આત્મઘાતી હુમલો કરવા તૈયાર હતા ISIS બે આતંકીઓ, દિલ્હી પોલીસે પકડ્યા: ટેરર મોડ્યુલનો કર્યો પર્દાફાશ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને એક મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં એક દિલ્હીનો અને બીજો મધ્ય પ્રદેશના રાજગઢનો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ 20થી 26 વર્ષની ઉંમરના છે. તેમની પાસેથી બૉમ્બ બનાવવાના રસાયણો, એસિડ, સલ્ફર પાવડર, બોલ બેરિંગ્સ, IED સર્કિટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શંકાસ્પદ લોકો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોમાં IED વિસ્ફોટોનું આયોજન કરી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર બંને આતંકવાદીઓ સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ ચેટ એપ્સ દ્વારા ISIS નેટવર્ક સાથે જોડાયેલા હતા અને તેમને ઑનલાઇન વિસ્ફોટકો બનાવવાની તાલીમ મળી હતી. તેઓ આત્મઘાતી હુમલાની યોજના બનાવવાના અંતિમ તબક્કામાં હતા. સમયસર કાર્યવાહી કરીને પોલીસે દિલ્હીમાં સંભવિત આતંકવાદી હુમલાને ટાળ્યો છે.

હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને તેમના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે NIAને પણ આ કેસ વિશે જાણ કરી છે જેથી તપાસ સંકલિત રીતે આગળ ધપાવી શકાય.