હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસોમનાથને માત્ર મંદિર નહીં પણ શૈવ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ વિકસાવ્યું, આક્રમણો...

સોમનાથને માત્ર મંદિર નહીં પણ શૈવ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ વિકસાવ્યું, આક્રમણો બાદ પણ જીવંત રાખી પરંપરા: વાંચો એ આચાર્યો અને રાજાઓ વિશે

સોમનાથ વારંવાર તૂટ્યું, પરંતુ તેની પરંપરા ક્યારેય તૂટી નહીં. કારણ કે તે માત્ર પથ્થરો પર ઉભેલું મંદિર નહોતું. તે લોકોની સ્મૃતિમાં, ભક્તિમાં, પરંપરામાં અને સાંસ્કૃતિક ચેતનામાં જીવંત સંસ્કૃતિનું મહાન કેન્દ્ર હતું. કદાચ આ જ કારણ છે કે સોમનાથ આજે પણ માત્ર એક તીર્થ નથી, તે ભારતના સ્વાભિમાનનું પ્રતિક છે.

- Advertisement -

ભારતના ઇતિહાસમાં કેટલીક એવી ભૂમિઓ છે, જે માત્ર ભૂગોળ નથી રહેતી પરંતુ સમગ્ર સભ્યતાની સ્મૃતિ બની જાય છે. પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ એવું જ એક તીર્થ છે. હજારો વર્ષથી આ સ્થાન માત્ર એક મંદિર તરીકે નહીં, પરંતુ ભારતીય આધ્યાત્મિકતા, શૈવ પરંપરા, જ્ઞાન, તપ, સંસ્કૃતિ અને અવિરત પ્રતિરોધના પ્રતિક તરીકે જીવંત રહ્યું છે. વિશ્વના ઇતિહાસમાં બહુ ઓછાં એવા તીર્થો હશે, જેમણે વારંવારના વિધ્વંસ, રાજકીય પરિવર્તન, ઇસ્લામી આક્રમણો અને સમયના કઠોર પ્રહારો છતાં પોતાની પરંપરાને એટલી જ જીવંત રીતે જાળવી રાખી હોય જેટલી સોમનાથે રાખી છે.

તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ સોમનાથ પ્રાણપ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠે ઉજવાઈ રહેલા ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં આ સમગ્ર પરંપરાનો ઉલ્લેખ કરતાં અનેક એવા મહાપુરુષોને નમન કર્યું હતું, જેમણે જુદા-જુદા યુગોમાં સોમનાથને બચાવ્યું, પુનર્જીવિત કર્યું, તેનું પુનર્નિર્માણ કર્યું અથવા તેને જ્ઞાન અને આરાધનાના કેન્દ્ર તરીકે જીવંત રાખ્યું. પીએમ મોદીએ સોમનાથને માત્ર ‘તૂટેલા અને ફરી બનેલા મંદિર’ તરીકે રજૂ નથી કર્યું, પરંતુ એક એવી અવિરત સભ્યતાગત પરંપરા તરીકે રજૂ કર્યું, જેમાં આચાર્યો, પાશુપત સંતો, રાજાઓ, લોકવીરો, ભક્તો અને આધુનિક ભારતના રાષ્ટ્રનાયકો સુધીની અખંડ કડી જોવા મળે છે.

આ મહાન પરંપરાની શરૂઆત મધ્યકાલીન યુદ્ધોથી થતી નથી. તેની શરૂઆત થાય છે પ્રભાસને શૈવ દર્શનનું કેન્દ્ર બનાવનારા મનીષીઓથી. તેની આગળ વધે છે પાશુપત પરંપરાના આચાર્યો તરફ, પછી રાજાશ્રય, પછી આક્રમણો સામેનો પ્રતિરોધ, પછી વિધ્વંસ બાદનું પુનર્જીવન અને અંતે સ્વતંત્ર ભારતના આધુનિક પુનર્નિર્માણ સુધી. આ આખી યાત્રા સમજ્યા વગર સોમનાથને સમજવું અશક્ય છે.

- Advertisement -

શૈવ જ્ઞાન પરંપરા ઊભી કરનારા પાશુપતાચાર્યો

સોમનાથ માત્ર એક મંદિર નહોતું, પરંતુ સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર પણ હતું. આપણાં પ્રાચીન ઋષિઓ અને આચાર્યોએ સોમનાથને એક મંદિર કે દેવાલયથી આગળ વધારીને સનાતન ચેતનાનું મુખ્ય કેન્દ્ર અને શિવત્વના કેન્દ્રબિંદુ તરીકે સ્થાપિત કર્યું હતું. આ પરંપરાએ આગળ જતાં સોમનાથની સમૃદ્ધિ અને પવિત્રતામાં ઘણો ભાગ ભજવ્યો હતો. આ પરંપરાને સ્થાપિત કરવામાં ઘણા આચાર્યો અને પાશુપતાચાર્યોએ ભૂમિકા ભજવી હતી.

પ્રભાસને શૈવ દર્શનનું મહાન કેન્દ્ર બનાવનારા સોમ શર્મા

આજે જ્યારે સોમનાથનું નામ લેવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે જ્યોતિર્લિંગ, મંદિર પરના આક્રમણો અથવા આધુનિક પુનર્નિર્માણની ચર્ચા થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સોમનાથની ઓળખ માત્ર મંદિર તરીકે નહોતી. એક સમય એવો હતો જ્યારે પ્રભાસ સમગ્ર પશ્ચિમ ભારતના શૈવ દર્શન, તપ, સાધના અને દાર્શનિક ચર્ચાના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગણાતું હતું. આ પરંપરાના મૂળમાં જે નામ સૌથી પ્રથમ જોવા મળે છે, તે છે સોમ શર્મા.

શૈવ પરંપરાઓ અને સોમનાથ સાથે જોડાયેલા પરંપરાગત વર્ણનો અનુસાર સોમ શર્માને રુદ્રના 27મા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમને માત્ર સાધુ કે ઋષિ તરીકે નહીં, પરંતુ એવા મનીષી તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે પ્રભાસમાં પાશુપત પરંપરાનો પાયો નાખ્યો. અનેક પરંપરાઓમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે સોમ શર્માએ અહીં ભગવાન શિવનું પ્રારંભિક સુવર્ણ મંદિર સ્થાપિત કરાવ્યું હતું.

પરંતુ સોમ શર્માનું મહત્ત્વ માત્ર એટલું નથી. તેઓ એવા સમયના પ્રતિનિધિ હતા, જ્યારે ભારતીય ઉપખંડમાં જુદા-જુદા દર્શનો, સંપ્રદાયો અને આધ્યાત્મિક પરંપરાઓ વિકસી રહી હતી. પ્રભાસમાં તેમણે વિકસાવેલી શૈવ પરંપરા પછી પશ્ચિમ ભારતના ધાર્મિક અને બૌદ્ધિક જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે.

સોમ શર્મા સાથે ‘સોમ સિદ્ધાંત’નો પણ ઉલ્લેખ મળે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર તેમણે શૈવ સાધના અને પાશુપત દર્શનને એક આધ્યાત્મિક દિશા આપી. આથી પ્રભાસ માત્ર યાત્રાધામ ન રહ્યું, તે સાધકો અને વિદ્વાનો માટેનું કેન્દ્ર બનવા લાગ્યું.

લકુલીશ: પાશુપત પરંપરાને દાર્શનિક સ્વરૂપ આપનાર મહાન આચાર્ય

સોમ શર્મા પછી જે નામ પ્રભાસ અને પશ્ચિમ ભારતની શૈવ પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે, તે છે લકુલીશ. વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલા લકુલીશને રુદ્રનો 28મો અવતાર માનવામાં આવે છે. પાશુપત સંપ્રદાયના સંગઠિત અને દાર્શનિક વિકાસમાં તેમનું સ્થાન કેન્દ્રસ્થ છે.

‘લકુલીશ’ શબ્દનું મૂળ ‘લકુટ’ શબ્દમાં છે, જેનો અર્થ દંડ અથવા દંડીકો થાય છે. તેમની પ્રતિમાઓમાં તેઓ સામાન્ય રીતે યોગાસનમાં બેઠેલા દર્શાવવામાં આવે છે અને એક હાથમાં લકુટ ધરાવતા હોય છે. શૈવ પરંપરામાં આ પ્રતિકનું વિશેષ મહત્વ છે. તે યોગ, તપ, સંયમ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.

પુરાણ અનુસાર લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના પુત્ર હતા. તેમના બાળપણ સાથે અનેક ચમત્કારિક કથાઓ જોડાયેલી છે. કાયાવરોહણ, દેવખાત તળાવ, ઉર્વા નદીનો કાંઠો અને બ્રહ્મેશ્વર શિવાલય જેવા સ્થળો તેમની પરંપરામાં મહત્વ ધરાવે છે.

ઇતિહાસ માટે લકુલીશ માત્ર પૌરાણિક વ્યક્તિત્વ નથી. મથુરામાં મળેલા એક શિલાલેખના આધારે એવો ઉલ્લેખ મળે છે કે ઈ.સ. 380-381 દરમિયાન લકુલીશના શિષ્ય કુશિકની દસમી પેઢી અસ્તિત્વમાં હતી. આથી અનુમાન લગાવવામાં આવે છે કે લકુલીશનો સમય ઈ.સ.ની બીજી સદીના પ્રથમ ચરણનો હોય શકે છે. આ વિગતો પાશુપત પરંપરાની પ્રાચીનતા દર્શાવે છે.

લકુલીશના ચાર મુખ્ય શિષ્યો કુશિક, ગર્ગ, મિત્ર અને કૌરુષ દ્વારા પાશુપત પરંપરાની ચાર અલગ શાખાઓ વિકસેલી. કૌશિક શાખા મેવાડમાં, ગાર્ગ્ય શાખા ગુજરાતમાં, મૈત્રક શાખા સૌરાષ્ટ્રમાં અને કૌરુષ શાખા પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારોમાં પ્રચલિત થઈ. તે સમયે પ્રભાસ અને કાયાવરોહણ માત્ર સ્થાનિક ધાર્મિક કેન્દ્રો નહોતા, પરંતુ પશ્ચિમ ભારતના વિશાળ શૈવ જ્ઞાનના કેન્દ્રબિંદુ હતા.

ભાવ બૃહસ્પતિ: સોમનાથને જ્ઞાન અને આરાધનાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરનાર આચાર્ય

સોમનાથના ઇતિહાસમાં રાજાઓની સાથે સાથે આચાર્યોનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. વડા પ્રધાન મોદીએ ભાવ બૃહસ્પતિનું નામ વિશેષ રીતે ઉલ્લેખ્યું હતું. સામાન્ય જનમાનસમાં આ નામ બહુ જાણીતું નથી, પરંતુ શૈવ અને પાશુપત પરંપરાના ઇતિહાસમાં તેમનું સ્થાન અગત્યનું માનવામાં આવે છે.

ભાવ બૃહસ્પતિ એવા આચાર્ય તરીકે ઓળખાય છે, જેમણે સોમનાથને માત્ર ઉપાસનાનું કેન્દ્ર નહીં, પરંતુ જ્ઞાન અને સાધનાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સોમનાથમાં પાશુપત પરંપરાનો જે બૌદ્ધિક પ્રવાહ વિકસ્યો, તેમાં આવા આચાર્યોનું યોગદાન વિશેષ હતું.

ભારતીય મંદિર પરંપરામાં મંદિરો માત્ર પૂજા માટે નહોતા. ત્યાં દર્શન, વ્યાકરણ, તત્વજ્ઞાન, યોગ, શાસ્ત્રચર્ચા અને આધ્યાત્મિક અધ્યયન ચાલતું હતું. સોમનાથ પણ એવી જ એક જીવંત પરંપરાનું કેન્દ્ર હતું. ભાવ બૃહસ્પતિ જેવા આચાર્યો એ પરંપરાના મુખ્ય વાહકો હતા.

પાશુપતાચાર્યો: સોમનાથની આધ્યાત્મિક પરંપરાના રક્ષકો

સોમનાથના ઇતિહાસની ચર્ચા પાશુપતાચાર્યો વિના અધૂરી છે. પાશુપત સંપ્રદાય પશ્ચિમ ભારતના સૌથી પ્રાચીન અને પ્રભાવશાળી શૈવ સંપ્રદાયોમાંનો એક હતો. લકુલીશથી શરૂ થયેલી આ પરંપરાએ સદીઓ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ધાર્મિક જીવનને પ્રભાવિત કર્યું. પાશુપતાચાર્યો માત્ર સાધુ કે પૂજારી નહોતા. તેઓ દાર્શનિક, શિક્ષક, યોગી અને આધ્યાત્મિક માર્ગદર્શક હતા. સોમનાથમાં તેમની ઉપસ્થિતિએ આ તીર્થને એક જીવંત જ્ઞાનપરંપરામાં રૂપાંતરિત કર્યું.

સોમનાથના મંદિર પરિસરમાં અને પ્રભાસ ક્ષેત્રમાં શૈવ દર્શન, યોગ, સાધના અને તત્વચર્ચાની પરંપરા વિકસતી રહી. આથી સોમનાથ માત્ર યાત્રાધામ ન રહ્યું, તે આધ્યાત્મિક અધ્યયનનું કેન્દ્ર બની ગયું. નોંધનીય છે કે સોમનાથની અવિરતતા માત્ર રાજકીય શક્તિથી જ નહોતી ટકી, પણ તેની પાછળ આધ્યાત્મિક પરંપરાનો અવિરત પ્રવાહ હતો.

મંદિરને સંરક્ષણ આપી પુનર્નિર્માણ કરનારા રાજાઓ

મંદિરમાં દેવાધિદેવનું પવિત્ર લિંગ સ્થાપિત હતું અને એ સાથે પ્રભાસ ક્ષેત્ર આગમ અને શૈવ પરંપરાનો અવિતર પ્રવાહ ભારતમાં વહાવી રહ્યું હતું. ઋષિકુમારો, આચાર્યો અને વૈદિક બ્રાહ્મણો આ શૈવ પરંપરાને ભારતના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા હતા. આ સાથે જ આ પરંપરાને સંરક્ષણ આપી, તેને વારંવાર જીવંત રાખવામાં તે સમયના શાસકોની ભૂમિકા પણ નિર્ણાયક રહી હતી.

ધારસેન અને પ્રાચીન સોમનાથનું પુનર્નિર્માણ

ચક્રવર્તી મહારાજા ધારસેને સદીઓ પહેલાં સોમનાથ મંદિરનું બીજું મહત્વપૂર્ણ નિર્માણ કરાવ્યું હતું. આ ઉલ્લેખ સોમનાથના ઇતિહાસમાં અત્યંત મહત્વનો છે, કારણ કે તે દર્શાવે છે કે મંદિરનો ઇતિહાસ માત્ર મધ્યકાલીન યુદ્ધો સુધી મર્યાદિત નથી. મૈત્રક વંશના શાસકોનો સમય ગુજરાત અને સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે. વલભી તે સમયનું વિશાળ જ્ઞાન અને શિક્ષણ કેન્દ્ર હતું. આ જ સમયગાળામાં શૈવ પરંપરાઓને પણ રાજાશ્રય મળતો રહ્યો.

ધારસેન ચોથાનું નામ સોમનાથ સાથે જોડાય છે કારણ કે તેમણે મંદિરના પુનર્નિર્માણ દ્વારા પ્રભાસના આધ્યાત્મિક મહત્વને ફરી મજબૂત બનાવ્યું હતું. પ્રાચીન ભારતના મંદિરો માત્ર ધાર્મિક સ્થળો નહોતા, તે જ્ઞાન, અર્થતંત્ર, વેપાર, યાત્રા અને સમાજજીવનના કેન્દ્રો હતા. સોમનાથ પણ આ જ પરંપરાનો ભાગ હતું. અરબી સમુદ્રના કિનારે આવેલું પ્રભાસ પાટણ પ્રાચીન સમુદ્રી વેપારમાર્ગો સાથે જોડાયેલું હતું. અહીં આવતા યાત્રાળુઓ, વેપારીઓ, સાધુઓ અને વિદ્વાનોને કારણે સોમનાથનું મહત્વ સમગ્ર ભારતીય ઉપખંડમાં ફેલાયું હતું.

ભીમદેવ પ્રથમ: આક્રમણો પછીના પુનર્જાગરણના પ્રતીક

સોમનાથના ઇતિહાસમાં મહમૂદ ગઝનીના આક્રમણનો ઉલ્લેખ સૌથી વધુ થાય છે, પરંતુ તેના પછીનું પુનર્જીવન એટલું જ મહત્વપૂર્ણ છે. ગઝનીના આક્રમણ પછી ગુજરાતની રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિ અત્યંત કઠિન બની ગઈ હતી. એવા સમયમાં સોલંકી શાસક ભીમદેવ પ્રથમનું નામ સોમનાથ સાથે ગૌરવપૂર્વક જોડાય છે.

ભીમદેવ પ્રથમ માત્ર રાજકીય શાસક નહોતા, તેઓ એવા શાસક હતા જેમણે વિધ્વંસ પછી પણ ગુજરાતની સાંસ્કૃતિક આત્માને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. ઐતિહાસિક વર્ણનોમાં ઉલ્લેખ મળે છે કે ગઝનીના હુમલા બાદ સોમનાથના પુનર્નિર્માણ અને ધાર્મિક પરંપરાના પુનર્જીવનમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો હતો.

ભીમદેવનો સમય ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ હતો. સોલંકી શક્તિ ધીમે-ધીમે મજબૂત બની રહી હતી અને ગુજરાત પશ્ચિમ ભારતના સૌથી પ્રભાવશાળી રાજ્યોમાં સ્થાન મેળવતું હતું. મંદિર સંસ્કૃતિ, વેપાર, જળસંચય, કલા અને શિલ્પના વિકાસમાં સોલંકી યુગનું યોગદાન વિશાળ છે. ઉપરાંત એવું પણ કહેવાય છે કે ભીમદેવે ઇસ્લામી આક્રાંતાઓ સામે યુદ્ધે ચડીને અનેક વખત મંદિરની અસ્મિતાનું રક્ષણ પણ કર્યું હતું.

જયપાલ અને આનંદપાલ: ઉત્તર પશ્ચિમની સરહદ પર લડનારા શાસકો

જયપાલ અને આનંદપાલ બંને હિંદુશાહી વંશના શાસકો હતા, જેમણે ઉત્તર પશ્ચિમ ભારત પર થતા તૂર્કી અને ગઝનવી આક્રમણો સામે લાંબા સમય સુધી પ્રતિરોધ કર્યો હતો. જયપાલે સબુકતગીન અને પછી મહમૂદ ગઝની સામે લડાઈઓ લડી. ભલે રાજકીય રીતે તેમને પરાજય મળ્યો હોય, પરંતુ ભારતીય ઇતિહાસમાં તેમનું સ્થાન એક એવા શાસક તરીકે છે, જેમણે સોમનાથ પરના આક્રમણો સામે મક્કમ પ્રતિરોધ કર્યો. તેમના પુત્ર આનંદપાલે પણ આ લડત આગળ વધારી.

આ શાસકો સીધા સોમનાથ સાથે જોડાયેલા નહોતા, તેઓ ઉત્તર અને પશ્ચિમ ભારતની રક્ષા માટે ઘણા આક્રાંતાઓ સાથે યુદ્ધમાં જોડાયા હતા. મહત્વનું એ છે કે સોમનાથની ગાથા માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી. સમગ્ર ભારતીય ઉપખંડમાં અનેક રાજાઓ અને વંશો આક્રમણો સામે લડી રહ્યા હતા અને એ લડત આખરે ભારતીય સભ્યતાના રક્ષણની લડત હતી.

મહારાજા ભોજ: જ્ઞાન અને શક્તિનું અનોખું સંયોજન

ભારતીય ઇતિહાસમાં મહારાજા ભોજનું નામ વિશેષ ગૌરવ સાથે લેવાય છે. માળવાના પરમાર શાસક ભોજને માત્ર એક રાજા તરીકે નહીં, પરંતુ વિદ્વાન, કવિ, સ્થાપત્યકાર અને સંસ્કૃતિના મહાન સંરક્ષક તરીકે ઓળખવામાં આવે છે.

ઐતિહાસિક વર્ણનો અનુસાર સોમનાથના પુનર્નિર્માણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભોજ જેવા રાજાઓ માટે મંદિર માત્ર ધાર્મિક ઇમારત નહોતું, તે રાજ્યની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનું કેન્દ્ર હતું.

કર્ણદેવ સોલંકી: ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક શક્તિનું પુનઃસ્થાપન

સોમનાથના ઇતિહાસમાં સોલંકી યુગનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળો માત્ર રાજકીય સત્તાનો યુગ નહોતો, પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો યુગ હતો. સોલંકી શાસકોમાં કર્ણદેવ સોલંકીનું નામ વિશેષ નોંધપાત્ર છે.

કર્ણદેવનો સમય એવો હતો જ્યારે ગુજરાત ધીમે-ધીમે પશ્ચિમ ભારતની સૌથી મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરતું હતું. વેપાર, મંદિર સંસ્કૃતિ, નગરવિકાસ, જળસંચય અને ધાર્મિક જીવનમાં આ સમયગાળામાં નોંધપાત્ર પ્રગતિ થઈ. સોલંકી રાજાઓ માટે મંદિરો માત્ર ધાર્મિક આસ્થાના કેન્દ્ર નહોતા, તે રાજ્યની શક્તિ, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ગૌરવના પ્રતિક હતા.

સોમનાથ સાથે કર્ણદેવનું નામ એ કારણે મહત્વપૂર્ણ બની જાય છે કે સોલંકી પરંપરાએ સોમનાથને માત્ર પુનર્જીવિત કર્યું નહીં, પરંતુ તેને ફરીથી ગુજરાતના ગૌરવના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની પ્રક્રિયા આગળ વધારી. આ સમયગાળામાં શૈવ પરંપરાને રાજાશ્રય મળતો રહ્યો અને મંદિર સંસ્કૃતિને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ થયો.

કર્ણદેવના સમયમાં ગુજરાતમાં જે સાંસ્કૃતિક માળખું ઊભું થયું, તે પછીના સમયમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શાસકોના યુગમાં વધુ વિકસ્યું. આથી કર્ણદેવને માત્ર એક રાજા તરીકે નહીં, પરંતુ સોમનાથ અને ગુજરાતના સાંસ્કૃતિક પુનર્જાગરણના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જોવામાં આવે છે.

સિદ્ધરાજ જયસિંહ: ગુજરાતના સુવર્ણયુગના શાસક

ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહનું સ્થાન અસાધારણ છે. સોલંકી યુગના સૌથી પ્રભાવશાળી શાસકોમાં ગણાતા સિદ્ધરાજ માત્ર રાજકીય રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ હતા. તેમના સમયમાં ગુજરાત પશ્ચિમ ભારતના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી પ્રદેશોમાં સામેલ થયું.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંદિરો, તળાવો, શિક્ષણ કેન્દ્રો અને નગરોનો વિશાળ વિકાસ થયો. ગુજરાતમાં શિલ્પ, સ્થાપત્ય અને જ્ઞાનપરંપરાનો જે વૈભવ જોવા મળે છે, તેમાં સોલંકી યુગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સોમનાથ જેવી પરંપરાઓને જીવંત રાખવામાં આ રાજાશ્રયે મોટી ભૂમિકા ભજવી.

સિદ્ધરાજ માત્ર એક યુદ્ધવીર નહોતા. તેઓ એવા શાસક હતા, જેમણે સોમનાથને સાંસ્કૃતિક રીતે મજબૂત બનાવ્યું. મંદિરોને પ્રોત્સાહન આપવું એ તેમના માટે માત્ર ધાર્મિક કાર્ય નહોતું, તે રાજ્યની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવાનો માર્ગ હતો.

કુમારપાળ સોલંકી: ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવનો યુગ

સોલંકી વંશના શાસકોમાં કુમારપાળનું નામ વિશેષ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે તેમનો ઉલ્લેખ જૈન આચાર્ય હેમચંદ્ર સાથેના સંબંધોને કારણે વધુ થાય છે, પરંતુ તેમના સમયગાળાને માત્ર જૈન ઇતિહાસથી મર્યાદિત કરી શકાય નહીં. કુમારપાળના સમયમાં ગુજરાતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવનો અભૂતપૂર્વ વિકાસ થયો. મંદિરો, તીર્થો અને જ્ઞાનપરંપરાઓને રાજાશ્રય મળ્યો. શૈવ, જૈન અને અન્ય પરંપરાઓ એકસાથે વિકસી રહી હતી.

ભાવ બૃહસ્પતિ સાથે કુમારપાળનો ઉલ્લેખ ઘણી જગ્યાએ આવે છે. તેમણે સોમનાથને આરાધના અને જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો.  કુમારપાળના સમયમાં ગુજરાતમાં જે સાંસ્કૃતિક માળખું વિકસ્યું, તેણે સદીઓ સુધી પશ્ચિમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવનને પ્રભાવિત કર્યું. સોમનાથ આ સમગ્ર પરંપરાનું એક જીવંત પ્રતિક બની રહ્યું.

વિસલદેવ વાઘેલા અને ત્રિપુરાંતક: બૌદ્ધિક પરંપરાને જીવંત રાખનારા સંરક્ષકો

સોલંકી યુગ પછી ગુજરાતમાં વાઘેલા વંશનો ઉદય થયો. આ સમયગાળો રાજકીય રીતે પડકારજનક હતો, પરંતુ સાંસ્કૃતિક પરંપરાઓ હજુ પણ જીવંત હતી. વિસલદેવ વાઘેલા એવા શાસક તરીકે જાણીતા છે, જેમણે સોમનાથની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના એક લેખમાં ત્રિપુરાંતકનું પણ નામ લીધું હતું. આ નામ સામાન્ય લોકો માટે અજાણ્યું હોય શકે, પરંતુ શૈવ પરંપરાઓમાં તેમને બૌદ્ધિક અને આધ્યાત્મિક પરંપરાના સંરક્ષક તરીકે જોવામાં આવે છે.

સોમનાથના ઇતિહાસમાં આવા વ્યક્તિત્વોનું મહત્વ એ કારણે વધી જાય છે કે તેઓ આપણને યાદ અપાવે છે કે મંદિરનું રક્ષણ માત્ર તલવારથી થતું નથી. ઘણી વખત જ્ઞાન, પરંપરા અને આધ્યાત્મિક સ્મૃતિ જ સૌથી મોટું રક્ષણ બની રહે છે. વિસલદેવ અને ત્રિપુરાંતક જેવા નામો એ જ અવિરત પરંપરાની કડી છે, જેણે સોમનાથને સદીઓ સુધી જીવંત રાખ્યું.

ઇસ્લામી આક્રમણ પછી પરંપરાને જીવંત રાખનારા શાસકો

સોમનાથ પરના અનેક ઇસ્લામી આક્રમણો બાદ સ્થાનિક હિંદુઓ ભયભીત થઈ જતાં અને દાયકાઓ સુધી સોમનાથ ખંડેર જેવી સ્થિતિમાં મુકાઇ જતું હતું. સ્થાનિક શ્રદ્ધાળુઓ શિવાલય સુધી જવા માટે પણ ડરતા હતા. તેવામાં એવા પણ ઘણા શાસકો થયા હતા, જેમણે સોમનાથ મંદિરમાં આક્રમણ પછી પણ શૈવ પરંપરાને જીવંત કરી હતી અને પૂજા શરૂ કરાવી હતી.

મહિપાલ ચુડાસમા અને રા’ ખેંગાર: વિધ્વંસ પછી પરંપરાનું પુનર્જીવન

સોમનાથના ઇતિહાસમાં ચુડાસમા શાસકોનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. સૌરાષ્ટ્રની આ રાજપરંપરાએ લાંબા સમય સુધી પ્રદેશની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી. જૂનાગઢના શાસક મહિપાલ ચુડાસમા અને રા’ ખેંગાર ચુડાસમાએ વિધ્વંસ પછી પણ સોમનાથમાં પૂજા-પાઠની પરંપરાને પુનર્જીવિત કરી.

વારંવારના આક્રમણો અને વિધ્વંસ છતાં પ્રભાસની આધ્યાત્મિક પરંપરા સંપૂર્ણપણે તૂટી પડી નહોતી. સ્થાનિક રાજાઓ, સંતો અને સમાજે તેને જીવંત રાખી હતી, જેમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન જૂનાગઢના રા’ વંશનું હતું. રા’ ખેંગાર અને મહિપાલ જેવા શાસકો માટે સોમનાથ માત્ર મંદિર નહોતું, તે સૌરાષ્ટ્રની ઓળખ અને ગૌરવનું પ્રતિક હતું. આથી તેમની સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ લોકસ્મૃતિમાં જીવંત છે.

અહલ્યાબાઈ હોલ્કર: અંધકારમય સમયમાં ભક્તિની જ્યોત જીવંત રાખનાર મહારાણી

ભારતીય તીર્થપરંપરાના ઇતિહાસમાં અહલ્યાબાઈ હોલ્કરનું નામ અત્યંત આદર સાથે લેવાય છે. તેમણે સમગ્ર ભારતના અનેક મંદિરો અને તીર્થસ્થાનોના પુનર્જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કાશી વિશ્વનાથથી લઈને સોમનાથ સુધી અનેક તીર્થો સાથે તેમનું નામ જોડાયેલું છે તેમણે સૌથી પડકારજનક સમયમાં પણ ભક્તિની પરંપરાને જીવંત રાખી હતી.

મધ્યકાલીન અને ઉત્તર મધ્યકાલીન સમયગાળામાં જ્યારે અનેક પ્રાચીન તીર્થો રાજકીય ઉથલપાથલ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે અહલ્યાબાઈએ ધાર્મિક પરંપરાઓને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સોમનાથ સાથે તેમનું નામ એ દર્શાવે છે કે પ્રભાસની પરંપરા ક્યારેય સંપૂર્ણપણે તૂટી નહોતી. કોઈને કોઈ યુગમાં કોઈને કોઈ મહાન વિભૂતિ તેને ફરી પ્રજ્વલિત કરતી રહી હતી.

ગાયકવાડ શાસકો

વડોદરાના ગાયકવાડ શાસકોએ પણ સોમનાથના નિર્માણ અને સંરક્ષણમાં ફાળો આપ્યો હતો. સામાન્ય રીતે સોમનાથના ઇતિહાસમાં ગાયકવાડો વિશે બહુ ચર્ચા થતી નથી, પરંતુ યાત્રાળુઓના અધિકારો અને તીર્થપરંપરાના સંરક્ષણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગાયકવાડ શાસકોના સમયમાં પશ્ચિમ ભારતમાં રાજકીય પરિસ્થિતિ સતત બદલાઈ રહી હતી. બ્રિટિશ પ્રભાવ વધતો હતો અને અનેક પરંપરાગત સંસ્થાઓ પર તેનો પ્રભાવ પડતો હતો. એવા સમયમાં સોમનાથ તીર્થપરંપરાને જીવંત રાખવી સરળ વાત નહોતી.

સોમનાથ માટે બલિદાન આપનારા મહાવીરો

સોમનાથ પરંપરાને સ્થાપિત કરવામાં, તેને સંરક્ષણ આપવામાં, વિશ્વ સુધી લઈ જવામાં અને પરંપરાને જીવંત રાખવામાં ઘણા મહાપુરુષોએ યોગદાન આપ્યું હતું, પણ ઘણા યોદ્ધાઓ અને મરજીવાઓ એવા પણ હતા, જેમણે આ પરંપરાને ધબકતી રાખવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી, એવા અસંખ્ય વીરો હતા, જેમણે સોમનાથ માટે પોતાના લીલા માથા ધરી દીધા હતા પણ આજે દુર્ભાગ્યે તેમના નામો પણ ઇતિહાસમાં અંકિત થયા નથી.

હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ

સોમનાથના ઇતિહાસમાં માત્ર રાજાઓ અને આચાર્યો જ નથી. અહીં લોકવીરોની પણ એવી ગાથાઓ છે, જેઓ આજે પણ સૌરાષ્ટ્રની લોકસ્મૃતિમાં જીવંત છે. વીર હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ એવા જ બે નામો છે. તેમણે સોમનાથની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.

હમીરજી ગોહિલની ગાથા સૌરાષ્ટ્રમાં આજે પણ ગૌરવ સાથે ગવાય છે. એક યુવાન યોદ્ધા તરીકે તેઓ સોમનાથની રક્ષા માટે લડ્યા અને બલિદાન થયા. વેગડાજી ભીલનું નામ પણ લોકસમાજના પ્રતિરોધ અને બલિદાનના પ્રતિક તરીકે લેવામાં આવે છે.

આધુનિક સોમનાથનું પુનર્જાગરણ

સદીઓના આક્રમણો અને રાજકીય પરિવર્તનો પછી સ્વતંત્ર ભારતના સમયમાં સોમનાથનું આધુનિક પુનર્જીવન શરૂ થયું. આ સમગ્ર પ્રક્રિયાના કેન્દ્રમાં હતા સરદાર વલ્લભભાઈ પટેલ. જૂનાગઢના ભારત સાથે વિલીનીકરણ પછી સરદાર પટેલ પ્રભાસ પાટણ ગયા હતા. ત્યાં તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ માત્ર એક મંદિરના પુનર્નિર્માણનો નિર્ણય નહોતો, તે સ્વતંત્ર ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનું પ્રતિક પણ હતું.

કે. એમ. મુનશીએ આ સમગ્ર કાર્યને વાસ્તવિક સ્વરૂપ આપવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ ઉપરાંત નવાનગરના જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી અને અન્ય અનેક વ્યક્તિત્વોએ પણ આ કાર્યમાં યોગદાન આપ્યું. અંતે 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જવાહરલાલ નહેરુના વિરોધ છતાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ ગયા અને પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થયા. આ ઘટના સ્વતંત્ર ભારતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે.

સોમનાથ: એક મંદિર નહીં, પરંતુ અવિરત સભ્યતાગત સ્મૃતિ

સોમનાથની ગાથા વાંચતાં સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક મંદિરનો ઇતિહાસ નથી. આ ભારતની અવિરત સાંસ્કૃતિક સ્મૃતિનો ઇતિહાસ છે. સોમ શર્માથી લઈને લકુલીશ સુધી, ભોજથી લઈને સિદ્ધરાજ સુધી, પાશુપતાચાર્યોથી લઈને અહલ્યાબાઈ સુધી, હમીરજીથી લઈને સરદાર પટેલ સુધી, દરેક પેઢીએ સોમનાથની પરંપરાને જીવતી રાખવા માટે સિંહફાળો આપ્યો છે. સોમનાથ વારંવાર તૂટ્યું, પરંતુ તેની પરંપરા ક્યારેય તૂટી નહીં. કારણ કે તે માત્ર પથ્થરો પર ઉભેલું મંદિર નહોતું. તે લોકોની સ્મૃતિમાં, ભક્તિમાં, પરંપરામાં અને સાંસ્કૃતિક ચેતનામાં જીવંત સંસ્કૃતિનું મહાન કેન્દ્ર હતું. કદાચ આ જ કારણ છે કે સોમનાથ આજે પણ માત્ર એક તીર્થ નથી, તે ભારતના સ્વાભિમાનનું પ્રતિક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં