હોમપેજઇન્ડોલોજીસોમનાથથી કાશી, હિમાલયથી દક્ષિણ સુધી… ભારતનાં મંદિરોનાં મહારાણી અહલ્યાબાઈ હોલકરે તીર્થસ્થળોના પુનર્નિર્માણથી...

સોમનાથથી કાશી, હિમાલયથી દક્ષિણ સુધી… ભારતનાં મંદિરોનાં મહારાણી અહલ્યાબાઈ હોલકરે તીર્થસ્થળોના પુનર્નિર્માણથી જીવંત રાખી હતી ધાર્મિક-સાંસ્કૃતિક ધરોહર

જો દેવી અહલ્યાબાઈ ન હોત તો ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા તોડી પાડવામાં આવેલાં આપણાં પ્રાચીન મંદિરો બળજબરીથી બાંધવામાં આવેલી મસ્જિદો હેઠળ ખંડેર બની ગયાં હોત કાં તો ભવિષ્યની પેઢીઓની સ્મૃતિમાંથી અદૃશ્ય થઈ ગયાં હોત.

- Advertisement -

આજે 13 ઑગસ્ટ, 2025 એટલે મહારાણી પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ. તેઓ એક એવી રાજરાણી હતાં, જેમણે માત્ર શસ્ત્રો વડે યુદ્ધો જીત્યાં એટલું જ નહીં, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને ભારતના આધ્યાત્મિક આત્માને પુનર્જન્મ આપવા માટે મંદિરોનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યાં. અહલ્યાબાઈ હોલકરનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે, કારણ કે તેમણે 18મી સદીમાં જ્યારે ભારત અનેક આક્રમણો અને ઉથલપાથલનો સામનો કરી રહ્યું હતું, ત્યારે હિંદુ ધર્મનાં તીર્થસ્થળોની પુનઃસ્થાપના કરી અને ભારતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. કહેવાય છે કે અહલ્યાબાઈ હોલકરે લગભગ 8,500 જેટલા મંદિરોનું પુન:નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને કાશી વિશ્વનાથનાં મંદિરોનો પણ સમાવેશ થાય છે.

અહલ્યાબાઈનો જન્મ 31 મે, 1725ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતો. તેમના પિતા મનકોજી શિંદે એક સામાન્ય ખેડૂત હતા, પરંતુ અહલ્યાબાઈમાં બાળપણથી જ અસાધારણ બુદ્ધિ, ધર્મનિષ્ઠા અને નેતૃત્વના ગુણો ધરાવતાં હતાં. 1733માં મરાઠા સેનાપતિ મલ્હારરાવ હોલકરે તેમની પ્રતિભા ઓળખી અને પોતાના પુત્ર માલેરાવ હોલકર સાથે તેમનાં લગ્ન કરાવ્યાં. 1745માં માલેરાવના અવસાન અને 1766માં મલ્હારરાવના નિધન બાદ અહલ્યાબાઈએ ઇન્દોરના હોલકર રાજવંશનું શાસન સંભાળ્યું હતું. 1767થી 1795 સુધીના તેમના શાસન દરમિયાન તેમણે ન્યાયપ્રિય શાસન, સામાજિક ઉત્થાન અને ધાર્મિક કાર્યો દ્વારા ભારતના આત્માને પુનઃસ્થાપિત કર્યો હતો. આ ઉપરાંત તેમણે ન માત્ર મંદિરો બંધાવ્યાં પરંતુ અનાથાશ્રમો, તળાવ વગેરે સમાજસેવા માટે પણ ઘણા સ્થાનોનું નિર્માણ કરાવ્યું. માળવા રાજ્યના શાસક તરીકે તેમણે તેમના યુગની મહિલાઓ પર લાદવામાં આવેલા દરેક સામાજિક બંધનોને પડકાર્યો અને આગળ રહીને નેતૃત્વ કર્યું હતું.

અહલ્યાબાઈએ પુનર્નિર્માણ કરાવેલાં મંદિરો

રાજરાણી દેવી અહલ્યાબાઈ હોલકરનો સુવર્ણયુગ એક અસાધારણ વારસો દર્શાવે છે. જો દેવી અહલ્યાબાઈ ન હોત તો ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા તોડી પાડવામાં આવેલાં આપણાં પ્રાચીન મંદિરો બળજબરીથી બાંધવામાં આવેલી મસ્જિદો હેઠળ ખંડેર બની ગયાં હોત કાં તો ભવિષ્યની પેઢીઓની સ્મૃતિમાંથી અદૃશ્ય થઈ ગયાં હોત. દ્વારકાથી ગયા અને ગંગોત્રીથી રામેશ્વરમ સુધી લગભગ બધી નદીઓના કિનારે ઘાટનું નિર્માણ અને યાત્રાઓને સરળ બનાવવા માટે દાનનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો. આજે આપણી પાસે જે કંઈ છે તે અહલ્યાબાઈના ભારતને પુનર્જીવિત કરવાના અથાક સંકલ્પનું પરિણામ છે.

- Advertisement -

કાશી વિશ્વનાથ મંદિરનું પુનર્નિર્માણ

1669માં ઇસ્લામિક કટ્ટરપંથી ક્રૂર રાજા ઔરંગઝેબે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો. તેના ફરમાનમાં મંદિરને એક એવી જગ્યા તરીકે વર્ણવવામાં આવ્યું હતું જ્યાં “મૂર્ખ પંડિતો નકામા પુસ્તકોમાંથી દુષ્ટ જ્ઞાન આપે છે.” આ મંદિરનો વિધ્વંસ કરીને જ્ઞાનવાપીનો ઢાંચો ઉભો કરી દેવામાં આવ્યો.  

જોકે, લગભગ એક સદી પછી અહલ્યાબાઈ હોલકરે કાશીના ખોવાયેલા ગૌરવને પાછું મેળવવા માટે સંકલ્પ દ્રઢ કર્યો. 1776માં તેમણે કાશી વિશ્વનાથ મંદિરને તેના વર્તમાન સ્થાન પર પુનઃનિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના પ્રયાસોએ ખાતરી કરી કે શિવના પવિત્ર જ્યોતિર્લિંગને ફરી એકવાર એ જ સ્થાન મળે જે અનાદિકાળથી ચાલ્યું આવતું હતું. પાછળથી 19મી સદીમાં મહારાજા રણજીત સિંઘે મંદિરની ભવ્યતામાં વધારો કરવા માટે તેના શિખરમાં જડવા માટે 920 કિલો સોનું મોકલ્યું હતું.

18વાર લૂંટાયેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક એટલે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર. કહેવાય છે કે આ મંદિર એટલી બધી સંપત્તિથી ભરપૂર હતું કે ઇસ્લામિક આક્રાંતાઓએ અને વિદેશીઓએ તેના પર વારંવાર હુમલો કર્યો હતો. 1026માં મહમૂદ ગઝનવી, 13મી સદીમાં અલાઉદ્દીન ખિલજીની સેના, 16મી સદીમાં પોર્ટુગીઝ અને પછીથી 1702 માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે મંદિર પર હુમલો કર્યો હતો.

વારંવારનાં આક્રમણોના કારણે 18મી સદી સુધીમાં આ મંદિરની સ્થિતિ ખૂબ જર્જરિત હતી. અહલ્યાબાઈએ 1783માં પોતાના ખજાનામાંથી સોમનાથ મંદિરના પુન:ર્નિર્માણ માટે વ્યક્તિગત રીતે ભંડોળ પૂરું પાડ્યું હતું. જોખમના કારણે મંદિરને તેના મૂળ ઐતિહાસિક સ્થાન પર પુનઃસ્થાપિત કરવાને બદલે તેમણે નજીકની એક જગ્યા પસંદ કરી અને એક નવું મંદિર બનાવ્યું. આ મંદિર આજે આજે ‘જૂનું સોમનાથ મંદિર’ અથવા ‘અહલ્યાબાઈ મંદિર’ તરીકે ઓળખાય છે. આ મંદિર આજે પણ તીર્થસ્થાન અને શ્રદ્ધાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે.

કહેવાય છે કે અહલ્યાબાઈને સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમને આ મંદિરનું પુન:નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. આ સ્થળની પવિત્રતા જાળવવા માટે, તેમણે ગુપ્ત રીતે ભૂગર્ભ ખંડમાં શિવલિંગ સ્થાપિત કર્યું હોવાનું કહેવાય છે, જ્યાં તે છુપાયેલું રહેશે અને ભવિષ્યમાં અપવિત્રતાથી સુરક્ષિત રહેશે. અહલ્યાબાઈ હોલકરનું મંદિર વર્તમાન સોમનાથ મંદિર સંકુલથી લગભગ 200 મીટર દૂર આવેલું છે. પિતૃસત્તાક યુગમાં મહિલા શાસક હોવા છતાં તેમણે તેમના સમગ્ર શાસનકાળ દરમિયાન પવિત્ર સ્થળો, ખાસ કરીને સોમનાથના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપી હતી.

પારલી વૈજનાથ મંદિર (બીડ)

બીડ જિલ્લાના પારલીમાં આવેલું પ્રાચીન વૈજનાથ જ્યોતિર્લિંગ ભારતના સૌથી પવિત્ર શિવ મંદિરોમાંનું એક છે. 1706માં પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલકરે તેનો ભવ્ય રીતે જીર્ણોદ્ધાર કર્યો. તે સમયે આ મંદિરનું માળખું જર્જરિત થઈ રહ્યું હતું, આ જોઈને અહલ્યાબાઈએ મંદિરના ગર્ભગૃહ, મંદિર સંકુલ અને આસપાસના માળખાકીય સુવિધાઓનું નવીનીકરણ હાથ ધર્યું.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, નાસિક

મહારાષ્ટ્રના નાસિક નજીક સ્થિત ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક, ત્ર્યંબકેશ્વર મંદિરના પુનરુત્થાનમાં અહલ્યાબાઈની મહત્વની ભૂમિકા છે. 18મી સદીમાં તેમણે જાતે મંદિરના પુન:ર્નિર્માણનું નિરીક્ષણ કર્યું અને ખાતરી કરી કે જ્યોતિર્લિંગની પવિત્રતા જાળવી રાખવામાં આવે અને મંદિરની સ્થાપત્ય ભવ્યતામાં વધારો થાય.

ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર (પુણે)

સહ્યાદ્રી ટેકરીઓમાં સ્થિત, ભીમાશંકર મંદિર બીજું એક જ્યોતિર્લિંગ છે જેની વર્તમાન ભવ્યતા અહલ્યાબાઈ હોલકરના અથાક પ્રયત્નોનું પરિણામ છે. 1767થી 1795ની વચ્ચે, તેમણે મંદિર સંકુલના નવીનીકરણ માટે ભંડોળ પૂરું પાડ્યું. દુર્ગમ પર્વતીય પ્રદેશમાં યાત્રાળુઓની મુશ્કેલીઓને સમજીને, તેમણે કોઈ પણ ભક્ત ભૂખ્યો ન રહે તે માટે અન્નદાન કેન્દ્રની સ્થાપના કરી હતી.

વિઠ્ઠલ મંદિર, પંઢરપુર (સોલાપુર)

ભગવાન વિઠ્ઠલ અને રુક્મિણીની પવિત્ર તપોભૂમિ, પંઢરપુર સ્થિત ભગવાન વિઠ્ઠલના મંદિરનું પુન:નિર્માણ પણ અહલ્યાબાઈએ જ કરાવ્યું હતું. આજે પણ ભગવાન વિઠ્ઠલની મૂર્તિને શણગારેલો હીરા જડિત મુગટ એ બાબતની સાક્ષી પૂરે છે. તેમણે મંદિર સંકુલમાં તુલસી વૃંદાવન (પવિત્ર બગીચો) પણ સ્થાપિત કર્યો અને એક ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યો, જેનાથી મંદિરની સ્થાપત્ય અને આધ્યાત્મિક પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.

કેદારનાથ ધામ

અહલ્યાબાઈની સૌથી ઐતિહાસિક સિદ્ધિઓમાંની એક ઉચ્ચ હિમાલયમાં સ્થિત ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામનું પુન:ર્નિર્માણ હતું. તેમના શાસનકાળ દરમિયાન, તેમણે માત્ર કેદારનાથ જ નહીં, પરંતુ હરિદ્વાર, ઋષિકેશ, ગૌચર, ઉત્તરકાશી અને શ્રીનગરના મંદિરોનો પણ નવીનીકરણ કરવાનું મહાન કાર્ય હાથ ધર્યું હતું.

બદ્રીનાથ ધામ – ભગવાન વિષ્ણુનું તીર્થસ્થાન

બદ્રીનાથ ધામમાંઅહલ્યાબાઈ હોલકરે આ કઠિન યાત્રા કરનારા હજારો યાત્રાળુઓ માટે સંખ્યાબંધ ધર્મશાળાઓ અને આરામ ગૃહો બનાવ્યાં હતાં. દેવપ્રયાગમાં તેમણે ગરીબો માટે ખાસ આરામ ગૃહો અને ગંગોત્રીમાં યાત્રાળુઓ માટે લગભગ અડધો ડઝન ધર્મશાળાઓ બનાવી હતી. તેમની દૂરંદેશી અને સંભાળે આ આધ્યાત્મિક યાત્રાઓને સુલભ અને પ્રતિષ્ઠિત ભક્તિમાં પરિવર્તિત કરી.

સિદ્ધિવિનાયક મંદિર, સિદ્ધટેક

પવિત્ર અષ્ટવિનાયક યાત્રાનો એક ભાગ, સિદ્ધટેક ખાતેનું સિદ્ધિવિનાયક મંદિર આજે અહલ્યાબાઈ હોલકરની ધર્મનિષ્ઠાની સાક્ષી પૂરી રહ્યું છે. અહલ્યાબાઈએ 18મી સદીના અંતમાં ભીમા નદીના શાંત કિનારે આ ભવ્ય ગણેશ મંદિર બનાવ્યું. તેમના યોગદાનથી સિદ્ધટેક અષ્ટવિનાયક તીર્થયાત્રાનો કાયમી ભાગ બન્યો, જેનાથી મહારાષ્ટ્રમાં ભગવાન ગણપતિની પૂજાનો મહિમા ફરીથી દ્રઢ થયો.

પુરી જગન્નાથ મંદિર

પૂર્વીય દરિયાકાંઠાના રાજ્ય ઓડિશમાં સ્થિત જગન્નાથની ભક્તિમાં વધારો કરવા અભૂતપૂર્વ ફાળો આપ્યો હતો. તેમણે એક નવું મંદિર બનાવ્યું, ભિક્ષાગૃહો બનાવ્યા અને આ મહત્વપૂર્ણ તીર્થસ્થાનની પવિત્રતા અને આર્થિક સ્વ-નિર્ભરતા જાળવવા માટે બગીચાની જમીન અને બગીચા નિર્માણ કરાવ્યા હતા.

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (ઔરંગાબાદ)

ઔરંગાબાદમાં પ્રખ્યાત ઈલોરા ગુફાઓ પાસે સ્થિત, ઘૃષ્ણેશ્વર મંદિરનું પુનઃનિર્માણ 16મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજના દાદા માલોજી ભોંસલે દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે અહલ્યાબાઈ હોલકરે જ 18મી સદીમાં મંદિરનું બીજું અને સૌથી મહત્વપૂર્ણ નવીનીકરણ કર્યું હતું જેણે મંદિરના લાંબા ગાળાના ભવિષ્યને સુરક્ષિત કર્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન, તેમણે માત્ર મંદિરની રચનાને મજબૂત બનાવી એટલું જ નહીં પરંતુ તેની ધાર્મિક વિધિઓ, તહેવારો અને યાત્રાળુઓની સુવિધાઓ પણ પુનઃસ્થાપિત કરી હતી.

મથુરા-વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિને પુનર્જીવિત કરી

ભગવાન કૃષ્ણની ભૂમિમાં, અહલ્યાબાઈ હોલકરે કૃષ્ણ ભક્તિને પુનર્જીવિત કરવા માટે સ્મારક કાર્યો હાથ ધર્યાં હતાં. તેમણે પ્રખ્યાત બિહારી મંદિરનું નિર્માણ કર્યું, જે ભક્તિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તેમણે ચિરહરણ ઘાટ અને કાલિયાદેહ ઘાટ જેવા પવિત્ર ઘાટનું પણ પુન:ર્નિર્માણ કર્યું, જે ભગવાન કૃષ્ણની દૈવી લીલાઓ સાથે સંકળાયેલા હતા. આ કાર્યોએ ભારતીય ચેતનામાં મથુરા-વૃંદાવનની આધ્યાત્મિક કેન્દ્રિયતાને ફરીથી સ્થાપિત કરી હતી.

અયોધ્યામાં મંદિરો અને યાત્રાધામ માળખાઓનો વિકાસ

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં અહલ્યાબાઈ હોલકરે સરયુ નદીની દક્ષિણમાં શ્રીરામ મંદિર સહિત અનેક મંદિરો બનાવ્યાં. મંદિરો ઉપરાંત, તેમણે મહત્વપૂર્ણ યાત્રાધામ માળખાંનો પણ વિકાસ કર્યો – સ્વર્ગ દ્વાર, સૂર્ય ઘાટ, નાગેશ્વર મંદિર અને ધર્મશાળાઓ. તેમણે અહિલ્યા ઘાટની સ્થાપના કરી, ખાતરી કરી કે અયોધ્યા માત્ર પૌરાણિક કથાઓનું શહેર જ નહીં, પણ જીવંત પૂજા અને રાષ્ટ્રીય આધ્યાત્મિક ગૌરવનું શહેર પણ રહે.

અન્ય મંદિરોનું નવીનીકરણ

ભગવાન શિવ સાથે સંકળાયેલા અને ભગવાન રામની રામાયણ યાત્રા સાથે જોડાયેલા જ્યોતિર્લિંગ રામેશ્વરમના પવિત્ર સ્થળ પર અહલ્યાબાઈ હોલકરે મંદિરનું મોટા પાયે નવીનીકરણ અને પુન:ર્નિર્માણ કર્યું. તેમણે ધર્મશાળાઓ, પાણીના કુવાઓ પણ બનાવ્યા અને યાત્રાળુઓ માટે રાધા-કૃષ્ણ મંદિર પણ સ્થાપિત કર્યું. ગોકર્ણમાં જ્યાં ભગવાન શિવને મહાબળેશ્વર તરીકે પૂજવામાં આવે છે, ત્યાં અહલ્યાબાઈએ મહાબળેશ્વર મંદિરનું પુન:ર્નિર્માણ કર્યું હતું. તેમણે આરામ ગૃહો, ધર્મશાળાઓ, ભિક્ષા ગૃહો બનાવ્યાં અને પુજારીઓ અને યાત્રાળુઓને સેવા પૂરી પાડી હતી.

મહારાણી દ્વારા આપવામાં આવેલા જ્યોતિર્લિંગો જ એકમાત્ર યોગદાન ન્હોતાં – પંઢરપુર રામ મંદિર, રામેશ્વરમમાં હનુમાન મંદિર, ગયામાં વિષ્ણુપદ મંદિર, નાસિકમાં શ્રી વૈદ્યનાથ મંદિર, શ્રી રામ મંદિર અને વિશ્વેશ્વર મંદિર, ઓમકારેશ્વરમાં મંદિરો અને ધર્મશાળાઓ, મહેશ્વરમાં સેંકડો મંદિરો, પુરીમાં રામચંદ્ર મંદિર, આ બધું અહલ્યાબાઈની ઇચ્છાશક્તિનું પરિણામ છે. તેમણે સમગ્ર ભારતમાં નદીઓ પર ઘાટ બનાવ્યા, મંદિરો બનાવ્યાં અને પુનઃનિર્માણ કર્યાં, કુવાઓ સાથે પવિત્ર સ્થળોનો વિકાસ કર્યો અને ગરીબો અને યાત્રાળુઓ માટે ભોજન રસોડા શરૂ કર્યાં.

આમ જોવા જઈએ તો અહલ્યાબાઈ એક મરાઠા રાણી તરીકે પ્રસિદ્ધ છે પરંતુ જ્યારે તેમનો શાસનકાળ અને જીવન તરફ સુક્ષ્મ દ્રષ્ટિથી નજર કરીએ તો ધ્યાને આવે કે તેમણે ભારતીય સંસ્કૃતિના મૂળને પુન:સ્થાપિત કર્યાં હતાં. ગંગોત્રીથી લઈને અયોધ્યા, ગયાથી ગુજરાત, કેદારનાથથી રામેશ્વરમ કદાચ ભારતનો કોઈ એવો ભાગ નથી જે પુણ્ય શ્લોક દેવી અહલ્યાબાઈએ કરેલ પુન:નિર્માણથી વંચિત રહ્યો હશે. અહલ્યાબાઈએ જ્યારે આ કાર્ય કરાવ્યાં ત્યારે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ જ હતી. ઉત્તરાખંડના બર્ફીલા હિમાલયથી લઈને તમિલનાડુના સમુદ્ર-મુખી મંદિરો સુધી, મરાઠા માળવા સામ્રાજ્યના રાજમાતા અહલ્યાબાઈ હોલકર ધર્મ, ભક્તિ અને સ્થાપત્ય પુનરુત્થાનના એકમાત્ર અચળ સ્તંભ બનીને રહ્યાં.

તેમનું આ અદમ્ય યોગદાન ફક્ત ધર્મનિષ્ઠાનાં કાર્યો નહોતાં – તે એવા યુગ દરમિયાન હિંદુ ધર્મને પુનર્જીવિત કરવાના સાહસિક, વ્યૂહાત્મક પ્રયાસો હતા જ્યારે સદીઓથી આક્રમણ પછી મંદિરો લૂંટાઈ ગયાં હતાં, અપવિત્ર કરવામાં આવ્યાં હતાં, ખંડેરમાં છોડી દેવામાં આવ્યાં હતાં. તેમણે ન માત્ર મંદિરોનું પુન:નિર્માણ કરાવ્યું પરંતુ તેમના શાસનકાળ દરમિયાન પ્રજા કલ્યાણની અને માનવતાવાદી પ્રવૃત્તિઓ પણ વિકાસ પામી હતી. મહારાણી અહલ્યાબાઈ હોલકર એક એવાં રાણી હતાં, જેમણે શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય કરીને ભારતના ઇતિહાસમાં એક શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું અને પુણ્યશ્લોક તરીકે સ્થાપિત થયાં.

(સંદર્ભગ્રંથ: તપસ્વિની રાજરાણી અહલ્યાબાઈ હોલકર- શ્રુતિ આણેરાવ)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં