ક્રિસમસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાંથી સતત એવા સમાચાર આવ્યા છે, જ્યાં ક્રિસમસના કાર્યક્રમો દરમિયાન ધર્માંતરણના આરોપો લાગ્યા, વિરોધ પ્રદર્શનો થયા અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. ક્યાંક લોકોને ભોજન, સારવાર કે આર્થિક મદદની લાલચ આપીને બોલાવવામાં આવ્યા, તો ક્યાંક મહિલાઓ અને બાળકોને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ભડકાવવાની વાતો સામે આવી છે.
સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું આ આયોજનો માત્ર સાંપ્રદાયિક પ્રાર્થનાઓ હતી કે પછી તેની પાછળ કોઈ એજન્ડા કામ કરી રહ્યો હતો? શું ગરીબ, અશિક્ષિત અને જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે? હિંદુ સંગઠનોનો દાવો છે કે આ ધાર્મિક સ્વતંત્રતા નથી, પરંતુ લોકોની ગરીબી અને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની રમત છે.
ગુજરાતમાં સામે આવેલ મામલા
ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ સાથે હિંદુ સંતો, રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનો ભેગા થયા હતા. ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી. આ સિવાય તેમણે નાતાલની ઉજવણીની પરવાનગી ન આપવામાં આવે એવી વિનંતી પણ કરી હતી, કારણ તે વિસ્તારમાં કોઈ આધિકારિક ખ્રિસ્તી હતા નહીં.
આ સિવાય જામનગર જિલ્લાના પીપળી ગામના વાડી વિસ્તારમાં 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે આયોજિત એક સમારોહ દરમિયાન ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ સમારોહમાં શ્રમિકો અને પરપ્રાંતીય કામદારોને કેક કાપવા અને ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ધર્માંતરણની આશંકાના કારણે VHP અને બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તેમના આવતાની સાથે જ સ્થળ પરથી કેટલાક લોકો ભાગી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, ઘટનાસ્થળે મધ્ય પ્રદેશના નંબર પ્લેટવાળી બે કાર હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એસઓજી અને એલસીબીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. જામનગરના ઇન્ચાર્જ એસપી પ્રતિભાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ મામલે તપાસ ચાલે છે. જોકે, પોલીસે આરોપો નકારી કાઢ્યા છે.
આ ઉપરાંતના વલસાડના ધરમપુરમાં પણ ધર્માંતરણ થતું હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. જેને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયના સંગઠનોએ ઘણીવાર રજૂઆતો પણ કરી છે. સ્થાનિકો સાથે વાત કરતા ઑપઇન્ડિયાને જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં ચર્ચની સંખ્યા પણ વધી રહી છે. આવી જ પરિસ્થિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે.
રાજસ્થાનના બુંદીમાં વધ્યો તણાવ
રાજસ્થાનના બુંદી જિલ્લામાં ચિત્તોડ રોડ પર આવેલ એક ચર્ચ વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ધર્માંતરણની ઘટનાનો વિરોધ કરતા પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારબાદ તણાવ ફેલાઈ ગયો હતો. સંગઠનોનું કહેવું હતું કે ચર્ચમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મિશનરી પ્રવૃત્તિઓ હેઠળ લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. આ અંગેની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં હિંદુઓ સ્થળ પર પહોંચ્યા અને ચર્ચનો ઘેરાવો કરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડી બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સંગઠનોએ વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો આવા કાર્યક્રમો બંધ નહીં થાય તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.
બીકાનેરમાં ધર્માંતરણ: 34 લોકોની અટકાયત
આ જ રીતે બીકાનેરના શ્રીડુંગરગઢ વિસ્તારના મોમાસર ગામમાં ક્રિસમસની રાત્રે એક ઘરમાં પોલીસે દરોડો પાડ્યો હતો. એવી માહિતી મળી હતી કે બહારથી આવેલા લોકો બાઇબલના પાઠ અને ધર્માંતરણની પ્રવૃત્તિમાં સામેલ છે. પોલીસે 34 લોકોની અટકાયત કરી અને ચાર ગાડીઓ જપ્ત કરી હતી. તંત્ર એ તપાસ કરી રહ્યું છે કે આ સામાન્ય પ્રાર્થના સભા હતી કે પછી સુનિયોજિત ધર્માંતરણનો પ્રયાસ.
મધ્ય પ્રદેશના વિદિશામાં ક્રિસમસ કાર્યક્રમમાં ધર્માંતરણનો પ્રયાસ
મધ્ય પ્રદેશના વિદિશામાં એક હોટલમાં આયોજિત ક્રિસમસ કાર્યક્રમ દરમિયાન ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંગઠનોનું કહેવું હતું કે લોકોને ભોજન અને અન્ય સુવિધાઓની લાલચ આપીને બોલાવવામાં આવ્યા હતા અને બાઇબલનો પાઠ કરીને ખ્રિસ્તી બની જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મંત્રી સારંગે જણાવ્યું હતું કે ધર્માંતરણના પ્રયાસો સફળ નહીં થાય અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જબલપુરમાં દિવ્યાંગ બાળકોનું ધર્માંતરણ, વિરોધ બાદ મારામારી
બીજી તરફ, જબલપુરના કટંગામાં આવેલા હવાબાગ ચર્ચ પરિસરમાં દિવ્યાંગ બાળકો માટે આયોજિત ભોજન સમારંભ દરમિયાન છૂપી રીતે ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે કડક વલણ અપનાવવું પડ્યું હતું.
હરિયાણાના ફતેહાબાદમાં ધર્માંતરણ
હરિયાણાના ભૂના શહેરમાં ક્રિસમસ દરમિયાન ધર્મ પરિવર્તનના આરોપો લાગતા તણાવની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 5 અને 3માં આયોજિત કાર્યક્રમોનો પડોશીઓએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. એક સ્થળે તો કાર્યક્રમ અટકાવવો પડ્યો હતો, જ્યારે બીજા સ્થળે પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સ્થાનિક રહેવાસીઓએ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ કરી હતી.
ઉત્તર પ્રદેશના ઘરોમાં ધર્માંતરણ, મહોલ્લાઓમાં વિરોધ
ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ક્રિસમસ દરમિયાન ઘરોમાં આયોજિત કાર્યક્રમોમાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હતું, જેનો પડોશીઓએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્યાંક કાર્યક્રમો રોકવા પડ્યા, તો ક્યાંક પોલીસની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘરોમાં લાંબા સમયથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી હતી.
ધર્માંતરણનો વિડીયો વાયરલ, મહિલાએ સેંથાનું સિંદૂર ભૂંસી નાખ્યું
ધર્માંતરણના આવા જ એક ખુલાસાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સુજીત મુખિયા કહી રહ્યા છે કે, “અહીં જે પણ મહિલાઓ અને બાળકીઓ દેખાઈ રહી છે, તેમનું એવું માઈન્ડવોશ કરવામાં આવ્યું છે કે તેઓ કહે છે કે અમારું જીવન પરિવર્તન થઈ રહ્યું છે.” તેઓ કહી રહ્યા છે કે, “અમારી પંચાયતમાં એક પણ વ્યક્તિ ખ્રિસ્તી નથી, તો અમે અહીં ચર્ચ ચાલવા નહીં દઈએ.”
पोछ दिए। हमारे पति को क्या हो गया। हम सिंदूर नहीं लगाएंगे। सिंदूर लगाने से क्या होता है।
— अ स अजीत (@JhaAjitk) December 25, 2025
ब्रेनवॉश का स्तर देखिए और कपार पीटिए। उम्मीद है इन मुखिया से और भी जन प्रतिनिधियों को प्रेरणा मिलेगी।
बाकी बिहार ऐसा प्रदेश है जहां कुएं में ही भांग मिला हुआ है। pic.twitter.com/QxzyXpK6ws
તેઓ એક મહિલાને ધર્માંતરણના નામે પ્રશ્ન કરે છે કે, “તો પછી તેં સિંદૂર કેમ લગાવ્યું છે?”, આવું સાંભળીને તે તરત જ પોતાનું સિંદૂર ભૂંસી નાખે છે. મહિલા કહે છે, “લે ભૂંસી નાખ્યું, ભૂંસી નાખ્યું તો મારા પતિને શું થઈ ગયું? સિંદૂર લગાવવાથી શું થાય છે? અમે સિંદૂર નહીં લગાવીએ.”
તેઓ અન્ય મહિલાઓને પ્રશ્ન કરતા કહે છે, “અમે પણ ખૂબ કષ્ટમાં છીએ, શું ધર્માંતરણ કરવાથી અમારું કષ્ટ દૂર થઈ જશે?” આના પર તે બધી કહેવા લાગે છે કે “હા, દૂર થઈ જશે.” સુજીત સ્પષ્ટપણે કહે છે કે તેઓ અહીં ચર્ચ ચાલવા નહીં દે અને તેઓ આ બધાને ત્યાંથી જતા રહેવા કહે છે પણ મહિલાઓ ત્યાંથી ટસની મસ નથી થતી.
આ ઘટનાઓને અવગણી શકાય તેમ નથી
ક્રિસમસના નામે દેશના અલગ-અલગ ભાગોમાંથી સામે આવેલી ઘટનાઓ હવે માત્ર ગેરસમજ કે સ્થાનિક વિવાદ કહીને ટાળી શકાય તેમ નથી. જ્યારે વારંવાર એક જ પેટર્ન સામે આવે, જેમાં ભોજન, સારવાર, આર્થિક મદદ કે મનોરંજનના નામે લોકોને બોલાવવામાં આવે અને પછી ધર્માંતરણની ઘટનાઓ સામે આવે, ત્યારે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. રાજસ્થાનના બુંદી-બીકાનેરથી લઈને મધ્ય પ્રદેશના વિદિશા અને જબલપુર સુધી અને ઉત્તર પ્રદેશના મહોલ્લાઓ સુધી દરેક જગ્યાએ ચિત્ર લગભગ એકસરખું દેખાય છે.
હિંદુ સંગઠનોનો આરોપ છે કે સમાજના સૌથી નબળા વર્ગ – ગરીબ, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો આ સાચું હોય તો તે ધાર્મિક સ્વતંત્રતા નથી, પરંતુ મજબૂરીનું શોષણ છે. ધર્મ એવો હોવો જોઈએ જેને વ્યક્તિ લાલચ, ડર કે દબાણ વગર અપનાવે. ખોરાક, દવા કે અન્ય કોઈ સુવિધાના બદલામાં આસ્થા બદલાવવી એ ન તો સેવા છે, ન તો બંધારણીય અધિકારોની સાચી વ્યાખ્યા.
જો આયોજન સંપૂર્ણપણે પારદર્શક અને નિયમોની અંદર હોય તો પછી વિરોધ અને પોલીસ કાર્યવાહીની નોબત કેમ આવી રહી છે? વારંવાર પોલીસની દખલગીરી, અટકાયત અને અથડામણો એ સંકેત આપે છે કે જમીની હકીકત કંઈક અલગ છે.


