્ટમાં તેને સમજવાનો પ્રયાસ કરીશું.
શું છે ‘વક્ફ બાય યુઝર’?
વક્ફ એક્ટની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ ‘વક્ફ બાય યુઝર’ ગણવામાં આવે છે. આ જોગવાઈને વક્ફ સંપત્તિના વિવાદિત કબજાને કાયદેસર ગણાવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. હિંદુ સંગઠનો અને ભાજપે અનેક વખત આ જોગવાઈને હટાવવા માટેની માંગણી કરી હતી. વારંવાર એવા આરોપ લાગ્યા હતા કે, આ જોગવાઈનો ઉપયોગ કરીને સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓ પર વક્ફ બોર્ડ કબજો કરી લે છે. આ જોગવાઈ હંમેશાથી વિવાદનું કારણ બની રહી છે. આપણે ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈને વિગતે સમજવા માટેનો પ્રયાસ કરીશું.
‘વક્ફ બાય યુઝર’ એક એવી જોગવાઈ છે, જેના દ્વારા કોઈપણ સંપત્તિને ઔપચારિક ઘોષણા કે દસ્તાવેજી પુરાવા વગર જ માત્ર તેના ઉપયોગના આધારે વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો, જો કોઈ સ્થળ પર લાંબા સમયથી મુસ્લિમ સમુદાય દ્વારા મઝહબી ગતિવિધિઓ કરવામાં આવતી હોય તો તેને ‘વક્ફ બાય યુઝર’ હેઠળ વક્ફ સંપત્તિ ઘોષિત કરી શકાય છે. દ્વારકાના કેસમાં પણ આવું જ થયું છે. આજે દ્વારકામાં જ્યાં કબ્રસ્તાન છે તે જમીનને સરકારી અને બાદમાં ગૌચરની જમીન ગણાવવામાં આવી છે, પરંતુ ‘વક્ફ બાય યુઝર’ના આધારે તેને વક્ફ સંપત્તિ કહેવામાં આવી રહી છે.
આ જોગવાઈ વિવાદાસ્પદ એટલા માટે છે, કારણ કે તેના દ્વારા કોઈપણ આધાર-પુરાવા વગર જ સંપત્તિઓ પર દાવો કરી દેવામાં આવે છે. જેના કારણે સંપત્તિના માલિકોના અધિકારોનું હનન થાય છે અને કાનૂની વિવાદ પણ ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે, આ જોગવાઈને લઈને હિંદુ સમુદાય અને ભાજપ વર્ષોથી તેને હટાવવા માટેની માંગણી કરી રહ્યા છે.
વક્ફ અને ‘વક્ફ બાય યુઝર’માં શું છે તફાવત?
વક્ફ અને ‘વક્ફ બાય યુઝર’ની વ્યાખ્યા એકબીજાથી તદ્દન વિપરીત જોવા મળે છે. PIB રિપોર્ટ અને ઇસ્લામી માન્યતા અનુસાર, વક્ફનો અર્થ થાય છે, કોઈપણ મુસ્લિમ વ્યક્તિ દ્વારા પોતાની ચલ કે અચલ સંપત્તિને મઝહબી હેતુ માટે અલ્લાહને સમર્પિત કરવી. એક રીતે ‘અલ્લાહને’ સમર્પિત કરવામાં આવેલી સંપત્તિને ‘વક્ફ’ કહેવામાં આવે છે. તેનો શાબ્દિક અર્થ ‘દાન’ પણ થઈ શકે છે. વક્ફ દ્વારા થતી આવક પણ સમાજ કલ્યાણમાં લગાવવામાં આવે છે. વક્ફની સ્થાપના માટે ઔપચારિક ઘોષણા અને કાનૂની દસ્તાવેજની જરૂર પડે છે.
બીજી તરફ ‘વક્ફ બાય યુઝર’ની વ્યાખ્યા તદ્દન ભિન્ન છે. ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈ અનુસાર, કોઈપણ સંપત્તિને માત્ર તેના ઉપયોગના આધારે વક્ફ સંપત્તિ માની લેવામાં આવે છે, ભલે પછી તેની કોઈ ઔપચારિક ઘોષણા કે કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય. આ જોગવાઈ સંપત્તિ માલિકોના અધિકારીઓનું હનન અને વિવાદનું કારણ બની શકે છે. કોઈપણ આધાર-પુરાવા વગર માત્ર વપરાશના આધારે કોઈપણ સંપત્તિને વક્ફ ઘોષિત કરવાની સત્તા આ જોગવાઈમાં રહેલી છે.
શા માટે વાંધાજનક છે આ જોગવાઈ?
‘વક્ફ બાય યુઝર’ જોગવાઈના કારણે ઘણી વખત ધાર્મિક, સાર્વજનિક અથવા તો ખાનગી સંપત્તિઓ પર કોઈ કાનૂની પ્રક્રિયા વગર જ વક્ફ બોર્ડ દાવો ઠોકી બેસે છે. જેના કારણે સંપત્તિના જે-તે માલિકના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે. આ જોગવાઈના દુરુપયોગના કારણે તેને હટાવવા માટેની માંગણી કરવામાં આવતી રહેતી હતી. જોકે, ઘણા મુસ્લિમ નેતાઓ ‘વક્ફ બાય યુઝર’નું સમર્થન પણ કરી રહ્યા છે. પરંતુ એકંદરે જોવા જઈએ તો તે વિવાદનું સૌથી મોટું કારણ છે અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન પણ છે.
આ બધા કારણોને લઈને ‘વક્ફ બાય યુઝર’ જોગવાઈનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ JPCની બેઠકમાં યોગી સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં 78% વક્ફ સંપત્તિ સરકારી જમીન પર છે. આ સાથે જ એવું પણ કહેવાયું હતું કે, યુપીમાં 95% વક્ફ સંપત્તિઓ ‘વક્ફ બાય યુઝર’ હેઠળ આવી ગઈ છે. જેના રેકોર્ડ પણ યુપી સરકાર પાસે ઉપલબ્ધ છે.
નવા સંશોધનમાં ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈનો થશે અંત
અહીં એ પણ નોંધવા જેવું છે કે, કેન્દ્ર સરકાર વક્ફ સંશોધન બિલ-2024માં ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈને હટાવી રહી છે. જેના કારણે ઘણા મુસ્લિમ નેતાઓ પણ વિરોધમાં ઉતરી આવ્યા છે. AIMIM નેતા અસદુદ્દીન ઔવેસીએ પણ તે જોગવાઈને હટાવવાનો વિરોધ કર્યો છે. નવું સંશોધન બિલ જો બંને ગૃહમાં પસાર થશે તો તેને કાયદાનો દરજ્જો મળી જશે. જેના કારણે ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈ પણ સમાપ્ત થઈ જશે. ત્યારબાદ કોઈપણ સંપત્તિ પર તેના ઉપયોગના આધારે વક્ફ બોર્ડ દાવો ઠોકી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, વક્ફ સંશોધન બિલની જાહેરાત થયા બાદથી જ એક આખો વર્ગ તેના વિરોધમાં ઉતરી આવ્યો છે. પરંતુ તેમ છતાં સરકાર તે બિલને પસાર કરવા માટે પ્રતિબદ્ધ છે. હરિયાણા ચૂંટણી સમયે ગૃહમંત્રી અમિત શાહે પણ ‘વક્ફ કાયદા’ને ઠીક કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હાલ વક્ફ બોર્ડ સંશોધન બિલ પર ગઠિત સંયુક્ત સંસદીય સમિતિની (JPC) ટીમ અનેક રાજ્યોમાં જઈને વક્ફ સંશોધનને લઈને વિવિધ ચર્ચાઓ કરી રહી છે.