દેશના ત્રીજા સૌથી મોટા જમીનદાર વક્ફ બોર્ડની અનિયંત્રિત અને અમાપ શક્તિઓ પર લગામ લગાવવા માટે કેન્દ્રની મોદી સરકારે રજૂ કરેલું વક્ફ (સંશોધન) બિલ, 2025 સંસદનાં બંને ગૃહમાંથી પસાર પણ થઈ ગયું, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું અને કેન્દ્રીય મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને કાયદો લાગુ પણ કરી દીધો છે, પણ વિપક્ષોની વૉટબેન્કનું રાજકારણ રમવાની કુટેવ હજુ ગઈ નથી.
એક તરફ ભૂતકાળમાં અનેક વખત બન્યું છે તેમ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી ચૂક્યો છે. કોંગ્રેસ, RJD, AIMIM સહિતની અનેક પાર્ટીઓ આદત અનુસાર કોર્ટ પહોંચી ગઈ છે. હવે તેમને આશા સર્વોચ્ચ અદાલત પર છે. બીજી તરફ અમુક રાજ્યોમાં સત્તા પર બેઠેલી પ્રાદેશિક પાર્ટીઓ એવી પણ છે, જેમણે પોતપોતાનાં રાજ્યોમાં કાયદો લાગુ ન કરવાની ઘોષણા કરી દીધી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત કહી રહ્યાં છે કે તેઓ બંગાળમાં વક્ફ કાયદો લાગુ કરવા દેશે નહીં. તેઓ મુસ્લિમોને રક્ષણ આપવાનું વચન આપી ચૂક્યાં છે. બિહારમાં RJD આમ તો સત્તામાં નથી પણ ઑક્ટોબર-નવેમ્બરમાં ત્યાં ચૂંટણીઓ આવી રહી છે તેને જોતાં RJD નેતા તેજસ્વી યાદવે કહી દીધું કે તેમની સરકાર બની તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે. તમિલનાડુ વિધાનસભા પણ વક્ફ કાયદાની વિરુદ્ધમાં એક પ્રસ્તાવ પસાર કરી ચૂકી છે. કેરળમાં જોકે સરકારે આવું કશું કહ્યું નથી પણ મુસ્લિમ સંગઠનો તેમને કહી રહ્યાં છે કે તેઓ પણ બંગાળ-તમિલનાડુના પગલે ચાલીને આવું કંઈક કરે.
પણ અહીં મૂળ પ્રશ્ન એ છે કે શું આ રાજ્યો પાસે ખરેખર સત્તા છે કે તેઓ કેન્દ્ર સરકારે રજૂ કરેલા, સંસદનાં બંને ગૃહે પસાર કરી દીધેલા અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ લાગુ થઈ ગયેલા કાયદાને પોતાને ત્યાં લાગુ થતો રોકી શકે કે તેનું અમલીકરણ અટકાવી શકે? સ્પષ્ટ જવાબ છે– ના. વાસ્તવમાં આ લોકો પાસે એવી કોઈ સત્તા નથી કે ન બંધારણ તેમને આ છૂટ આપે છે. હકીકતે આ બધાં નાટકો માત્ર મુસ્લિમોને ખુશ રાખીને તેમની પાસેથી મતો મેળવવાનાં છે. બાકી જમીની સ્તરે આ કોઈ રાજ્ય સરકાર આમાંથી કશું જ કરી શકે તેમ નથી.
કઈ રીતે બને છે કાયદા?
વાચકો જાણે છે કે ભારતમાં ફેડરલ સિસ્ટમ કામ કરે છે. એટલે કે દરેક રાજ્યની પોતાની સરકાર છે અને તેની ઉપર એક કેન્દ્ર સરકાર છે. હવે કાયદો ઘડવા માટે કેન્દ્ર અને રાજ્ય બંનેને સત્તા છે. પણ અમુક વિષયો એવા છે, જેની ઉપર માત્ર કેન્દ્ર કાયદા બનાવી શકે. અમુક વિષયો પર માત્ર રાજ્ય કાયદા બનાવી શકે. ત્રીજા ખાનામાં એવા વિષયો આવે છે, જેની ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે.
પહેલી યાદીમાં રક્ષા, વિદેશ નીતિને લગતી બાબતો, રેલવે, બેન્કિંગ, એટોમિક એનર્જી, નાગરિકતા– આ બધા વિષયો આવે છે. આ બધામાં કાયદો બનાવવાની સત્તા એકમાત્ર કેન્દ્ર પાસે છે. રાજ્ય સરકારો આ વિષયમાં કંઈ કરી શકતી નથી. તેમણે માત્ર કેન્દ્રે બનાવેલા કાયદા લાગુ કરવાના રહે છે. CAA નાગરિકતાને લગતો કાયદો હતો, જેની સંપૂર્ણ સત્તા કેન્દ્ર પાસે છે.
બીજી યાદીમાં આવે છે એવા કાયદા જે રાજ્ય સરકારો બનાવી શકે. જેમકે, પોલીસ, સ્વાસ્થ્ય, કૃષિ, જમીની સુધારા, સ્થાનિક સરકારોને લગતા કાયદા. રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ હોય તો સંસદ આમાં હસ્તક્ષેપ કરી શકે, બાકી સામાન્ય સ્થિતિમાં આ કામ રાજ્ય સરકારોએ કરવાનું રહે છે.
ત્રીજી યાદી એવી છે, જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે. જેમકે, શિક્ષણ, લગ્ન-છૂટાછેડા, વન, ક્રિમિનલ લૉ, લેબલ લૉ, પ્રોપર્ટી ટ્રાન્સફર, વીજળી, ભાવ નિયંત્રણ, આર્થિક-સામાજિક યોજનના, વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન વગેરે.
વક્ફ કાયદાની વાત કરીએ તો એ ત્રીજી યાદીમાં આવે છે, કારણ કે સંપત્તિ અને મજહબી બાબતોનો મામલો છે. જેથી તેમાં રાજ્ય અને કેન્દ્ર બંનેને સત્તા છે. પરંતુ બંધારણમાં એક આર્ટિકલ એવો છે, જે કહે છે કે જો આ ત્રીજી યાદીના કોઈ વિષયના કોઈ કાયદાને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થાય તો એ સંજોગોમાં કેન્દ્ર સરકારનો હાથ ઉપર રહેશે.
ટકરાવની સ્થિતિમાં કેન્દ્રનો જ હાથ ઉપર રહે
આ બાબત બંધારણના આર્ટિકલ 254માં જણાવવામાં આવી છે. આ આર્ટિકલ કહે છે કે, જો ત્રીજી યાદીના કોઈ વિષયને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો જ લાગુ પડશે. ત્યારે રાજ્ય સરકારે કોઈ કાયદો બનાવ્યો પણ હોય તોપણ તે નિરસ્ત ગણવામાં આવશે.
જોકે આમાં એક અપવાદ એટલો છે કે જો રાજ્ય સરકારે બનાવેલા કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરી આપી દે તો તેઓ રાજ્યમાં જે-તે કાયદો લાગુ કરી શકે, ભલે કેન્દ્ર સરકારે અલગ કાયદો બનાવ્યો હોય. પરંતુ વ્યવહારિક રીતે આ શક્ય નથી, કારણ કે રાષ્ટ્રપતિ મોટેભાગે કેન્દ્ર સરકારની સલાહ પર જ કામ કરે છે. પરંતુ ચર્ચા ખાતર માની પણ લઈએ કે રાષ્ટ્રપતિએ રાજ્ય સરકારને મંજૂરી આપી પણ દીધી, તો તેમ છતાં પણ સંસદ પાસે કાયમ એક માર્ગ ખુલ્લો રહે છે– નવો કાયદો બનાવીને કે વર્તમાન કાયદામાં સંશોધન કરીને રાષ્ટ્રપતિના નિર્ણયને પલટાવવાનો. એટલે અંતે કેન્દ્રનો જ કાયદો લાગુ થાય છે.
બીજું, બંધારણના આર્ટિકલ 256 હેઠળ દેશની સંસદે બનાવેલા કાયદાનું પાલન કરવા માટે તમામ રાજ્ય સરકારો બંધાયેલી છે. તેમ છતાં પણ જો તેઓ કાયદો લાગુ કરવાનો ઇનકાર કરે તો કેન્દ્ર સરકાર કોર્ટમાં જઈ શકે. અથવા જો કોઈ સંવેદનશીલ વિષય હોય તો રાષ્ટ્રપતિ શાસન (આર્ટિકલ 256 હેઠળ) લાગુ કરીને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ શકે. કેન્દ્રીય એજન્સીઓ અને બ્યુરોક્રેસી મારફતે કાયદા લાગુ કરાવવાનો પણ એક વિકલ્પ રહે છે.
રાજ્યે કાયદો લાગુ કરવો જ પડે, બીજી બધી વાતો માત્ર રાજકારણ માટેની
જોકે રાજ્ય સરકારોને વિધાનસભાઓમાં પ્રસ્તાવો પસાર કરવાથી કોઈ રોકતું નથી, પણ તેનું કાયદાકીય મૂલ્ય કશું જ નથી. જેમકે તમિલનાડુ વિધાનસભાએ વક્ફ બિલના વિરોધમાં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, પણ તેઓ તેનાથી માત્ર રાજ્યમાં ચર્ચા જગાવી શકે કે કેન્દ્ર પર દબાણ કર્યું હોવાનો સંતોષ મેળવી શકે. તેનાથી આગળ જઈને કશું જ કરી શકતા નથી. કાયદો સંસદે બનાવ્યો છે તો લાગુ કરવો જ પડે છે.
રાજ્ય સરકારો એવું કરી શકે કે જે-તે કાયદો લાગુ કરવા માટે જે સંસાધનોની જરૂર હોય, કે અમુક બાબતો જે રાજ્ય સરકાર તરફથી સુનિશ્ચિત કરવાની હોય તેમાં બિનજરૂરી વિલંબ કરી શકે, પણ આવાં તરકટ પણ લાંબા સમય ચાલતા નથી અને આખરે તો કાયદો અમલમાં મૂકવો પડે છે.
ટૂંકમાં કહીએ તો રાજ્ય સરકારો પાસે કાયદો લાગુ કરવા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી. એ તેઓ પણ જાણે છે એટલે જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બાકી તેઓ જો ખરેખર કાયદો રોકી શકતા હોત તો કોર્ટ જવાની જરૂર જ ન પડી હોત. જો સુપ્રીમ કાયદાના અમલીકરણ પર રોક લગાવે તો જ કશુંક થાય. બાકી બધી વાતો માત્ર તુષ્ટિકરણનું રાજકારણ રમવા માટેની છે.
મમતા બેનર્જી કે તેજસ્વી યાદવ પણ જાણે છે કે તેઓ કાયદો રોકી શકવાનાં નથી, પણ આ બહાને મુસ્લિમોને ઠાલાં વચનો અને આશ્વાસન આપીને રાજકારણ ચમકાવવાની એક તક મળી છે તો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. CAA વખતે પણ આ સરકારોએ આ જ કારસ્તાનો કર્યાં હતાં. આમ કરીને દેશભરમાં પ્રદર્શનો કરવામાં આવ્યાં, પ્રદર્શનોના નામે પછીથી પૂર્વનિયોજિત હિંસા આચરવામાં આવી, દેશ સળગાવવાના પ્રયાસો થયા, જેથી કેન્દ્ર સરકાર પીછેહઠ કરી લે. પણ આખરે કાયદો લાગુ થઈ ગયો અને તમામે લાગુ કરવો જ પડ્યો.