Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત કોંગ્રેસનું ડૂબતું વહાણ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક કોંગ્રેસી...

    ગુજરાત કોંગ્રેસનું ડૂબતું વહાણ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામાં

    ગુજરાત કોંગ્રેસમાં તડાં પડવાનું હજી પણ ચાલુ જ છે. કૈલાશ ગઢવી ઉપરાંત હવે ઘણાબધા કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીઓમાં જઈ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ માટે આ સારા સંકેત નથી.

    - Advertisement -

    ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ફરી એકવાર કોંગ્રેસ નેતાઓના રાજીનામાં અટકવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ તથા આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ મૂકી છે.

    ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રવકતા અને દિગ્ગજ કોંગ્રેસનેતા કૈલાશ ગઢવીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ગઇકાલે અમદાવાદ ખાતે પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા એમણે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને આપમાં જોડવાના સંકેત આપી દીધા જ હતા.

    આ પહેલા કૈલાશ ગઢવીએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રશ્ન ઉઠાવતા ટ્વિટ દ્વારા કહ્યું હતું કે, ‘સત્તા મેળવવા કે સરકાર બનાવવાના મક્કમ નિર્ધારના અભાવે કોંગ્રેસની નેતાગીરી લાંબા સમયથી ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે.- ચાલો કંઈક નવું કરીએ’

    - Advertisement -

    થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના દીકરા ફૈઝલે પણ પક્ષ તરફ પોતાની નારાજગી દર્શાવી હતી. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને પોતાની વ્યથા દર્શાવતા જણાવ્યુ છે કે, ‘હું રાહ જોઇને થાકી ગયો છું. કોઇ પ્રોત્સાહન મળી નથી રહ્યુ. મારા પાસે વિકલ્પો ખુલ્લાં છે.’ 

    આ પહેલા કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય તથા સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ કોંગ્રેસનાં પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને આપમાં જોડાયા હતા.

    કોંગ્રેસ નેતાઓના રાજીનામાં આટલે અટકતા નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલતા જયરાજસિંહે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી.

    ગુજરાત કોંગ્રેસનાં સ્થાનિક જિલ્લા સંગઠનોમાંથી પણ હમણાં હમણાં ઘણા કોંગ્રેસ નેતાઓના રાજીનામાં પડ્યા છે. ગત મહિને જ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી કે પી બથવારે રાજીનામું આપી દીધું હતું જે બાદ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મંત્રી ગોવિંદ પટેલે પીએન રાજીનામું આપી દીધું હતું.

    આ પહેલા ગત મહિને અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, ‘હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.’

    આટઆટલા રાજીનામાઓ બાદ પણ હજુ લાંબા સમય સૂનધિ ગુજરાત કોંગ્રેસમાં આ સ્થિતિ બદલાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. પાટીદાર આંદોલનમાથી જન્મેલ વિવાદિત નેતા તથા કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં સ્થાનિક નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. અટકળો લાગી રહી છે કે ચૂંટણી પહેલા ગમે ત્યારે હાર્દિક કોંગેસને છોડી આપ અથવા ભાજપમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલે હમણાં જ નિવેદન આપતા કહ્યું હતું કે ‘અમે રામના ભક્ત છીએ’ અને ભાજપ સંગઠનના પણ ખૂબ વખાણ કર્યા હતા.

    કોંગ્રેસ નેતાઓના રાજીનામાંઓ વચ્ચે પણ ગુજરાત કોંગ્રેસનાં આંતરિક વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યા. કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન પહેલા વિવાદ છેડાયો છે. સંમેલનના પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખનો ફોટો ન હોવાથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલે આ ફોટો ટ્વિટર પીઆર શેર કર્યો છે જેમાં પ્રદેશ કોંગ્રેસનાં કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો જ ફોટો નથી.

    તો હવે જોવાનું એ રહેશે કે આટઆટલી તકલીફો વચ્ચે ગુજરાત વિધાન ચૂંટણી પહેલા શું કોંગ્રેસ પાર્ટી પોતાની આ ખરડાતીછબીને સાચવી શકશે કે કેમ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં