ઉનાકાંડ કેસમાં દસ વર્ષ બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો: પાંચ આરોપીઓ દોષી, ચાર પોલીસ અધિકારીઓ સહિત 35 દોષમુક્ત

વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં દસ વર્ષે ગીર સોમનાથ સેશન્સ કોર્ટે ચુકાદો આપીને 42માંથી 35 આરોપીઓને દોષમુક્ત કર્યા છે અને પાંચને દોષી ઠેરવવામાં આવ્યા છે. 2 આરોપીઓનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયું હતું.

જુલાઈ 2016ની ઘટના મામલે સોમવારે (16 માર્ચ) કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રમેશ જાદવ, રાકેશ જોષી, નાગજીભાઈ વાણિયા, પ્રમોદગિરી ગોસ્વામી અને બળવંતગિરી ગોસ્વામીને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ ઝાલા સહિતના 4 પોલીસ અધિકારીઓ અને અન્ય આરોપીઓ મળીને કુલ 35 જણાને દોષમુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયું હતું.

પાંચ વ્યક્તિઓને IPCની કલમ 323 (જાણીજોઈને ઈજા પહોંચાડવી), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન), 324 (હથિયાર વડે હુમલો કરીને ઈજા પહોંચાડવી), 506(2) (ગુનાહિત ધમકી) તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવી છે. બાકીના આરોપીઓ સામે કેસ સ્થાપિત ન થઈ શકતાં તેમને દોષમુક્ત કરવામાં આવ્યા હતા.

આ કેસના ફરિયાદી વશરામ સરવૈયાએ ચુકાદાને ‘દુઃખદ’ ગણાવીને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની વાત કહી છે.

FIR મુજબ ઘટના 11 જુલાઈ, 2016ની છે જ્યારે ઉનાના સમઢિયાળા ગામમાં વશરામ અને તેના બે સબંધીઓ મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે તેમને ઘેરી લઈને હુમલો કરવામાં આવ્યો હતો અને કાર સાથે બાંધીને જાહેરમાં માર મારીને પોલીસને સોંપી દેવાયા હતા. ઘટનાએ પછીથી ગુજરાતભરમાં અને દેશભરમાં વિવાદ જગાવ્યો હતો અને પ્રદર્શનો પણ ખૂબ થયાં હતાં.