Saturday, February 1, 2025
More
    હોમપેજગુજરાતદ્વારકાનાં મઝહબી માળખાંને બુલડોઝરથી બચાવવા હાઇકોર્ટમાં અરજી, સુનાવણી બાદ ચુકાદો અનામત રખાયો:...

    દ્વારકાનાં મઝહબી માળખાંને બુલડોઝરથી બચાવવા હાઇકોર્ટમાં અરજી, સુનાવણી બાદ ચુકાદો અનામત રખાયો: સરકારે કહ્યું- ડ્રગ્સ-વિસ્ફોટકોની તસ્કરી માટે થતો હતો અમુકનો ઉપયોગ

    રાજ્ય સરકારે મઝહબી માળખાંના ડિમોલિશન કરવા પર રોક લગાવતો વચગાળાનો આદેશ હટાવી લેવાની માંગ કરી હતી અને સાથે કારણ પણ જણાવ્યું હતું. સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, અમુક ઢાંચાનો ઉપયોગ ડ્રગ્સ અને વિસ્ફોટકોની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

    - Advertisement -

    ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) બુધવારે (22 જાન્યુઆરી) બેટ દ્વારકામાં ચાલતી રાજ્ય સરકારની ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન અમુક મઝહબી માળખાંને તૂટતાં બચાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. ત્યાં સુધીમાં બાંધકામોની યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારે બીજી તરફ આ સ્ટે હટાવી લેવા માટે માંગ કરી છે અને જણાવ્યું છે કે આમાંથી અમુક બાંધકામોનો ઉપયોગ વિસ્ફોટકોના સંગ્રહ માટે પણ કરવામાં આવતો હતો અને તે ગેરકાયદેસર હોવાથી હટાવવાં જરૂરી છે. હાઇકોર્ટ હવે આગામી સુનાવણીમાં ચુકાદો આપશે.

    વિગતવાર સમજીએ કે આ કેસ શું છે અને હાઇકોર્ટમાં શું-શું સુનાવણીઓ ચાલી રહી છે.

    થોડા દિવસ પહેલાં ગુજરાત સરકારના આદેશથી દ્વારકા જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા બેટ દ્વારકાના અમુક વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો તરત હાઇકોર્ટ પહોંચી ગયો હતો અને ખાસ કરીને મઝહબી બાંધકામોને તોડવા પર રોક લગાવવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે પછીથી રાજ્ય સરકારને એક નોટિસ પાઠવીને કામચલાઉ ધોરણે જે-તે મઝહબી બાંધકામના ડિમોલિશન પર રોક લગાવી દીધી હતી. આ મામલે ત્યારથી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

    - Advertisement -

    અરજદાર તરફથી શું દલીલો આપવામાં આવી?

    22 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં અરજદાર વતી હાજર રહેલા વકીલે ફરીથી જે-તે જમીન વક્ફની હોવાનો દાવો કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે પ્રશાસન દ્વારા જારી કરવામાં નોટિસમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ તે અસ્પષ્ટ છે અને ઘણી વિગતોનો અભાવ જોવા મળે છે. એવી પણ દલીલો કરવામાં આવી કે નોટિસો ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 185ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવી નથી.

    આ ઉપરાંત અરજદારના વકીલે બાંધકામોના ડિમોલિશનને લઈને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો હવાલો આપતાં કહ્યું કે, આ બાંધકામો મઝહબી છે જેની સાથે એક સમુદાયની લાગણીઓ જોડાયેલી છે. તેમણે આપેલી જાણકારી અનુસાર, આ માળખાં પીર કી દરગાહ અને મદરેસા છે જ્યાં બાળકોને દીની શિક્ષણ આપવામાં આવે છે. આ સિવાય વકીલે કહ્યું હતું કે, જે-તે જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે પણ કરવામાં આવે છે. આગળ જણાવવામાં આવ્યા અનુસાર, તેનું સંચાલન બેથ ભાડેલા મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવે છે, જે ટ્રસ્ટ એક્ટ દ્વારા સંચાલિત છે. આ ટ્રસ્ટની નોંધણી 16 મે, 1953ના રોજ પીટીઆર (પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન)માં કરવામાં આવી હતી તેવી તેમની દલીલ છે. ત્યારબાદ વકીલે દલીલ કરી કે અમુક સરવે નંબરો, જે મહેસૂલ રેકર્ડમાં જોવા મળતા નથી પણ કબ્રસ્તાનનો ભાગ છે, તેની તપાસ કરવી જોઈએ અને આ કામ પ્રશાસનનું છે.

    સંપત્તિ ‘વક્ફ બાય યુઝર’ હોવાની દલીલ

    બાંધકામ વક્ફની માલિકીનું હોવાની દલીલ કરતાં અરજદારના વકીલે કોર્ટને કહ્યું એક, બૉમ્બે પ્રોવિઝન ટ્રસ્ટ એક્ટ હેઠળ જે ‘વક્ફ બાય યુઝર’ની વ્યાખ્યા આપવામાં આવી છે તે આ સંપત્તિના ઉપયોગમાં બંધબેસે છે. તેમણે કહ્યું કે, સંપત્તિ કબ્રસ્તાન હોવાથી પાક ગણાય છે અને જેથી મઝહબી પણ. ઉપરાંત, તેમણે આમાં વક્ફ એક્ટની કલમ 40, 83 અને 85નો પણ સંદર્ભ ટાંક્યો હતો. કલમ 40 બોર્ડને એ નક્કી કરવાની સત્તા આપે છે કે સંપત્તિ વકફ છે કે નહીં. 83માં ટ્રિબ્યુનલની સત્તાઓનો ઉલ્લેખ છે અને કલમ 85 વક્ફના મામલામાં સિવિલ કોર્ટને કોઈ નિર્ણય લેતી અટકાવે છે.

    તેમણે આગળ દલીલ કરી કે, કોર્ટના આદેશ અનુસાર, જો કોઈ સંપત્તિ રેવન્યુ રેકર્ડમાં કબ્રસ્તાન તરીકે નોંધાયેલી હોય અને સરકાર દ્વારા જાળવણી કરવામાં આવતી હોય તો આ પ્રકારની સંપત્તિને ‘વક્ફ બાય યુઝર’ કહેવામાં આવશે અને તેને પણ વક્ફ એક્ટ હેઠળ જ સંરક્ષણ પ્રાપ્ત થશે. તેમણે આગળ કહ્યું કે, આ બાંધકામો વ્યક્તિગત હતાં કે મઝહબી એ તપાસનો વિષય છે અને જો યોગ્ય પ્રક્રિયાના પાલન વગર તેને તોડી પાડવામાં આવે તો એ અરજદાર પ્રત્યે પૂર્વગ્રહ કહેવાશે. 

    તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે, ડિમોલિશનનો આદેશ પૂર્વગ્રહયુક્ત છે, કારણ કે કોઈ તપાસ વગર, પૂરતી વિગતોવાળી નોટિસ વગર કે જમીન વક્ફ મિલકત છે, સરકરી મિલકત છે તેની જાણકારી મેળવ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે. 

    આ મામલે કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “તેઓ (સરકાર) વિવાદ કરી રહ્યા નથી. તેઓ કહે છે કે આ એક કબ્રસ્તાન છે, જે રાજ્ય સરકારની મિલકત છે અને કબ્રસ્તાનના ઉપયોગ માટે આપવામાં આવી છે. તેમને નિસબત ફક્ત જે સુપર-સ્ટ્રક્ચર્સ સાથે છે. તેઓ કબ્રસ્તાનની વિરુદ્ધ નથી અને જો સરકાર દ્વારા જમીન આપવામાં આવી હોય અને કબ્રસ્તાન તરીકે જ તેનો ઉપયોગ થઈ રહ્યો હોય તો આ કોર્ટ પણ અરજીનો વ્યાપ વધારવા માંગતી નથી. 

    અમે કબ્રસ્તાનને સ્પર્શ પણ કરી રહ્યા નથી, માત્ર ગેરકાયદેસર બાંધકામ હટાવાશે: સરકારી વકીલ

    આ મામલે સરકારી વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે, સરકાર કબરોને નથી હટાવી રહી પરંતુ ત્યાં જે ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યાં છે તેને જ હટાવી રહી છે. તેમણે જમીન અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે 1950માં જમીન સરકારી પડતર જમીન તરીકે નોંધાઈ હતી અને મહેસૂલ રેકોર્ડ મુજબ 1955માં આ જમીન ગૌચર જમીન તરીકે નોંધાઈ હતી.

    ‘વક્ફ બાય યુઝર’ના પ્રશ્નને લઈને સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે હાલ આ તપાસના વિષયમાં જ આવતું નથી, કારણ કે સરકાર કબ્રસ્તાન હટાવી રહી નથી. જો સરકાર કબ્રસ્તાનનું સ્ટેટસ બદલવાની હોય કે કબરો હટાવવા કોઈ કાર્યવાહી કરી રહી હોય તો આ પ્રશ્ન આવીને ઉભો રહે છે કે તે વક્ફ બાય યુઝર છે કે નહીં, પણ આ કેસમાં માત્ર જમીન પર બનેલાં ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવી રહ્યાં છે.

    તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, દલીલ માત્ર બાંધકામો હટાવવાને લગતી છે અને કબ્રસ્તાનમાં પાક જે-તે કબર હોય છે, તેની આસપાસનાં બાંધકામો નહીં. સરકાર કબર હટાવી નથી રહી પણ આસપાસ જે નવું બાંધકામ બની ગયું છે તેને હટાવવાનો પ્રસ્તાવ છે. ‘વક્ફ બાય યુઝર’ના કિસ્સામાં તેમણે દલીલ કરતાં કહ્યું કે, આ તર્ક હોય તો પછી ચેરિટી કમિશનર કે વક્ફ બોર્ડ સમક્ષ આવેદન આપીને સરવે નંબર સામેલ કરવા માટે આવેદન આપવામાં આવ્યું હોવું જોઈએ અને છેલ્લાં 20 વર્ષથી આવું કશું બન્યું નથી. 

    તેમણે આગળ કહ્યું કે, સરકારની દલીલોને માત્ર 1989ના સરકારી આદેશના આધાર પર પડકારવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જમીનને કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવા માટે પરવાનગી આપવામાં આવે છે. પણ તેનો અર્થ એ નથી કે કોઈ તેની ઉપર કોઈ પણ બાંધકામ કરી દે અને જો બાંધકામ કરવામાં આવે તો તેને ‘વક્ફ’ માની શકાય નહીં. 

    બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. દરમ્યાન બાંધકામ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો જે વચગાળાનો આદેશ છે, એ યથાવત રહેશે.

    મઝહબી માળખાંનો ડ્રગ્સ અને વિસ્ફોટકોની દાણચોરી માટે ઉપયોગ: સરકાર

    આ પહેલાંની સુનાવણીમાં રાજ્ય સરકારે મઝહબી માળખાંના ડિમોલિશન કરવા પર રોક લગાવતો વચગાળાનો આદેશ હટાવી લેવાની માંગ કરી હતી અને સાથે કારણ પણ જણાવ્યું હતું. સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, અમુક ઢાંચાનો ઉપયોગ ડ્રગ્સ અને વિસ્ફોટકોની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત, આ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થઇ ચૂક્યા છે અને કેટલીક દરગાહોમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ જાણવા મળ્યું હતું.

    સરકારી વકીલે જણાવ્યું હતું કે, વિવાદિત બાંધકામો સિવાય બાકીનાં તમામ ગેરકાયદસર માળખાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. સાથે સામેના પક્ષની અરજી પર કહેવામાં આવ્યું કે તે કોર્ટને ગેરમાર્ગે દોરવા સિવાય બીજું કશું જ નથી. આગળ જણાવવામાં આવ્યું કે, જે સ્ટ્રક્ચરનો પ્રશ્ન કોર્ટમાં ઉપસ્થિત છે તેમાંથી અમુકમાં માદક પદાર્થોની તસ્કરી કરવામાં આવી હોય કે વિસ્ફોટકોની તસ્કરી કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં બૉમ્બ વિસ્ફોટ થઈ ચૂક્યા છે અને અમુક દરગાહના મુંજાવરોએ તેનો સંગ્રહ કર્યો હોવાનું પણ ખુલ્યું હતું. 

    આ સાથે જમીન વક્ફની નહીં પરંતુ ગૌચર ભૂમિ હોવાની પણ દલીલ રજૂ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર પરથી જાણવા મળે છે કે જે સંપત્તિનો પ્રશ્ન છે એ વક્ફ સંપત્તિ છે જ નહીં. આગળ જણાવવામાં આવ્યું કે, એક અરજીમાં આ ગૌચરની ભૂમિ છે અને બીજીમાં કબ્રસ્તાન છે. કબ્રસ્તાન પર કોઈ બાંધકામ થઈ શકે નહીં. આ સાથે IBના માધ્યમથી રેકર્ડ પર મૂકવામાં આવેલી સેટેલાઇટ તસ્વીરો પણ કોર્ટને બતાવવામાં આવી, જેમાં બાંધકામો જોવા મળે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં