Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોણ કોનો ત્યાગ કરશે?: હાર્દિકે ટ્વીટર પરથી ‘કોંગ્રેસ’ શબ્દ હટાવ્યો, પાર્ટીએ પોસ્ટરમાં...

  કોણ કોનો ત્યાગ કરશે?: હાર્દિકે ટ્વીટર પરથી ‘કોંગ્રેસ’ શબ્દ હટાવ્યો, પાર્ટીએ પોસ્ટરમાં જગ્યા ન આપી

  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં કરેલા ફેરફાર અને જીગ્નેશ મેવાણીના જેલમાંથી પરત થવાના સ્વાગત કાર્યક્રમના પોસ્ટરમાં હાર્દિકને સ્થાન ન અપાતાં અટકળો વધી છે.

  - Advertisement -

  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા થોડા સમયથી પાર્ટીથી નારાજ છે. જોકે, ઘણા સમયથી એક કે બીજી રીતે પાર્ટી અને સ્થાનિક નેતૃત્વ સાથે પોતે નારાજ હોવાના સંકેતો આપતા હોવા છતાં હજુ સુધી હાર્દિકે પાર્ટી છોડવા મામલે કોઈ તૈયારી બતાવી નથી. પરંતુ હવે હાર્દિક પટેલે પાર્ટી છોડવાનું અને કોંગ્રેસે તેમને વિદાય આપવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. આજે હાર્દિક પટેલે પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી ગુજરાત કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો છે. પહેલાં હાર્દિકની પ્રોફાઈલ ઉપર ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’ લખ્યું હતું, પરંતુ હવે હાર્દિકે તે હટાવી દીધું છે. જેના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે તેવી અટકળોને વેગ મળ્યો છે. જોકે, હાર્દિક પટેલ દ્વારા ટ્વીટર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

  બીજી તરફ, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને ફરજ પર હાજર મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપ બદલ જેલમાં ગયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ તેમના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું છે. જેની જાહેરાત પાર્ટીના ટ્વીટર અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી.

  કોંગ્રેસે ટ્વીટર અકાઉન્ટ પર શેર કરેલા પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો ગાયબ થઇ ગયો હતો. પોસ્ટરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની તસવીરો જોવા મળી રહી છે પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિક પટેલની તસવીર હટાવી દેવાતા હાલમાં ચાલી રહેલી અટકળોને બળ મળ્યું છે.

  - Advertisement -

  અત્રે ઉલ્લેખનીય છે કે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગત 21 એપ્રિલના રોજ આસામ પોલીસે ધરપકડ કરી લીધી હતી. જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહેવાતી વિવાદિત ટિપ્પણી કરતાં ટ્વીટ કર્યાં હતાં, જે બાદ તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાતા આસામ પોલીસે પાલનપુર ગેસ્ટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીને પકડી લીધા હતા.

  જોકે, આ કેસમાં જીગ્નેશને જામીન મળ્યા બાદ વધુ એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બારપેટા પોલીસ મથકના એક મહિલા પોલીસે ફરિયાદમાં મેવાણી વિરુદ્ધ અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો હતો. જોકે, તે મામલે પણ જીગ્નેશ મેવાણીને જામીન મળી ગયા છે.

  વધુમાં, હાર્દિક પટેલ આ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસ અને સ્થાનિક નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અગાઉ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, તેમની સ્થિતિ લગ્ન બાદ નસબંદી કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિ જેવી થઇ ગઈ છે. ઉપરાંત, અખબાર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ભાજપના વખાણ કર્યાં હતાં તેમજ ગુજરાત કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

  તદુપરાંત, હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપી વિવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. હાર્દિક પટેલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, “હું હાલ કોંગ્રેસમાં છું. આશા રાખું છું કે કોંગ્રેસ નેતાઓ કોઈ રસ્તો શોધે જેથી હું પાર્ટીમાં રહીને કામ કરી શકું. કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારો આત્મવિશ્વાસ તોડવા માંગે છે.”

  આમ તો હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતાં કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી હતી પરંતુ હવે વધુ એક સંકેત આપીને અટકળોને વેગ આપી દીધો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં