હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહજારો વર્ષની પરંપરા, ધર્મ સાથે જોડાયેલું વિજ્ઞાન: શું હોય છે ગ્રહણ? પૂર્ણ...

હજારો વર્ષની પરંપરા, ધર્મ સાથે જોડાયેલું વિજ્ઞાન: શું હોય છે ગ્રહણ? પૂર્ણ ચંદ્રગ્રહણના સૂતકકાળ અને તેની અસરો વિશે પણ સમજો

ભારતે સદીઓ પહેલાં ખગોળ ગણનાથી ગ્રહણોની સટીક આગાહી કરી છે. આ તે સભ્યતા છે, જેણે બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટ જેવા વિદ્વાનો દ્વારા હજારો વર્ષો પહેલાં ખગોળ વિદ્યાને સમજી લીધી હતી અને માનવજીવનમાં પડતાં તેના પ્રભાવો વિશેનો તાગ પણ મેળવી લીધો હતો.

- Advertisement -

વર્ષ 2025નું અંતિમ ચંદ્રગ્રહણ 7-8 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જોવા મળશે. એશિયાના લગભગ તમામ દેશોમાં તે નરી આંખે જોઈ શકાશે અને તેની અસરો પણ ઊભી થશે. હાલનું આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) હશે. એટલે કે, ચંદ્ર પર પૂર્ણ અવરોધ ઊભો થશે અને પૃથ્વીના પડછાયાના કારણે તે લાલ રંગનો દેખાશે. પૂર્ણ ગ્રહણની કુલ અવધિ 3 કલાક અને 30 મિનિટની હોય છે. એટલે કે, સાડા ત્રણ કલાક સુધી આ ગ્રહણને જોઈ શકાય છે. જોકે, ધર્મશાસ્ત્રો અનુસાર, નરી આંખે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ જોવું પણ વર્જિત છે. 

ખાસ વાત છે કે, આ ગ્રહણ પિતૃપક્ષ શરૂ થવા પર આવ્યું છે. શ્રાદ્ધના દિવસોમાં ગ્રહણ આવ્યું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે. આ લેખમાં હાલના આ ગ્રહણ વિશેની માહિતી મેળવીશું. જેમ કે, તેની અસર ક્યારે શરૂ થશે? ક્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થશે? વગેરે. તે સિવાય ગ્રહણ શું છે અને ભારતીય ખગોળશાસ્ત્ર તથા ધર્મગ્રંથોમાં તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે વિશે પણ માહિતી મેળવીશું. 

ગ્રહણ શું છે? 

ગ્રહણનો સ્પષ્ટ શાબ્દિક અર્થ ‘અવરોધ’ થાય છે. તે એક ખગોળીય ઘટના છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક રેખામાં આવે છે, જેના કારણે એક ખગોળીય પદાર્થનો પડછાયો બીજા પદાર્થ પર પડે છે. ગ્રહણના બે મુખ્ય પ્રકાર છે. 1- સૂર્યગ્રહણ અને 2- ચંદ્રગ્રહણ. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને સૂર્યનો પ્રકાશ આંશિક અથવા સંપૂર્ણ રીતે અવરોધાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. 

- Advertisement -

આ ઉપરાંત જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્ર આંશિક અથવા સંપૂર્ણ રીતે અદ્રશ્ય થાય છે અથવા તો લાલ રંગનો દેખાય છે. તેને ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ ઘટના સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ખગોળીય ઘટનાઓ પર આધારિત છે. 

જોકે, હિંદુ ધર્મમાં ગ્રહણને રાહુ અને કેતુ નામના ગ્રહો સાથે પણ જોડવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, સમુદ્રમંથનના સમયે રાહુ નામના રાક્ષસે દેવતાઓ વચ્ચે બેસીને છળકપટથી અમૃત પી લીધું હતું. જે બાદ ભગવાન વિષ્ણુએ સુદર્શનથી તેનું માથું કાપી નાખ્યું હતું. ત્યારબાદથી મસ્તકને રાહુ અને ધડને કેતુ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે, ત્યારથી રાહુ અને કેતુ સૂર્ય-ચંદ્રને ગળી જાય છે અને તેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે, અહીં ખાસ નોંધવા જેવું છે કે, આ એક પ્રતીકાત્મક કથા છે, જે દર્શાવે છે કે, પ્રકાશ અને અંધકારનો સંઘર્ષ સનાતન છે.

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતકકાળ અને ધાર્મિક માન્યતાઓ

આ ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેબરના રોજ રાત્રે 9:57 કલાકે થશે. તે હિસાબે તેનો સૂતકકાળ ગ્રહણ શરૂ થયાના લગભગ 9 કલાક પહેલાં શરૂ થઈ જશે. એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ બપોરના 1:57 મિનિટે ગ્રહણનો સૂતકકાળ શરૂ થઈ જશે. સૂતકકાળ એટલે એવો સમય, જેમાં ગ્રહણની અસર શરૂ થઈ જાય છે. સૂતકકાળ શરૂ થતાં જ દેશનાં તમામ મંદિરોનાં કપાટ બંધ થઈ જાય છે અને મોટાભાગના લોકો ધાર્મિક અનુષ્ઠાન પણ અટકાવી દે છે. 

ધર્મગ્રંથો અનુસાર, ગ્રહણના સૂતકકાળ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓ પર તુલસી અથવા તો દૂર્વાના (ડાભ) પાન મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન ધર્મગ્રંથો અનેક કાર્યો કરવા પર પ્રતિબંધ જાહેર કરે છે. જેમ કે, આ દરમિયાન ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવો વર્જિત છે. તે સિવાય ગ્રહણકાળ દરમિયાન ભોજન કે પાણી પીવું પણ વર્જિત છે. આ ઉપરાંત, પૂજા-પાઠ, ઘર અને મંદિરોની સફાઈ પણ નહીં થઈ શકે.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જ્યોતિષશાસ્ત્રી વિશાલભાઈ રાજ્યગુરુએ જણાવ્યું કે, ગ્રહણના 9 કલાક પહેલાંથી સશક્ત વ્યક્તિઓએ ભોજન છોડી દેવું હિતાવહ છે. જોકે, બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાઓ ગ્રહણના 4 કલાક પહેલાં પણ ભોજન કરી શકે છે. પરંતુ, ભોજન પર તુલસીપત્ર અથવા તો દૂર્વાના તાંતણા મૂકવા અનિવાર્ય છે. 

જ્યોતિષશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું છે કે, જે પદાર્થોમાં દૂર્વા, તલ અથવા તો તુલસીપત્ર મૂકવામાં આવે છે તે સૂતકકાળ દરમિયાન દૂષિત નથી થતાં. દૂધ કે દૂધના બનેલા પદાર્થોમાં આ બધી વસ્તુઓ નાખી શકાતી નથી, તે સિવાયના તમામ ખાદ્ય પદાર્થો અને દેવાલયોમાં દૂર્વા અથવા તુલસી મૂકી શકાય છે. 

ગ્રહણકાળ દરમિયાન શુભ ગણાતાં કાર્યો

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ગોપનાથ મહાદેવ મંદિરના મુખ્ય પુરોહિત અને જ્યોતિષશાસ્ત્રી ભરત શુક્લએ જણાવ્યું છે કે, ગ્રહણકાળ દરમિયાન રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી નકારત્મક ઉર્જા દૂર રહે છે. તે સિવાય તુલસીની માળા કે બેરખા પહેરેલા વ્યક્તિઓ પર પણ તેની અસર નહિવત રહે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ સમય દરમિયાન મંત્રદીક્ષામાં મળેલા મંત્રોનો જાપ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે.

તેમણે મહર્ષિ વેદવ્યાસને ટાંકીને જણાવ્યું કે, “ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ લાખ ગણા અને સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ 10 લાખ ગણા વધુ ફળદાયી છે.” નારદ પુરાણ અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ અને ડાભને આંગળીઓ વડે સ્પર્શ કરીએ કોઈપણ કાર્ય કરવું જોઈએ. 

વૈજ્ઞાનિક કારણો: શાસ્ત્રોની પાછળ છુપાયેલું વિજ્ઞાન

હિંદુ ધર્મમાં એવું કહેવાય છે કે, ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ અને ખાદ્ય પદાર્થો પર તુલસી અથવા દૂર્વાના તાંતણા મૂકવા જોઈએ. જોકે, તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રનાં કિરણો અવરોધાય છે અને તેના કારણે તેમાં ખાસ્સું પરિવર્તન આવે છે. આ ખગોળીય ઘટનાને લીધે સૂક્ષ્મ જીવાણુઓ વધી જાય છે. આ કારણે ભોજન જલ્દી ખરાબ થઈ જાય છે અને ભોજન કરવાથી માણસ બીમાર પણ પડી શકે છે. તેથી હિંદુ પરંપરામાં દૂર્વા/તુલસી નાખવાની પરંપરા છે, આ બંને પદાર્થોમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણો હોય છે અને તે વિજ્ઞાન પણ સ્વીકારે છે. 

ગરુડ પુરાણમાં ગ્રહણકાળ દરમિયાન અન્ન-જળની રક્ષા માટે દૂર્વા અને તુલસીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. તે સિવાય ભાવપ્રકાશ નિઘંટુ નામના આયુર્વેદ ગ્રંથમાં પણ કહેવાયું છે કે, દૂર્વા શીતળ, અને એન્ટિ-બેક્ટેરિયલ છે. તેથી દૂર્વા અને તુલસીનો ઉપયોગ માત્ર ધાર્મિક માન્યતા નથી, પણ સાઇન્ટિફિક ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક છે. કારણ કે, હિંદુ ધર્મમાં ધાર્મિક ગ્રંથોમાંથી જ વિજ્ઞાન નીકળે છે.

તે સિવાય વૈજ્ઞાનિક શોધ જણાવે છે કે, ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરો પૃથ્વી પર રહેલા પાણીના જથ્થા પર પડે છે, ખાસ કરીને સમુદ્રમાં ભરતી અને ઓટ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. વિજ્ઞાન પણ ચંદ્રની ગતિને ધ્યાને રાખીને દરિયા વિશેની આગાહી કરે છે. તે જ સિદ્ધાંત માણસના શરીર પર પણ લાગુ પડે છે. વિજ્ઞાન મુજબ માનવ શરીર બાયોલોજિકલ કમ્પોઝિશન પ્રમાણે મોટાભાગે પાણીથી બનેલું હોય છે. 

એક સ્વસ્થ પ્રૌઢ માનવીના શરીરમાં સરેરાશ 60% પાણી હોય છે. મગજ અને હૃદયમાં લગભગ 73% પાણી હોય છે. તેથી ચંદ્રની ગતિવિધિઓની સીધી અસર માનવ શરીર પર પડે છે અને ખાસ મગજ પર પડે છે, કારણ કે તેમાં પાણી વધુ હોય છે. વૈજ્ઞાનિક શોધો દર્શાવે છે કે ગ્રહણ દરમિયાન ઘણા લોકોને માથાનો દુઃખાવો, ગૂંગળામણ અને રક્તપ્રવાહ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ગર્ભવતી મહિલાઓને પણ વિશેષ સાવધાની રાખવાનું કહેવામાં આવે છે. 

આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં ગર્ભવતી મહિલાઓને ગ્રહણના સમયે ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે અને હિંદુઓ ગ્રહણ દરમિયાન પૂજાપાઠ કરી શકતા નથી તેની પાછળ પણ આ જ કારણ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણકાળ દરમિયાન નકારત્મક ઉર્જા પ્રબળ રહે છે. વૈજ્ઞાનિક પાસું જોઈએ તો આ સમયે વાતાવરણમાં વિદ્યુતચુંબકીય પરિવર્તન જોવા મળે છે, જે ધ્યાન અને માનસિક એકાગ્રતાને પ્રભાવિત કરે છે. તેથી સામાન્ય પૂજા ન કરી શકાય. જોકે, મંત્ર-જાપ (મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર) કરી શકાય છે. 

પશ્ચિમ કરતાં વધુ વૈજ્ઞાનિક છે ભારતીય ખગોળશાસ્ત્ર

ભારતીય પંચાંગમાં ગ્રહણની ગણના હજારો વર્ષો પહેલાંથી કરવામાં આવે છે. કારણ કે ભારતમાં પ્રાચીન સમયથી હિંદુ ધર્મનું પાલન થતું આવ્યું છે અને હિંદુ ધર્મની મહત્વની બાબત એ છે કે તેમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના શત્રુ નથી. તેમાં તો ધર્મગ્રંથોમાંથી જ વિજ્ઞાન વહેતું જોવા મળે છે. જ્યારે તાજેતરના કેટલાક મત-મજહબોમાં વિજ્ઞાનને ‘હરામ’ ગણવામાં આવે છે. આ જ એક કારણ છે કે, ભારત પ્રાચીનકાળથી વિજ્ઞાનની દિશામાં દુનિયાથી આગળ રહ્યું છે. 

476-550 ઈ.માં આર્યભટ્ટે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સટીક ભવિષ્યવાણી કરી હતી. જોકે તે પહેલાં ઋષિ વશિષ્ઠ અને અન્ય ઋષિઓ પણ આમાં પારંગત હતા. તે સિવાય હિંદુઓના ધર્મગ્રંથ સૂર્યસિદ્ધાંતમાં પણ ગ્રહણની ગણનાનાં સૂત્રો આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત બ્રહ્મગુપ્તના બ્રહ્મસ્ફુટસિદ્ધાંતમાં સૂર્ય અને ચંદ્રની સ્થિતિના આધારે ગ્રહણ વિશેની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. આજે NASA જે કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીને ગ્રહણની સ્થિતિ શોધે છે, તેના મૂળ ભારતીય ખગોળવિદ્યામાં પડ્યા છે. 

નાસા કે અન્ય પશ્ચિમી સંસ્થાઓ માત્ર અમુક વર્ષો સુધીની ગ્રહણની આગાહી કરી શકે છે, પરંતુ ભારતીય ખગોળવિદ્યા આજથી 5 હજાર વર્ષ પછી આવતા ગ્રહણની પણ સટીક ભવિષ્યવાણી કરી શકે છે. તેનું કારણ પણ આવા ખગોળીય સિદ્ધાંતો જ છે. અહીં મહત્વની વાત એ પણ છે કે, અર્વાચીન જગત માત્ર 400 કે 500 વર્ષોથી આવી આગાહીઓ કરતા શીખ્યું છે. જ્યારે ભારતમાં માત્ર લિખિત ઇતિહાસની જ વાત કરીએ તોપણ 5 હજાર વર્ષ પહેલાંથી આવી આગાહીઓ થતી આવી છે. 

ભારતે સદીઓ પહેલાં ખગોળ ગણનાથી ગ્રહણોની સટીક આગાહી કરી છે. આ તે સભ્યતા છે, જેણે બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટ જેવા વિદ્વાનો દ્વારા હજારો વર્ષો પહેલાં ખગોળ વિદ્યાને સમજી લીધી હતી અને માનવજીવનમાં પડતાં તેના પ્રભાવો વિશેનો તાગ પણ મેળવી લીધો હતો. આજે જરૂર છે કે આપણે આપણી પરંપરાને સમજીએ, તેના પર ગર્વ કરીએ, ન કે પશ્ચિમી ચશ્માથી તેને ‘અંધશ્રદ્ધા’ કહીને નકારી કાઢીએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં