દિવાળીની ઉજવણીના ઉત્સાહ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદનું કાળું વાદળ મંડરાઈ રહ્યું હતું. પરંતુ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સમયસરની કાર્યવાહીથી આ ષડ્યંત્રને નિષ્ફળ બનાવી દીધું. 24 ઑક્ટોબર, 2025ના રોજ પોલીસે બે ISIS સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેઓ દિવાળી દરમિયાન દિલ્હીમાં IED આધારિત ‘ફિદાયીન’ હુમલાની યોજના ઘડી રહ્યા હતા. આતંકીઓની ઓળખ મોહમ્મદ અદનાન ખાન ઉર્ફે અબુ મુહરિબ અને અદનાન ખાન ઉર્ફે અબુ મોહમ્મદ તરીકે થઈ છે. મુહરિબ દિલ્હીમાં રહે છે અને બીજો આતંકી અદનાન મધ્ય પ્રદેશના ભોપાલનો રહેવાસી છે.
પોલીસ ઑપરેશનની શરૂઆત 16 ઑક્ટોબરના રોજ થઈ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગુપ્ત માહિતી મળી કે દિલ્હીના સાદિક નગર વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિ ISISના વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં છે. એડિશનલ કમિશનર ઑફ પોલીસ પ્રમોદ કુશવાહાના નેતૃત્વમાં ACP લલિત મોહન નેગીની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી. આ માહિતીના આધારે મોહમ્મદ અદનાન ખાનને સાદિક નગરમાંથી ઝડપી લેવામાં આવ્યો. તેની પૂછપરછમાં ખુલાસો થયો કે તે ભોપાલના બીજા શખ્સ અદનાન ખાન સાથે સંકળાયેલો હતો. દિલ્હી પોલીસે મધ્ય પ્રદેશ ATS સાથે મળીને ભોપાલમાંથી બીજા અદનાનને પણ ઝડપી લીધો.
આ બંને આરોપીઓ પાસેથી પોલીસે મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. આ ઉપકરણોમાંથી ISISના પ્રચાર વિડીયો, બૉમ્બ બનાવવાના મેન્યુઅલ, મોલોટોવ કોકટેલની રેસિપી અને IED માટે વપરાતા વોર્ચ-ટાઇમરની વિગતો મળી હતી. વધુમાં મોહમ્મદ અદનાનના ઘરેથી ISISનો ધ્વજ અને તેના ‘આતંકી શપથ’ દરમિયાન પહેરેલા કપડાં પણ મળી આવ્યા હતા.
દિવાળીના ઉત્સવને લોહિયાળ કરવાનું હતું કાવતરું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આતંકીઓએ ISISના પ્રચારક તરીકે શરૂઆત કરી હતી. તેઓ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેડિકલ વિડીયો બનાવીને અપલોડ કરતા હતા. આ વિડીયો બેન થયા બાદ પણ તેઓ નવા એકાઉન્ટથી ફરીથી પ્રચાર શરૂ કરતા. આ પ્રચારથી પ્રભાવિત થઈને તેમણે ઑપરેશનલ યોજના ઘડી અને દિલ્હીમાં હુમલાની તૈયારીઓ શરૂ કરી. તેમનો મુખ્ય ટાર્ગેટ હતો દિવાળી દરમિયાન દક્ષિણ દિલ્હીના એક જાણીતા શોપિંગ મૉલ અને જાહેર પાર્ક જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં IED આધારિત ફિદાયીન હુમલો કરવાનો.
#WATCH | Delhi Police Special Cell busts an ISIS module with the arrest of two suspected terrorists
— ANI (@ANI) October 24, 2025
Additional CP, Special Cell, Pramod Kumar Kushwaha says, " Two people, including 20-year-old Adnan Khan alias Abu Muharib from Delhi and 21-year-old Adnan Khan from Bhopal, who… pic.twitter.com/7zMqCgi0H3
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાથી મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ શકે તેમ હતા, કારણ કે તહેવારોના સમયે આ વિસ્તારોમાં ભારે ભીડ હોય છે. આતંકીઓએ ISISના નેતા અબુ હફ્સ અલ-હશ્મી અલ-કુરેશી સામે શપથ લીધા હતા અને તેમના મોબાઇલમાંથી આ શપથનો વિડીયો પણ મળી આવ્યો છે. તેમણે હુમલા માટે જરૂરી સાધનો ભેગા કરવાનું શરૂ કર્યું હતું અને ટાર્ગેટ સ્થળોની રેકી પણ કરી લીધી હતી.
ISIS માટે નિષ્ઠાના શપથ અને નવા નામ
માહિતી અનુસાર, તપાસમાં સામે આવ્યું છે કે અદનાન ખાન ઉર્ફે અબુ મુહરિબે આતંકી સંગઠન ISISના શપથ લીધા હતા. આ શપથને ‘Bayah’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં આતંકી સંગઠનના સભ્ય પોતાના ‘ખલીફા’ અથવા કમાન્ડર પ્રત્યે વફાદારીની કસમ ખાય છે. અદનાને ISISનો યુનિફોર્મ પહેરીને આ શપથ લીધા હતા અને તેની એક તસવીર તેણે પોતાના વિદેશી હેન્ડલરને સિરીયા મોકલી હતી. શપથ બાદ તેને નવું કોડનેમ ‘અબુ મુહરિબ’ આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયાથી બન્યો આતંકી
અદનાન સોશિયલ મીડિયાના માધ્યમથી ISISના સંપર્કમાં આવ્યો હતો. તે ધીમે ધીમે કટ્ટરપંથી ઇસ્લામી વિચારધારાથી પ્રભાવિત થવા લાગ્યો. ત્યારબાદ તેણે ઓનલાઈન આતંકીઓ સાથે વાત કરવાની શરૂ કરી અને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં આવ્યો. અદનાનનાં ફોન અને લેપટોપમાંથી ઘણી ખતરનાક ચેટ્સ, ફોટો અને વિડીયો મળ્યા છે. તે સિવાય આતંકીઓ પાસે એક ટાઈમર, એક ISIS ઝંડો અને ઇસ્લામી સાહિત્ય મળી આવ્યું છે. તેમણે ‘વોઇસ ઑફ મુસલમાન’ નામનું એક ગ્રુપ પણ બનાવ્યું હતું.
હવે દિલ્હી પોલીસ સતત અદનાનની પૂછપરછ કરી રહી છે. એજન્સીઓ તે જાણવાના પ્રયાસો કરી રહી છે કે તેમના નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે. મળી આવેલા ડિજિટલ પુરાવાથી હજુ ઘણા શંકાસ્પદોની ઓળખ થઈ શકે એમ છે.
જ્ઞાનવાપીના સરવેનો આદેશ આપનારા ‘કાફિર’ જજને ધમકી
નોંધવા જેવું છે કે અદનાન ખાન ઉર્ફે અબુ મુહરિબની જૂન 2024માં યુપી ATSએ UAPA હેઠળ ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર, 2024માં તેને જામીન પણ આપી દેવાયા હતા. જામીન મળ્યા બાદ તે ફરી ISIS સાથે જોડાયો હતો. આ પહેલાં ઑપઇન્ડિયાએ પોતાના એક્સક્લુઝિવ રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે ISISના એક આતંકી મોહમ્મદ અદનાન ખાન ઉર્ફે અબુ મુહરિબને ઉત્તર પ્રદેશ ATSએ પહેલાં પણ પકડી પાડ્યો હતો. તે 2024થી જામીન પર બહાર હતો. UAPA હેઠળ યુપી ATSએ તેની ધરપકડ કરી હતી.
દિલ્હી સ્પેશ્યલ સેલે પણ કહ્યું છે કે આ આતંકીને પહેલાં પણ UAPA હેઠળ ઝડપી પાડવામાં આવ્યો હતો. 2024માં જામીન મળ્યા બાદ તેણે ફરી આતંકી ગતિવિધિઓ શરૂ કરી દીધી હતી. સ્પેશ્યલ સેલે એવું પણ કહ્યું છે કે મોહમ્મદને સખત કાયદા હેઠળ પકડવામાં આવ્યો હતો, પણ કોર્ટે 2024માં તેને જામીન આપી દીધા હતા. ઑપઇન્ડિયાએ હવે એ કેસ પણ શોધી કાઢ્યો છે, જેમાં યુપી ATSએ આતંકીની ધરપકડ કરી હતી.
ISIS આતંકીએ જ્ઞાનવાપી કેસમાં ‘કાફિર’ જજને મારવાની આપી હતી ધમકી
મોહમ્મદ અદનાનની ધરપકડ 4 જૂન 2024ના રોજ થઈ હતી. તેણે જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલા એક જજને ધમકી આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેણે લખ્યું હતું કે, “THE KAFIRS BLOOD IS HALAL FOR YOU THOSE WHO FIGHT AGAINST YOUR DEEN.” તસવીરમાં જજની આંખોની ઉપર લાલ રંગે ‘KAFIR’ પણ લખવામાં આવ્યું હતું.
FIR અનુસાર, મોહમ્મદ અદનાને બરેલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ફાસ્ટ ટ્રેક કોર્ટ) રવિ કુમાર દિવાકરનો ફોટો શેર કર્યો હતો, જેમણે 2022માં વિવાદિત જ્ઞાનવાપી ઢાંચાના વીડિયોગ્રાફિક સરવેનો આદેશ આપ્યો હતો.
યુપી ATSની FIRમાં કહેવાયું છે કે, “તેમની વિચારધારા ધરાવતા લોકોને જ્ઞાનવાપી કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશની હત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અને આ પોસ્ટ્સ અન્ય ધર્મોના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે અને વર્ગોમાં દુશ્મનાવટ અને નફરત ફેલાવવા માટે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.”
જામીન આપતી વખતે કોર્ટે શું કહ્યું?
સ્પેશિયલ NIA જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ 26 સપ્ટેમ્બર, 2024ના રોજ મોહમ્મદ અદનાનને જામીન આપ્યા હતા. તેમણે જામીન આપવાના બે મુખ્ય કારણો આપ્યા હતા. પહેલુ ગુના માટે અદનાનને સાત વર્ષથી ઓછી સજા ફટકારવામાં આવી હતી. તે જૂન 2024થી જેલમાં હતો અને તેથી તે જામીન મેળવવા માટે હકદાર હતો.
બીજું કારણ એ હતું કે તેનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો.
અદનાન પર IPCની કલમ 153A, 115 અને 506ની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની (UAPA) કલમ 13 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કેસમાં જામીન મળ્યા પછી તેણે કથિત રીતે તેની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી. તેણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર ચેનલો બનાવી, ઉગ્રવાદી સામગ્રી પોસ્ટ કરી અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓની ભરતી કરી. તેણે સિરીયા સ્થિત હેન્ડલર અબુ ઇબ્રાહિમ અલ-કુરૈશી સાથે સંપર્ક હોવાનું પણ સ્વીકાર્યું છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


