Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધરપકડ, જામીન અને ફરી ધરપકડ.... : પીએમ મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરનાર...

    ધરપકડ, જામીન અને ફરી ધરપકડ…. : પીએમ મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ

    ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આજે આસામની એક કોર્ટમાંથી જામીન તો મળ્યા પરંતુ ત્યારબાદ આસામ પોલીસે તેમની ફરીથી ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    ગુજરાતના ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક નેતા જીગ્નેશ મેવાણીએ વિવાદિત ટ્વીટ કર્યા બાદ આ અંગે ફરિયાદ થતાં આસામ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. આસામ પોલીસે પાલનપુર પહોંચી મેવાણીને કસ્ટડીમાં લીધા હતા અને ગુવાહાટીમાં તેમને રજૂ કરવામાં આવતા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ, જીગ્નેશ મેવાણીએ આ કેસમાં જામીન માટેની અરજી કરતા કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને જીગ્નેશ મેવાણીને જામીન આપી દીધા હતા. જોકે, મેવાણી અને તેમના સમર્થકોની ખુશી બહુ લાંબી ટકી ન હતી. કારણ કે આસામ પોલીસે ત્યારપછી તરત અન્ય એક કેસમાં જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ કરી લીધી હતી.

    અહેવાલો અનુસાર, આસામના બે પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ બીજી બે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી એક બારપેટા અને બીજી ગોલપરા પોલીસ મથકે નોંધાઈ છે. આજે બપોરે બારપેટાથી પોલીસકર્મીઓ જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ કરવા કોકરાઝાર પહોંચી હતી. નોંધનીય છે કે જીગ્નેશ મેવાણીને આ જ જેલમાં રાખવામાં આવ્યા હતા.

    રિપોર્ટ અનુસાર, જીગ્નેશ મેવાણીની ધરપકડ ‘અધિકારીઓ ઉપર હુમલો’ કરવાના આરોપસર કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મેવાણી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    આ પહેલાં જીગ્નેશ મેવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલાં ટ્વીટને લઈને ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ટ્વીટમાં આપત્તિજનક દાવો કરતા કહ્યું હતું કે, પીએમ મોદી નથુરામ ગોડસેની વિચારધારામાં માને છે તેથી દેશમાં શાંતિની અપીલ નહીં કરે. જેને લઈને આસામમાં એક ફરિયાદ નોંધવવામાં આવી હતી. જે બાદ આસામ પોલીસે પાલનપુર ગેસ્ટ હાઉસમાંથી મેવાણીની ધરપકડ કરી લીધી હતી. મેવાણી વિરુદ્ધ અપરાધિક ષડ્યંત્રના આરોપમાં સેક્શન 120 બી, સેક્શન 259એ, વૈમનસ્ય ફેલાવવાના આરોપમાં ધારા 153એ, શાંતિ ભંગ કરવા માટે કોઈનું અપમાન કરવાના આરોપસર સેક્શન 504 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્વીટ પોસ્ટના કારણે આ આરોપો લાગ્યા હોવાથી આઈટી એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    પીએમ મોદી વિશે અગાઉ પણ કરી હતી વિવાદિત ટિપ્પણીઓ

    વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અગાઉ પણ ઘણી વખત વિવાદમાં રહ્યા છે અને તેમણે ઘણાં વિવાદિત નિવેદનો પણ આપ્યાં છે. તેમજ જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અણછાજતી ટિપ્પણી કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો બન્યો નથી. આ અગાઉ પણ મેવાણીએ વર્ષ 2018 માં પટનામાં કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘નમક હરામ’ શબ્દ વાપર્યો હતો. ઉપરાંત, 2018 માં જ મેવાણીએ એક ટ્વીટ કરીને પીએમ મોદીને ફાંસીનો ફંદો લગાવી દેવા માટે કહ્યું હતું. મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું, ગાંધીના ચશ્મા પહેર્યા, સરદાર સાહેબનું સ્ટેચ્યુ લગાવી રહ્યા છે, સુભાષ બાબુની ટોપી પણ પહેરી. તો હવે ભગતસિંહની જેમ ફાંસીનો ફંદો પણ લગાવી દે તો કેવું રહેશે?” જોકે, મેવાણીના આ ટ્વીટ બાદ વિરોધ પણ ખૂબ થયો હતો.

    આ ઉપરાંત, મેવાણીએ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદી વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેમણે હિમાલય પર જતા રહેવું જોઈએ. મેવાણીએ કહ્યું હતું, હવે દેશની રાજનીતિ યુવાઓ કરશે. મોદીજીની ઉંમર થઇ ગઈ છે, તેમણે હિમાલય પર જતા રહેવું જોઈએ.” તેમજ પીએમને બોરિંગ પણ કહ્યા હતા.

    પીએમની એડિટેડ તસવીર શેર કરી હતી

    એટલું જ નહીં, 2018 માં મેવાણીએ ટ્વીટર પર પીએમ મોદીની એક એડિટેડ તસવીર પણ શેર કરી હતી. પીએમ મોદી દાઉદી વોહરા સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારની તેમની તસવીરને એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી હતી. એ જ તસવીર શેર કરીને જીગ્નેશ મેવાણીએ લખ્યું હતું કે, ‘જિન્હેં થા ઇનકાર કભી ટોપી સે કિસી દૌર મેં, મસ્જિદ કે અંદર નજર આયે વો સાહેબ ઇન્દોર મેં.’ આ તસવીરમાં પીએમ ગોળ ટોપીમાં દેખાઈ રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેમણે ટોપી પહેરી ન હતી અને તસવીર એડિટ કરવામાં આવી હતી.

    કોલમિસ્ટની એડિટેડ તસવીર શેર કરી હતી

    એટલું જ નહીં, એડિટેડ તસવીર શેર કરવામાં મેવાણીનો રેકોર્ડ જૂનો રહ્યો છે. 2018 માં મેવાણીએ કોલમિસ્ટ શેફાલી વૈદ્યની એક એડિટેડ તસવીર શેર કરી હતી, જેમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર પણ હતા. તેમજ નીચેની તરફ ઓહ માય ગોડ ફિલ્મના એક સીનનો સ્ક્રીનશોટ જોડીને મેવાણીએ લખ્યું હતું કે, ‘ફિલ્મની જેમ ત્રણેય બહુ મોટા અભિનેતાઓ છે, ડ્રામેબાઝ.’ જે બાદ મેવાણી વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો તેમજ તેમણે માફી પણ માંગવી પડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં