ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પાટનગર લખનૌમાં મંગળવારે (21 જાન્યુઆરી, 2025) વક્ફ બોર્ડ સંશોધન બિલ પર ગઠિત સંયુક્ત સંસદીય સમિતિની (JPC) એક બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્ય સરકારે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં વક્ફ બોર્ડે દાવો કરેલી જમીનમાંથી 78% જમીન વાસ્તવમાં સરકારની માલિકીની છે. સરકાર તરફે માહિતી આપવામાં આવી કે વક્ફની આ જમીન પર કોઈ જ કાયદેસરની માલિકી કે હક નથી.
નોંધનીય છે કે આ બેઠક JPC અધ્યક્ષ જગદંબિકા પાલના નેતૃત્વમાં યોજાઈ હતી. બેઠકમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ તથા લઘુમતી આયોગના સભ્યો તેમજ તમામ હિતધારકોએ ભાગ લીધો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ સરકારના લઘુમતી કલ્યાણ આયોગના સચિવ મોનિકા ગર્ગે JPCને માહિતી આપી કે વક્ફબોર્ડ રાજ્યમાં 14 હજાર હેક્ટર જમીન પર દાવો કરી રહ્યું છે, તે પૈકીની મોટાભાગની જમીન સરકારી છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં સચ્ચર કમિટીના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે, વક્ફ બોર્ડ જે સંપત્તિ પર દાવા કરી રહ્યું છે તે સરકારી છે. બીજી તરફ રાજસ્વ વિભાગના અધિકારીઓએ પણ માહિતી આપી હતી કે 58 હજાર સંપત્તિ એવી છે જે રેકોર્ડ મુજબ શ્રેણી 5 અને 6ની છે, આ શ્રેણીમાં આવતી જમીનો સરકારી અને ગ્રામ સભાની જમીનો હોય છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં વક્ફ બોર્ડના રેકોર્ડ પર કુલ 1.30 લાખ સંપત્તિઓ નોંધાયેલી છે. વિભાગના જણાવ્યા અનુસાર બલરામપુર હોસ્પિટલ, આવાસ વિકાસ તેમજ LDA સહિત તમામ વિકાસ પ્રાધિકરણોની જમીનો સહિત વક્ફ બોર્ડ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની (ASI) જગ્યા પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે. આ તમામ જમીનો અને સંપત્તિઓ વાસ્તવમાં સરકારી છે.