Wednesday, April 1, 2026
More
    Home Blog Page 414

    RSS નેતાની હત્યાના કેસમાં જેલમાં બંધ હતા PFIના 26 માણસો, 17ને કેરળ હાઈકોર્ટે ‘મૌલિક અધિકારો’ને ટાંકીને આપી દીધા જામીન: UAPA હેઠળ દાખલ થઈ ચૂકી છે ચાર્જશીટ

    તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટે પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન PFI સાથે સંકળાયેલા 17 વ્યક્તિઓને એક હત્યાના કેસમાં જામીન આપ્યા. આ તમામ ઉપર વર્ષ 2022માં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાની હત્યાનો આરોપ લાગ્યો હતો. જોકે, આ જ કેસના નવ આરોપીઓના જામીન કોર્ટે રદ કરી દીધા હતા. 

    17 આરોપીઓના જામીન મંજૂર કરતાં કોર્ટે કહ્યું કે, “કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે આરોપીઓ સામે લાગેલા આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા છે, પરંતુ કોર્ટે આ હકો પર લગાવવામાં આવતાં નિયંત્રણો નહીં પરંતુ આરોપીઓના મૌલિક અધિકારોના પક્ષમાં ઝુકાવ દાખવવો પડશે.” કેરળ હાઈકોર્ટની બે જજની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. નોંધનીય છે કે આ તમામ આરોપીઓ સામે વર્ષ 2022માં UAPA હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી છે. 

    કોર્ટે જામીન આપતાં શરતો પણ મૂકી છે. જે અનુસાર, આરોપીઓએ ટ્રાયલ કોર્ટમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાના રહેશે અને સ્પેશિયલ કોર્ટની પરવાનગી સિવાય રાજ્યની સરહદ છોડી શકશે નહીં. આ સિવાય, તેમણે NIAના અધિકારીઓને પોતાનાં સરનામાં અને ગતિવિધિઓની જાણકારી આપવાની રહેશે, તથા જ્યારે એજન્સી તપાસ માટે બોલાવે ત્યારે અચૂક હાજર રહેવું પડશે. આરોપીઓ માત્ર એક જ મોબાઈલ નંબર વાપરી શકશે અને તે NIAની GPS સિસ્ટમ સાથે જોડવાનો રહેશે, જેથી તેઓ ક્યાં ફરે છે તેની જાણકારી એજન્સી પાસે પણ રહી શકે. 

    ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ, 2022ના રોજ RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછીથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની જ એક શાખા SDPIના માણસોની સંડોવણી સામે આવી હતી. શ્રીનિવાસન પર તેમની દુકાન પાસે એક ટોળાએ હુમલો કરી દીધો હતો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. આ કેસની તપાસ પછીથી NIAએ હાથ પર લીધી હતી અને UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કટ્ટરપંથી સંગઠન PFI પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સંગઠન પર રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી ગતિવિધિઓને જોતાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેના અનેક નેતાઓ-કાર્યકરો સામે કેસ નોંધીને ધરપકડ પણ કરવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનના માણસો અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. 

    સંશોધનાત્મક પત્રકારત્વ કરવા જતાં ABPના પત્રકારે બાફ્યું, NTA પરિસરમાં ખાલી પડેલાં બોક્સ બતાવીને ઉઠાવ્યા સવાલો: પરીક્ષા એજન્સીએ સ્પષ્ટતા કરતાં ખુલી ગઈ પોલ

    તાજેતરમાં ABP ન્યૂઝનાં એક પત્રકારે એક વિડીયો વાયરલ કરીને દાવો કર્યો હતો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) હોલની બહાર ખુલ્લા આકાશ નીચે જ CUET પરીક્ષાનાં બોક્સ રાખવામાં આવ્યાં છે અને તેનાં સીલ તૂટેલાં જોવા મળે છે. પરંતુ આ દાવો સદંતર ખોટો અને ભ્રામક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પછીથી સ્પષ્ટતા કરતાં તેની પોલ ખુલી ગઈ હતી. 

    ABP ન્યૂઝ પત્રકાર અજાતિકા સિંહે X પર એક પોસ્ટ કરીને બે-ત્રણ વિડીયો મૂક્યા હતા. સાથે દાવો કર્યો કે તે ABPનો એક્સ્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ છે. અને આગળ કહ્યું કે, CUET પરીક્ષાનાં બોક્સ ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવ્યાં છે. અનેક બોક્સનાં સીલ તૂટેલાં છે અને અમુકમાં તો સીલ લાગેલાં પણ જોવા મળ્યાં. CUET (UG)ની તાજેતરની પરીક્ષાની તારીખ 15-5-2024 લખવામાં આવી છે અને પરિણામો હજુ આવ્યાં નથી. શું NTA આ મામલે સ્પષ્ટીકરણ આપશે?’ જોકે, આ પોસ્ટ હવે પોલ ખુલી ગયા બાદ ડિલીટ કરી દેવામાં આવી છે. 

    વિડીયોમાં કેમેરા પાછળ એક મહિલાનો અવાજ સંભળાય છે. જેઓ NTA પરિસરમાં રાખવામાં આવેલાં બોક્સ તરફ ઈશારો કરીને કહે છે કે આ બધાં NTAને મોકલવામાં આવ્યાં છે અને તે ખુલ્લાં છે. આગળ તેઓ વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને પરીક્ષાની વાતો કરીને કહે છે કે, એ ચિંતાજનક બાબત છે કે અહીં કોઇ દેખરેખ માટે પણ નથી. આગળ કહે છે કે, “આખરે આટલી લાપરવાહી કેમ? એ મોટો સવાલ છે. NTA રાષ્ટ્રીય સ્તરની એજન્સી આ માટે જવાબદાર છે. આટલી બેદરકારીથી લાખો વિદ્યાર્થીઓનાં પેપર કઈ રીતે રાખી શકાય? ઉપર કોઇ શેડ પણ નથી અને ખુલ્લા આકાશ નીચે જ બોક્સ રાખવામાં આવ્યાં છે.”

    શું છે હકીકત? 

    આમ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો બંને સંસ્થાઓએ આ દાવા પાછળની હકીકત જણાવી છે, પરંતુ ABP ન્યૂઝનાં પત્રકારે સામાન્ય બુદ્ધિ વાપરી હોત તોપણ ખબર પડી ગઈ હોત. તેઓ વિડીયોમાં જે બોક્સ બતાવે છે તેની ઉપર લખવામાં આવ્યું છે- E. તેનો અર્થ થાય છે, Empty. ગુજરાતીમાં ‘ખાલી’. ઘણાં બોક્સ પર ‘Emplty’ પણ લખવામાં આવ્યું હતું. અર્થાત, આ બોક્સ ખાલી જ હતાં અને તેમાં કશું જ રાખવામાં આવ્યું નથી. ન તો વિદ્યાર્થીઓનાં પેપર છે કે ન કોઇ બીજી સંવેદનશીલ સામગ્રી. 

    PIB ફેક્ટચેક દ્વારા જણાવવામાં આવ્યું કે, આ દાવો સંપૂર્ણ રીતે ફર્જી છે અને NTA પરિસરમાં હોલની બહાર રાખવામાં આવેલાં બોક્સ ખાલી છે, જેમાં પરીક્ષા સંબંધી કોઇ સામગ્રી નથી. આગળ જણાવવામાં આવ્યું કે, NAT દ્વારા પરીક્ષા સંબંધી સામગ્રી બોક્સમાં ખુલ્લામાં રાખવામાં આવતી નથી.  જેમાં હોય તે બોક્સ સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવે છે.  

    આ સિવાય, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ એક વિડીયો મારફતે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, NTA હોલની બહાર ખાલી બોક્સ રાખવામાં આવ્યાં છે અને તેમાં કોઇ સંવેદનશીલ સામગ્રી નથી. મીડિયામાં ખુલ્લામાં બોક્સ રાખવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ આ રીતે ક્યારેય બોક્સ ખુલ્લામાં રખાતાં નથી. જ્યાં બોક્સ રાખવમાં આવતાં હોય ત્યાં સુરક્ષાકર્મીઓ પૂરતા પ્રમાણમાં હોય છે. 

    ‘લોકતંત્રને નબળું પાડવા માટે દેશની અંદર અને બહાર વિઘટનકારી શક્તિઓ સક્રિય’: સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ, ઇમરજન્સી વિશે કહ્યું- તે ઇતિહાસનો કાળો અધ્યાય 

    લોકસભા ચૂંટણી બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. સાંસદોના શપથગ્રહણ અને સ્પીકરની ચૂંટણી બાદ ગુરુવારે (27 જૂન) રાષ્ટ્રપતિએ બંને ગૃહના સંયુકત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી તો અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી. લોકસભા અને રાજ્યસભાના સાંસદો, સરકારના મંત્રીઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. 

    સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ તમામ સાંસદોને શુભકામનાઓ પાઠવી તેમજ સ્પીકર તરીકે નીમાવા બદલ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા. તેમણે ચૂંટણીનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, તે વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, જેમાં 64 કરોડ મતદારોએ ભાગ લીધો અને પોતાની ફરજ નિભાવી. કાશ્મીરમાં થયેલા રેકોર્ડબ્રેક મતદાનનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો. 

    રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતના લોકોની આકાંક્ષાઓ સર્વોચ્ચ સ્તર ઉપર છે ત્યારે આવા સમયમાં લોકોએ ત્રીજી વખત મારી સરકાર પર વિશ્વાસ દાખવ્યો છે. જેથી આ ચૂંટણી નીતિ, નિયત, નિષ્ઠા અને નિર્ણયો પર વિશ્વાસની ચૂંટણી રહી. તેમણે કહ્યું કે સરકારે 10 વર્ષમાં સેવા અને સુશાસનનાં જે મિશન ચલાવ્યાં, તેની ઉપર આ મહોર છે. આ જનાદેશ છે કે ભારતને વિકસિત બનાવવા માટેનું કામ નિરંતર ચાલતું રહે અને ભારત પોતાનાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરતું રહે. 

    કટોકટી ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય 

    રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન ઇન્દિરા ગાંધી સરકારે 1975માં લાદેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો. નોંધવું જોઈએ કે કટોકટી 26 જૂન, 1975ના રોજ લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, “1975માં લાગુ કરવામાં આવેલી કટોકટી ભારતના ઈતિહાસનો સૌથી મોટો અને કાળો અધ્યાય હતો, જેનાથી આખા દેશમાં હાહાકાર મચી ગઈ હતી, અને સાથોસાથ આ પગલું ગેરબંધારણીય પણ હતું. સંસદને સંબોધતાં તેમણે કહ્યું કે, તે બંધારણ પર સીધો હુમલો હતો. પરંતુ આવી ગેરબંધારણીય શક્તિઓ પર દેશે વિજય પ્રાપ્ત કરીને બતાવ્યો હતો, કારણ કે ભારતના મૂળમાં ગણતંત્રની પરંપરાઓ રહી છે. 

    વિઘટનકારી શક્તિઓને સફળ ન થવા દેવાય: રાષ્ટ્રપાતિ 

    સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ અમુક ચિંતા પર વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, હું ઇચ્છું છું કે આ વિષયો પર ચિંતન-મનન કરીને સાંસદો ઠોસ અને સકારાત્મક પરિણામ દેશને આપે. તેમણે કહ્યું કે, “આજની સંચાર ક્રાંતિના યુગમાં વિઘટનકારી શક્તિઓ લોકતંત્રને નબળુ પાડવા માટે સમાજમાં તિરાડો પાડવાના પ્રયાસ કરી રહી છે. આ શક્તિઓ દેશની અંદર પણ છે અને બહારથી પણ સંચાલિત થઈ રહી છે. જેના થકી અફવા ફેલાવવાના, જનતાને ભ્રમમાં નાખવાના પ્રયાસ થાય છે અને આ માટે ખોટી માહિતીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને આમ જ ચાલવા નહીં દેવામાં આવે. આજના સમયમાં ટેક્નોલોજી સતત ઉન્નત થઈ રહી છે ત્યારે આ સ્થિતિમાં માનવતા વિરુદ્ધ તેનો ખોટો ઉપયોગ ઘાતક છે. આપણા સૌની જવાબદારી છે કે આ પ્રવૃત્તિને રોકી અને આ પડકારોનો સામનો કરીને નવા રસ્તા શોધીએ. 

    પેપર લીકની ઘટનાઓ રોકવા માટે રાજકારણથી ઉપર ઉઠીને ઠોસ પગલાં જરૂરી 

    રાષ્ટ્રપતિએ સંબોધનમાં તાજેતરની પેપર લીકની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “તાજેતરમાં જ અમુક પરીક્ષાઓમાં થયેલી પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ અને દોષીઓને કડકમાં કડક સજા અપાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે પેપર લીકની ઘટનાઓ ઘણાં રાજ્યોમાં બનતી રહી છે. આ બાબતે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને દેશવ્યાપી ઠોસ ઉપાય લાવવાની જરૂર છે. સંસદે પણ પરીક્ષામાં થતી ગડબડ રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. મારી સરકાર પરીક્ષાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ, તેના કામકાજની પદ્ધતિ, પરીક્ષા પ્રકારિયા- તમામમાં મોટા સુધારા કરવાની દિશામાં કામ કરી રહી છે. 

    આ સિવાય રાષ્ટ્રપતિએ પોતાના લાંબા અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓનો પણ વિશેષપણે ઉલ્લેખ કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ આ જ રીતે આગળ વધતો રહેશે. ઉપલબ્ધિઓમાં CAAથી માંડીને શિક્ષણ, આરોગ્ય, યુવા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સિવાય, કલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો અને સરકારની પ્રશંસા કરી. ખાસ કરીને સ્ત્રીસશક્તિકરણ માટેના સરકારના પ્રયાસોને પણ બિરદાવ્યા. 

    11 દિવસ અનુષ્ઠાન, કઠોર નિયમો, આહારમાં માત્ર ફળો અને દૂધ: આંધ્ર પ્રદેશ ડેપ્યુટી CM પવન કલ્યાણ લઇ રહ્યા છે વારાહી દીક્ષા- જાણો શું છે તેનું મહત્વ

    આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ 26 જૂનથી 11 દિવસ માટે વારાહી વિજય દીક્ષા લઇ રહ્યા છે. આ એક પ્રકારનું અનુષ્ઠાન છે, જેમાં કઠિન નિયમો પાળવામાં આવે છે અને દેવી વારાહીની પૂજા-આરાધના કરવામાં આવે છે. તેનો સમયગાળો 11 દિવસનો હોય છે. ગત 26 જૂનથી પવન કલ્યાણ આ દીક્ષા લઇ રહ્યા છે. 

    જનસેના પાર્ટીએ આ બાબતની જાણકારી આપી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર, પવન આ દિવસોમાં માત્ર દૂધ, ફળો અને પાણી જ ગ્રહણ કરશે અને સંપૂર્ણ સમય પૂજા-અર્ચના, સાધનામાં વીતાવશે. નોંધનીય છે કે આ પહેલી વખત નથી, જૂન 2023માં પણ ચૂંટણી પ્રચારનો આરંભ કરતાં પહેલાં પવન કલ્યાણે આ પ્રકારનું અનુષ્ઠાન કર્યું હતું. 

    પાર્ટીએ જણાવ્યું છે કે, આ ધાર્મિક ક્રિયા પાછળનો ઉદ્દેશ્ય રાજ્ય અને તેના લોકોના કલ્યાણ માટે દેવીના આશીર્વાદ લેવાનો છે. 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન પવન કલ્યાણ આંધ્રપ્રદેશના વિકાસ અને સમૃદ્ધિ માટે દેવીને પ્રાર્થના કરશે. 

    શક્તિનું સ્વરૂપ છે દેવી વારાહી 

    હિંદુ ધર્મિક માન્યતાઓ અનુસાર, દેવી વારાહી શક્તિનું એક સ્વરૂપ છે. તેઓ સપ્તમાતૃકા તેમજ દશામહાવિદ્યામાંનાં એક છે. તેમનું મુખ વરાહ સ્વરૂપમાં છે. અષ્ટ ભુજાઓમાં શંખ, સુદર્શન ચક્ર, હળ, ગદા, અંકુશ, પાશ વગેરે ધારણ કરેલ હોય છે. કમળના આસન પર બિરાજમાન દેવીનાં વાહનોમાં સિંહ, ઘોડા, સાપ વગેરે હોય છે. તેમને ભક્તો પર દયા કરનારાં અને વરદાન આપનારાં દેવી પણ કહેવામાં આવે છે. 

    માર્કંડેય પુરાણમાં દેવી વારાહીનો ઉલ્લેખ આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના વરાહ અવતારથી જ દેવી વારાહીની ઉત્પત્તિ થઈ. આ સિવાય, લલિતા સહસ્ત્રનામમાં પણ દેવીનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી વારાહીએ રક્તબીજ, અંધકાસુર, શુમ્ભ-નિશુંભ વગેરે રાક્ષસોનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. દેશનાં ઘણા ભાગોમાં તેમનાં મંદિરો આવેલાં છે. જેમાં મુખ્ય મંદિરો, ઓડિશા, વારાણસી અને માલાપોરમાં છે. 

    શું છે વારાહી વિજય દીક્ષા?

    હવે વારાહી વિજય દીક્ષાની વાત કરવામાં આવે તો તે જેઠ મહિનાના અંતમાં કે અષાઢ મહિનાની શરૂઆતમાં લેવામાં આવે છે. જેનો સમયગાળો 9 કે 11 દિવસનો હોય છે. આ દીક્ષા લેનાર વ્યક્તિએ અમુક કઠોર નિયમોનું પાલન કરવું પડે છે. 

    જેમકે, આ 11 દિવસ દરમિયાન ખુલ્લા પગે રહેવું પડે છે અને પગરખાં પહેરી શકાય નહીં. દીક્ષા દરમિયાન જમીન પર ઊંઘવું પડે છે. અન્નનું સેવન કરવાનું હોતું નથી, માત્ર સાત્વિક ભોજન લેવું, એ પણ સીમિત માત્રામાં જ. આ સમગ્ર સમય દરમિયાન સવાર-સાંજ દરરોજ દેવી વારાહીની પૂજા કરવાની રહે છે. દીક્ષા સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને કોઇ પણ પ્રકરણ તામસિક ખોરાકનું સેવન કરી શકાતું નથી. 

    વારાહી દીક્ષા નકારાત્મકતાને જીવનમાંથી દૂર કરવામાં મોટો ભાગ ભજવે છે. દીક્ષા લેવાથી જીવનમાં આવતાં સંકટો દૂર થાય છે અને દેવી ભક્તનું અનિષ્ઠ થવા દેતાં નથી. જીવનમાં આવતા પડકારો દૂર થાય છે. જે વ્યક્તિ આ દીક્ષા મેળવે તેના માટે કહેવાય છે કે તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને ધારેલું કામ પાર પાડી શકે છે. 

    દેવીની પૂજા કરનાર વ્યક્તિના તમામ રોગ અને દોષ દૂર થાય છે. ઉપરાંત, ખેડૂતોને સારા પાક પણ મળે છે. બીજી તરફ, આ દીક્ષા લેવાથી યશ અને કીર્તિ પણ મળે છે અને સમાજમાં જે-તે વ્યક્તિની પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે. 

    પવન કલ્યાણ કોણ છે? 

    પવન કલ્યાણની વાત કરવામાં આવે તો તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલાં પણ તેલુગુ અભિનેતા તરીકે બહુ પ્રખ્યાત હતા. સુપ્રસિદ્ધ અભિનેતા ચિરંજીવીના તેઓ ભાઈ થાય. પવન કલ્યાણે પોતે પણ ફિલ્મ ઉદ્યોગમાં બહુ કામ કર્યું છે તો અમુક ફિલ્મો પોતે પણ બનાવી છે. 2008માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા અને ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમ પાર્ટીની યુવા પાંખના પ્રમુખ બન્યા હતા, પણ પાર્ટી કોંગ્રેસમાં ભળી પાછી તેમણે છોડી દીધી હતી. ત્યારબાદ ચિરંજીવીએ રાજકારણ જ છોડી દીધું. 

    માર્ચ, 2014માં પવન કલ્યાણે પોતાની પાર્ટી જનસેનાની સ્થાપના કરી. ત્યારે પણ તેમણે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ ગઠબંધનમાં હતા, જેના માટે પવન કલ્યાણે પ્રચાર પણ કર્યો હતો. ઓગસ્ટ, 2017માં તેમણે ફિલ્મઉદ્યોગમાંથી વિરામ લઈને સંપૂર્ણ રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 2019ની ચૂંટણી પણ લડ્યા, પરંતુ ઝાઝી સફળતા મળી નહીં. 

    જાન્યુઆરી, 2020માં તેમણે ફરી ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે જ્યારે જગન મોહન રેડ્ડીની સરકારે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સામે ભ્રષ્ટાચારના કેસ ખોલીને તેમને જેલમાં ધકેલ્યા ત્યારે પવન કલ્યાણે ચંદ્રબાબુનું સમર્થન કર્યું. ત્યારબાદ ભાજપ અને TDP વચ્ચે પણ ગઠબંધન થતાં ત્રણેય પાર્ટીઓ સાથે મળીને લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ લડી. 

    બંને ચૂંટણીઓમાં NDA ગઠબંધનને જંગી વિજય મળ્યો. પવન કલ્યાણની પાર્ટી જેટલી લોકસભા અને વિધાનસભા બેઠકો પર લડી હતી ત્યાં તમામ પર જીત મેળવી. વિધાનસભા ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બાદ ચંદ્રબાબુની આગેવાનીમાં આંધ્રપ્રદેશમાં નવી સરકાર બની, જેમાં પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ છે. 

    સપા સાંસદ આર કે ચૌધરીએ નવી સંસદમાંથી સેંગોલ હટાવવા લોકસભા અધ્યક્ષને લખ્યો પત્ર, વિપક્ષે ભરી હામી: NDAએ નોંધાવ્યો વિરોધ

    સંસદમાં ભારત ગઠબંધનની સંખ્યા વધી છે ત્યારે વિપક્ષી દળોના સાંસદો રોજ નવા નવા બયાન આપી રહ્યા છે, જે તેઓ અગાઉની સરકારમાં કહી શક્યા ન હતા. મોહનલાલગંજથી સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આરકે ચૌધરીએ એક નવી માંગ કરીને ચર્ચા જગાવી છે. તેમણે સેંગોલને સંસદમાંથી હટાવવાની માંગ કરી છે. જો કે તેમના નિવેદન બાદ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટતા આપવી પડી હતી.

    સપાના સાંસદ આરકે ચૌધરીએ કહ્યું, “આજે મેં આ સન્માનિત ગૃહમાં તમારી સમક્ષ સભ્ય તરીકે શપથ લીધા છે કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખીશ પરંતુ ગૃહમાં બેન્ચની જમણી બાજુએ સેંગોલને જોઈને મને આશ્ચર્ય થયું. મહોદય, આપણું બંધારણ ભારતીય લોકશાહીનું પવિત્ર પુસ્તક છે, જ્યારે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. આપણી સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા કે રજવાડાનો મહેલ નથી.”

    સાંસદ આરકે ચૌધરીએ વધુમાં કહ્યું કે, “હું વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવી દેવામાં આવે અને તેની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ લગાવવામાં આવે.”

    NDAના સભ્યો નોંધાવ્યો વિરોધ

    આ વિષયમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે, “સેંગોલ ઈતિહાસનો ભાગ છે. તેને હટાવવાની વાત એ અન્ય કાંઈ નહીં પરંતુ માત્ર હેડલાઇનમાં રહેવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવે છે.”

    આ જ વિષયમાં પોતાને PM નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, “જે રીતે આટલા દાયકાઓથી આવા પ્રતીકોને ખોટા પ્રકાશમાં બતાવવાની કોશિશ કરવામાં આવી છે, આજે જ્યારે તેમને આપણા પીએમ દ્વારા યોગ્ય સન્માન આપવામાં આવે છે, તો તમે આ બધી બાબતોથી નારાજ કેમ છો?”

    ભાજપ સાંસદ રવિ કિસને કહ્યું, “એક દિવસ તેઓ ભગવાન રામને બદલવા માંગે છે, બીજા દિવસે તેઓએ તેમના સાંસદની તુલના ભગવાન રામ સાથે કરી હતી.”

    થાણે, મીરા-ભાઈંદર વિસ્તારમાં અનધિકૃત પબ, બાર અને ડ્રગ સંબંધિત તમામ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર: મહારાષ્ટ્રના સીએમ શિંદેએ કરી જાહેરાત

    મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ થાણે અને મીરા-ભાઈંદરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરોને શહેરોમાં ડ્રગ્સ સંબંધિત તમામ ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના નિવેદન અનુસાર, સીએમ શિંદેએ બુધવારે થાણે અને મીરા-ભાઈંદર શહેરને ડ્રગ-મુક્ત બનાવવા માટે શહેરમાં ગેરકાયદેસર પબ અને બાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    તાજેતરમાં જ પુણેમાં કેટલાક યુવકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આની ગંભીર નોંધ લેતા સીએમ શિંદેએ પુણે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને ડ્રગ્સ સંબંધિત અનધિકૃત બાંધકામોને નષ્ટ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

    જે બાદ પુણે શહેરમાં આ અંગે વ્યાપક ગતિવિધિઓ હાથ ધરવામાં આવી હતી. હવે એ જ રીતે થાણે શહેર અને મીરા-ભાયંદર શહેરમાં ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરનો ઉપયોગ કરીને નષ્ટ કરવા જોઈએ, એમ મુખ્ય પ્રધાને સૂચન કર્યું હતું. વધુમાં કહ્યું હતું કે માદક દ્રવ્યોના સેવનથી યુવાનોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ હાલાકીને તાત્કાલિક અટકાવવી જરૂરી છે.

    ભારતને ડ્રગમુક્ત બનાવવાનું લક્ષ્ય: ગૃહમંત્રી અમિત શાહ

    અગાઉ, ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ પર ભારતને ડ્રગ-મુક્ત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવાનો વિશ્વાસ દર્શાવતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે સરકાર આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

    X પરની એક પોસ્ટમાં શાહે કહ્યું, “ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ પર શુભેચ્છાઓ. પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, અમારી સરકાર ભારતને ડ્રગ-મુક્ત રાષ્ટ્ર બનાવવાની તેની પ્રતિબદ્ધતામાં મક્કમ છે અને સમગ્ર સરકારના અભિગમ સાથે આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આવો આપણે સૌ રાષ્ટ્રને ડ્રગ્સની બિમારીમાંથી મુક્ત કરવાના આપણા સંકલ્પને મજબૂત કરીએ અને આપણી ભાવિ પેઢીઓને એક સારી દુનિયાની ભેટ આપીએ.”

    બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એમ્સમાં દાખલ: ત્રણ મહિના પહેલા રાષ્ટ્રપતિએ તેમના ઘરે જઈને આપ્યો હતો ‘ભારત રત્ન’

    ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને બુધવારે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. રાત્રે 10:30 કલાકે તેમને એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ નેતાને એઈમ્સના જૂના પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેને યુરોલોજી સંબંધિત સમસ્યાઓ છે. યુરોલોજીના પ્રોફેસર ડૉ.અમલેશ સેઠ તેમની સારવાર કરી રહ્યા છે. AIIMSએ પોતાના નિવેદનમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

    માહિતી અનુસાર, 96 વર્ષીય અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી સમય-સમય પર તેમનું ઘરે ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે (26 જૂન 2024), તેમને થોડી સમસ્યા અનુભવાઈ, ત્યારબાદ તેમને તરત જ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને તેમના નિરીક્ષણ હેઠળ દાખલ કર્યા. હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે.

    મળી ચૂક્યો છે ‘ભારત રત્ન’

    ઉલ્લેખનીય છે કે લાલ કૃષ્ણ અડવાણીને આ વર્ષે ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને જઈને ‘ભારત રત્ન‘ એનાયત કર્યો. ઔપચારિક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

    ભાજપ અધ્યક્ષથી લઈને ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ બની ચૂક્યા

    લાલ કૃષ્ણ અડવાણીએ જૂન 2002થી મે 2004 સુધી ભારતના નાયબ વડા પ્રધાન અને ઓક્ટોબર 1999 થી મે 2004 સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. લાલ કૃષ્ણ અડવાણી 1986-1990, 1993-1998 અને 2004-2005 દરમિયાન ઘણી વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા.

    હાલના પાકિસ્તાનમાં થયો હતો જન્મ

    લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ સિંધ પ્રાંત (પાકિસ્તાન)માં થયો હતો. તેણે કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1942 માં, તેઓ ભારત છોડો ચળવળ દરમિયાન ગીડુમલ નેશનલ કોલેજમાં જોડાયા. આ પછી તેમણે 1944માં કરાચીની મોડલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. 1947માં દેશના વિભાજન બાદ અડવાણીનો પરિવાર ભારત આવ્યો હતો. તેમને પ્રતિભા અને જયંત નામના બે બાળકો છે.

    ચૂંટણી પૂર્ણ, સેમ પિત્રોડા ફરી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ: વિવાદિત ટિપ્પણીના કારણે આપવું પડ્યું હતું રાજીનામું, કોંગ્રેસે ફરી નિમણૂક કરી દીધી- સાચી પડી PM મોદીની ભવિષ્યવાણી

    પોતાના નિવેદનોને લઈને કાયમ વિવાદમાં રહેતા સેમ પિત્રોડાને કોંગ્રેસે ફરી એક વાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દીધા છે. ગાંધી પરિવારના ખૂબ જ નજીકના એવા સેમ પિત્રોડાએ લોકસભા ચૂંટણી પહેલાં એક વિવાદિત નિવેદનના પગલે રાજીનામું આપવું પડ્યું હતું. પિત્રોડાએ ભારતમાં વિવિધતા દર્શાવવાના નામે વંશીય (Racist) ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ તેમની ખૂબ ટીકા પણ થઈ હતી અને દેશભરમાં વિવાદ થયો હતો. ચાલુ ચૂંટણીએ અણધારી આફત જોતાં કોંગ્રેસે સેમ પિત્રોડાનું રાજીનામું લઇ લીધું હતું.

    મળતી માહિતી અનુસાર, બુધવારે (26 જૂન 2023) કોંગ્રેસે અધિકારિક જાહેરાત કરીને કહ્યું કે, સેમ પિત્રોડાને ફરી એક વાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર નીમવામાં આવ્યા છે. ગત મે મહિનામાં પિત્રોડાએ ભારતીય લોકોના ચહેરા અને રંગને લઈને વંશીય ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ થતા તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે ચૂંટણી પછી જેવું રાજકારણ રાબેતામુ જબ થયું કે કોંગ્રેસે ફરી તેમને તે જ પદ પર બેસાડી દીધા, જ્યાંથી રાજીનામું આપ્યું હતું.

    જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદ સમયે જ કહી દીધું હતું કે આમ થશે જ. NDTVને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “ક્યારેક એવું લાગે છે કે પાર્ટી જાણીજોઈને આમ કરાવતી હોય છે. તેઓ એકલા પોતાની મરજીથી આમ કરતા હોય તેવું મને નથી લાગતું, કારણ કે હોબાળો થયા બાદ કેટલાક દિવસ તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તેમ છતાં ત્યારબાદ તેઓ પાર્ટીની મુખ્યધારા સાથે રહે છે. જેમ અત્યારે અમેરિકામાં તેમના ગુરુ (પત્રકાર સેમ પિત્રોડાનું નામ લે છે) છે તેમને રાજીનામું અપાવી દીધું, થોડા સમય બાદ તેમને ફરી પાછા લઈ લેશે. આ તમની સમજી વિચારેલી રણનીતિ છે. દેશમાં ભ્રમ ફેલાવવો, વાતાવરણ બગાડવું, નવા-નવા મુદ્દા ઉભા કરવા, વિપક્ષને એવા મુદ્દાઓ પર રિએક્ટ કરવા મજબૂર કરવા. પાર્ટી આવી ચાલાકીઓ કરતી રહે છે.”

    શુબ હતું વિવાદિત નિવેદન, જે પછી આપ્યું હતું રાજીનામું?

    કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ 8 મે 2024ના રોજ ભારતની વિવિધતા સમજવવાના બહાને ભારતના લોકોના દેખાવ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે વાત કરતા ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.” સેમ પિત્રોડાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયું હતું. વિવાદ વધતાની સાથે જ પિત્રોડાએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

    ‘ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલલા બિરાજમાન, ત્યાં એક ટીપું પણ પાણી નથી ટપક્યું’: રામ મંદિરને લઈને થઈ રહેલા દાવા વચ્ચે મંદિર ટ્રસ્ટે જણાવી સાચી હકીકત

    છેલ્લા 2 દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નિર્માણધીન ભવ્ય મંદિરમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું. તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે રામ મંદિરના ગર્ભગૃહમાં નિકાસ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ ગયું છે. આ દાવા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના એક નિવેદન બાદ કરવામાં આવ્યા હતા. જોકે હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ મામલે ચોખવટ કરતાં વાસ્તવિકતા સામે આવી છે અને તમામ દાવા પાયાવિહોણા સાબિત થયા છે.

    વાસ્તવમાં 2 દિવસ પહેલાં અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભગવાનના નિર્માણધીન મંદિરમાં પ્રથમ વરસાદ પડતાંની સાથે જ પાણી ટપકવા લાગ્યું છે. તેમના આ નિવેદન બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો વાયરલ થઈ ગયો. મુદ્દો એ હદે ઉછળ્યો કે અનેક લોકોએ વહેતી ગંગામાં હાથ ધોવાનું વિચારીને અવનવા દાવા કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ તો રામ મંદિરના નિર્માણ કાર્યમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો પણ વહેતી કરી. વામપંથી ટોળકી, કેટલાક રાજકીય પક્ષો તેમજ મીડિયા હાઉસોએ આ મામલે અનેક દાવા કર્યા.

    મંદિર ટ્રસ્ટે જણાવી વાસ્તવિકતા

    વાતનું વતેસર થતું જોઇને અંતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ મામલે વાસ્તવિકતા સામે લાવવી પડી હતી. ટ્રસ્ટ દ્વારા આ આખા મુદ્દામાં X પર એક થ્રેડ મૂકીને માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટે આ થ્રેડના માધ્યમથી જણાવ્યું હતું કે, “જ્યાં ભગવાન રામલલા બિરાજમાન છે, ત્યાં છત પરથી એક ટીપું પણ પાણી નથી ટપક્યું અને ગર્ભગૃહમાં પણ ક્યાયથી પાણી નથી પ્રવેશ્યું. ગર્ભગૃહમાં આગળ ગૂઢમંડપ છે. ત્યાં મંદિરના બીજા માળની છતનું નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ લગભગ 60 ફૂટ ઉંચો ઘુમ્મટ જોડાશે અને છત બંધ થઈ જશે. આ મંડપને અસ્થાયી રૂપે પ્રથમ માળના તળ પર જ ઢાંકીને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. દ્વિતીય માળ પર પિલરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. સામાન્ય રીતે પથ્થરોથી બનતા મંદિરમાં વીજળી માટે ક્ન્ડ્યુટ તેમજ જંકશન બોક્સ લગાવવામાં આવે છે. તેને છત પર હોલ કરીને અંદર ઉતારવામાં આવે છે જેનાથી મંદિરમાં છત પર લાઇટિંગ માટે વીજળી મળી રહે છે.”

    ટ્રસ્ટે ટેકનિકલ માહિતી આપતાં આગળ જણાવ્યું કે, “આ ક્ન્ડ્યુટ તેમજ જંકશન બોક્સ ઉપરના ફલોરિંગ દરમિયાન વોટર ટાઈટ કરીને તળીયે બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પ્રથમ માળમાં વીજળી, વોટરપ્રૂફિંગ તેમજ ફલોરિંગનું કાર્ય પ્રગતિ પર છે, આ કામ હજુ પૂર્ણ નથી થયું, માટે જંકશન બોક્સમાં પાણી પ્રવેશ્યું અને ક્ન્ડ્યુટમાં થઈને તળિયા પર પડ્યું. જોવામાં તેમ લાગતું હતું કે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં પાણી ક્ન્ડ્યુટની પાઈપમાં થઈને તળિયા પર આવી રહ્યું હતું. ઉપરોક્ત કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે, પ્રથમ માળના ફલોરિંગને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવવામાં આવશે અને તેમાંથી કોઈ પણ જંકશનમાં પાણી નહીં પ્રવેશી શકે. જેથી કરીને ક્ન્ડ્યુટ મારફતે પાણી તળિયા પર એકઠું નહીં થાય.”

    વરસાદી પાણીના નિકાલ માટે ઉત્તમ વ્યવસ્થા: રામ મંદિર ટ્રસ્ટ

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિર તેમજ પરકોટામાં વરસાદી પાણીના નિકાલ માટે ઉત્તમ પ્રબંધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આખા પરિસરમાં વરસાદી પાણી માટે ઝીરો વોટર ડિસ્ચાર્જ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં વરસાદી પાણી વોટર રિચાર્જ પીટ બનાવવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટે તેમ પણ જણાવ્યું હતું કે મંદિર નિર્માણનું કાર્ય ભારતની પ્રતિષ્ઠિત ટાટા તેમજ L&T કંપનીના ઈજનેરો તેમજ યશસ્વી પરંપરા અનુસાર નિર્માણકાર્ય કરતા સીબી સોમપુરા, આશિષ સીમ્પુરા તેમજ અનુભવી શિલ્પકારોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે, આથી નિર્માણ કાર્યની ગુણવત્તામાં કોઈ જ ઉણપ નહીં હોય તેમ ટ્રસ્ટે જણાવ્યું છે.

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું હતું કે, “ઉત્તર ભારતમાં લોખંડનો ઉપયોગ કર્યા વગર માત્ર પથ્થરોથી મંદિર બનાવવાનું કાર્ય પ્રથમ વાર થઈ રહ્યું છે. આ કારણે જ અસલ જાણકારીનો આભાવ હોવાનું જણાઈ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો પ્રયાસ છે કે ભક્તોને સમયસર સાચી જાણકારી મળતી રહે.”

    મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, “આપ તમામને નિવેદન છે કે શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય સંબંધિત કોઈ પણ માહિતી માટે માત્ર શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધિકૃત સંવાદ માધ્યમો દ્વારા પ્રસારિત જાણકારી પર જ વિશ્વાસ કરવામાં આવે.” આટલી વિગતો પરથી સ્પષ્ટ છે કે ખરેખર સ્થિતિ શું છે. એ પણ નોંધવું જોઈએ કે રામ મંદિરનું નિર્માણકાર્ય હજુ પ્રગતિમાં છે. માત્ર ગર્ભગૃહ અને આસપાસનો વિસ્તાર બનીને તૈયાર થયો હતો, જેમાં જાન્યુઆરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સમગ્ર મંદિર અને તેના પરિસરનું કામ ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થશે.

    જાદૂટોણાંના નામે યુવતી સાથે દુષ્કર્મ, પાટણની ઘટના: આરોપીને મીડિયાએ ગણાવ્યો ‘તાંત્રિક’ અને ‘ભૂવો’, નામ- ઇનાયતખાન પઠાણ

    ગુજરાતી (અને ક્યારેક અન્ય ભાષાઓમાં પણ) મેઇનસ્ટ્રીમ મીડિયા આરોપી મુસ્લિમ વ્યક્તિ હોય તોપણ તેને ‘તાંત્રિક’ કે ‘ભૂવા’ ગણાવીને સમાચાર ચલાવી દે છે, જેનાથી વાચકો ગેરમાર્ગે દોરાવાની સંભાવનાઓ રહે હે. ક્યારેક ફોટાની પસંદગી એવી રીતે થાય, જેનાથી આ ભ્રમ વધુ ફેલાય છે. આવું તાજેતરમાં બન્યું છે. પાટણના એક ગામમાં એક યુવતી, જે પોતે પણ મુસ્લિમ છે, તેણે એક ઇનાયતખાન હુસૈનખાણ પઠાણ નામના ઇસમ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. તેણે ફરિયાદમાં કહ્યું કે, ઈનાયતે તેને જાદૂટોણાં કરીને આર્થિક રીતે સદ્ધર કરવાની લાલચ આપીને, ભોળવીને દુષ્કર્મ આચર્યું છે. આ મામલે પોલીસે ઇનાયતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, પણ મીડિયા તેને ‘તાંત્રિક’ ગણાવી રહ્યું છે.

    મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાધણા ગામની 21 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના જ ગામમાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા ઈનાયતખાન હુસૈનખાન સિપાઈ (પઠાણ) નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યુવતીની ફરિયાદ છે કે આરોપી ઈનાયતે તેની ગરીબી દૂર કરવા જાદુ-ટોણાં કરવાના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઈનાયતે જાદુ-ટોણાંના નામે ઘરે તેમજ અન્ય સ્થળોએ લઈ જઈને અનેક વખત શરીર ચૂંથ્યું હતું.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ કેસમાં તપાસ કરી રહેલા કાકોશી પોલીસ સ્ટેશનના PSI સહદેવસિંહ સોલંકી સાથે વાત કરી હતી. કેસને લઈને માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, “ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ટ્રક ચલાવે છે અને તે છેલ્લાં 5-7 વર્ષથી યુવતી અને તેના પરિવારના સંપર્કમાં હતો. યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી છે જેથી આરોપીએ તેનો લાભ લઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. હાલ આરોપીનો ટ્રક વગેરે જપ્ત કરીને પંચનામું કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાએ કાકોશી પોલીસ સાથે વાત કરતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આરોપીના ઘરેથી હિંદુ દેવી-દેવતાઓ કે હિંદુ ધર્મને લગતા ફોટા, સાહિત્યો, ગ્રંથો, શાસ્ત્રો વગેરે કશું મળી આવ્યું છે કે કેમ. જોકે આ પ્રકારની કોઈ બાબત પોલીસે નકારી કાઢી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તપાસ ચાલી રહી છે.

    ફરી એક વાર મુસ્લિમ આરોપીને મીડીયાએ ‘તાંત્રિક’ અને ‘ભૂવો’ ગણાવ્યો

    ‘તાંત્રિક’ શબ્દ તંત્રવિદ્યા પરથી આવ્યો છે. તંત્રવિદ્યાને હિંદુ ધર્મ સાથે લાગે-વળગે છે. આ જ રીતે ‘ભૂવા’થી માંડીને અન્ય કેટલાક શબ્દો પણ હિંદુઓ માટે વપરાય છે. તેમ છતાં મીડિયા કાયમ આવા શબ્દો બિનહિંદુઓ માટે પણ વાપરતું રહે છે. ઝી24 કલાકે આ વિષયના રિપોર્ટની હેડલાઈનમાં લખ્યું કે- ‘સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો.’ અહેવાલમાં આરોપીનું નામ લખવામાં આવ્યું છે, પણ સાથે ‘તાંત્રિક’ પણ લખવામાં આવ્યું છે. એકથી વધુ વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફિચર ઈમેજમાં પણ ભગવા કલરનાં કપડાં સાથે એક યુવતીનો ફોટો મૂકવામાં આવ્યો છે, જ્યારે અહીં પીડિતા પણ મુસ્લિમ છે.

    દિવ્ય ભાસ્કરના વેબ વર્ઝન પર પણ આ ઘટનાનો એક રિપોર્ટ જોવા મળે છે. જેમાં ‘તાંત્રિકવિધિના નામે યુવતી પર દુષ્કર્મ’ આચરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું. આ રિપોર્ટમાં પણ અંદર આરોપીના નામનો ફોડ પાડવામાં આવ્યો છે, પણ સાથે ‘તાંત્રિક’ ગણાવવામાં આવ્યો છે. હેડલાઈન પરથી ક્યાંય જાણવા મળતું નથી કે અહીં આરોપી અને પીડિત બંને સમુદાયવિશેષમાંથી આવે છે અને ‘તંત્રવિદ્યા’ કે ‘તાંત્રિક’ શબ્દને કશું લાગતુંવળગતું નથી. જોકે, બીજા દિવસના છાપાંમાં ભાસ્કરે રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આરોપી અને પીડિત બંને મુસ્લિમ છે, પરંતુ વેબ વર્ઝન જરા જુદું છે.