વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચ આરોપીઓને દોષી ઠેરવ્યા બાદ ગીર સોમનાથ જિલ્લા કોર્ટે મંગળવારે (17 માર્ચ) ચુકાદો આપીને તેમને સજા સંભળાવી હતી. તમામને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલાં સોમવારે (16 માર્ચ) કોર્ટે 35 આરોપીઓને પુરાવાના અભાવે દોષમુક્ત કર્યા હતા.
41 આરોપીઓમાંથી પાંચને ગુનેગાર ઠેરવીને કોર્ટે પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે. (એક આરોપીનું ટ્રાયલ દરમ્યાન મોત થયું હતું.) ગુનેગાર ઠેરવાયેલા પાંચમાંથી ચાર પહેલેથી જ ટ્રાયલ દરમ્યાન પાંચ કરતાં વધુ વર્ષની સજા કાપી ચૂક્યા છે. અન્ય એક ગુનેગારે ચાર વર્ષ અને 2 મહિનાની સજા કાપી હતી. કોર્ટે સજા મજરે આપવા માટે હુકમ કર્યો હોવાથી બાકીના ગુનેગારો જેલમુક્ત થશે અને એક બાકીની સજા કાપવા માટે જેલ જશે.
પાંચ વ્યક્તિઓને કોર્ટે IPC 323 (જાણીજોઈને ઈજા પહોંચાડવી), 324 (હથિયારના ઉપયોગથી ઈજા પહોંચાડવી), 342 (ખોટી રીતે વ્યક્તિને કેદ કરી રાખવી), 504 (ઇરાદાપૂર્વક અપમાન કરવું) તેમજ ST/SC એક્ટની કલમો 3(1), (d), 3(1)(e)(r),(s),(u) હેઠળ દોષી ઠેરવ્યા છે. જ્યારે રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડ્યંત્ર અને મહિલાનું અપમાન વગેરે આરોપો સાબિત ન થતાં આ આરોપોમાંથી તેમને મુક્ત કરાયા છે.
બાકીના 35 આરોપીઓને કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આદેશમાં કોર્ટે જણાવ્યું કે ટ્રાયલ દરમ્યાન આ આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકી ન હતી તેમજ સાક્ષીઓની જુબાનીમાં પણ તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી શક્યા નહીં. પુરાવાના અભાવે આ 35 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા.
કોર્ટે ચુકાદામાં શું-શું કહ્યું અને કયા આરોપો હેઠળ કેમ સજા થઈ અને અમુક આરોપો કેમ પડતા મૂકાયા એ વિગતે સમજીએ.
ઘટના બની હતી, પણ પાંચ સિવાય બાકીના આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકી નથી: કોર્ટ
કોર્ટે ચુકાદામાં એ ઠેરવ્યું છે કે ઘટના ચોક્કસપણે બની હતી.
ઘટનાની ટૂંકમાં વિગતો એવી છે કે ઉનાના મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ દલિત સમુદાયના અમુક માણસો એક મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે ત્યાં આરોપીઓએ પહોંચીને માર માર્યો હતો અને ત્યાંથી તેમને કારમાં બેસાડીને લઈ જઈને જાહેરમાં કાર સાથે બાંધીને, અર્ધનગ્ન કરીને માર મારીને સરઘસ કાઢ્યું હતું અને આખરે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.
આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા અને ત્યારબાદ ગુજરાતભરમાં અને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પછીથી રાજ્યમાં અનેક ઠેકાણે પ્રદર્શનો થયાં, દલિત સમાજનાં સંગઠનોએ ધરણાં પણ કર્યાં, રાજકીય પાર્ટીના નેતાઓ પણ ઉના આવી પહોંચ્યા હતા. અત્યારે દલિત સમુદાયના ‘મસીહા’ બનીને ફરતા જિજ્ઞેશ મેવાણી અને તેમના સાથીઓએ પણ આ કેસ ઉપાડીને ઠેરઠેર રેલીઓ કરી હતી. આ મામલે પીડિત વશરામ સરવૈયાની ફરિયાદ પર પછીથી સ્થાનિક પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં પછીથી અમુક પોલીસકર્મીઓ પર પણ બેદરકારી અને જાણીજોઈને અમુક બાબતોની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ચાર કર્મચારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. મામલે સરકારે ઉચ્ચ સ્તરે તપાસ સોંપી હતી. 2018માં આ કેસ ગીર સોમનાથ જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં આઠ વર્ષની ટ્રાયલ બાદ આખરે 16 માર્ચે ચુકાદો આપવામાં આવ્યો.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું કે પાંચ આરોપીઓએ પીડિતોને માર માર્યાનું, જાતિસૂચક અપમાન કર્યાનું સાબિત થાય છે. પરંતુ તમામ 41 આરોપીઓએ પૂર્વનિયોજિત કાવતરું રચીને એક જ હેતુથી અનેક ઠેકાણે તોફાનો ફાટી નીકળે તેવા ઇરાદે આવું કૃત્ય કર્યું હોવાનું સાબિત થઈ શક્યું નથી.
ઉપરાંત કોર્ટે ગુનેગારો પરથી પણ હત્યાના પ્રયાસ સહિતના અમુક આરોપો હટાવી દીધા છે.
હત્યાના પ્રયાસનો આરોપ કેમ હટાવાયો?
કોર્ટે IPC 307 હટાવતાં કહ્યું કે પીડિતોને ઈજા પહોંચી હતી પરંતુ તે ગંભીર ઈજા કે મૃત્યુ થઈ શકે એવી ન હતી. આ માટે કોર્ટે પીડિતોની સારવાર કરનાર જુદી-જુદી હોસ્પિટલોનાં ડોક્ટરોનાં કથન પણ રેકર્ડ પર લીધાં છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે પીડિતોને પાઇપ અને દંડાના મારના કારણે ઈજાઓ પહોંચી હતી, પરંતુ તે ગંભીર કે જેનાથી મૃત્યુ નીપજી શકે એવી ન હતી. ઉપરાંત કોઈને ફ્રેક્ચર ન થયાનું તથ્ય પણ ધ્યાને લેવાયું છે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે ફરિયાદી વશરામ સરવૈયા સહિત ચાર વ્યક્તિઓને પ્રથમ ઉનાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. જોકે તેઓ જૂનાગઢ ન ગયા અને રાજકોટની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીંથી ડિસ્ચાર્જ કર્યા બાદ તેઓ બીજા દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
કોર્ટ ડૉક્ટરોના કથનને આધારે નોંધ કરે છે કે ચારેયને શરીરના કોઈ પણ ભાગમાં એવી ઈજા ન હતી જેના કારણે અર્ધનિંદ્રા જેવી અવસ્થા સર્જાય.
આગળ કોર્ટ કહે છે, ‘આમ આ ચારેય ઈજા પામનાર જે ફરિયાદ લઈને રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા તે ફરિયાદમાં વજૂદ જણાતું નથી અને સારવારના નામે હોસ્પિટલમાં દાખલ રહેલ છે અને આ સમય દરમ્યાન આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોઈ તેમની જામીન અરજી પર સુનાવણી વખતે ઈજા પામનારા હોસ્પિટલમાં સારવારમાં છે તેવું દર્શાવી શકાય તે માટે કાયદા નિષ્ણાતોની સલાહ લઈ વીસ દિવસ સુધી હોસ્પિટલમાં સારવારમાં રહેવાનો પ્રયત્ન કર્યો હોય એમ જણાય છે અને સમાજમાં જે આંદોલનો, દેખાવો થયા હતા, ગુના નોંધાયા હતા તેને પ્રબળ બનાવવા પ્રયાસ કર્યા હોય એમ સાબિત થાય છે.’
કોર્ટ કહે છે, ‘અમદાવાદ ખાતે શારીરિક તકલીફની જે ફરિયાદ લઈને ગયા હતા તેમાં પણ તથ્ય જણાયેલ નહીં અને અમદવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો તેમનો ઇરાદો સારવાર લેવાનો નહીં પરંતુ બીજો હોય તેમ જણાય છે.’
હથિયારબંધીનું જાહેરનામું ન મળ્યું, બૉમ્બે એક્ટની કલમ 135 પણ હટાવાઈ
આરોપીએ હથિયારોનો ઉપયોગ કર્યો હોવાનું કોર્ટે ઠેરવ્યું છે, પરંતુ જે-તે સમયે બૉમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળનું જાહેરનામું અમલમાં હતું તેવું સાબિત થઈ શક્યું નથી. જેથી બૉમ્બે પોલીસ એક્ટની કલમ 135 હટાવી દેવામાં આવી હતી. પરંતુ ઈજા ઘાતક હથિયારથી પહોંચાડવામાં આવી હોવાનું સાબિત થયું હોવાથી કોર્ટે IPCની કલમ 324 લગાડી હતી. આ સિવાય હથિયાર વગર પણ અમુક ઈજા પહોંચાડી હોવાથી કલમ 323 પણ લગાવવામાં આવી છે.
મહિલા અપમાનની કલમ કેમ હટાવાઈ?
ફરિયાદમાં દલિત પરિવારની એક મહિલાએ આરોપીઓ પર પોતાની સાથે ગેરવર્તન કરવાનો અને જાતિસૂચક ગાળો દઈને અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે FIRમાં IPC કલમ 354 ઉમેરવામાં આવી હતી. જોકે ટ્રાયલ દરમ્યાન પુરાવાના અભાવે કોર્ટે આ કલમ દૂર કરી હતી.
પરિવારના સભ્યોએ કરેલા દાવા પર કોર્ટે કહ્યું કે જે મહિલાએ આ ફરિયાદ કરી છે તેમની સાથે અન્ય એક મહિલા પણ ત્યાં હતાં અને તેમણે પોતાની જુબાનીમાં આવો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. ફરિયાદી મહિલાના પુત્રો અને પતિએ આરોપો લગાવ્યા હતા, પણ કોર્ટે નોંધ્યું કે આરોપી વિરુદ્ધ ગુનો વધુ ગંભીર બનાવવા માટે આ પ્રકારની જુબાની આપવામાં આવી હોય તેવી શક્યતાઓ છે.
જેથી કોર્ટે ST/SC એક્ટની કલમ 3(1)(W)(1)(2) અને IPC 354, 509 કલમો હટાવી દીધી હતી.
રાયોટિંગની કલમો હટાવવામાં આવી
કોર્ટે IPC 146 અને 147 (રાયોટિંગ) કલમો પણ હટાવી દીધી છે. આ કલમો હેઠળ જો ગેરકાયદેસર મંડળી રચીને સામાન્ય હેતુ પાર પાડવા માટે હિંસા આચરવામાં આવે તો મંડળીનો દરેક સભ્ય તે ગુના માટે દોષી ઠરે છે.
કોર્ટે કહ્યું છે કે ટોળાના અમુક માણસોએ પીડિતોને માર માર્યો હતો પરંતુ તમામ (41) વ્યક્તિઓનો ઇરાદો પહેલેથી માર મારીને જાહેરમાં અપમાનિત કરીને, અર્ધનગ્ન કરીને સરઘસ કાઢીને પીડિતોને પોલીસ મથકે પહોંચાડવાનો હતો તેવું પ્રસ્થાપિત થયું નથી.
આગળ કેસની હકીકતોને ટાંકીને જણાવવામાં આવ્યું કે પહેલાં ચાર વ્યક્તિઓ આવી હતી અને પછીથી મોટરસાયકલ લઈને બીજા માણસો પહોંચ્યા હતા. કોર્ટ કહે છે કે જીવતી ગાયો કાપવામાં આવતી હોવાની જાણકારી ફેલાતાં ટોળાં આવી પહોંચ્યાં હતાં અને સરઘસ કાઢતાં અમુક લોકો એકઠા થઈ ગયા હતા, જેથી તમામનો ઈરાદો રાયોટિંગનો હતો એ સાબિત થતું નથી.
ઉપરાંત IPC 505(1)(b) હેઠળ લોકોમાં ગભરાટ પેદા કરવાના હેતુથી જાહેર શાંતિ વિરુદ્ધનું કૃત્ય અપરાધ બને છે. કોર્ટે આ કલમ પરની ચર્ચામાં કહ્યું કે આરોપીઓનો ઇરાદો ગૌહત્યા જેવાં કૃત્ય કરનારા માણસો વિરુદ્ધ ભય ઉત્પન્ન કરવાનો હોય એમ માની શકાય છે પણ તેમણે સમાન ઇરાદે પહેલેથી જાહેર શાંતિનો ભંગ થાય અને અનેક ઠેકાણે તોફાનો ફાટી નીકળે તેવા હેતુએ ભેગા થઈને આ કૃત્ય કર્યું હોવાનું સાબિત થતું નથી. ઉપરાંત ફરિયાદપક્ષ તરફથી પણ એવો પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો જેનાથી આ કલમ હેઠળ ગુનો સાબિત થઈ શકે. જેથી કોર્ટે આ કલમ પણ હટાવી દીધી હતી.
પોલીસને ક્લીનચિટ
આ કેસમાં પોલીસ પર પણ બેદરકારી દાખવવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને જે મામલે ચારેક પોલીસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ મથકના ઇન્સ્પેક્ટર, જવાબદાર અન્ય કર્મચારીઓ, આઉટપોસ્ટ જમાદાર વગેરેએ રાજકીય વગનો ઉપયોગ કરીને, ખોટા દસ્તાવેજો ઊભા કરીને ફરિયાદીને નુકસાન થાય અને આરોપીઓને ફાયદો થાય તેવું વર્તન કર્યું હતું.
કોર્ટે પુરાવાઓ અને સાહેદોનાં નિવેદનો પરથી ઠેરવ્યું કે આ કેસમાં કોઈ પોલીસ કર્મચારીઓએ કાયદાકીય ઉદ્દેશ્યની અવગણના કરીને કોઈને હાનિ પહોંચાડવાના ઈરાદે કોઈ કૃત્ય કર્યું હોય કે જાણીજોઈને અવગણના કરી હોય તેવું સાબિત થઈ શક્યું નથી ઉપરાંત તેમણે પીડિતોને કે અન્ય કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદે ખોટા દસ્તાવેજો બનાવ્યા હોય તેવું પણ ફરિયાદપક્ષ સાબિત કરી શક્યો નથી. જેથી કોર્ટે IPC 466, 177 હટાવી દીધી હતી.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે ઘટનાના દસ દિવસ બાદ, જ્યાં સુધીમાં જ્ઞાતિના અને અમુક રાજકીય પાર્ટીના આગેવાનો અને વકીલો પીડિતોને મળી ચૂક્યા, પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલા નિવેદનોમાં ઘણી વધારાની વિગતો જણાવવામાં આવી હતી અને તેમાં દસ દિવસ બાદ પહેલી વખત પોલીસ કર્મચારીઓએ ફરજ બજાવી નથી કે બેદરકારી રાખી છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને DySPને સોંપી હતી અને તેમણે તપાસમાં તારણ કાઢ્યું હતું કે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ પુરાવો મળતો નથી કે તેમણે ફરજમાં બેદરકારી રાખી હોય કે રેકર્ડ સાથે ચેડાં કરેલ હોય તેમ પણ જાણવા મળતું નથી.
જેથી કોર્ટે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલી IPCની કલમ 166A, 167, 177, 204, 294(b), 466 અને ST/SC એક્ટની કલમ 3(2)(6), 3(2)(7) હટાવી દીધી હતી અને ઠેરવ્યું હતું કે ફરિયાદ પક્ષ આ કલમો હેઠળના આરોપો સાબિત કરી શક્યો નથી.
પાંચ આરોપીઓનો ગુનો સાબિત થઈ શક્યો, મહત્તમ સજા ફટકારતાં કોર્ટે કહ્યું– અપરાધ જઘન્ય હતો
કોર્ટે ચુકાદામાં કહ્યું કે માત્ર પાંચ આરોપીઓએ ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો હોય અને પીડિતોને માર મારીને, અર્ધનગ્ન કરીને, જ્ઞાતિસૂચક શબ્દોથી અપમાન કર્યું હોવાનું સાબિત થાય છે. જેથી તેમને IPC અને ST/SC એક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવે છે. જ્યારે બાકીના આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકી ન હતી કે ફરિયાદ પક્ષેથી તેવો કોઈ પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો ન હતો.
કોર્ટે ST/SC એક્ટ હેઠળ મહત્તમ સજા ફટકારીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સજા ફટકારતી વખતે કોર્ટે કહ્યું કે, ગુનેગારોએ જઘન્ય અપરાધ કર્યો છે અને દલિતો પર અત્યાચાર ગુજાર્યો તેના કારણે સમાજના અન્ય લોકોને પણ માનસિક આઘાત પહોંચ્યો હતો, જેથી તેમની ઉપર દયા દાખવી શકાય તેમ નથી અને મહત્તમ સજા કરવામાં આવે છે.
‘ભોગ બનનારે પોતાના જ સમાજની સ્થિતિ સમજવાનો પ્રયાસ ન કર્યો’
જોકે સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે ફરિયાદીઓએ અમુક સ્થિતિ જુદી રીતે દર્શાવવાના કારણે દલિત સમુદાય આઘાત પામ્યો હતો અને તેનાં પરિણામો પણ જોવા મળ્યાં, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું.
ચુકાદામાં કોર્ટ નોંધ કરે છે કે, ‘ફરિયાદીના પિતા જાતે એમ્બ્યુલન્સમાં બેસીને ગીરગઢડા હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા છતાં તેમણે ચાર દિવસ પછી નિવેદનમાં કહ્યું હતું કે તેઓ બેભાન થઈ ગયા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં હતા. હકીકતે આવું બન્યું ન હતું.’
આગળ કોર્ટ કહે છે, ‘…ઉપરાંત ફરિયાદી અને તેના ભાઈઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેવી કોઈ શારીરિક પરિસ્થિતિ ન હતી છતાં સમાજમાં એવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે તેમની સ્થિતિ મૃત્યુ નીપજે એ પ્રકારની છે. ઉપરાંત સારું થઈ જવા છતાં તેઓ ઇરાદાપૂર્વક અમદાવાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને જુદા-જુદા પ્રચાર માધ્યમથી પરિસ્થિતિ ગંભીર હોય તેવું દર્શાવવાના પ્રયાસ કર્યા હતા. જેનાથી દલિત સમાજ આઘાત પામ્યો હતો અને સમાજની 23 વ્યક્તિઓએ ઝેર પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાં એકનું મોત પણ થયું હતું.’
કોર્ટ ચુકાદામાં કહે છે કે, ‘આમ ફરિયાદીની આવી વર્તણૂકના કારણે દલિત સમાજના લાગણીશીલ લોકો આત્મવિલોપન કરવા પ્રેરાયા હતા અને એક વ્યક્તિ મૃત્યુ પામતાં તેમના કુટુંબે દુઃખ સહન કરવું પડ્યું હતું તેમજ આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે અન્ય ગુનાઓ પણ નોંધાયા હતા. આમ ભોગ બનનારે પોતે જ દલિત સમાજના બીજા લોકોની પીડા સમજવા માટે કોઈ પ્રયાસ ન કર્યો હોય તેમ જણાય છે.’
ટ્રાયલમાં વિલંબની દલીલો પણ નકારાઈ
કોર્ટે આ ઉપરાંત ટ્રાયલમાં વિલંબ થયો હોવાની દલીલો પણ નકારી દીધી હતી અને કહ્યું કે ફરિયાદીએ પોતે 12 ઑક્ટોબર 2023ના રોજ પુરાવો રજૂ કર્યો હતો અને અન્ય એક સાહેદે છેક જાન્યુઆરી 2026માં પુરાવો આપ્યો હતો, છતાં ફરિયાદીએ તમામ મંચો અને પ્રચાર માધ્યમો પર પ્રસાર કર્યો હતો કે આટલાં વર્ષો થયાં છતાં તેઓ ન્યાયથી વંચિત રહ્યા હતા અને અદાલતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.


