સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા બાદ વક્ફ સંશોધન બિલને (Waqf Amendment Bill) રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ બિલે કાયદાનું (Act) સ્વરૂપ ધારણ કરી લીધું છે. સરકારે નોટિફિકેશન જારી કરીને આ વિશેની માહિતી પણ આપી હતી અને કહ્યું હતું કે, હવે વક્ફ સંશોધન બિલ-2025 કાયદો બની ગયો છે. પરંતુ, વક્ફ કાયદો અમલમાં આવે તે પહેલાં જ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી ગયો છે. વક્ફ કાયદાના વિરોધમાં હમણાં સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 5 અરજીઓ દાખલ કરવામાં આવી છે.
વક્ફ સંશોધન અધિનિયમ-2025ને (પહેલાં બિલ) લાગુ કરવા પર રોક લગાવવાની માંગણી સાથે લગભગ 5 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. તેમાંથી બે અરજીઓ શનિવારે (5 એપ્રિલે) દાખલ થઈ ગઈ હતી અને બાકીની ત્રણ અરજીઓ નવી દાખલ થઈ છે. નવી દાખલ થયેલી ત્રણ અરજીઓ AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, ‘એસોશિયેશન ફૉર ધ પ્રોટેક્શન ઇન ધ મેટર્સ ઑફ સિવિલ રાઇટ્સ’ નામની NGO અને RJD પાર્ટીના રાજ્યસભા સાંસદ મનોજ ઝા અને ફૈયાઝ અહેમદે દાખલ કરી છે.
આ પહેલાં બે અરજી દાખલ થઈ હતી. તેમાં કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM નેતા અસદુદ્દીન ઔવેસીનો સમાવેશ થતો હતો. તે સિવાય હજુ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની કસમ ખાધી એ તો અલગ. જો તેઓ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે છે તો વક્ફ કાયદા વિરુદ્ધ કુલ 6 અરજીઓ દાખલ થઈ ગણાશે.
શું કહે છે અરજીઓની દલીલો?
પહેલાં વાત કરીએ કોંગ્રેસની. બિહારના કિશનગંજથી કોંગ્રેસના લોકસભા સાંસદ મોહમ્મદ જાવેદે વકીલ અનસ તનવીર દ્વારા દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું છે કે, આ કાયદો વક્ફ સંપત્તિઓ અને તેના પ્રબંધન પર મનસ્વી રીતે પ્રતિબંધ લગાવે છે. આ કારણે મુસ્લિમોની મજહબી સ્વાયત્તા નબળી પડી શકે છે. તેમણે એવું પણ કહ્યું છે કે, કાયદામાં અનેક પ્રતિબંધો સાથે મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
વધુમાં જાવેદે અરજીમાં કહ્યું છે કે, આ બિલ બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર), 25 (ધાર્મિક અધિકાર), 26 (ધાર્મિક મામલોની સ્વતંત્રતા), 29 (લઘુમતી અધિકાર) અને 300Aનું (સંપત્તિનો અધિકાર) ઉલ્લંઘન કરે છે.
આ સાથે જ અસદુદ્દીન ઔવેસીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, આ બિલ દ્વારા વક્ફ, બૌદ્ધ, જૈન અને શીખ ધાર્મિક અને સખાવતી દાનને આપવામાં આવતી ઘણી સુરક્ષા છીનવી લેવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આ બંધારણના અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન છે. તેનાથી ધર્મના આધારે ભેદભાવ પ્રતિબિંબિત થાય છે.”
તે સિવાય AAPના અમાનતુલ્લાહ ખાને પણ અરજી કરી છે. ખાનની દલીલ છે કે, આ બિલ મુસ્લિમોની મજહબી અને સાંસ્કૃતિક સ્વાયત્તાને સીમિત કરે છે. તે સિવાય એવું પણ કહેવાયું છે કે, આ બિલ મનસ્વી હસ્તક્ષેપને પણ બળ આપે છે અને પોતાની મજહબી અને ખેરાતી સંસ્થાઓમાં લઘુમતીઓના અધિકારને નબળો પાડે છે.
તે સિવાય RJDના મનોજ ઝા અને ફૈયાઝ અહેમદની અરજીમાં પણ આ બિલને ‘બંધારણ વિરુદ્ધ’ ગણાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અરજીમાં કહેવાયું છે કે, વક્ફ બિલ બંધારણની કલમ 14, 25, 26, 29, 300Aનું ઉલ્લંઘન કરે છે, વક્ફ સંપત્તિનું સંચાલન નબળું કરે છે અને મજહબની સ્વતંત્રતા છીનવે છે. અરજીમાં આ બિલને ‘મુસ્લિમ વિરોધી’ અને ‘ધ્રુવીકરણનું હથિયાર’ ગણાવવામાં આવ્યું છે અને દખલગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વધુ એક અરજી એક NGO તરફથી કરવામાં આવી છે. NGOનું નામ ‘એસોશિયેશન ફૉર ધ પ્રોટેક્શન ઇન ધ મેટર્સ ઑફ સિવિલ રાઇટ્સ’ (APCR) છે. APCR તરફથી આ અરજી વકીલ અદીલ અહેમદ દ્વારા 5 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી છે. APCRનો દાવો છે કે, વક્ફ બિલ બંધારણની કલમ 14, 25, 26 અને 300Aનું ઉલ્લંઘન કરે છે. વધુમાં તેમાં સેકશન 40ની જોગવાઈને લઈને દલીલ કરવામાં આવી છે કે, તેના કારણે વક્ફ બોર્ડની સ્વાયત્તા ઘટે છે અને સરકારી હસ્તક્ષેપ વધે છે. વધુમાં દાવો છે કે, આ ઇસ્લામી કાયદા હેઠળ વક્ફના મૂળ હેતુને નુકસાન પહોંચાડે છે.
સાથે એવી પણ દલીલ છે કે, ‘વક્ફ બાય યુઝર’ ડોક્ટ્રિનને દૂર કરવાથી વક્ફ સંપત્તિઓની માન્યતા નષ્ટ થાય છે, જે મુસ્લિમ અધિકારોને હાનિ પહોંચાડે છે. વધુમાં કહેવાયું છે કે, નોન-મુસ્લિમ સભ્યોને વક્ફ બોર્ડમાં સામેલ કરવા અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને વધુ સત્તા આપવી એ મજહબી સંસ્થાઓમાં અનૈતિક દખલગીરી છે. APCRનું કહેવું છે કે, આ કાયદો સંચાલન સુધારવાને બદલે મુસ્લિમ અધિકારો પર હુમલો કરે છે અને તેથી તેને રદ કરવો જોઈએ.