Wednesday, April 1, 2026
More
    Home Blog Page 415

    જાદૂટોણાંના નામે યુવતી સાથે દુષ્કર્મ, પાટણની ઘટના: આરોપીને મીડિયાએ ગણાવ્યો ‘તાંત્રિક’ અને ‘ભૂવો’, નામ- ઇનાયતખાન પઠાણ

    ગુજરાતી (અને ક્યારેક અન્ય ભાષાઓમાં પણ) મેઇનસ્ટ્રીમ મીડિયા આરોપી મુસ્લિમ વ્યક્તિ હોય તોપણ તેને ‘તાંત્રિક’ કે ‘ભૂવા’ ગણાવીને સમાચાર ચલાવી દે છે, જેનાથી વાચકો ગેરમાર્ગે દોરાવાની સંભાવનાઓ રહે હે. ક્યારેક ફોટાની પસંદગી એવી રીતે થાય, જેનાથી આ ભ્રમ વધુ ફેલાય છે. આવું તાજેતરમાં બન્યું છે. પાટણના એક ગામમાં એક યુવતી, જે પોતે પણ મુસ્લિમ છે, તેણે એક ઇનાયતખાન હુસૈનખાણ પઠાણ નામના ઇસમ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. તેણે ફરિયાદમાં કહ્યું કે, ઈનાયતે તેને જાદૂટોણાં કરીને આર્થિક રીતે સદ્ધર કરવાની લાલચ આપીને, ભોળવીને દુષ્કર્મ આચર્યું છે. આ મામલે પોલીસે ઇનાયતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, પણ મીડિયા તેને ‘તાંત્રિક’ ગણાવી રહ્યું છે.

    મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાધણા ગામની 21 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના જ ગામમાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા ઈનાયતખાન હુસૈનખાન સિપાઈ (પઠાણ) નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યુવતીની ફરિયાદ છે કે આરોપી ઈનાયતે તેની ગરીબી દૂર કરવા જાદુ-ટોણાં કરવાના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઈનાયતે જાદુ-ટોણાંના નામે ઘરે તેમજ અન્ય સ્થળોએ લઈ જઈને અનેક વખત શરીર ચૂંથ્યું હતું.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ કેસમાં તપાસ કરી રહેલા કાકોશી પોલીસ સ્ટેશનના PSI સહદેવસિંહ સોલંકી સાથે વાત કરી હતી. કેસને લઈને માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, “ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ટ્રક ચલાવે છે અને તે છેલ્લાં 5-7 વર્ષથી યુવતી અને તેના પરિવારના સંપર્કમાં હતો. યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી છે જેથી આરોપીએ તેનો લાભ લઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. હાલ આરોપીનો ટ્રક વગેરે જપ્ત કરીને પંચનામું કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાએ કાકોશી પોલીસ સાથે વાત કરતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આરોપીના ઘરેથી હિંદુ દેવી-દેવતાઓ કે હિંદુ ધર્મને લગતા ફોટા, સાહિત્યો, ગ્રંથો, શાસ્ત્રો વગેરે કશું મળી આવ્યું છે કે કેમ. જોકે આ પ્રકારની કોઈ બાબત પોલીસે નકારી કાઢી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તપાસ ચાલી રહી છે.

    ફરી એક વાર મુસ્લિમ આરોપીને મીડીયાએ ‘તાંત્રિક’ અને ‘ભૂવો’ ગણાવ્યો

    ‘તાંત્રિક’ શબ્દ તંત્રવિદ્યા પરથી આવ્યો છે. તંત્રવિદ્યાને હિંદુ ધર્મ સાથે લાગે-વળગે છે. આ જ રીતે ‘ભૂવા’થી માંડીને અન્ય કેટલાક શબ્દો પણ હિંદુઓ માટે વપરાય છે. તેમ છતાં મીડિયા કાયમ આવા શબ્દો બિનહિંદુઓ માટે પણ વાપરતું રહે છે. ઝી24 કલાકે આ વિષયના રિપોર્ટની હેડલાઈનમાં લખ્યું કે- ‘સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો.’ અહેવાલમાં આરોપીનું નામ લખવામાં આવ્યું છે, પણ સાથે ‘તાંત્રિક’ પણ લખવામાં આવ્યું છે. એકથી વધુ વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફિચર ઈમેજમાં પણ ભગવા કલરનાં કપડાં સાથે એક યુવતીનો ફોટો મૂકવામાં આવ્યો છે, જ્યારે અહીં પીડિતા પણ મુસ્લિમ છે.

    દિવ્ય ભાસ્કરના વેબ વર્ઝન પર પણ આ ઘટનાનો એક રિપોર્ટ જોવા મળે છે. જેમાં ‘તાંત્રિકવિધિના નામે યુવતી પર દુષ્કર્મ’ આચરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું. આ રિપોર્ટમાં પણ અંદર આરોપીના નામનો ફોડ પાડવામાં આવ્યો છે, પણ સાથે ‘તાંત્રિક’ ગણાવવામાં આવ્યો છે. હેડલાઈન પરથી ક્યાંય જાણવા મળતું નથી કે અહીં આરોપી અને પીડિત બંને સમુદાયવિશેષમાંથી આવે છે અને ‘તંત્રવિદ્યા’ કે ‘તાંત્રિક’ શબ્દને કશું લાગતુંવળગતું નથી. જોકે, બીજા દિવસના છાપાંમાં ભાસ્કરે રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આરોપી અને પીડિત બંને મુસ્લિમ છે, પરંતુ વેબ વર્ઝન જરા જુદું છે.

    શપથગ્રહણ દરમિયાન પેલેસ્ટાઇન સમર્થક નારાથી અસદુદ્દીન ઓવૈસીના સાંસદપદ પર જોખમ? જાણો શું કહે છે બંધારણના આર્ટિકલ 102 અને 103, જેના હેઠળ થઈ છે ફરિયાદ

    18મી લોકસભાના પ્રથમ સત્રમાં બીજા દિવસે પણ ઘણા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં AIMIM સાંસદ અસદુદ્દીન ઔવેસી રહ્યા છે. તેમને શપથ ગ્રહણ કર્યા બાદ ‘જય પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કાશી અને મથુરાનાં મંદિરો માટે કેસ લડી રહેલા વકીલ હરિ શંકર જૈન અને અન્ય એક વકીલે તેમના વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. બંને વકીલોએ બંધારણની કલમ 102 (D) અને 103 હેઠળ ઔવેસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે બંધારણના આ બંને આર્ટિકલ વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે.

    AIMIM નેતા અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ કલમ 102 (D) અને 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાથી હવે એ વાત ચર્ચામાં આવી છે કે, શું કોઈ સાંસદ કોઈ અન્ય દેશ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી શકે છે? બંધારણની કલમ 102 (D)માં આ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. બંધારણના આ આર્ટિકલની જો વાત કરવામાં આવે તો ‘જય પેલેસ્ટાઇન’ના નારા સંસદ ભવનમાં લગાવવા પર ઔવેસીની લોકસભા સભ્ય તરીકે સદસ્યતા પણ જઈ શકે છે. બંધારણના એ આર્ટિકલ વિશે વિસ્તારથી સમજવાના પ્રયાસ કરીએ.

    આર્ટિકલ 102 શું કહે છે?

    અસદુદ્દીન ઔવેસી દ્વારા ભારતના સંસદ ભવનમાં લગાવવામાં આવેલા વિદેશી રાષ્ટ્ર પ્રત્યે આસ્થા દર્શાવતા નારાથી તેમનું લોકસભાના સભ્ય તરીકેનું પદ જઈ શકવાની સંભાવના છે. બંધારણના આર્ટિકલ 102ના ભાગ Dમાં આ અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે.

    લોકસભાના સભ્યનું સભ્યપદ જઈ શકે જો-

    • (A) જો તે વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈપણ રાજ્યની સરકાર હેઠળ કોઈ લાભદાયી પદ કે હોદ્દો ધરાવતો હોય તો તે વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે નહીં. તેથી તેણે પહેલાં જે-તે સરકારમાં રહેલા પદ પરથી રાજીનામું આપવું પડશે.
    • (B) જો સભ્યની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને કોર્ટ દ્વારા તેમને માનસિક રીતે અનફીટ ઠેરવ્યો હોય તો તેવો સભ્ય પણ લોકસભાના સાંસદ તરીકે અયોગ્ય છે.
    • (C) જો તેને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તો તેવો વ્યક્તિ સંસદના સભ્ય તરીકે અયોગ્ય છે. (નાદાર એટલે એવી વ્યક્તિ જે તેના દેવાની ચૂકવણી કરી શકતી નથી અને જ્યાં સુધી તે તે સ્થિતિમાં રહે ત્યાં સુધી તેને નાદાર ગણવામાં આવશે.)
    • (D) જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે.
    • (E) જો કોઈ વ્યક્તિને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવે તો તે પણ લોકસભાના સભ્ય તરીકે કાર્ય કરી શકે નહીં.
    આર્ટિકલ 102 અને તેની જોગવાઈઓ (ફોટો: Legislative Department)

    આપણે બંધારણની કલમ 102 હેઠળ આવતા 5 ભાગો વિશે ચર્ચા કરી છે. તેમાં ભાગ ચોથો એટલે ‘D’ તેવા વ્યક્તિને દર્શાવે છે, જેની નિષ્ઠા અન્ય દેશ કે દેશો પ્રત્યેની હોય છે. બંધારણની કલમ 102(D) અથવા તો 102(4) હેઠળ તે વ્યક્તિનું લોકસભા સભ્યપદ જતું રહે છે. તો આ ભાગ હેઠળ અસદુદ્દીન ઔવેસી પર પણ કાર્યવાહી થઈ શકે છે.

    આર્ટિકલ 103

    બંધારણની કલમ 103 રાષ્ટ્રપતિને વિશેષ સત્તા આપે છે. બંધારણની કલમ 103માં કહેવાયું છે કે, “જો આર્ટિકલ 102 હેઠળ અયોગ્યતાનો કેસ ઉઠે છે તો આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલવા આવશે અને તેમનો નિર્ણય આખરી હશે.” આ સાથે તેમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિ આવા કેસમાં ચૂંટણી પંચની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય કરશે. તેથી જ બંને વકીલોએ અસદુદ્દીન ઔવેસી વિશેની ફરિયાદ રાષ્ટ્રપતિને કરી છે. હવે રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ સાથે મળીને આ અંગેનો નિર્ણય લેશે. ખાસ નોંધવા જેવું છે કે, આ મામલે રાષ્ટ્રપતિનો નિર્ણય આખરી રહેશે. એટલે રાષ્ટ્રપતિ ઔવેસીને પદ છોડવા માટે કહે તો, તો પક્ષ કે પ્રતિપક્ષ દ્વારા પણ તેનો વિરોધ થઈ શકે નહીં.

    આર્ટિકલ 103ની જોગાવાઈ (ફોટો: Legislative Department)

    નોંધનીય છે કે, હૈદરાબાદથી ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે (26 જૂન, 2024) લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી ‘જય પેલેસ્ટાઇન’નો નારો લગાવ્યો હતો. તેમણે ઉર્દૂમાં શપથ લીધા. ઉર્દૂમાં શપથ લેનાર અસદુદ્દીન ઓવૈસીએ ‘જય ભીમ, જય મીમ’ કહ્યું અને ‘અલ્લાહુ અકબર’ પણ બોલ્યા, પરંતુ તેમણે અંતમાં ‘જય પેલેસ્ટાઇન’ પણ કહ્યું હતું. આ દરમિયાન પૂર્વ ચંપારણના ભાજપના સાંસદ રાધામોહન સિંઘ અધ્યક્ષતા કરી રહ્યા હતા અને નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવી રહ્યા હતા. જોકે, ભારે વિરોધ બાદ ઓવૈસીનો ‘જય પેલેસ્ટાઇન’નો ઉલ્લેખ સંસદની કાર્યવાહીના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

    ગુજરાતમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે વિતાવ્યો સમય

    ગુજરાતમાં કન્યા-કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની 21મી કડી બુધવાર (26 જૂન)થી શુક્રવાર (28 જૂન) સુધીના દિવસો દરમિયાન યોજાઈ રહી છે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજવામાં આવેલા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસે એટલે કે બુધવારે (26 જૂન) ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની એક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાળકોનું નામાંકન કરાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરી હતી.

    રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવની શરૂઆત બુધવારથી (26 જૂન) થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી પણ આપી છે. તેમણે ‘ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની’ મથાળા સાથે લખ્યું કે, “રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું.”

    તેમણે વધુમાં લખ્યું કે, “માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમના મુખ્યમંત્રીકાળમાં વાવેલું શાળા પ્રવેશોત્સવ રૂપી બીજ આજે વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે. તેઓશ્રીના માર્ગદર્શનમાં આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ થઈ ચૂક્યું છે. છેવાડાના વિસ્તારોના બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણના અવસરો મળ્યા છે.” અંતમાં તેમણે લખ્યું કે, “રાજ્યભરમાં શાળા પ્રવેશ કરનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ.”

    તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતની એક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવીને કન્યા-કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી છે. તેમણે આ પ્રસંગે વક્તવ્ય પણ આપ્યું હતું. બાળકોને પર્યાવરણની જાળવણીનો સંદેશો આપીને તેમણે સારા નાગરિક બનવા માટે મહેનત કરવાનું કહ્યું હતું. તેમણે કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, “હવે મહાનગરોથી લઈને ગામડાઓ સુધીમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. પાપા પગલી ચાલીને શાળાએ આવ્યા બાદ બાળકોએ પોતાના ભણતરની શરૂઆત કરી છે.”

    ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે બાળકીઓના પગ પર તિલક કરીને કન્યા-કેળવણીના મહત્વને ઉજાગર કર્યું હતું. આ સાથે તેમણે શાળામાં પ્રવેશ લઈ રહેલા નાના ભૂલકાઓના પગ પર પણ કુમકુમ તિલક કર્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ પર.. આ રીતે પ્રથમ દિવસે બાળકોના શાળામાં અભ્યાસની શરૂઆત થઈ છે.”

    અમેરિકામાં મૂળ ગુજરાતી મૉટેલ માલિકની હત્યા, નજીવી બાબતે માથાકૂટ થતાં યુવકે મુક્કો મારી દીધા બાદ ઢળી પડ્યા: કેમેરામાં કેદ થઈ ઘટના, આરોપીની ધરપકડ

    અમેરિકામાં ઓકલાહોમા શહેરમાં એક 59 વર્ષીય મૂળ ભારતીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ગુજરાતી હેમંત મિસ્ત્રી એક મૉટેલ ચલાવતા હતા. જ્યાંના પાર્કિંગ લૉટમાં તેમની એક યુવક સાથે માથાકૂટ થઈ ગઈ. બંને વચ્ચે થોડી બોલાચાલી બાદ સામેના વ્યક્તિએ હેમંતને મુક્કો મારી દીધો હતો, ત્યારબાદ તેઓ ઢળી પડ્યા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

    ઘટનામાં આરોપીની ઓળખ રિચાર્ડ લેવિસ (41) તરીકે થઈ છે. જાણવા મળ્યા અનુસાર, તેની હેમંત મિસ્ત્રી સાથે કોઇ વાતને લઈને માથાકૂટ થઈ હતી અને હોટેલ મેનેજર તરીકે તેમણે રિચાર્ડને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. જે વિડીયોમાં પણ જોવા મળે છે. જેમાં દેખાય છે કે બંને પાર્કિંગમાં ઉભા રહીને એકબીજાને ઊંચા અવાજે ગાળો ભાંડી રહ્યા છે.

    આગળ જોવા મળે છે કે, અચાનક રિચાર્ડ આગળ વધે છે અને એક મુક્કો હેમંત મિસ્ત્રીના મોં પર મારી દે છે. ત્યારબાદ અચાનક તેઓ ઢળી પડે છે. પછીથી રિચાર્ડ ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને હેમંતને હૉસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટના સ્થાનિક સમય અનુસાર, શનિવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી. મિસ્ત્રીનું મૃત્યુ બીજા દિવસે સવારે 7:30 વાગ્યે થયું. 

    ઘટના બાદ પોલીસે આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં તેને નજીકની જ એક મૉટેલમાંથી પકડી લેવામાં આવ્યો. પહેલાં તેની સામે હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હેમંતના મૃત્યુ બાદ હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી. પોલીસે જણાવ્યું કે, તેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ હેમંત અને તેની વચ્ચે ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો અને તેને મૉટેલ છોડવા માટે શા માટે કહેવામાં આવ્યું હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. માત્ર એટલી જાણકારી મળી છે કે રિચાર્ડને ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું હતું અને તે જવા માંગતો ન હતો, જેથી ઝઘડો શરૂ કરી દીધો. 

    હેમંત મિસ્ત્રી મૂળ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા નગરના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઓકલાહોમામાં તેઓ મૉટેલ ચલાવતા હતા. 

    ‘અમારા ઇસ્લામમાં હિજાબ છે ફરજિયાત, અમને કોલેજમાં પણ પહેરવા દો’: મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કરી હતી અરજી, હાઈકોર્ટે કહ્યું- પ્રતિબંધ રહેશે યથાવત

    બોમ્બે હાઈકોર્ટે મુંબઈની એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં આ કોલેજમાં ભણતી 9 મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ બુરખો, હિજાબ, ટોપી સહિતના મઝહબી અને ધાર્મિક પરિધાનો પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકાર્યો હતો. જસ્ટીસ એ.એસ ચાંદુકર અને રાજેશ પાટીલની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.

    સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ વિદ્યાર્થીઓ માટે સમાન છે. તેને માત્ર મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓ માટે નથી બનાવવામાં આવ્યા. ઉપરોક્ત કારણને ધ્યાને લઈને ‘આ મામલે હસ્તક્ષેપ કરવા ઉત્સુક નથી’ તેમ કહીને બોમ્બે હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી.

    શું કહેવામાં આવ્યું હતું અરજીમાં?

    ઉલ્લેખનીય છે કે મુંબઈની એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં BSC કોમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામના દ્વિતીય અને તૃતીય વર્ષમાં ભણતી આ વિદ્યાર્થિનીઓએ અરજીમાં તેવો તર્ક આપ્યો હતો કે, કોલેજ દ્વારા બનાવામાં આવેલા નિયમ તેમના નિજતા, ગરિમા, મઝહબી સ્વતંત્રતા અને મૌલિક અધિકારોનું ઉલંઘન કરે છે. આ તર્કના આધારે તેમણે અરજી કરીને કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને કોર્ટમાં પડકાર્યા હતા. આટલું જ નહીં, વિદ્યાર્થિનીઓએ કોલેજ પ્રશાસન પર ધર્મના આધારે પક્ષપાત કરાતો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    પોતાની અરજીમાં વિદ્યાર્થિનીઓએ કોલેજ દ્વારા નિયમો ઘડીને પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાને, ‘મનમાનીવાળો, અનુચિત, ગેરવ્યાજબી અને વિકૃત’ ગણાવ્યો હતો. અરજદાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓના વકીલ અલ્તાફ ખાને કુરાનની કેટલીક આયાતો રજુ કરીને તર્ક આપ્યો હતો કે ઇસ્લામમાં હિજાબ પહેરવો અનીવાર્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પોતાના મજહબનું પાલન કરવાના અધિકાર સાથે-સાથે અરજદાર યુવતીઓ પોતાની પસંદ અને નિજતાના આધિકારને લઈને આ અરજી કરી રહ્યા હતા.

    કોલેજ તરફે આપવામાં આવેલી દલીલ

    બીજી તરફ કોલેજ પ્રશાસન તરફે વરિષ્ઠ વકીલ અનિલ અંતુકરે આ મામલે દલીલ આપતા કહ્યું હતું કે, “કોલેજ પ્રબંધન દ્વારા ડ્રેસકોડ માત્ર મુસ્લિમો માટે જ નથી લાવવામાં આવ્યો, આ નિયમ તમામ વિદ્યાર્થીઓ પર લાગુ થાય છે.” તેમણે પોતાની દલીલમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ધાર્મિક પ્રતીકોના પ્રદર્શનની જગ્યાએ ભણવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, વિદ્યાર્થિનીઓને કોલેજમાં એડમીશન સમયે ડ્રેસકોડ વિશે પુરતી માહિતી હતી જ. તેમણે એમ પણ જણાવ્યું કે, ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી ધાર્મિક પ્રતિક દર્શાવતા ભગવા કપડા પહેરીને આવશે, તો કોલેજ તેની સામે પણ વાંધો ઉઠાવશે. આ નિયમ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. આ સાથે જ તેમણે અરજદારોને ચેલેન્જ કરીને ઇસ્લામમાં હિજાબ કે બુરખો પહેરવો અનિવાર્ય છે તે સાબિત કરવા પણ કહ્યું હતું.

    પોતાની દલીલમાં અનિલ અંતુકરે કહ્યું હતું કે, “કાલે ઉઠીને કોઇ કહેશે કે હું નગ્નતામાં માનું છું અને મને નગ્ન થઈને કોર્ટ આવવાનો અધિકાર છે. અહીં પ્રાથમિકતા અભ્યાસ છે. શું અમે એમ કહ્યું કે એક મઝહબના લોકો છેલ્લી પાટલીએ બેસે? અમે તમામ વિદ્યાર્થીઓ માટે એક જેવા નિયમો લાગુ કરી રહ્યા છીએ. તેમાં વાંધો શું છે? મીડિયાને અરજી મોકલવી એ તેમનો ઇરાદો સ્પષ્ટ દર્શાવે છે. પહેલી નજરે જ તેમાં કોઇ કેસ બનતો નથી, જેથી કોર્ટે અરજી રદ કરવી જોઈએ.”

    તેમની આ દલીલ પર સામા પક્ષે પણ અનેક દલીલો આપી, પરંતુ કોર્ટે કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન હોવાનું નોંધીને આ મામલે હસ્તક્ષેપ કરવાનું ટાળ્યું હતું અને તમામ 9 મુસ્લિમ વિદ્યાર્થિની અરજીને ફગાવી દીધી હતી.

    6 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના ગુનામાં શેખ આસિફ અલીને થઈ હતી ફાંસી: ‘પાંચ વખતનો નમાજી’ હોવાથી હાઈકોર્ટે ઓછી કરી સજા, કહ્યું- તે થઈ ગયો છે અલ્લાહને સમર્પિત

    ઓડિશામાં 6 વર્ષની બાળકી પર ગેંગરેપ થયો હતો, જેના કારણે બાળકી પણ મૃત્યુ પામી હતી. આ કેસમાં અકીલ અલી અને આસિફ અલીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ઓડિશા હાઈકોર્ટે અકીલ અલીને દોષમુક્ત જાહેર કરી દીધો છે અને આસિફ અલીની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખી છે. કટક સ્થિત ઓડિશા હાઈકોર્ટે કહ્યું છે, “આરોપી દિવસમાં ઘણી વખત નમાજ અદા કરે છે અને તેણે પોતાને અલ્લાહને સમર્પિત કરી દીધો છે, તેવામાં તે કોઈપણ સજા ભોગવવા માટે તે તૈયાર છે.”

    વર્ડિક્ટમના રિપોર્ટ અનુસાર, ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ એસકે સાહુ અને જસ્ટિસ આરકે પટનાયકની બેન્ચે કહ્યું કે, “સજા અપ્રમાણસર મોટી ન હોવી જોઈએ, તે ન્યાયી સજાનું પરિણામ છે અને તે સમાન સિદ્ધાંત દ્વારા નક્કી કરવામાં આવે છે જે નિર્દોષની સજાને મંજૂરી આપતું નથી. અપરાધ કરવા માટે નિર્ધારિત કરતાં મોટી કોઈપણ સજા નિર્દોષને સજા કરવા સમાન છે.”

    ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ કોર્ટ ઓર્ડર અનુસાર, અકીલ અને આસિફે 21 ઓગસ્ટ, 2014ના રોજ ચોકલેટ ખરીદવા ગયેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને બાદમાં તે નગ્ન અને બેભાન હાલતમાં મળી આવી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોને શંકા ગઈ કે, તેના પર બળાત્કાર થયો છે. જ્યાંથી તેને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેનું મોત થયું હતું. બાળકીના પિતરાઈ ભાઈએ પછીથી ખુલાસો કર્યો કે, અપીલકર્તા આસિફ અલી અને અકીલ અલી તેને બળજબરીથી લઈને ગયા હતા.

    આ કેસમાં પીડિતાની કાકીએ આસિફ અને અકીલ સહિત 2 અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને IPCની કલમ 302, 376-D, 376-A અને POCSO એક્ટની કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યા અને તેને ફાંસીની સજા સંભળાવી હતી. અકીલ અને આસિફે આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

    હાઈકોર્ટે અકીલ અલીને IPCની કલમ 302/376-A/376-D અને POCSO એક્ટની કલમ 6 હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો અને આસિફ અલીને IPCની કલમ 376-D માટે નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે, કોર્ટે આસિફને IPCની કલમ 302/376-A અને POCSO એક્ટની કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા આપી હતી.

    ઓડિશા હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, “રેકર્ડ પરથી એ સાબિત થાય છે કે, લગભગ છ વર્ષની બાળકી પર આ અપરાધ અત્યંત ઘૃણાસ્પદ, શૈતાની અને બર્બરતાથી કરવામાં આવ્યો હતો, પરંતુ આ કેસ પરિસ્થિતિગત પુરાવાઓ પર આધારિત છે અને રેકોર્ડ પર એવો પણ કોઈ પુરાવો નથી કે, આ ગુનો પૂર્વ આયોજિત રીતે કરવામાં આવ્યો હતો. એવું જણાય છે કે, બંને અપીલકર્તાઓએ મૃતકને તેના પિતરાઈ ભાઈ (PW 17) સાથે જોઈ હતી, જ્યારે તે ચોકલેટ ખરીદીને પરત ફરી રહી હતી ત્યારે તેને ઉઠાવી લેવામાં આવી હતી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે દરમિયાન તેના શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ થઈ હતી અને જનનાંગ પર થયેલી ઈજાના કારણે તણાવ અને રક્તસ્ત્રાવથી તેનું મૃત્યુ થયું હતું.” હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓને ખબર હતી કે, પીડિતાનો પિતરાઈ ભાઈ લોકોને પોતાના ગુના વિશે જણાવશે, તેમ છતાં તેને કોઈ નુકશાન પહોંચાડવામાં આવ્યું નથી.

    તમિલનાડુની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જામીન, દેશભરમાં નોંધાયેલી છે FIR: કહ્યું હતું- AIDS-ડેન્ગ્યુ જેવો છે સનાતન, તેને ખતમ કરવો પડશે

    સનાતન ધર્મ પર અપમાનજનક નિવેદન આપવાના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જામીન મળી ગયા છે. બેંગ્લોરની એક કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને એક સભા દરમિયાન સનાતન ધર્મને લઈને અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ-મેલેરિયા અને HIV-AIDS સાથે કરી હતી અને તેને ખતમ કરી નાખવાની વાત પણ કરી હતી.

    મંગળવારે (25 જૂન, 202) બેંગ્લોરની એક વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન તમિલનાડુની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મના અપમાનના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન ઉદયનિધિ વ્યક્તિગત રીતે જ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસની સુનાવણી વિશેષ જજ કેએન શિવકુમારે કરી હતી. એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને ₹50,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

    બેંગલોર વિશેષ કોર્ટે કોર્ટે ઉદયનિધિને સુનાવણી બાદ તરત જ ₹5000 રોકડમાં જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ પછી તેમને જામીન મળી ગયા. હવે આ મામલે વધુ સુનાવણી 8 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં ફરિયાદના આધારે, બેંગ્લોરની કોર્ટે તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં તેમના સિવાય અન્ય પણ ઘણા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

    સનાતન ધર્મના અપમાન બાદ દેશભરમાં નોંધાઈ હતી FIR

    ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને સપ્ટેમ્બર 2023માં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં સનાતનની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના વાયરસ સાથે કરી હતી અને તેને ખતમ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. તેમના આવા અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો અને ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.

    ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે કાર્યવાહીથી બચવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા અને તમામ FIRને એકસાથે જોડીને કેસની સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો . ઉધયનિધિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમની ટિપ્પણી સમાજમાં વિભાજનકારી છે. આ પહેલાં કર્ણાટક હાઈકોર્ટે ઉધયનિધિના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

    અરવિંદ કેજરીવાલનું નવું ઠેકાણું હવે CBI હેડક્વાર્ટર, કોર્ટમાંથી ઉઠાવી લઇ ગઇ એજન્સી: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં હવે CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. બુધવારે (26 જૂન) તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં એજન્સીએ તેમની કસ્ટડીની માંગ કરી હતી. આ પહેલાં CBIએ મંગળવારે (25 જૂન) તિહાડ જેલમાં જ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી. એક તરફ સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી થઈ રહી છે, તો બીજી તરફ ધરપકડ થતાં તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધી કેજરીવાલ EDના કેસમાં જેલમાં બંધ હતા, હવે CBIએ પણ તેમની વિરુદ્ધ તપાસ માંડી છે. એક્સાઈઝ પોલિસી કેસની તપાસ આ બંને એજન્સીઓ કરી રહી છે.

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ઝટકો આપતાં ટ્રાયલ કોર્ટના જામીન આદેશ પર રોક લગાવી દીધી હતી. તે પહેલાં 20 જૂનના રોજ કેજરીવાલને દિલ્હીની ટ્રાયલ કોર્ટની વેકેશન બેન્ચે જામીન આપ્યા હતા અને તિહાડ જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ EDએ બીજા જ દિવસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને આ આદેશ પર રોક લગાવવા માટેની માંગ કરી હતી. એજન્સીની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટે તેમને સાંભળ્યા વગર જ આદેશ પસાર કરી દીધો છે અને એજન્સીને પુરાવા અને દલીલો રજૂ કરવા માટે પૂરતો સમય ન આપવામાં આવ્યો. ત્યારબાદ હાઈકોર્ટે બીજા દિવસે આગામી આદેશ સુધી કેજરીવાલની જામીન અરજી પર વચગાળાની રોક લગાવી દીધી હતી.

    બીજી તરફ, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવતાં કેજરીવાલની ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઇ રાહત આપી ન હતી. આખરે મંગળવારે હાઈકોર્ટે આદેશ પસાર કરીને ટ્રાયલ કોર્ટનો જામીન આદેશ રોકી દીધો હતો. આ બધા વચ્ચે મંગળવારે જ CBIની ટીમ તિહાડ જેલ પહોંચી હતી અને કેજરીવાલની પૂછપરછ કરી હતી. કેજરીવાલની પૂછપરછ બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે હવે આ એજન્સી પણ તેમની ધરપકડ કરશે, આખરે ઔપચારિક રીતે ધરપકડ કરી લેવામાં આવી છે.

    બીજી તરફ, કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી દિલ્હી હાઈકોર્ટના ટ્રાયલ કોર્ટના આદેશ પર વચગાળાની રોક લગાવવાના આદેશને પડકારતી અરજી પરત ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલે જણાવ્યું કે, તેઓ હાઈકોર્ટના અંતિમ આદેશને લઈને ફરીથી અરજી દાખલ કરશે. EDએ પણ આ બાબત પર કોઇ વાંધો ન ઉઠાવતાં આખરે અરજી પરત ખેંચી લેવામાં આવી છે. હવે ફરીથી અરજી કરવામાં આવશે.

    કેજરીવાલના વકીલે શું આપી દલીલ? 

    બીજી તરફ અરવિંદ કેજરીવાલના વકીલે CBI દ્વારા કરવામાં આવેલી આ ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલને અન્ય કોઈ મામલામાં કસ્ટડીમાં રાખીને જ CBI દ્વારા ધરપકડ કરી લેવામાં આવી. કોઈ આદેશ પસાર કરી દેવામાં આવ્યો અને અમને તેની જાણ નથી, જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે. અમને મીડિયા દ્વારા તેમની ધરપકડ વિશે જાણ થઇ છે. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજી અમને આપવામાં આવે.”

    કેજરીવાલના વકીલની દલીલ બાદ કોર્ટે કહ્યું હતું કે, “અમે જે સમજી રહ્યા છીએ તે મુજબ તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. CBIએ 24 તારીખે જ કોર્ટમાં તેમની પૂછપરછ કરવા માટે એક અરજી દાખલ કરી હતી. પૂછપરછ બાદ એજન્સીએ પ્રોડક્શન વૉરન્ટની અનુમતિ લઈને તેમની ધરપકડ કરવા માટે આવેદન આપ્યું હતું.” બીજી તરફ CBI તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે એજન્સીને વિશેષાધિકાર છે કે તેઓ તેઓ આરોપીને સૂચિત કર્યા વગર કાર્યવાહી કરી શકે છે.

    અમારી પાસે પૈસાની ટ્રેઈલ: CBI

    ઉલ્લેખનીય છે કે CBIએ કોર્ટમાં જણાવ્યું હતું કે 16 માર્ચ 2021ના રોજ લિકર કારોબારીને સંપર્ક કરીને કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આબકારી નીતિને લઈને તેમને મળવા માંગે છે. 20 માર્ચના રોજ કવિતા અને મંગુટા રેડ્ડીની તેમની સાથે મુલાકાત થઇ. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરને એક મિટિંગ યોજવા માટે જણાવવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં સાઉથથી એક ટીમ પ્રાઈવેટ પ્લેન મારફતે દિલ્હી આવી અને લિકર પોલીસી મામલે બેઠક કરી હતી.

    CBIએ આગળ જણાવ્યું હતું કે, આ મામલે એક રિપોર્ટ તૈયાર કરીને વિજય નાયરને સોંપવામાં આવ્યો હતો અને અંતિમ ઓપ આપ્યા બાદ મનીષ સિસોદિયા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. લિકર પોલિસીની બ્લુપ્રિન્ટ આ સાઉથ ગ્રુપે જ તૈયાર કરી હોવાનો આરોપ એજન્સીએ લગાવ્યો અને આગળ કહ્યું કે, તેમની પાસે પૈસાની ટ્રેઇલ (પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની વિગતો) છે અને સાથે જ પૂરતા પ્રમાણમાં પુરાવાઓ પણ છે, જેનાથી સાબિત થાય છે કે દક્ષિણના આ ગ્રૂપના કહેવા પર જ દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા.

    ‘જય પેલેસ્ટાઇન’ના નારા પર ઓવૈસી વિરુદ્ધ રાવ: કાશી-મથુરા કેસ લડી રહેલા હરિશંકર જૈન અને અન્ય એક વકીલે કરી ફરિયાદ, લોકસભા સદસ્યતા રદ કરવાની માંગ

    AIMIM સાંસદ અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ શપથગ્રહણ દરમિયાન ‘જય પેલેસ્ટાઇન’ના નારા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને આ મામલે ફરિયાદ સોંપવામાં આવી છે. અન્ય રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવાના કારણે તેમની લોકસભા સદસ્યતા ખતમ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. કાશી-મથુરાનો કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈન અને અન્ય એક વકીલે રાષ્ટ્રપતિને આ મામલે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, અસદુદ્દીન ઔવેસી હૈદરાબાદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે અને મંગળવારે (25 જૂન) સંસદ ભવનમાં શપથ ગ્રહણ દરમિયાન તેમણે ‘જય પેલેસ્ટાઇન’નો વિવાદિત નારો લગાવ્યો હતો.

    ‘જય પેલેસ્ટાઇન’ના નારા પર અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ હરિ શંકર જૈને ઔવેસી વિરુદ્ધ આર્ટીકલ 102 અને 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ નોંધાવી છે. વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈનના પુત્ર વિષ્ણુ શંકર જૈને આ જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હરિ શંકર જૈને ઔવેસીની સાંસદ સભ્ય તરીકેની સદસ્યતા ખતમ કરવાની માંગ કરી છે. આવી જ એક ફરિયાદ અન્ય એક વકીલ વિનીત જિંદલે કરી છે.

    વકીલ વિનીત જિંદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. તેમણે ભારતીય બંધારણની કલમ 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. જેમાં વિદેશી રાષ્ટ્ર પેલેસ્ટાઇન પ્રત્યે પોતાની નિષ્ઠા દેખાડવા પર ઔવેસીને કલમ 102 હેઠળ અયોગ્ય ગણાવવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે એવી પણ માંગણી થઈ રહી છે કે, લોકસભાના સભ્ય તરીકે ઔવેસીને અયોગ્ય ઘોષિત કરવામાં આવે. બંને વકીલોએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે.

    નોંધનીય છે કે, આર્ટીકલ 102ના ભાગ ‘D’માં એવી જોગવાઈ છે કે, જે ભારતના નાગરિક નથી અથવા તો બીજા દેશની નાગરિકના લીધી છે, તેવા સંસદ સભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવી શકે છે. તે સિવાય અન્ય રાષ્ટ્ર પર શ્રદ્ધા અને નિષ્ઠા રાખનારાને પણ અયોગ્ય ઘોષિત કરી શકાય છે. જ્યારે બંધારણની કલમ 103 આવી ઘટનાઓ માટે રાષ્ટ્રપતિને સત્તા આપે છે. તેમાં કહેવાયું છે કે, જો આર્ટીકલ 102 હેઠળ અયોગ્યતાનો કેસ ઉઠે છે તો આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલવા આવશે અને તેમનો નિર્ણય આખરી હશે.

    ઔવેસીએ ‘જય પેલેસ્ટાઇન’નો લગાવ્યો હતો નારો

    હૈદરાબાદથી ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે (26 જૂન, 2024) લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી ‘જય પેલેસ્ટાઇન’નો નારો લગાવ્યો હતો. તેમણે ઉર્દૂમાં શપથ લીધા. ઉર્દૂમાં શપથ લેનાર અસદુદ્દીન ઓવૈસીએ ‘જય ભીમ, જય મીમ’ કહ્યું અને ‘અલ્લાહુ અકબર’ પણ બોલ્યા, પરંતુ તેમણે અંતમાં ‘જય પેલેસ્ટાઇન’ પણ કહ્યું હતું. આ દરમિયાન પૂર્વ ચંપારણના ભાજપના સાંસદ રાધામોહન સિંઘ અધ્યક્ષતા કરી રહ્યા હતા અને નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવી રહ્યા હતા.

    શપથ ગ્રહણ બાદ ઔવેસીના આ વિવાદિત નારા અંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, “આપણી પેલેસ્ટાઇન કે અન્ય કોઈ રાષ્ટ્ર સાથે કોઈ દુશ્મની નથી. સંસદના સભ્યો માટે શપથ લીધા પછી બીજા દેશના સમર્થનમાં નારા લગાવવા યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે અમારે નિયમો જોવા પડશે.” નોંધનીય છે કે, વિરોધ બાદ ઓવૈસીનું ભાષણ ‘જય પેલેસ્ટાઈન’ લોકસભાની કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

    મુંબઈની ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી: IPS મહોમ્મદ કૈસર ખાલિદ સસ્પેન્ડ, સત્તાનો દુરુપયોગ કરી આપી હતી પરવાનગી

    મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટનાને લઈને મોટી કાર્યવાહી કરતા IPS મહોમ્મદ કૈસર ખાલિદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખાલિદ રેલવે સીપી હતા અને તેમણે જ ઘાટકોપર ખાતે તે હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે IPS મોહમ્મદ કૈસર ખાલિદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે DGP કાર્યાલયની મંજૂરી વિના જાતે જ હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપી દીધી હતી. અધિકારીની કામગીરીમાં વહીવટી ક્ષતિઓ અને ગેરરીતિઓ જોવા મળી છે.

    મહારાષ્ટ્રના DG દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ખાલિદે માન્ય માપદંડોની અવગણના કરી હતી અને 120 x 120 સ્ક્વેર ફૂટના મોટા હોર્ડિંગને લગાવવાની મંજૂરી આપી હતી. આરોપ છે કે IPS મહોમ્મદ કૈસર ખાલિદે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.

    મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે IPS મહોમ્મદ કૈસર ખાલિદને તાત્કાલિક અસરથી આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હુકમ જ્યાં સુધી અમલમાં રહેશે તે સમયગાળા માટે, મોહમ્મદ કૈસર ખાલિદને ચૂકવવાપાત્ર નિર્વાહ ભથ્થું, મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાં ચૂકવવામાં આવશે, જો કે તેમણે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે કે તેઓ અન્ય કોઈ રોજગાર કે વ્યવસાય સાથે સંકળાયેલ નથી.

    કૈસર ખાલિદને સસ્પેન્ડ કરવાના સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ સસ્પેન્શનનો આદેશ લાગુ રહેશે ત્યાં સુધી મુંબઈ પોલીસ મહાનિદેશકની કચેરી મહોમ્મદ કૈસર ખાલિદની ઓફીસ રહેશે. સીપીની પરવાનગી વગર તેઓ આ ઓફીસ નહીં છોડી શકે. સસ્પેન્શન દરમિયાન ખાલિદ કોઈ પણ પ્રકારની અન્ય નોકરી, વ્યવસાય કે વેપાર નહીં કરી શકે. આ શરતનું ઉલંઘન ગેરવર્તણૂક માનવામાં આવશે અને તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે 13 મે, 2024ના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડવાથી ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હતા અને 74 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોર્ડિંગની નીચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે NDRFની ટીમોએ રાતભર બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં એક પેટ્રોલ પંપ પર પડ્યું હતું. ઘટના સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા. આ હોર્ડિંગ લગભગ 17,040 વર્ગ ફૂટનું હતું અને તેનો ઉલ્લેખ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે કરવામાં આવ્યો હતો. BMC (Brihanmumbai Municipal Corporation) અનુસાર, તે સ્થળ પર લગાવવામાં આવેલું આ બિલબોડ ગેરકાયદેસર હતું. કોઈપણ મંજૂરી વગર તેને લગાવવામાં આવ્યું હતું.

    બિલબોર્ડનું નિર્માણ કરનારી એજન્સી M/S ઇગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ BMCએ FIR નોંધાવી છે. BMCએ કહ્યું છે કે, તેમના તરફથી વધુમાં વધુ 40 x 40 વર્ગ ફૂટના આકારનું હોર્ડિંગ લગાવવાની પરમીશન આપવામાં આવે છે. જોકે, જે હોર્ડિંગ પડ્યું છે, તેનો આકાર 120 x 120 વર્ગ ફૂટ હતું. BMCએ એજન્સીને પોતાના તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક રીતે હટાવવા માટેના આદેશ આપ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મૃતક પરિવારો માટે ₹5 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઘાયલોની સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.