આજે 4 ડિસેમ્બર. આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં દાયકાઓ પહેલાં વિલુપ્ત થઈ ગયેલું આ વન્ય પ્રાણી હવે ફરીથી જોવા મળે છે, એ મોદી સરકારે શરૂ કરેલા વિશેષ પ્રોજેક્ટના કારણે. ભારતમાં ચિત્તાના પુનર્વસન માટે મોદી સરકારે પ્રયાસો શરૂ કરીને સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી આઠ ચિત્તા લાવીને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાથી અમુક ચિત્તા લવાયા. આજે ભારતમાં ચિત્તાની સંખ્યા ઠીકઠાક પ્રમાણમાં થઈ ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક્સ પર પોસ્ટ કરીને લખે છે, “ત્રણ વર્ષ પહેલાં અમારી સરકારે આ વન્યજીવની સુરક્ષા સુનિશ્ચિત કરવાના અને તે વ્યવસ્થિત રીતે રહી શકે તે માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. ખોવાયેલા પર્યાવરણ વિષય વારસાને પુનર્જીવિત કરીને બાયોડાયવર્સિટી મજબૂત કરવાનો આ પ્રયાસ હતો.”
On International Cheetah Day, my best wishes to all wildlife lovers and conservationists dedicated to protecting the cheetah, one of our planet’s most remarkable creatures. Three years ago, our Government launched Project Cheetah with the aim of safeguarding this magnificent… pic.twitter.com/FJgfJqoGeA
— Narendra Modi (@narendramodi) December 4, 2025
તેઓ આગળ કહે છે, “આજે ભારત ચિત્તાઓનું ઘર બની રહ્યું છે અને ઘણા હવે ભારતની ધરતી પર જન્મી રહ્યા છે. તેઓ કૂનો નેશનલ પાર્ક અને ગાંધી સાગર સેન્ચ્યુરીમાં જોવા મળી જશે. ચિત્તા ટૂરિઝમની લોકપ્રિયતા વધી રહી છે એ પણ આનંદની વાત છે.” સાથે પીએમ મોદીએ દુનિયાભરના વાઇલ્ડ લાઇફ એન્થુઝિયાસ્ટોને ભારતમાં આ અભયારણ્યોની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.
આગળ પીએમ મોદીએ કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તાની સફળતા લોકોના સમર્થન અને ચિત્તા મિત્રોના સહકારને આભારી છે. અંતે તેઓ કહે છે કે, “વન્યજીવની સુરક્ષા કરવી અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને રહેવું એ ભારતની સભ્યતાનો એક અગત્યનો હિસ્સો છે અને આજે પણ એ ભાવના જીવંત હોવાનું આ પ્રયાસો થકી જોવા મળે છે.”
Our progress in cheetah conservation has been possible only through the collective support of our people, especially our dedicated Cheetah Mitras. Protecting wildlife and living in harmony with nature are integral to India’s civilisational ethos and we see that spirit alive today…
— Narendra Modi (@narendramodi) December 4, 2025
1952માં નામશેષ થયું હતું વન્યપ્રાણી, 2022માં ફરી લવાયું
ભારતમાં છેક 1952માં ચિત્તા નામશેષ થઈ ગયા હતા. 20મી સદીની શરૂઆતમાં જ ચિત્તાની વસ્તી ઘટવા માંડી હતી. 1918થી 1945 વચ્ચે અનેક ભારતીય રાજાઓએ આફ્રિકાથી ચિત્તા ઇમ્પોર્ટ કર્યાના પણ દાખલા છે. સ્વતંત્રતા સુધીમાં પ્રાણીની સંખ્યા સતત ઘટતી ગઈ. છેલ્લે 1951માં છત્તીસગઢમાં એક ચિત્તો અંતિમ વખત જોવા મળ્યો હતો. તેના મૃત્યુ પછી 1952માં સત્તાવાર રીતે ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થયા હોવાની ઘોષણા કરવામાં આવી.
ત્યારબાદ ભારતમાં ચિત્તાના પુનર્વસન માટે ઘણા પ્રયાસો થયા. 1970માં ભારત સરકારે એશિયાટિક ચિત્તાઓ લાવવા માટે ઈરાનની સરકાર સાથે વાતચીતો શરૂ કરી, પણ આગળ વધી શકી નહીં. ત્યારબાદ પણ નાનાં-મોટાં સંગઠનો પ્રયાસ કરતાં રહ્યાં. સરકારો સુધી વાતો પહોંચાડવામાં આવી, પણ ક્યારેય શક્ય ન બન્યું.
છેક 2010 સુધી સરકારો ઈરાનથી જ ચિત્તા લાવવાના પ્રયાસોમાં લાગેલી રહી, પણ ઈરાને સાથે પ્રસ્તાવ મૂક્યો કે ભારત એશિયાટિક સિંહો સાથે અદલાબદલી કરે તો જ વાત આગળ ચાલશે. આખરે ભારત સરકારે તેની ના પાડીને 2010માં ઈરાનવાળો પ્લાન પડતો મૂક્યો. પછીથી પ્રોજેક્ટ ચિત્તા પર કામ શરૂ થયું, પણ તેમાં પણ વર્ષો નીકળી ગયાં અને સરકારોએ પણ બહુ ખાસ રસ લીધો નહીં. પછીથી મામલો કોર્ટમાં પણ પહોંચ્યો.
જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દક્ષિણ આફ્રિકન ચિત્તા પુનર્વસન માટે લાવવાની પરવાનગી આપી. ત્યારબાદ મોદી સરકારે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી. જાન્યુઆરી 2022માં વિગતવાર સાયન્ટિફિક એક્શન પ્લાન પ્રકાશિત કરવામાં આવ્યો. ઑગસ્ટ 2022માં ઘોષણા કરવામાં આવી કે નામીબિયાથી ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. આખરે સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા. ફેબ્રુઆરી 2023માં બીજા 12 ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લવાયા.
એક તરફ સરકાર ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટમાં લાગી હતી અને બીજી તરફ વિપક્ષો આ પ્રોજેક્ટની મજાક ઉડાવવામાં, તેને નીચો પાડવામાં વ્યસ્ત હતા. મોદી જે કામ કરે એ ખરાબ અને ખોટું જ હોય એવું મગજમાં લઈને ચાલતા અધ્ધર મગજના વિપક્ષી નેતાઓએ બહુ અપપ્રચાર કર્યો હતો અને પ્રોજેક્ટને પહેલાં જ નિષ્ફળ ઘોષિત કરી દીધો હતો.
વચ્ચે અમુક કારણોસર અમુક ચિત્તાઓ મૃત્યુ પામ્યા તેને પણ વિપક્ષોએ મુદ્દો બનાવીને આવી દરેક ઘટના વખતે બૂમાબૂમ કરી હતી અને તેમનો ઇરાદો વન્યપ્રાણીની સુરક્ષાની ચિંતા નહીં પણ સરકારને ગમે તે રીતે ભાંડવાનો હતો. આવી દરેક ઘટનાના સમાચારો બનતા, સરકારને સવાલો કરવામાં આવતા અને ટેક્સપેયરોના પૈસાનું સરકાર પાણી કરતી હોવાના આરોપો લગાવવામાં આવતા હતા. પરંતુ આજે ડેટા દર્શાવે છે કે પ્રોજેક્ટ કેટલી હદે સફળ રહ્યો છે.
આજે શું સ્થિતિ?
સપ્ટેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2025ની સ્થિતિએ ચિત્તાની વસ્તી 32 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 21 ભારતમાં જન્મેલા છે. ધીમેધીમે તેમની સંખ્યા વધતાંની સાથે ભારતમાં ચિત્તાની વસ્તી પણ વધી રહી છે.
પ્રોજેક્ટને લઈને એક નરેટિવ ફેલાવવામાં આવ્યો, પણ ડેટા નજર સામે છે. સ્વાભાવિક છે કે આટલા મોટા સ્તરે કોઈ વન્યજીવના પુનર્વસન માટે પ્રયાસો હાથ ધરવામાં આવે તો અડચણો આવવાની. આ પ્રોજેક્ટમાં પણ આવી. એક તો પહેલાંની સરકારો અમલમાં જ ન મૂકી શકી. આ સરકારે તૈયારી દર્શાવીને કામ કર્યું ત્યારે વાંકદેખાઓ સત્તર વાંધા લઈને દોડી આવ્યા. પડકારો આવ્યા, પણ અંતે પરિણામો સકારાત્મક મળી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું એમ, આ પ્રોજેક્ટથી પર્યાવરણ વિષયક વારસો તો પરત મળ્યો જ, સાથે ભારતે એવા દેશોમાં સ્થાન અંકિત કર્યું, જેઓ વન્યજીવોનું સફળ પુનર્વસન કરાવી શક્યા છે. ભારત ફરી એક વખત ચિત્તાનું ઘર બની રહ્યું છે.


