Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશ326 કિમી વાયડક્ટ, 17 પુલો, 6 સ્ટીલ બ્રિજ અને અંડર-સી ટનલ: બુલેટ...

    326 કિમી વાયડક્ટ, 17 પુલો, 6 સ્ટીલ બ્રિજ અને અંડર-સી ટનલ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ, પીએમ મોદીએ કરી સમીક્ષા

    આ પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ ચૂકી છે. કુલ 465 કિલોમીટર વાયડક્ટમાંથી 326 કિલોમીટર (અગાઉ 320 કિમી) પૂર્ણ થયા છે, જેમાં 40-મીટર ગર્ડર્સનો ઉપયોગ કરીને જાપાની પાર્ટનર્સે કાર્યક્ષમતા અને ડિઝાઈનની પ્રશંસા કરી છે. 25 નદીઓના પુલોમાંથી 17 પૂર્ણ થયા છે અને સાબરમતી નદીનો પુલ પણ લગભગ તૈયાર જ છે.

    - Advertisement -

    ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઉદાહરણ છે, જે દેશને આધુનિક પરિવહનના યુગમાં લઈ જઈ રહ્યો છે. આ 508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન માટેનો કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે અને 12 મુખ્ય સ્ટેશનોને જોડે છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.

    આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીના (JICA) 81% નાણાકીય સહયોગથી ચાલે છે. આ પ્રોજેક્ટના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની વર્તમાન 9 કલાકની મુસાફરી માત્ર 2 કલાક અને 7 મિનિટની થઈ જશે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમલીકરણમાં ચાલી રહેલ આ પ્રોજેક્ટ ન માત્ર પરિવહનને જ વેગ આપશે, પરંતુ આર્થિક વિકાસ, વેપાર અને પ્રાદેશિક જોડાણને પણ મજબૂત કરશે. તાજેતરમાં 15 નવેમ્બર 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના અંડર-કન્સ્ટ્રક્શન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પ્રગતિની સમીક્ષા કરી છે, જે આ પ્રોજેક્ટને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ પગલું છે.

    પ્રોજેક્ટનું વિઝન અને મહત્વ

    MAHSR કોરિડોર મુખ્ય લાઈન પર 320 કિમી/કલાકની મહત્તમ ઝડપ અને લૂપ લાઈન પર 80 કિમી/કલાકની ઝડપ સાથે ચાલશે. શરૂઆતમાં પીક અવર્સમાં દર 30 મિનિટે એક ટ્રેન ચાલશે, જે પછી દર 10 મિનિટે વધારી શકાય છે. આ પ્રોજેક્ટ આણંદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને મુંબઈ જેવા આર્થિક કેન્દ્રોને જોડીને એકીકૃત કોરિડોર બનાવશે, જે ઔદ્યોગિક વિકાસ, જ્ઞાન વિનિમય અને ઉત્પાદકતા વધારશે.

    - Advertisement -

    આ પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂરી કરશે, જ્યાં આરામદાયક મુસાફરી મધ્યમવર્ગનાં ભાડામાં મળશે.” જાપાનના શિંકાન્સેન જેવું આ કોરિડોર ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ આપશે અને ભાજપની યોજના અનુસાર ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં વધુ ત્રણ કોરિડોર વિસ્તારવામાં આવશે.

    વડા પ્રધાન મોદીએ કરી સુરત સ્ટેશનની સમીક્ષા

    15 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી અંત્રોલીમાં અંડર-કન્સ્ટ્રક્શન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરી અને કાર્યની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. સુરત સ્ટેશન શહેરના હીરા ઉદ્યોગથી પ્રેરિત ડિઝાઈનવાળું છે, જેમાં વિશાળ વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, રિટેલ આઉટલેટ્સ અને સુરત મેટ્રો, સિટી બસ તથા ભારતીય રેલવે સાથે સીમલેસ કનેક્ટિવિટીની વ્યવસ્થા છે.

    મુખ્ય નિર્માણ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને પ્રથમ ટર્નઆઉટ ઇન્સ્ટોલ થયો છે, જેમાં વાયબ્રેશન એબ્સોર્પ્શન મિકેનિઝમ, યુટિલિટી કેબલ્સ, વાયુ અને ભૂકંપ-પ્રતિરોધક ટ્રેક્સ, રોલર બેરિંગ્સ અને કમ્પોઝિટ સ્લીપર્સ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ થયો છે. આ સમીક્ષા પ્રોજેક્ટને વધુ વેગ આપશે અને ભારતને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં સ્થાન આપશે.

    પૂર્ણ થયેલાં કાર્યો: માઈલસ્ટોન્સની ઝડપી પ્રગતિ

    આ પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ ચૂકી છે. કુલ 465 કિલોમીટર વાયડક્ટમાંથી 326 કિલોમીટર (અગાઉ 320 કિમી) પૂર્ણ થયા છે, જેમાં 40-મીટર ગર્ડર્સનો ઉપયોગ કરીને જાપાની પાર્ટનર્સે કાર્યક્ષમતા અને ડિઝાઈનની પ્રશંસા કરી છે. 25 નદીઓના પુલોમાંથી 17 પૂર્ણ થયા છે અને સાબરમતી નદીનો પુલ પણ લગભગ તૈયાર જ છે.

    ગુજરાતમાં 28 સ્ટીલ બ્રિજ પૈકી 6 પૂર્ણ થયા છે, જેમાં નડિયાદ પાસે NH-48 પર 200 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ (બે 100-મીટર સ્પાન, 14.3 મી. પહોળો, 14.6 મી. ઊંચો, 1,500 મેટ્રિક ટન વજન) માર્ચ 2025માં લૉન્ચ થયો અને ઑગસ્ટ 2025 સુધીમાં પૂર્ણ થઈ ગયો છે. આ બ્રિજમાં ટેન્શન કંટ્રોલ હાઈ-સ્ટ્રેન્થ બોલ્ટ્સ (TTHSB) અને C-5 સિસ્ટમ પેઈન્ટિંગનો ઉપયોગ થયો છે, જે 100 વર્ષની આયુ આપે છે.

    અમદાવાદ જિલ્લામાં 31 ક્રોસિંગ્સમાંથી 15 પૂર્ણ થયા છે, જેમાં ગિરધરનગર બ્રિજને (45 મી. લાંબો વાયડક્ટ, 19 સેગ્મેન્ટ્સ, 1,200 મેટ્રિક ટન, 19.5 મી. ઊંચો) માત્ર 12 દિવસમાં 15 સપ્ટેમ્બર 2025ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો, જે NHSRCL માટે નવો બેન્ચમાર્ક છે. સુરત-બિલિમોરા વિભાગમાં 47 કિલોમીટરના સિવિલ વર્ક્સ અને ટ્રેક-બેડ લેઈંગ પૂર્ણ થયા છે.

    વધુમાં 20 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈ-થાણે વચ્ચે 4.8 કિલોમીટર લાંબી અંડર-સી ટનલમાં મેજર બ્રેકથ્રુ પૂર્ણ થયો, જે ન્યુ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી (NATM) બનાવવામાં આવ્યો છે અને જમીનના સેટલમેન્ટ માર્કર્સ, પીઝોમીટર્સ, ઇન્ક્લાઇનોમીટર્સ અને સ્ટ્રેન ગેજ જેવી સુરક્ષા સાથે પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિનું પણ રક્ષણ કરે છે. લોકો પાયલોટ અને મેઈન્ટેનન્સ સ્ટાફ માટે જાપાનમાં તાલીમ ચાલુ છે અને જાપાને E10 શિંકાન્સેન ટ્રેઈન્સ આપવા માટે સંમતિ આપી દીધી છે.

    બાકી રહેલાં કાર્યો

    જોકે નોંધપાત્ર પ્રગતિ થઈ ચૂકી છે, પરંતુ કુલ વાયડક્ટમાંથી લગભગ 139 કિલોમીટર અને 25 નદી પુલોમાંથી 8 બાકી છે. સ્ટેશનોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ ફિનિશિંગ, યુટિલિટી વર્ક્સ અને ટ્રેક લિંકિંગ પૂર્ણ કરવા જરૂરી છે. જમીન ફાળવણીમાં મહારાષ્ટ્રમાં અડચણો આવી હતી, પરંતુ હવે તે લગભગ પૂરી થઈ ગઈ છે. પડકારોમાં અંડરવોટર ટનલિંગ અને પર્યાવરણીય સુરક્ષા સામેલ છે, જેને NATM અને મોનિટરિંગ ટૂલ્સથી હલ કરવામાં આવી રહી છે. બાકીના 17 સ્ટીલ બ્રિજ અને ક્રોસિંગ્સ પર કામ ચાલુ છે અને ટ્રાયલ રન્સ તથા સેફ્ટી ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત છે.

    સત્તાવાર માહિતી અનુસાર સુરત-બિલિમોરા વિભાગ (50 કિમી) 2027 સુધીમાં તૈયાર થશે, જ્યાં પ્રથમ ઓપરેશનલ ફ્રીક્વન્સી દર 30 મિનિટની રહેશે. થાણે-અમદાવાદ વિભાગ 2028માં કમિશન્ડ થશે અને સંપૂર્ણ કોરિડોર 2029માં તૈયાર થઈ જશે. વૈષ્ણવે કહ્યું હતું કે, “સુરત-બિલિમોરા કોરિડોર 2027 સુધીમાં ખુલશે, થાણે-અમદાવાદ 2028માં અને સંપૂર્ણ લાઈન 2029માં શરૂ થઈ જશે.”

    આ બુલેટ ટ્રેન કોરિડોર પાસેના વિસ્તારોમાં રોજગાર, રોકાણ અને વિકાસને વેગ આપશે, જેમ કે જાપાનના શિંકાન્સેનએ કર્યું છે. વડા પ્રધાન મોદીનાં વિઝન અનુસાર આ પ્રોજેક્ટ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક બનશે અને ભવિષ્યના હાઈ-સ્પીડ નેટવર્ક માટે મોડલ બનશે.

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતના વિકાસનું પ્રતીક છે. વડા પ્રધાન મોદીની 15 નવેમ્બર 2025ની સમીક્ષા પછી આ પ્રોજેક્ટ 2027થી સેવાઓ શરૂ કરીને દેશને નવા યુગમાં લઈ જશે. 2029માં સંપૂર્ણ રીતે પૂર્ણ થનારો આ કોરિડોર ભારતને વૈશ્વિક રેલ પાવર તરીકે સ્થાપિત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં