Saturday, April 20, 2024
More
  હોમપેજસંપાદકની પસંદગુજરાત કોંગ્રેસમાં ભડકા યથાવત: સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત...

  ગુજરાત કોંગ્રેસમાં ભડકા યથાવત: સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત 100થી વધુ યુવા કાર્યકરોના રાજીનામા

  ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અને સભ્યપદ ત્યાગવાના બનાવો બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યા. હવે સુરેન્દ્રનગર જીલ્લાના બે મહત્ત્વના કોંગ્રેસ હોદ્દેદારોએ પક્ષ છોડી દીધો છે.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા આવતા ગુજરાતનાં ખૂણે ખૂણેથી કોંગ્રેસ સંગઠનમાં ગાબડાં જોવા મળી રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં એક સાથે 100થી પણ વધુ યુવા નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપવાનો કિસ્સો સામે આવ્યો છે.

  મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના એનએસયુઆઇ પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ જિલ્લાના 100થી વધુ યુવા નેતાઓ સાથે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. NSUI જિલ્લા પ્રમુખ તથા કોંગ્રેસનાં પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપતા ચુડાસમાએ એ જણાવ્યુ કે પાર્ટી હાઈક્માંડ તરફથી યુવા નેતાઓ તથા કાર્યકર્તાઓને યોગ્ય સન્માન અને નોંધ ના મળતા એમણે આ પગલું ઉઠાવ્યું છે.

  જિલ્લા NSUI પ્રમુખ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ પણ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જેની પાછળનું કારણ પણ કોંગ્રેસ સંગઠન દ્વારા યુવા નેતાઓ તરફ સેવાતો દુર્લક્ષ જ માનવમાં આવી રહ્યો છે.`

  - Advertisement -

  આ પહેલી વાર નથી કે કોઈ ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપ્યા હોય. આ પહેલા 2020ની પેટા ચૂંટણી પહેલા પણ સુરેન્દ્રનગર કોંગ્રેસના પંચાયતના સભ્યો સમેત 150થી વધુ નેતાઓએ કોંગ્રેસમાથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતા જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા ચાલુ

  ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ ગુજરાતનાં જીલ્લે જીલ્લેથી, ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં કહલની ઘટનાઓ સામે આવ્યા જ કરે છે. હાર્દિક પટેલ અને ઇંદ્રનીલ રાજગુરુ જેવા મોટા નેતાઓ હોય કે સામાન્ય કાર્યકર્તા હોય, સૌ કોઈ કોંગ્રેસથી દૂર જવા માટેના જ પ્રયત્નમાં જોવા મળી રહ્યા છે.

  આ પહેલા ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રવકતા અને દિગ્ગજ કોંગ્રેસનેતા કૈલાશ ગઢવીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારે કોંગ્રેસની નેતાગીરી પર પ્રશ્ન ઉઠાવતા ટ્વિટ દ્વારા કહ્યું હતું કે, ‘સત્તા મેળવવા કે સરકાર બનાવવાના મક્કમ નિર્ધારના અભાવે કોંગ્રેસની નેતાગીરી લાંબા સમયથી ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે.- ચાલો કંઈક નવું કરીએ’

  થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના દીકરા ફૈઝલે પણ પક્ષ તરફ પોતાની નારાજગી દર્શાવી હતી. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને પોતાની વ્યથા દર્શાવતા જણાવ્યુ છે કે, ‘હું રાહ જોઇને થાકી ગયો છું. કોઇ પ્રોત્સાહન મળી નથી રહ્યુ. મારા પાસે વિકલ્પો ખુલ્લાં છે.’ 

  આ પહેલા કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય તથા સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ કોંગ્રેસનાં પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને આપમાં જોડાયા હતા.

  કોંગ્રેસ નેતાઓના રાજીનામાં આટલે અટકતા નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલતા જયરાજસિંહે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી.

  ગુજરાત કોંગ્રેસનાં સ્થાનિક જિલ્લા સંગઠનોમાંથી પણ હમણાં હમણાં ઘણા કોંગ્રેસ નેતાઓના રાજીનામાં પડ્યા છે. ગત મહિને જ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી કે પી બથવારે રાજીનામું આપી દીધું હતું જે બાદ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મંત્રી ગોવિંદ પટેલે પીએન રાજીનામું આપી દીધું હતું.

  આ પહેલા ગત મહિને અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, ‘હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.’

  અમદાવાદની નજીક આવેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસ છોડવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું હતું. તો રેકોર્ડ 11 વખત ધારાસભ્ય રહી ચુકેલા મોહનસિંહ રાઠવાએ અગામી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આમ ગુજરાત કોંગ્રેસને અસંતુષ્ટ નેતાઓની અલગ અલગ તકલીફો અને ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક દિવસથી પાર્ટી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે આ મહિનાની શરૂઆતમાં જ કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અને ખેડબ્રહ્માથી ત્રણ વાર ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ વિધિવત રીતે વિજય મુહુર્ત એટલેકે 12:39 એ ભાજપામાં જોડાયા હતા.

  આમ ગુજરાત ચૂંટણી નજીક આવતા આવતા ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતાઓ કાર્યકર્તાઓ પોતાના પક્ષનો સાથ છોડીને જઇ રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં