ઉના કાંડ કેસમાં ગીર સોમનાથ કોર્ટે પાંચ દોષિતોને ફટકારી 5 વર્ષની સજા: 35 દોષમુક્ત

વર્ષ 2016ના ઉનાકાંડમાં દોષી ઠેરવેલા પાંચ ગુનેગારોને ગીર સોમનાથ કોર્ટે પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે. સોમવારે (16 માર્ચ) કોર્ટે દસ વર્ષ જૂના કેસમાં ચુકાદો આપીને કુલ 42 આરોપીઓમાંથી 5ને દોષી ઠેરવીને બાકીના 35ને દોષમુક્ત કર્યા હતા. 2 આરોપીઓનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયું હતું.

મંગળવારે (17 માર્ચ) ગુનેગારોની સજા પર સુનાવણી કરવામાં આવી. કોર્ટે તમામને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ 5 વર્ષની સજા, IPC 323/24 હેઠળ 3 વર્ષની સજા, IPC 504 હેઠળ 2 વર્ષની સજા અને IPC 342 હેઠળ 1 વર્ષની સજા ફટકારી છે. તમામ સજા એકસાથે કાપવાની હોઈ કુલ પાંચ વર્ષ થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે પાંચમાંથી ચાર ગુનેગારો પહેલેથી પાંચ વર્ષ કરતાં વધુ સજા કાપી ચૂક્યા છે. કોર્ટે ટ્રાયલ દરમ્યાન કાપેલી સજા મજરે આપવાનો હુકમ કર્યો છે, જેથી આ ચાર જેલની બહાર આવશે તેવું તેમ વકીલનું કહેવું છે. એક દોષિતે ચાર વર્ષ 2 મહિનાની સજા કાપી છે, જેથી બાકીની સજા કાપવા જેલ જવું પડશે.

FIR મુજબ ઘટના 11 જુલાઈ, 2016ની છે જ્યારે ઉનાના સમઢિયાળા ગામમાં અમુક દલિત સમુદાયના માણસો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે તેમને ઘેરી લઈને હુમલો કરવામાં આવ્યો હતો અને કાર સાથે બાંધીને જાહેરમાં માર મારીને પોલીસને સોંપી દેવાયા હતા. ઘટનાએ પછીથી ગુજરાતભરમાં અને દેશભરમાં વિવાદ જગાવ્યો હતો અને પ્રદર્શનો પણ ખૂબ થયાં હતાં.

આ મામલે પછીથી ઉના પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઉના કોર્ટમાં કેસ ચાલ્યો ગયો હતો. 2018માં કેસ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આખરે કોર્ટે કેસમાં ચુકાદો આપીને કુલ 42માંથી 5 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. 35ને દોષમુક્ત કર્યા હતા. 2 આરોપીઓનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયું છે. આરોપીઓમાં ચાર પોલીસકર્મીઓ પણ હતા, જે તમામ નિર્દોષ છૂટ્યા છે.