હોમપેજએક્સપ્લેઇનરપહેલેથી રાજીનામું આપી ચૂક્યા છે જજ યશવંત વર્મા, તો મહાભિયોગ પ્રસ્તાવ પસાર...

પહેલેથી રાજીનામું આપી ચૂક્યા છે જજ યશવંત વર્મા, તો મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરીને કોને હટાવશે સંસદ?

સંસદમાં પ્રસ્તાવ જો પસાર થયો તો આગળ શું એ મોટો કાયદાકીય પ્રશ્ન છે. કારણ કે કાયદામાં ક્યાંય એ બાબતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કોઈ જજ સામે તપાસ ચાલી રહી હોય અને વચ્ચેથી તેમણે રાજીનામું આપ્યું તો આગળ શું કરી શકાય.

- Advertisement -

બંગલેથી મોટી સંખ્યામાં ચલણી નોટો મળવા મામલે કાર્યવાહીનો સામનો કરતા દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરવા લોકસભા અધ્યક્ષે નીમેલી ત્રણ જજોની કમિટીના રિપોર્ટમાં જજને દોષી ઠરાવવામાં આવ્યા છે. કમિટીનો આ રિપોર્ટ 12 ઑગસ્ટે બંને સંસદ ગૃહ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો.

નિયમો અનુસાર કોઈ ન્યાયાધીશ સામે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ આવે પછી જજીઝ ઇન્કવાયરી એક્ટ હેઠળ લોકસભા સ્પીકરે ત્રણ જજોની એક સમિતિ નીમવી પડે છે. આ સમિતિ આરોપોની તપાસ કરીને પોતાનો અહેવાલ સોંપે છે. નિયમો કહે છે કે જો કમિટી જજ સામેના આરોપો સાચા માને તો હટાવવા માટે પ્રસ્તાવ ચર્ચા પર લઈ શકાય. એટલે કાયદેસર જસ્ટિસ વર્મા વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ આગળ વધવો જોઈએ.

પણ અહીં એક કાયદાકીય ગૂંચવણ છે.

- Advertisement -

જસ્ટિસ વર્મા રાજીનામું આપી ચૂક્યા છે, સંસદ કોને હટાવશે?

જજ યશવંત વર્મા એપ્રિલ 2026માં જ રાજીનામું આપી ચૂક્યા છે. 9 એપ્રિલ, 2026ના રોજ તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું મોકલી આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે.

હવે પ્રશ્ન એ છે કે જજ જો પદ પરથી જ દૂર થઈ ગયા હોય તો તેમને સંસદ કઈ રીતે હટાવી શકે? કારણ કે મહાભિયોગ પ્રસ્તાવ જ જજને પદ પરથી દૂર કરવા માટે હોય છે.

નોંધવા જેવી વાત એ પણ છે કે જસ્ટિસ વર્માએ એ જ દિવસે રાજીનામું આપ્યું હતું જે દિવસે તેઓ ઇન્કવાયરી કમિટીની તપાસમાંથી દૂર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાના વકીલોને પણ છૂટા કરી દીધા હતા. વર્માએ 9 એપ્રિલે કમિટીને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ હવે કમિટીને તપાસમાં સહયોગ આપશે નહીં. આ એ તબક્કો હતો જ્યારે કમિટી એક પક્ષના સાક્ષીઓની તપાસ-ઉલટતપાસ પૂર્ણ કરી ચૂકી હતી અને જસ્ટિસ વર્માને તેમના સાક્ષીઓ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારવું જરૂરી નથી

એક દલીલ એ પણ થઈ રહી છે કે રાષ્ટ્રપતિએ જસ્ટિસ વર્માનું રાજીનામું સ્વીકાર્યું નથી. મે મહિનામાં મીડિયામાં પણ સમાચાર પ્રસારિત થયા હતા કે રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું નથી અને અલ્હાબાદ હાઇકોર્ટના રેકર્ડ પર જસ્ટિસ વર્માનું નામ હજુ ચડેલું જોવા મળે છે. અલ્હાબાદ હાઇકોર્ટ એટલા માટે કારણ કે વિવાદ પછી કોલેજિયમે વર્માની બદલી દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટ કરી દીધી હતી.

આમાં પણ એક સમસ્યા છે.

સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ એ સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે બંધારણના નિયમો મુજબ હાઇકોર્ટના ન્યાયાધીશના રાજીનામાને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર રહેતી નથી. તેઓ જે દિવસે રાજીનામું આપે એ જ દિવસથી પદ છોડી દીધેલું ગણાય છે.

1978ના યુનિયન ઑફ ઇન્ડિયા વિ. ગોપાલ ચંદ્ર મિશ્રા કેસમાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી.

મામલો અલ્હાબાદ હાઇકોર્ટના તત્કાલીન જજ સતીશ ચંદ્રાને લગતો હતો. 7 મે, 1977ના દિવસે તેમણે રાષ્ટ્રપતિને પત્ર લાખીને રાજીનામું આપી દીધું હતું પણ પત્રમાં કહ્યું હતું કે રાજીનામું 1 ઑગસ્ટ, 1977થી લાગુ ગણાશે. પણ એ દિવસ આવ્યો એ પહેલાં જજે મન બદલી નાખ્યું અને રાષ્ટ્રપતિને વધુ એક પત્ર લખીને કહ્યું કે પોતે રાજીનામું પરત લઈ રહ્યા છે.

ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદામાં નોંધ કરતાં કહ્યું હતું કે જો જજ ‘તાત્કાલિક અસરથી’ રાજીનામું આપી દે તો રાજીનામું રાષ્ટ્રપતિને સોંપવામાં આવે ત્યારથી જ લાગુ થઈ જાય છે અને પરત લઈ શકાતું નથી કે રદ થઈ શકતું નથી.

ચુકાદામાં કોર્ટ કહે છે કે, “બંધારણનો આર્ટિકલ 217(1) જજને અધિકાર આપે છે કે તેઓ પોતાની ઈચ્છાએ નિયત પ્રક્રિયાનું પાલન કરીને કાર્યકાળ સમાપ્ત કરી શકે છે. આવા રાજીનામાને પ્રભાવી બનાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી અથવા સ્વીકૃતિની જરૂર નથી રહેતી.” ઉપરાંત જો જજે રાજીનામામાં જણાવ્યું હતું કે તેઓ ‘તાત્કાલિક અસરથી’ રાજીનામું આપી રહ્યા છે તો તેમનો કાર્યકાળ ત્યારે જ પૂર્ણ થયેલો ગણાય છે.

આગળ કોર્ટ કહે છે કે જો જજે અમુક ચોક્કસ તારીખનો ઉલ્લેખ કર્યો હોય તો રાજીનામું તાત્કાલિક લાગુ થતું નથી અને જજનો કાર્યકાળ જે-તે તારીખથી પૂર્ણ થયેલો ગણાય છે. ત્યાં સુધી રાજીનામું પરત લઈ શકાય છે અને બંધારણમાં આ પ્રક્રિયા પર કોઈ રોક પણ નથી.

જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપતી વખતે ‘તાત્કાલિક અસરથી’ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને બંધારણના નિયમો અનુસાર જજનું રાજીનામું ત્યારથી જ લાગુ થઈ ગયું અને તેઓ જજ ન રહ્યા. જોકે હાઇકોર્ટના રેકર્ડ પર તેઓ હજુ જજ હોવાનું દર્શાવાય છે.

સંસદમાં પ્રસ્તાવ આગળ વધશે

જોકે સંસદમાં જે પ્રસ્તાવ રજૂ થયો છે એ આગળ વધશે એવું સરકારનું કહેવું છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર સંસદમાં પ્રસ્તાવ એ સમયે રજૂ થયો હતો જ્યારે જજ વર્મા ન્યાયાધીશ પદે હતા. એટલે તેમણે વચ્ચેથી રાજીનામું આપ્યું હોય તેનાથી પ્રસ્તાવ ન અટકી જાય અને એ નિયમો પ્રમાણે જ આગળ વધશે.

સંસદમાં પ્રસ્તાવ જો પસાર થયો તો આગળ શું એ મોટો કાયદાકીય પ્રશ્ન છે. કારણ કે કાયદામાં ક્યાંય એ બાબતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કોઈ જજ સામે તપાસ ચાલી રહી હોય અને વચ્ચેથી તેમણે રાજીનામું આપ્યું તો આગળ શું કરી શકાય.

આ કેસ કાયદાકીય રીતે રસપ્રદ છે. જજીઝ ઇન્કવાયરી એક્ટ કહે છે કે આરોપો સાબિત થાય તો સંસદે પ્રસ્તાવ આગળ લઈ જવો. પણ જસ્ટિસ વર્મા રાજીનામું આપી ચૂક્યા છે અને ‘તાત્કાલિક અસર’થી અમલમાં આવ્યું છે. તો હવે સંસદ પ્રસ્તાવ પર મતદાન કરે, પસાર પણ થઈ જાય તો તેની કાયદાકીય અસર શું થશે એ જોવાનું રહ્યું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં