હોમપેજદેશજૈશનાં પોસ્ટરોની તપાસ પરથી ટેરર મોડ્યુલનો પર્દાફાશ, વિસ્ફોટકો સાથે મુસ્લિમ ડૉક્ટરોની ધરપકડ,...

જૈશનાં પોસ્ટરોની તપાસ પરથી ટેરર મોડ્યુલનો પર્દાફાશ, વિસ્ફોટકો સાથે મુસ્લિમ ડૉક્ટરોની ધરપકડ, લાલ કિલ્લા સામે ધડાકો: શું છે દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ મોડ્યુલ સાથે કનેક્શન?

ફરીદાબાદથી તાજેતરમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને એક ટેરર મોડ્યુલ પકડી પાડીને અમુક મુસ્લિમ ડૉક્ટરોની ધરપકડ કરી લીધી હતી. સાથે લગભગ 2900 કિલો વિસ્ફોટક પદાર્થો (જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું કહેવાય છે), હથિયારો, કેમિકલ વગેરે પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની બરાબર સામે થયેલા એક કાર બ્લાસ્ટની સુરક્ષા એજન્સીઓ ટેરર એન્ગલથી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે UAPA હેઠળ કેસ દાખલ કર્યો છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે બ્લાસ્ટ એક હ્યુન્ડાઇ i20 કારમાં થયો હતો. આ કારમાં ઉમર નામનો એક શખ્સ હાજર હોવાની સંભાવનાઓ છે, જેની પુષ્ટિ DNA ટેસ્ટિંગ બાદ થઈ શકશે.

જ્યારે કારના નંબર પરથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સૌથી પહેલાં સલમાન નામની એક વ્યક્તિએ કાર ખરીદી હતી. ત્યારબાદ તેણે દેવેન્દ્ર નામના એક શખ્સને વેચી હતી. તેણે પછીથી તારિકને વેચી હતી. તારિકે પછીથી ઉમરને આપી હતી. બ્લાસ્ટ થયો તે સમયે કાર ઉમર પાસે હતી એ સામે આવ્યું. (અમુક ઠેકાણે આ ટ્રેઇલમાં આમિર નામના એક શખ્સનું પણ નામ આવે છે. સંભવતઃ કાર વચ્ચે થોડો સમય તેની પાસે પણ રહી હોય.)

ઉમર જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. ડૉક્ટર છે. પોલીસે તેના ભાઈ અને માતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનોનાં DNA સેમ્પલ પણ મેળવવામાં આવ્યાં છે, જેને બ્લાસ્ટ થયેલી કારમાંથી મળી આવેલા મૃતદેહ સાથે મેચ કરવામાં આવશે. જેથી જાણી શકાશે કે કારમાં ખરેખર ઉમર હતો કે કેમ.

- Advertisement -

સંદિગ્ધ સ્યુસાઇડ બૉમ્બર ઉમરનું એક કનેક્શન તાજેતરમાં હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલા ટેરર મોડ્યુલ સાથે પણ નીકળી આવ્યું છે. જોકે હજુ સુધી દિલ્હી પોલીસે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી, પણ અનેક અહેવાલોમાં પોલીસનાં જ સ્પેશિયલ સેલનાં સૂત્રોને ટાંકીને આ જાણકારીઓ સાર્વજનિક કરવામાં આવી રહી છે.

ફરીદાબાદથી તાજેતરમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને એક ટેરર મોડ્યુલ પકડી પાડીને અમુક મુસ્લિમ ડૉક્ટરોની ધરપકડ કરી લીધી હતી. સાથે લગભગ 2900 કિલો વિસ્ફોટક પદાર્થો (જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું કહેવાય છે), હથિયારો, કેમિકલ વગેરે પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કઈ રીતે પકડાયું ફરીદાબાદ ટેરર મોડ્યુલ?

આ મોડ્યુલને શોધવાનું કામ ઑક્ટોબરના મધ્યમાં કાશ્મીરથી એક લીડ મળ્યા બાદ શરૂ થયું હતું. કાશ્મીરના શ્રીનગરના અમુક વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદનાં અમુક પોસ્ટરો જોવા મળ્યાં હતાં. 2019 પહેલાં આવાં સુરક્ષાબળો પર હુમલાની ઉશ્કેરણી કરતાં પોસ્ટરો સામાન્ય હતાં, પરંતુ હમણાં ફરીથી દેખાવા માંડતાં પોલીસે સ્થાનિક પોલીસ મથકે એક FIR દાખલ કરીને તપાસ શરૂ કરી.

તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજના આધારે ઓવરગ્રાઉન્ડ વર્કરોને પકડ્યા તો તેમની પાસેથી મળેલી જાણકારીના આધારે પોલીસ એક મૌલવી ઈરફાન અહેમદ પાસે પહોંચી, જે શોપિયાંનો છે. તેની જ્યારે ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી તો હરિયાણા, કાશ્મીર, યુપી સુધી તાર જોડાયેલા મળ્યા અને એક વ્હાઇટ કૉલર ટેરેરિઝમનું આખું નેટવર્ક પકડાયું.

પોલીસે સૌથી પહેલાં કાશ્મીરના પુલવામાના એક મુઝમ્મિલ શકીલ નામના 35 વર્ષીય ડૉક્ટરની ધરપકડ કરી, જે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં નોકરી કરે છે. 30 ઑક્ટોબરના રોજ કાશ્મીર પોલીસે પોસ્ટર્સ મામલે તેને ઉઠાવ્યો હતો. તે પહેલાં પોલીસ પુલવામાના જ એક ડૉક્ટર આદિલ મજીદ રાથરની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં કાશ્મીર પોલીસને ફરીદાબાદના એક ધૌજ ગામમાં બે ઠેકાણાં વિશે જાણકારી મળી, જે મુઝમ્મિલે ભાડે રાખ્યાં હતાં.

આ ઠેકાણાંની તપાસ કરતાં ત્યાંથી એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું, એક રાઇફલ મળી, ત્રણ મેગેઝિન હાથ લાગ્યાં, અમુક જીવતા કારતૂસો હતા અને પિસ્તોલ વગેરે પણ મળી આવ્યું. ત્યારબાદ સોમવારે (10 નવેમ્બર) અન્ય એક ઠેકાણે તપાસ કરવામાં આવી તો પોલીસને વધુ વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા અને વધુ હથિયાર પણ હાથ લાગ્યાં.

ઉમરે ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ

અહીં સુધીનો ઘટનાક્રમ સોમવારની બપોર સુધી બન્યો હતો. જ્યારે આ જ મોડ્યુલનો અન્ય એક ડૉક્ટર ઉમર ફરાર હતો, જે પણ પુલવામાનો જ છે. પોલીસને આશંકા છે કે ઉમરે જ વિસ્ફોટકો ભરીને હ્યુન્ડાઈ i20 કાર લાલ કિલ્લા સામે જઈને બ્લાસ્ટ કરી દીધી હશે. એક શક્યતા એ પણ છે કે તે વિસ્ફોટકો ક્યાંક બીજે ખસેડી રહ્યો હોય ત્યારે કાર બ્લાસ્ટ થઈ ગઈ હોય.

પ્રાથમિક તારણ એ છે કે મુઝમ્મિલે તેના સાથીઓ પકડાઈ જવાના કારણે હડબડાહટમાં બ્લાસ્ટ કરી દીધો હોય શકે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું છે કે ઉમરની લિન્ક વિશે કાશ્મીર પોલીસ પાસેથી પણ પુષ્ટિ મેળવવામાં આવી છે.

હાલ આ સમગ્ર મામલે એજન્સીઓ અને દિલ્હી પોલીસ તપાસ કરી રહ્યાં છે. પોલીસે UAPA, એક્સપ્લોઝિવ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે, ત્યારબાદ વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં