Saturday, January 11, 2025
More
    હોમપેજદુનિયાહશ મની કેસમાં દોષી ઠેરવાયા હતા ટ્રમ્પ, શપથગ્રહણના 10 દિવસ પહેલાં સંભળાવાઈ...

    હશ મની કેસમાં દોષી ઠેરવાયા હતા ટ્રમ્પ, શપથગ્રહણના 10 દિવસ પહેલાં સંભળાવાઈ સજા, પણ નહીં થાય જેલ કે નહીં ભરવો પડે દંડ: વાંચો શું છે ‘બિનશરતી મુક્તિ’, સજાનો અર્થ શું

    ટ્રમ્પને ચૂંટણી કેમ્પેઇન દરમિયાન જ નાણાકીય ગેરરીતિ આચરીને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. સજાની સુનાવણી બાકી હતી, જે 10 જાન્યુઆરીના રોજ સંભળાવવામાં આવી. કોર્ટે ટ્રમ્પને બિનશરતી મુક્તિ આપી છે.

    - Advertisement -

    અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સત્તા સંભાળે તેના દસ દિવસ પહેલાં જ બહુચર્ચિત હશ મની કેસમાં (Hush Money Case) તેમને સજા સંભળાવવામાં આવી છે. જોકે, સજાનું નામ માત્ર છે, વાસ્તવમાં તેમને કોઈ પણ શરત વગર મુક્તિ આપવામાં આવી છે. જેથી ન તો તેઓ જેલમાં જશે કે ન દંડ ભરશે. ફેર માત્ર એટલો પડશે કે તેઓ અમેરિકાના પહેલા એવા રાષ્ટ્રપતિ બનશે, જેઓ સજા પામીને સત્તા સંભાળી રહ્યા હોય. શુક્રવારે (10 જાન્યુઆરી) તેમને આ સજા સંભળાવવામાં આવી, જ્યારે અમેરિકાની પરંપરા પ્રમાણે 20 જાન્યુઆરીના રોજ તેઓ 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે.

    ટ્રમ્પને આ કેસમાં મે, 2024માં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમની ઉપર આરોપ છે કે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે એક એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોં બંધ રાખવા માટે લાખો ડોલર ચૂકવ્યા હતા. અમેરિકાના કાયદા પ્રમાણે મોં બંધ રાખવા માટે ગમે તેટલા રૂપિયા આપવામાં આવે, તેની કોઈ સજા નથી. પણ ટ્રમ્પ પર આરોપ એવો છે કે આ પૈસા ચૂકવવા માટે તેમણે બિઝનેસ રેકોર્ડ્સમાં ઘાલમેલ કરી હતી. ટ્રમ્પ ઉપર કુલ 34 પ્રકારના આરોપ હતા, જે હેઠળ કોર્ટે પછીથી તેમને દોષી ઠેરવ્યા. જોકે, ટ્રમ્પ પોતે લગ્નેત્તર સંબંધો છુપાવવા માટે આવા કોઈ રૂપિયા ચૂકવ્યા હોવાની વાતો પહેલેથી નકારતા આવ્યા છે અને રાજકીય પ્રતિશોધ માટે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રહ્યા છે.

    ટ્રમ્પને ચૂંટણી કેમ્પેઇન દરમિયાન જ નાણાકીય ગેરરીતિ આચરીને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. સજાની સુનાવણી બાકી હતી, જે 10 જાન્યુઆરીના રોજ સંભળાવવામાં આવી. કોર્ટે ટ્રમ્પને બિનશરતી મુક્તિ આપી છે.

    - Advertisement -

    આ ચુકાદાનો અર્થ એ છે કે ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા હોવા છતાં તેમને કોઈ પણ પ્રકારની સજા, દંડ અથવા પ્રોબેશન કે અન્ય કોઈ પણ સજા નહીં ભોગવવી પડે. અહીં નોંધવું જોઈએ કે આ નિર્ણય સાવ અનપેક્ષિત ન હતો, કારણ કે જજે ગયા અઠવાડિયે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ટ્રમ્પને બિનશરતી મુક્તિ આપવા જઈ રહ્યા છે. તેમણે આ નિર્ણયને ‘વ્યવહારુ ઉપાય’ પણ ગણાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ટ્રમ્પને જે આરોપો હેઠળ તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે તે આરોપો માટે જજ તેમને ચાર વર્ષની જેલની સજા સંભળાવી શક્યા હોત. પરંતુ બિનશરતી મુક્તિનો નિર્ણય રાષ્ટ્રપતિની પ્રતિરક્ષા સિદ્ધાંતને માન આપવા માટે લેવામાં આવ્યો છે. બીજી તરફ ટ્રમ્પને તેમને મળેલી સજા વિરુદ્ધ અપીલમાં જવા માટેની અનુમતિ મળેલી જ હતી. બીજી તરફ પ્રોસિક્યુશને પણ કોર્ટના નિર્ણયનો કોઈ વિરોધ કર્યો નથી અને સ્વીકારી લીધો છે.

    સજાની સુનાવણી દરમિયાન ટ્રમ્પ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા. તેમનો પક્ષ હતો કે આ કેસ સંપૂર્ણપણે રાજકારણથી પ્રેરિત છે. બીજી તરફ, તેમની લીગલ ટીમે અપીલ કરતાં કહ્યું હતું કે, આ નિર્ણય ટ્રમ્પની રાષ્ટ્રપતિની ફરજોમાં હસ્તક્ષેપ સમાન સાબિત થશે પરંતુ કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું છે કે, ટ્રમ્પ સત્તાવાર રીતે રેકર્ડ ઉપર દોષી તરીકે રહેશે, પણ કોઈ સજાનો સામનો કરવો પડશે નહીં.

    શું હોય છે બિનશરતી મુક્તિ અને તેનો અર્થ

    ન્યૂ-યોર્ક સ્ટેટના કાયદા હેઠળ ‘બિનશરતી મુક્તિ’ આપવામાં આવે એનો અર્થ એ થાય કે કોઈ પણ વ્યક્તિને ગુનામાં દોષિત ઠેરવ્યા પછી તેને કોઈ પણ શરત વિના મુક્ત કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેમને કોઈ પણ પ્રકારની કેદ, દંડ કે પછી કોઈ પણ પ્રોબેશન સુપરવિઝનમાં રાખવામાં આવતા નથી.

    જો શરતી મુક્તિ આપવામાં આવે તો આરોપીએ અમુક શરતોનું પાલન કરવું પડે છે. જેમકે, ભારતમાં ઘણી વખત શરતી જામીન આપતી વખતે આરોપીને પાસપોર્ટ જમા કરાવવા કે ટ્રાયલ કોર્ટના આદેશ વગર રે કે દેશની સરહદ ન છોડવા માટે જણાવવામાં આવે છે. પરંતુ બિનશરતી મુક્તિનો અર્થ એ થયો કે દોષિત વ્યક્તિ પર કોઈ કાયદાકીય કાર્યવાહી થશે નહીં અને તે સ્વતંત્ર રીતે હરીફરી શકે છે. એટલું થાય કે દોષિત વ્યક્તિ રેકર્ડ પર રહે, એટલે ભવિષ્યમાં અન્ય કોઈ કેસમાં કાયદાકીય કાર્યવાહી થાય ત્યારે તે ધ્યાનમાં લેવામાં આવે છે.

    ન્યાયાધીશો ત્યારે જ બિનશરતી મુક્તિની પસંદગી કરી શકે છે જ્યારે તેમને લાગે કે જાહેરહિત અથવા ન્યાયના લક્ષ્યને કઠોર દંડ આપીને પૂર્ણ કરી શકાય એમ નથી. આ પ્રકારની સજાનો ઉપયોગ ઘણીવાર ત્યારે પણ કરવામાં આવે છે જ્યારે ગુનાને ગૌણ ગણવામાં આવે છે, અથવા જ્યારે ન્યાયાધીશને એમ લાગે કે પરિસ્થિતિઓને અનુરૂપ ગુનેગાર પ્રત્યે નરમ વલણ રાખી શકાય તેમ છે. ટ્રમ્પનો કેસ એવો છે જેમાં એક તરફ કાયદાકીય ઉત્તરદાયિત્વ પણ નિભાવવામાં આવ્યું છે અને બીજી તરફ રાષ્ટ્રપતિના પદનું પણ સન્માન કરવામાં આવ્યું છે. એટલે કે કોર્ટ એક તરફ કાયદાને માન આપીને તેમને દોષી પણ ઠેરવ્યા છે, પણ બીજી તરફ એક રાષ્ટ્રપતિ હોવાના નાતે એ પ્રકારે સજા આપવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં