ચીન (China) તિબેટના (Tibet) પૂર્વ ભાગમાં વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ (Hydroelectric Dam) બનાવવાની યોજનાને મંજૂરી આપી ચુક્યું છે, જે ભારતને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. આ ડેમ યાર્લુંગ ઝાંગબો નદીના નીચેના ભાગમાં બનાવવામાં આવશે. આ નદી આસામ (Assam) થઈને ભારત (India) આવે ત્યારે અન્ય 2 નદીઓ સાથે મળે ત્યારે તેને બ્રહ્મપુત્રા નદી કહેવાય છે. મહત્વની બાબત છે કે દેશમાં સિંચાઈ અને પરિવહન માટે બ્રહ્મપુત્રા ખૂબ મહત્વપૂર્ણ નદી છે. તથા ભારતની કૃષિ, ઔદ્યોગિક અને મીઠા પાણીની આપૂર્તિ પણ કરે છે.
નોંધનીય છે કે ચીને યાર્લુંગ ઝાંગબો પર ડેમ બનાવવાની મંજૂરી આપી છે. ચીને આ પ્રોજેક્ટ માટે $137 અબજ એટલે કે લગભગ ₹12 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આ બંધ પૃથ્વી પરનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ચીને 2023માં આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ પ્રોજેક્ટથી ચીનના લગભગ 25% વસ્તીને વીજળી પૂરી પાડવામાં આવશે. આ બંધના કારણે ચીનમાં લગભગ 14 લાખ લોકો વિસ્થાપિત થશે જેમને ખસેડવાની વ્યવસ્થા પણ ચીન ખૂબ પહેલાં જ કરી ચૂક્યુ છે.
China approves world's largest dam on #Brahmaputra river near Indian border, says report
— Mirror Now (@MirrorNow) December 27, 2024
India yet to respond the report @RishabhMPratap brings in more info on this #IndiaChinaRelations #China | @shwetaasinghtn pic.twitter.com/qAxy7dpHJA
નોંધનીય છે કે હિમાલય પર્વતના કૈલાશ શિખર પાસેથી નીકળતી આ નદી તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો અને ચીનમાં યાર્લુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. આ નદી અરુણાચલ પ્રદેશમાં થઈને અસમ આવે છે જ્યાં તે બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. આ નદી બાંગ્લાદેશમાં પણ જાય છે જ્યાં તે જમુના તરીકે ઓળખાય છે. આ નદી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશતા પહેલાં અને બાંગ્લાદેશમાં જતાં પહેલાં એક તીવ્ર યુ-ટર્ન લે છે. આ યુ-ટર્ન પાસે જ ચીન બંધ બંધાવનું છે. ભારતમાં પ્રવેશતા પહેલાં આ નદી લગભગ 7,667 મીટર એટલે લગભગ 25,154 ફૂટ ઉંડી ખીણમાં જંગી ધોધ સ્વરૂપે પડે છે તેથી અહીંયા બંધ બને તો મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય.
ડેમના લીધે ભૂકંપની સંભાવના વધી
નોંધનીય છે કે આ ડેમ જે સ્થાન પર બનાવવામાં આવી રહ્યો છે ત્યાં ભૂકંપની સંભાવના ધરાવતી ટેક્ટોનિક પ્લેટની સીમા છે. ટેક્ટોનિક પ્લેટોની ઉપર આ બંધ બનવાનો હોવાથી તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર ધરતીકંપની સંભાવનાઓ વધે તેવી શક્યતા છે. આ સિવાય આ ડેમ માટે ભૂકંપની ચિંતાની સાથે પર્યાવરણીય સંરક્ષણના પગલાં અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય આ ડેમ ભારત માટે પણ ખતરો બની શકે છે. કારણ કે આસામ, અરૂણાચલ પ્રદેશ સહિતનાં ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યો બ્રહ્મપુત્રાના પાણી પર નિર્ભર છે.
ભારત માટે બની શકે છે ખતરો
ભારતે બ્રહ્મપુત્રા-યમુના લિંક બનાવીને બ્રહ્મપુત્રાનું પાણી યમુના નદીમાં વાળ્યું હોવાથી ઉત્તર ભારતનો મોટો વિસ્તાર પણ બ્રહ્મપુત્રા નદી પર નિર્ભર છે. ભારત પોતે બ્રહ્મપુત્રા નદીના પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકાય એ માટે આસામમાં બ્રહ્મપુત્રા પર બંધ બાંધવા માગે છે જોકે એ પહેલાં જ ચીને તેની યોજના જાહેર કરી દીધી હતી આ ઉપરાંત આ નદી ભારતના 30% મીઠા પાણીની જરૂરિયાત અને 40% હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરે છે. ચીન દ્વારા બનાવવામાં આવી રહેલ આ બંધ બ્રહ્મપુત્રના વહેણને રોકી શકે છે જેનાથી પૂર્વોત્તર ભારતમાં કૃષિ, પીવાનું પાણી અને ઔદ્યોગિક ઉપયોગ માટે પાણીની કમી પડી શકે છે. જેની સૌથી વધુ અસર અરુણાચલ પ્રદેશ અને આસામમાં થઇ શકે છે.
આ સિવાય મહત્વની બાબત એ છે કે આ ડેમથી ચીન નદીનું પાણી કંટ્રોલ કરી શકશે. જો એ વધુ માત્રામાં પાણી છોડે તો પૂરની સ્થિતિ અથવા પાણી ન છોડે તો દુકાળની પરીસ્થિત પણ ઉભી થઇ શકે છે. નોંધનીય છે કે મુખ્ય એશિયાઈ નદીઓના મુખ્ય જળ સ્ત્રોતો પર ચીનનું વર્ચસ્વ છે જેના કારણે ચીનને વોટર પોલિટિક્સમાં નોંધપાત્ર લાભ મળી રહ્યો છે. આ ડેમ બાંધીને, ચીન ઉર્જાની સાથે ‘જળ યુદ્ધ’ અથવા ‘જળ-આધિપત્ય’માં વ્યૂહાત્મક સ્થાન મેળવી રહ્યું છે. નોંધનીય છે કે બ્રહ્મપુત્રા પાણીના પ્રવાહને પ્રભાવિત કરવાની ક્ષમતા ચીન માટે એક સાધન બની શકે છે જેનો ઉપયોગ ચીન ભારત કે બાંગ્લાદેશ વિરુદ્ધ કરી શકે છે.
કરાર પૂરા થયા બાદ કરી ચાલાકી
મહત્વપૂર્ણ બાબત છે કે બ્રહ્મપુત્રા નદીના પાણીના વપરાશના મુદ્દે ભારત-ચીન વચ્ચે 2002માં કરાર થયા હતા. ચીન બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે તેની માહિતી ભારતને આપવી એવી તેમાં જોગવાઈ હતી. આ કરાર દર પાંચ વર્ષે રીન્યુ કરાતા હતા. તેથી ચીને 2008, 2013 અને 2018માં એમ દર પાંચ વર્ષે આ કરાર રીન્યુ કર્યા હતા. જોકે 2023માં જ્યારે આ કરાર રીન્યુ કરવાનો સમય આવ્યો ત્યારે ચીને આ કરાર રીન્યુ કરવાનો ઇનકાર કર્યો. ત્યાં સુધી ચીન આ બંધ બાંધવાની પૂરી તૈયારી કરી ચુક્યું હતું. હવે આ કરાર પૂર્ણ થઇ ચુક્યો છે તેથી તેણે આ યોજના જાહેર કરી દીધી છે.