હોમપેજદેશકેન્દ્ર સરકારે દિલ્હીથી પકડીને ડિપોર્ટ કર્યા હતા 6 બાંગ્લાદેશીઓ, કલકત્તા હાઇકોર્ટે 1...

કેન્દ્ર સરકારે દિલ્હીથી પકડીને ડિપોર્ટ કર્યા હતા 6 બાંગ્લાદેશીઓ, કલકત્તા હાઇકોર્ટે 1 મહિનામાં પરત લાવવાનો આપ્યો આદેશ

નોંધનીય છે કે કેન્દ્રે આદેશ પર સ્ટે (રોક) મેળવવાની અરજી કરી અને દલીલ કરી કે આવા કેસોમાં ગેરકાયદેસર વસાહતીઓને પરત લાવવું શક્ય નથી અને આ ચુકાદો રાષ્ટ્રીય સુરક્ષા નીતિને નબળી પાડી શકે છે. જોકે, કોર્ટે આ અરજી નકારી, એમ કહીને કે વિલંબથી અરજદારોને વધુ તકલીફ થશે.

- Advertisement -

ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવાના હેતુથી મે 2025માં એક મેમો જારી કરીને બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર વસાહતીઓને ઓળખી અને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રક્રિયા હેઠળ દિલ્હી પોલીસે જૂન 2025માં રોહિણી વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલા અને ત્રણ બાળકો સહિત 6 વ્યક્તિઓને બાંગ્લાદેશી ઘૂસણખોર તરીકે ગણીને ડિપોર્ટ કર્યા હતા. આ વ્યક્તિઓ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના પૈકર ગામમાં રહેતા હોવાનો દાવો કરે છે.

જોકે, કલકત્તા હાઇકોર્ટે 26 સપ્ટેમ્બર, 2025ના રોજ આ ડિપોર્ટેશનને ‘ગેરકાયદેસર’ ગણાવીને કેન્દ્ર સરકારને આ વ્યક્તિઓને એક મહિનામાં ભારત પરત લાવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો રાષ્ટ્રીય સુરક્ષા માટે કેન્દ્રના પ્રયાસો પર પ્રશ્ન ઉભા કરે છે, જ્યારે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે.

કેન્દ્ર સરકારની કાર્યવાહી

ભારતની સરહદો ખાસ કરીને બાંગ્લાદેશ સાથેની પૂર્વીય સરહદ, ગેરકાયદેસર સ્થળાંતરની સમસ્યાથી લાંબા સમયથી પીડાઈ રહી છે. આવા સ્થળાંતરથી રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સ્થિરતા અને સ્થાનિક સંસાધનો પર દબાણ વધે છે. આ પડકારને પહોંચી વળવા કેન્દ્ર સરકારે મે 2025માં એક મહત્વપૂર્ણ મેમો જારી કર્યો, જેમાં ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) અને રાજ્ય પોલીસને ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવા અને ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મેમોનો હેતુ દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાનો હતો.

- Advertisement -

આ આદેશના અમલમાં દિલ્હી પોલીસે 18 જૂન 2025ના રોજ રોહિણીના સેક્ટર 26માં રહેતા 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં સોનાલી બીબી (સુનાલી ખાતુન, જે નવ મહિનાની ગર્ભવતી હતી), તેના શોહર દાનેશ શેખ, તેનો 5 વર્ષનો દીકરો, સ્વીટી બીબી, તેનો શોહર અને તેના 2 બાળકો સામેલ હતા. પોલીસે આ વ્યક્તિઓને બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોર તરીકે ઓળખીને 27 જૂનના રોજ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કર્યા હતા. આ કાર્યવાહી નવ દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી, જે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર ગેરકાયદેસર સ્થળાંતર સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

આ વ્યક્તિઓએ પોતાને ભારતીય નાગરિક અને પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના મુરારાઈના પૈકર ગામના રહેવાસી હોવાનો દાવો કર્યો. આ વ્યક્તિઓ દિલ્હીમાં લગભગ 20 વર્ષથી રહેતા હોવાનો દાવો કરતા હતા. તેમણે આધાર કાર્ડ, પાન કાર્ડ, મિલકતના દસ્તાવેજો, વોટર આઈડી અને બાળકોના જન્મ પ્રમાણપત્રો રજૂ કર્યા. પરંતુ ગેરકાયદેસર વસાહતીઓ ઘણીવાર લાંબા સમય સુધી રહીને નકલી દસ્તાવેજો બનાવી લે છે, જેના કારણે પોલીસે તેમના દસ્તાવેજોની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી હતી.

કલકત્તા હાઇકોર્ટનો આદેશ

આ ડિપોર્ટેશન સામે સોનાલીના પિતા ભોદુ શેખ અને સ્વીટીના ભાઈ અમીર ખાને કલકત્તા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ વ્યક્તિઓ ભારતીય નાગરિક છે અને તેમનું ડિપોર્ટેશન ગેરકાયદેસર હતું. પશ્ચિમ બંગાળ સરકારે આ કેસમાં હસ્તક્ષેપ કર્યો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાનૂની સહાય પૂરી પાડી. આ કેસની સુનાવણી જસ્ટિસ તપબ્રતા ચક્રવર્તી અને જસ્ટિસ રીતોબ્રતો કુમાર મિત્રની ડિવિઝન બેન્ચે 26 સપ્ટેમ્બર, 2025ના રોજ કરી હતી.

કોર્ટે જણાવ્યું કે ડિપોર્ટેશન ખૂબ ઝડપથી અને ‘હોટ હેસ્ટ’માં કરવામાં આવ્યું, જેમાં મે 2025ના આદેશમાં દર્શાવેલી પ્રક્રિયાનું પાલન થયું નથી. દિલ્હી પોલીસે પશ્ચિમ બંગાળ સરકાર સાથે સલાહ-સૂચન કર્યા વિના આ કાર્યવાહી હાથ ધરી, જે એક ટેકનિકલ ભૂલ હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજો – આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, મિલકતના દસ્તાવેજો અને જન્મ પ્રમાણપત્રોને દિલ્હી પોલીસે ધ્યાનમાં લીધા ન હતા.

દિલ્હી પોલીસ દ્વારા FRROના આદેશનું ઉલ્લંઘન કરવા અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે શંકાસ્પદોની વિગતો શેર કરવામાં નિષ્ફળ જવા સામે બેન્ચે વાંધો ઉઠાવ્યો. કોર્ટે જણાવ્યું હતું કે આ કૃત્ય ‘બંધારણીય રીતે ગેરંટીકૃત ન્યાયીતા અને વાજબીતાના અધિકારને નબળી પાડે છે.’ કોર્ટે એક આદેશ આપ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જો આપણે અટકાયતીઓના સૌથી ખરાબ કેસને ધ્યાનમાં લઈએ, એટલે કે, તેઓ ભારતીય નાગરિક ન હતા, તો પણ સંબંધિત અધિકારીઓએ મેમોરેન્ડમમાં દર્શાવેલ પગલાં અને પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈતું હતું. આવી પ્રક્રિયાઓનું પાલન કરવામાં નિષ્ફળતા એ સ્પષ્ટ ઉલ્લંઘન છે જે દેશનિકાલના આદેશને કાયદેસર રીતે અમાન્ય બનાવે છે અને તેને બાજુ પર રાખવો જોઈએ.”

કોર્ટે અધિકારીઓ દ્વારા સત્તાના આડેધડ ઉપયોગ સામે પણ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓ ‘પોતાના જાહેર અધિકારનો મનસ્વી રીતે ઉપયોગ કરી શકતા નથી.’ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે દેશનિકાલ કરાયેલા 6 નાગરિકોને એક મહિનાની અંદર ભારત પાછા લાવવામાં આવે.

નોંધનીય છે કે કેન્દ્રે આદેશ પર સ્ટે (રોક) મેળવવાની અરજી કરી અને દલીલ કરી કે આવા કેસોમાં ગેરકાયદેસર વસાહતીઓને પરત લાવવું શક્ય નથી અને આ ચુકાદો રાષ્ટ્રીય સુરક્ષા નીતિને નબળી પાડી શકે છે. જોકે, કોર્ટે આ અરજી નકારી, એમ કહીને કે વિલંબથી અરજદારોને વધુ તકલીફ થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં