Tuesday, March 31, 2026
More
    Home Blog Page 413

    ‘આજનો દિવસ કાળા ધબ્બા સમાન, પરંપરા તોડી, હું દુઃખી છું’: રાજ્યસભામાં વિપક્ષે ઉત્પાત મચાવતાં સભાપતિ જગદીપ ધનખડે ઉધડો લીધો, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ધસી ગયા હતા લોબીમાં

    નવા સત્રની શરૂઆત થયા બાદથી જ વિપક્ષ સતત હોબાળો કરી રહ્યો છે. મુદ્દાઓ કોઈ પણ હોય, ગૃહમાં વાર-પલટવાર સતત ચાલી રહ્યા છે. મુદ્દો કોઈ પણ હોય, સરકારને ઘેરવા માટે થઈને વિપક્ષ આખું એકજૂથ થઈને ગૃહની કામગીરી અવરોધી રહ્યા છે. તેવામાં શુક્રવારે (28 જૂન, 2024) સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આવી હરકતો લઈને વિપક્ષનો ઉધડો લીધો છે.

    વાસ્તવમાં વિપક્ષ સતત રાજ્યસભાનું કાર્ય અવરોધીને નીટ-યુજી મામલે સરકારનો વિરોધ કરી રહ્યો હતો. જ્યારે ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને કામગીરી પર રોક લગાવવાની ફરજ પડી હતી. આ હોબાળા વચ્ચે નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે હોબાળો કરતા સભાપતિના આસન સામે આવી ગયા હતા. આને લઈને સભાપતિ ધનખડે કહ્યું હતું કે આવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. પરીક્ષાઓમાં ગેરરીતીને લઈને હોબાળો કરી રહેલા વિપક્ષને લઈને સભાપતિએ કહ્યું હતું કે, “આજના દિવસ પર ડાઘ લાગી ગયો છે, પરંપરાઓ તોડવામાં આવી છે.”

    ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

    નોંધનીય છે કે આ હોબાળાના કારણે ગૃહની બહુમુલ્ય કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સ્થગિત કરી દેવામાં આવી. બેઠક રાબેતા મુજબ થયા બાદ ભાજપના સુધાંશુ ત્રિવેદીએ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા પર પોતાની વાત આગળ વધારી. આ દરમિયાન સદનના નેતા જેપી નડ્ડાએ પણ વિપક્ષનો ઉધડો લીધો. જેવી નડ્ડાની વાત પૂર્ણ થઈ કે સભાપતિએ કહ્યું કે, “આજનો દિવસ ભારતીય સંસદના ઈતિહાસમાં એટલો દાગી (ડાઘવાળો) થઈ ગયો છે કે પ્રતિપક્ષના નેતા પોતે આસન સામે આવી ગયા છે.

    હોબાળા દરમિયાન આસન સામે આવી ચૂકેલા વિપક્ષના નેતાઓ પૈકી એક તરફ ઈશારો કરીને સભાપતિએ તેમ પણ કહ્યું હતું કે, “આપ તો એક પ્રકારે નાચી રહ્યા છો. શું આવું થવું જોઈએ?” તેમણે આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના સભ્ય સાગરિકા ઘોષને પણ તેમના વર્તનને લઈને ટકોર કરી હતી. તેમણે સાગરિકા ઘોષને કહ્યું હતું કે તમે સદનમાં હોબાળો કરવા જ આવ્યા છો.

    સભાપતિએ કહ્યું કે, “આ રીતનું વર્તન દરેક ભારતીયને દુઃખી કરે છે. પાંચ દશકાઓથી પણ વધારે સમયનો અનુભવ ધરાવતા ખડગેને વેલમાં આવતા, અમર્યાદિત આચરણ કરતા અને ખોટી સૂચનાઓ ફેલાવતા જોવા મારા માટે ખૂબ જ દુઃખદ હતું. ડેપ્યુટી લીડર પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક જેવા સિનિયર નેતા વેલમાં આવ્યા. તેમનું રાજ્યસભા બહાર આપવમાં આવેલું નિવેદન મારા માટે સહુથી વધુ પીડાદાયક છે.”

    હું પીડિત છું: સભાપતિ જગદીપ ધનખડ

    રાજ્યસભાના સભાપતિ ધનખડે આગળ કહ્યું કે, “આવું ક્યારેય નથી થયું. હું પીડિત છું, આશ્ચર્યચકિત છું. ભારતીય સંસદની પરંપરા આટલી નિમ્ન કક્ષાએ પહોંચી જશે કે પ્રતિપક્ષના નેતા આસનની સામે આવી જશે, વિપક્ષના નેતા આસન સમક્ષ આવી જશે.” આટલું કહીને તેમણે ગૃહની બેઠકને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ પહેલાં ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે, “બુધવારે સદનની કાર્ય મંત્રણા સમિતિ બેઠકમાં નક્કી થયું હતું કે રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ જ્ઞાપન પર ચર્ચા માટે 21 કલાક ફાળવવામાં આવે. તેમણે કહ્યું હતું કે આ બેઠકમાં કોંગ્રેસના ઉપ નેતા અને TMCના નેતા સામેલ હતા.

    જેપી નડ્ડાએ આગળ જણાવ્યું કે, આ પહેલા ક્યારેય ચર્ચા માટે 21 કલાક નથી ફાળવવામાં આવ્યા. બેઠકમાં સહમતી બન્યા બાદ પણ આજે સવારે કાર્યસ્થગન પ્રસ્તાવ લાવવામાં આવ્યો. એવું નથી કે નીટનો કોઈ મુદ્દો નથી, નીટનો મુદ્દો કાર્ય મંત્રણામાં ઉઠાવી શકાતો હોત, પરંતુ તેમની (વિપક્ષના નેતાઓની) મનશા જ નથી. તેમની મનશા માત્ર ગૃહની કાર્યવાહીને બાધિત કરવાની હતી.

    ફરી એક વખત ખુલી ‘જમાવટ’ના રિપોર્ટની પોલ: જે વાયરલ વિડીયોના આધારે ‘ગર્ભવતી ટેટ ઉમેદવાર’ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો દાવો કર્યો, તેમાં હકીકત જુદી જ સામે આવી!

    અગાઉ પણ અનેક વખત ફેક ન્યૂઝ ફેલાવતાં પકડાઇ ચૂકેલા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ‘જમાવટ’ પર ફરી એક ભ્રામક સમાચાર પ્રકાશિત થયા છે. આ વખતે એક વિડીયોના આધારે દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પછીથી કંઈક જુદી જ હકીકત સામે આવી. મામલો તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલન વખતેનો છે, જે ગત 18 જૂનના રોજ યોજાયું હતું. જમાવટે એક વિડીયો બતાવીને દાવો કર્યો હતો કે ગુજરાત પોલીસે એક ગર્ભવતી ટેટ પાસ મહિલા ઉમેદવાર સાથે ગેરવર્તન કર્યું હતું, પણ પછી સામે આવ્યું કે આ મહિલા ન તો ગર્ભવતી હતી કે ન ટેટ-ટાટ પાસ ઉમેદવાર. 

    20 જૂનના રોજ જમાવટની યુ-ટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો, જેનું શીર્ષક છે- ‘કોઈને નિર્જળા એકાદશી તો કોઈ ગર્ભવતી છોકરી….મારતી વખતે એક ક્ષણનો વિચાર ન કર્યો.’ શરૂઆતમાં પાંચ-છ સેકન્ડની એક ક્લિપ ચાલે છે, જેમાં બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલાને પકડીને લઇ જતી દેખાય છે અને તેનો ફોન આંચકી લે છે. 

    આ ક્લિપને બતાવીને એન્કર કહે છે કે, “આ ક્લિપમાં જે બહેન દેખાય છે તે ગર્ભવતી છે, તેમ છતાં પોલીસે તેમની સાથે બેરહેમીપૂર્વક વર્તન કર્યું. બળજબરીથી ફોન આંચકી લીધો અને વિડીયો ડિલીટ કરવા માટે પોલીસે ક્રૂરતા બતાવી છે તે કેદ થઈ ગઈ છે. પોલીસના કર્મચારીઓ આવું કોના કહેવાથી કર્યું એ ખબર નથી, પણ જે કર્યું તે બહુ ખરાબ હતું. તેઓ ઉપરથી આદેશ હતો તેમ કહીને છટકી જાય એ ન ચાલે, કારણ કે એવો આદેશ બિલકુલ ન હતો કે તમે રસ્તા પર ગર્ભવતી સ્ત્રીને મારજો.”

    ત્યારબાદ આગળ બીજી પણ ઘણી વાતો કહે છે, પરંતુ અહીં મૂળ વાત એ છે કે જે વિડીયોને લઈને હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો અને પોલીસ પર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા તેમાં જે મહિલા દેખાય છે તે ગર્ભવતી પણ નથી અને ટેટ-ટાટ પાસ ઉમેદવાર પણ નથી. આ હકીકતની પોલીસે પણ પુષ્ટિ કરી છે અને ઑપઇન્ડિયાએ જ્યારે જે-તે મહિલાના પતિનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ જ વાત જણાવી હતી. 

    વરિષ્ઠ પત્રકાર છે નિર્ણય કપૂર. સૌથી પહેલાં તેમણે આ પોલ ખોલી. X પર કરેલી એક વિસ્તૃત પોસ્ટમાં તેઓ લખે છે કે, જે મહિલા વિડીયોમાં દેખાય છે તેઓ ગર્ભવતી નથી અને ટેટ કે ટાટ પાસ ઉમેદવાર પણ નથી. તેઓ સરકારી કર્મચારી છે, આવું નિવેદન તેમણે પોલીસને હાજરીમાં આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તેઓ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે અને હાલ 6 દિવસની રજા પર હતાં. તેમના પતિ ગાંધીનગર પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા તો તેઓ પણ સાથે આવ્યાં હતાં. 

    કપૂર અનુસાર, મહિલા પતિ સાથે ગાંધીનગર ડેપો ખાતે ટેટ-ટાટ ઉમેદવારોના પ્રદર્શનમાં હાજર હતાં. ત્યારે પોલીસે આવીને આઇડી પ્રૂફ માંગ્યું તો ઓળખ છુપાવી. પોલીસે ફોન ચેક કરવા માટે માગ્યો અને ત્યારબાદ ડિટેન કરીને લઇ ગઈ. 

    સુરત ડેપોએ કરી પુષ્ટિ, મહિલાના પતિએ પણ ઑપઇન્ડિયાને હકીકત જણાવી 

    બાબતની વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ સુરત ડેપોનો સંપર્ક કર્યો. જ્યાંથી એ બાબતની પુષ્ટિ કરવામાં આવી કે જે-તે નામ ધરાવતાં મહિલા ગુજરાત સરકારના ST વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ અમે સંપર્ક કર્યો આ મહિલાના પતિનો. તેમણે પણ જણાવ્યું કે, વાયરલ વિડીયોને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સદંતર ખોટા છે. તેમનાં પત્ની એક સરકારી કર્મચારી છે અને તેમની સાથે ગાંધીનગર પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. 

    અહીં એ વાત પર ચર્ચા થઈ શકે કે ગુજરાત પોલીસે આ ઉમેદવારો સાથે જે વર્તન કર્યું તે યોગ્ય હતું કે કેમ. જોકે, એ ભૂલવું ન જોઈએ કે પોલીસે સ્થિતિ જાળવવા માટે બળપ્રયોગો કરવા પડે છે. નહીંતર પોલીસ આમ જ મૂકદર્શક બનીને બેસી રહે તો આ જ મીડિયા ચેનલો માઇક અધિકારીઓના મોંમાં ઘુસાડીને પ્રશ્ન કરવામાં લેશમાત્ર સમય બગાડતી નથી. પરંતુ હકીકત એ છે કે વિડીયોમાં મહિલાને ગર્ભવતી ગણાવવામાં આવી છે અને ટેટ-ટાટ પાસ ઉમેદવાર ગણાવાઈ છે, તે દાવા ખોટા છે. 

    પોલ ખુલી ગયા બાદ શુક્રવારે (28 જૂન) જમાવટે અન્ય એક વિડીયો મૂકીને દાવા કર્યા કે પ્રદર્શન દરમિયાન એક ગર્ભવતી મહિલા સાથે ‘ગેરવર્તન’ થયું હતું પરંતુ તે એ મહિલા નથી, જે વિડીયોમાં દર્શાવવામાં આવી રહી છે અને તે ગેરસમજના કારણે થયું હતું. તેમણે પણ સ્વીકાર્યું કે મહિલા સરકારી નોકરી કરે છે અને તેના પતિ સાથે ગાંધીનગર આવી હતી. પરંતુ અન્ય એક મહિલાને શોમાં લાવીને દાવો કર્યો કે તેઓ ગર્ભવતી છે અને તેમની સાથે પોલીસે ગેરવર્તન કર્યુ હતું, પરંતુ આ સમાચાર આપતી વખતે વિડીયોમાં ગેરસમજ થઈ અને ખોટો વિડીયો ચલાવી દેવામાં આવ્યો. 

    ‘તમામ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કરવામાં આવે તપાસ’- ઉડ્ડયન મંત્રીનો આદેશ: દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના મૃતકોના પરિવારને ₹20 લાખનું વળતર

    શુક્રવારે ભારે વરસાદ વચ્ચે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1ની છતનો એક ભાગ કાર પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને ₹20 લાખના વળતરની જાહેરાત કરી છે. તેમજ ઘાયલોને ₹3 લાખનું વળતર આપવામાં આવશે.

    ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે દેશના તમામ એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે કહ્યું કે, “હું તમને ખાતરી આપી શકું છું કે આને ખૂબ જ ગંભીર ઘટના તરીકે લેવામાં આવી છે. માત્ર આ એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના તમામ એરપોર્ટની અમે ફરીથી તપાસ કરીશું. અમે તમામ એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરીશું.”

    નવનિયુક્ત નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઘાયલોને ₹3 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી સવારે ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે, ભારે વરસાદને કારણે એરપોર્ટની બહારની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો હતો. અમે આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, આ ઘટનામાં ઘણા ઘાયલ પણ છે. અમે અત્યારે તેમની સંભાળ લઈ રહ્યા છીએ. અમે તરત જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર પ્રોટેક્શન ટીમ અને CISF, NDRFની ટીમો મોકલી. દરેક વ્યક્તિ સ્થળ પર હાજર છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે. બાકીના ટર્મિનલ બિલ્ડિંગને બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ બાબતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.”

    માલદીવનાં પર્યાવરણ મંત્રીની ધરપકડ, પદ પરથી સસ્પેન્ડ; આરોપ- રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર જાદૂટોણાં કરવાનો: ઇસ્લામી કાયદા હેઠળ થઈ શકે સજા

    પાડોશી દેશ માલદીવના પર્યાવરણ મંત્રી ફાતિમા શમનાઝ અલી સલીમ અને અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને મંત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તેમની ઉપર આરોપ છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર જાદૂટોણાં કે કાળા જાદૂ કરવાનો! મુદ્દો હાલ વિદેશી મીડિયામાં પણ ચર્ચાનું કારણ બન્યો છે. 

    ફાતિમા માલદીવ સરકારમાં પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને ઊર્જા મંત્રી હતાં. ગત 23 જૂનના રોજ તેમની અન્ય બે વ્યક્તિઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે હાલ તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. 

    હાલ માલદીવ સરકારે આ ઘટનાક્રમને લઈને કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે મંત્રીની ધરપકડ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળા જાદૂ કરવાના આરોપસર થઈ છે. પોલીસે આ રિપોર્ટને ન તો સમર્થન આપ્યું છે કે ન નકાર્યો છે. એ નોંધનીય છે કે મુસ્લિમ બહુમતી માલદીવમાં જાદૂટોણાં એ પીનલ કોડ હેઠળ ગુનાની શ્રેણીમાં આવતું નથી, પરંતુ ઇસ્લામિક કાયદા અનુસાર તેના માટે 6 મહિનાની જેલ થઈ શકે છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરવા પહેલાં સ્થાનિક પોલીસે શમનાઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા અને એવી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી, જેનો ઉપયોગ કાળા જાદૂ કરવા માટે થઈ શકે છે. જોકે, વધુ વિગતો પોલીસ કે સરકાર સત્તાવાર જાણકારી આપે તો જ સામે આવી શકશે. 

    ફાતિમા શમનાઝ અને તેનો પતિ રમીઝ બંને અગાઉ માલદીવની રાજધાની માલેની નગર પરિષદમાં સભ્ય હતાં. જ્યારે હાલના રાષ્ટ્રપતિ મુઇઝુ ત્યાં મેયર હતા. ગત વર્ષે ચૂંટણી જીત્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને સાથે શમનાઝે પણ નગર પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. જેમને પછીથી રાજ્ય મંત્રી નિમવામાં આવ્યાં અને ત્યારબાદ પર્યાવરણ મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ, તેનો પતિ રમીઝ પણ રાષ્ટ્રપતિના કાર્યાલયમાં કામ કરતો હતો, પરંતુ કહેવાય છે કે પાંચ મહિનાથી તે પણ ગાયબ છે. 

    નોંધવું જોઈએ કે આ પહેલાં પણ માલદીવમાંથી જાદૂટોણાંના કિસ્સાઓ સામે આવ્યા છે. એપ્રિલ, 2023માં એક 62 વર્ષીય મહિલાને કાળા જાદૂના આરોપમાં તેના પાડોશીઓએ મારી નાખી હતી. ત્યારપછી પોલીસે તપાસ પણ કરી, પરંતુ અંતે સામે આવ્યું કે મૃતક જાદૂટોણાં કરતી હોય તેવી કોઇ બાબત સામે આવી નહીં. 

    ‘દિલ્હી એરપોર્ટ પર જ્યાં છત તૂટી પડી, તે ટર્મિનલનું ઉદ્ઘાટન PM મોદીએ કર્યું હતું’: ઘટના બાદ કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કર્યું, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

    શુક્રવારે (28 જૂન) વહેલી સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ઘટના બની, જેમાં ટર્મિનલની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય અમુક લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ તરત કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ રાજકારણ શોધી કાઢ્યું છે અને કેન્દ્ર સરકાર પર માછલાં ધોવા માંડ્યાં છે. 

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘આ ઘટના માટે ભ્રષ્ટાચાર અને ગુનાહીત બેદરકારી જવાબદાર છે. ત્યારબાદ છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં અમુક ઘટનાઓ બની તેનો ઉલ્લેખ કર્યો, જેમાંથી અમુક એવી ઘટનાઓ પણ જોડી દીધી, જે ક્યારેય બની જ ન હતી અને કોંગ્રેસે પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો. ઉદાહરણ તરીકે, અટલ સેતુ પર તિરાડો પાડવાનો દાવો કે રામ મંદિરમાં પાણી ભરાવાનો. 

    ખડગેએ દાવો કરતાં લખ્યું કે, 10 માર્ચ, 2024ના રોજ PM નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે મોદી સરકાર પર આરોપો લગાવ્યા. 

    આ સિવાય પ્રિયંકા ગાંધીએ પણ એક પોસ્ટ કરી. જેમાં પણ દાવો કરવામાં આવ્યો કે જે ટર્મિનલની છત ધસી પડી અને એક કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું, તેનું ઉદ્ઘાટન માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગળ કહ્યું કે, ત્રણ મહિના પહેલાં PM મોદીએ જબલપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, તેની પણ છત ધસી પડી હતી. વચ્ચે અયોધ્યાને પણ લાવ્યાં અને ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા અને પૂછ્યું કે વડાપ્રધાન જવાબદારી લેશે કે કેમ. 

    આ સિવાય પણ ઘણા કોંગ્રેસ નેતાઓ અને પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે દિલ્હીમાં જે એરપોર્ટની છત ધસી પડી તેનું ઉદઘાટન પીએમ મોદીએ તાજેતરમાં જ કર્યું હતું. આરોપ એવો લગાવવામાં આવ્યો કે મોદી ચૂંટણી પહેલાં ઉદઘાટન કરી દેવા માંગતા હતા, જેથી કામમાં ઉતાવળ કરવામાં આવી, જેથી આ ઘટના માટે જવાબદાર કેન્દ્ર સરકાર છે. 

    વિપક્ષના આ આરોપો વચ્ચે પછીથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની સ્પષ્ટતા આવી. તેમણે જણાવ્યું કે, જે છત તૂટી પડી છે તેનું નિર્માણ વર્ષ 2008-09માં કરવામાં આવ્યું હતું અને પીએમ મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે ઈમારત બીજી તરફ છે. 

    મંત્રીએ કહ્યું કે, “અમે આ ઘટનાને ગંભીરતાથી લઇ રહ્યા છીએ. હું સ્પષ્ટતા કરવા માંગું છું કે PM નરેન્દ્ર મોદીએ જે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું તે બીજી તરફ છે અને અત્યારે જે બિલ્ડીંગ ધસી પડી છે, તે જૂની ઇમારત હતી, જે વર્ષ 2009માં ખુલ્લી મૂકવામાં આવી હતી.”

    નોંધવું જોઈએ કે, વર્ષ 2009ના ફેબ્રુઆરીમાં તત્કાલીન દિલ્હી સીએમ શીલા દીક્ષિતે ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ હતા. 

    રિયાઝ અને ગૌસ મોહમ્મદે 2 વર્ષ પહેલા આજે જ કાપ્યું હતું કન્હૈયા લાલનું ગળું, ન્યાયની રાહ જોતો પુત્ર હજુ પણ 3 પ્રતિજ્ઞા પર અડગઃ જેલમાં પણ આરોપીઓ રહે છે મસ્ત, અવારનવાર મળે છે પરિવાર

    તારીખ 28મી જૂન હતી. વર્ષ 2022 હતું. આ શહેર રાજસ્થાનનું ઉદયપુર હતું. માલદાસ સ્ટ્રીટ પર સુપ્રિમ ટેલર્સ પાસે બે લોકો આવે છે. કપડાંના માપ આપવા. જેવો દરજી માપ લેવાનું શરૂ કરે છે, ગ્રાહકો તરીકે ઉભેલા બે લોકો તેના પર હુમલો કરે છે. તેઓ ક્રૂર રીતે ટેલર (Kanhaiyalal Taylor Murder)નું ગળું કાપી નાચે છે.

    આ દરજીનું નામ હતું- કન્હૈયા લાલ તેલી. તેની હત્યાને બે વર્ષ થઈ ગયા છે. મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે ભાજપની પૂર્વ નેતા નુપુર શર્માને (Nupur Sharma) સમર્થન આપવા બદલ તેમની હત્યા કરી હતી. આ હત્યા (Udaipur Kanhaiyalal Murder) એ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ હત્યાની ભયાનકતા તમે એ વાત પરથી પણ સમજી શકો છો કે બે વર્ષ પછી પણ માલદાસ સ્ટ્રીટની ગલીમાં જ્યાં કન્હૈયા લાલની દુકાન હતી ત્યાં જૂનું રોનક પાછી નથી આવી.

    બીજી તરફ કન્હૈયા લાલ પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કન્હૈયા લાલનો મોટો દીકરો યશ સાહુ હજુ પણ તેના પિતાની હત્યા પછી લીધેલા ત્રણ વચનોનું પાલન કરી રહ્યો છે. યશ તેલીએ શપથ લીધા હતા કે જ્યાં સુધી હત્યારાઓને ફાંસી ન આપવામાં આવે ત્યાં સુધી તે તેના પિતાની અસ્થિનું વિસર્જન નહીં કરે. તેણે ઉઘાડપગું રહેવાની અને વાળ નહીં કાપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

    યશે એનડીટીવી રાજસ્થાનને કહ્યું, “આ મામલામાં શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ. અમને આશા હતી કે ત્રણથી છ મહિનામાં ન્યાય મળી જશે. પરંતુ 2 વર્ષ પછી પણ અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ.” યશે દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે હત્યા બાદ તપાસના કારણે તેના પિતાની દુકાન બંધ હતી. જ્યારે NIAએ તેને દુકાનની ચાવીઓ સોંપી ત્યારે તે દુકાનમાંથી સિલાઈ મશીન લઈને ઘરે આવ્યો જે તેના પિતાએ તેના જન્મ પહેલા ખરીદ્યું હતું. તે કહે છે, “જ્યારે પણ હું એ સિલાઈ મશીન જોઉં છું ત્યારે મને મારા પિતા યાદ આવે છે. એવું લાગે છે કે પપ્પા આપણી આસપાસ છે.”

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માલદાસ સ્ટ્રીટની જે ગલીમાં કન્હૈયા લાલની દુકાન હતી ત્યાં આજે પણ 10થી વધુ દુકાનો બંધ છે. વેપારીઓ હજુ પણ ડરી રહ્યા છે. આ ઘટના બાદ તેમનો ધંધો પણ ઘટી ગયો છે. NIA કન્હૈયા લાલની હત્યાની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે પીડિત પરિવારને સુરક્ષા પુરી પાડી છે. ઘરમાં 24 કલાક પોલીસ તૈનાત છે. પરંતુ કન્હૈયા લાલની પત્ની પણ નિરાશ છે કારણ કે હત્યારાઓને હજુ સુધી સજા મળી નથી. તેઓ કહે છે કે જ્યારે તે તેના પુત્રને સખત ગરમીમાં ઉઘાડપગે ડ્યુટી માટે જતા જુએ છે ત્યારે તે વ્યથિત થાય છે. હવે આ મામલે વધુ વિલંબ થવો જોઈએ નહીં. વહેલી તકે ટ્રાયલ પૂર્ણ કરીને હત્યારાઓને ફાંસી આપવામાં આવે.

    ETV ભારતના અહેવાલ મુજબ, રિયાઝ અને ગૌસ મોહમ્મદ સહિત આ કેસના 8 આરોપીઓ હાલમાં અજમેરની ઉચ્ચ સુરક્ષા જેલમાં બંધ છે. આ કેસમાં એક આરોપીને જામીન પણ મળી ગયા છે. તમામ આરોપીઓને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

    જેલ સુપ્રિટેન્ડેન્ટને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક આરોપીઓ હવે ક્યારેક તેમના ગુના પર રડવા લાગે છે. પરંતુ હજુ પણ કેટલાકની બોડી લેંગ્વેજમાં કોઈ ફેરફાર થયો નથી. આરોપીઓના પરિવારજનો પણ તેમને મળવા આવતા રહે છે.

    ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત કકડભૂસ થઈને પડી: 1નું મોત, 6 ઘાયલ, અનેક ગાડીઓને નુકશાન

    દિલ્હી એરપોર્ટના (Delhi Airport) ટર્મિનલ-1 પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે અને તેની છતનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 6થી 8 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. છતનો એક ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક કરાયેલા ઘણા વાહનો દટાઈ ગયા હતા.

    આ બાબતે દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે, “દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 (Terminal-1) પર છત તૂટી પડી હતી. ત્રણ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા તે સુનિશ્ચિત કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે કે ક્ષતિગ્રસ્ત વાહનોમાં અન્ય કોઈ ફસાઈ ન જાય.” અધિકારીઓએ જણાવ્યું કે છત સિવાય સપોર્ટ બીમ પણ પડી ગયો હતો. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ વચ્ચે આ દુર્ઘટના બની હતી.

    આ જ હરોળમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), IGI એરપોર્ટ ઉષા રંગનાનીએ કહ્યું, “સવારે 5 વાગ્યે, IGIA (ડોમેસ્ટિક એરપોર્ટ) ના ટર્મિનલ 1 ની બહારનો શેડ, જે ડિપાર્ચર ગેટ નંબર 1 થી ગેટ નંબર 2 સુધી ફેલાયેલો હતો, તૂટી પડ્યો હતો, જેમાં આસપાસ 4 વાહનોને નુકસાન થયું છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 6 ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ, CISF અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”

    દિલ્હી-NCRમાં પડી રહ્યો છે અતિભારે વરસાદ

    નોંધનીય છે કે દિલ્હી-NCR વિસ્તારમાં ગત રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તે જ રીતે વહેલી સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર આ દુર્ઘટના ઘટી હતી.

    શરૂઆતમાં જે વિડીઓ સામે આવ્યા તે ભયાવહ કરનારા હતા. છતને પકડી રાખનાર મેટલના મોટા અને ભારે બિંબ નીચે પાર્ક કરેલ ગાડીઓ પર પડતા ગાડીઓના ભૂકા બોલાઈ ગયા હતા. આવી જ એક ગાડી પર છત પડતા તેના ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું અને 6 લોકો ઘાયલ થયા છે. હાલ બચાવકાર્ય ચાલી રહ્યું છે.

    1994ના ISRO જાસૂસી કેસમાં નંબી નારાયણનને ફસાવવાનો મામલો: CBIએ 5 આરોપીઓ સામે દાખલ કરી ચાર્જશીટ; 2021માં સુપ્રીમ કોર્ટના આદેશથી શરૂ કરી હતી તપાસ

    ISROના પૂર્વ એરોસ્પેસ વૈજ્ઞાનિક નંબી નારાયણનને ખોટા આરોપોમાં ફસાવવા મામલેની તપાસ કરતી એજન્સી CBIએ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જોકે, આ વ્યક્તિઓ કોણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 

    આ ચાર્જશીટ કેરળની તિરુવનંતપુરમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. કેસ વર્ષ 1994માં ISRO જાસૂસી કેસમાં નંબી નારાયણનને ખોટી રીતે ફસાવવા મામલેનો છે, જે વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ CBI દ્વારા નોંધવામાં આવ્યો હતો અને ત્યારથી આ મામલે તપાસ ચાલી રહી હતી. આખરે આ મામલે ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2023માં આ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી દરમિયાન CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, નંબી નારાયણન પર લાગેલા આરોપો ખોટા હતા અને તેમને ફસાવવાનું એક અંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. તેમની ધરપકડ પણ ગેરકાયદેસર હતી અને જે આરોપો લગાવવામાં આવ્યા હતા તે પણ ખોટા હતા તેમ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું. 

    શું છે સમગ્ર કેસ? 

    વર્ષ 1994માં ઈસરોના વૈજ્ઞાનિક એસ નંબી નારાયણ પર ક્રાયોજેનિક એન્જીન તકનીકને માલદિવ્સની એક નાગરિક દ્વારા પાકિસ્તાનની ISIને વેચવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે કેરળ પોલીસે તેમની અને તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ડી શશિકુમારન અને કે ચંદ્રશેખર સહિતના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી. 

    કેરળ પોલીસે આઈબી ઇનપુટના આધારે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ પછીથી સીબીઆઈને કેસ સોંપવામાં આવ્યા બાદ અને એજન્સીએ તપાસ શરૂ કર્યા બાદ સામે આવ્યું હતું કે કેસ બનાવટી હતો અને નામ્બી નારાયણ સહિતના વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. CBIએ આ બાબતની જાણ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને કરી હતી અને કોર્ટે પણ રિપોર્ટને માન્ય રાખ્યો હતો અને તમામને નિર્દોષ ઠેરવ્યા હતા. 

    જોકે, ત્યારબાદ પણ કેરળની CPI(M) સરકારે આ મામલે વધુ તપાસના આદેશ આપ્યા હતા પરંતુ 1998માં સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ કરી દીધા હતા. ત્યારથી કેરળ સરકાર આ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓને છાવરતી આવી હતી. ગત એપ્રિલ 2017માં નંબી નારાયણે એક અરજી દાખલ કરીને તેમને ફસાવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની અપીલ કરી હતી. જેમાં પૂર્વ IPS આરબી શ્રીકુમાર પણ સામેલ હતા, જેમનું નામ ગુજરાત રમખાણો કેસમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરવાના કેસમાં પણ સંડોવાયેલું છે. 

    નંબી નારાયણની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની એક પેનલની રચના કરી હતી. સમિતિનો રિપોર્ટ સામે આવ્યા બાદ વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરવા માટે CBIને આદેશ આપ્યો હતો.

    સ્પીકરે લોકસભામાં ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો તો કાયમ ‘તાનાશાહી’ની બૂમો પાડતી કોંગ્રેસને વાંધો પડ્યો, પાર્ટી મહાસચિવે અધ્યક્ષને પત્ર લખીને આપ્યું ‘સંસદીય પરંપરાઓ’નું જ્ઞાન

    હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય ચૂંટણીઓ બાદ યોજાયેલા આ લોકસભાના પ્રથમ સત્રમાં સ્પીકરની ચૂંટણી પણ કરવામાં આવી, જેમાં ફરી એક વખત ઓમ બિરલાની જ જીત થઈ, જેઓ આગલી ટર્મમાં પણ સ્પીકર હતા. કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે તેમણે ઔપચારિક સંબોધન કર્યું, જેમાં તેમણે 1975માં ઇન્દિરા ગાંધીએ લાગુ કરી દીધેલી કટોકટી- ઇમરજન્સીનો પણ ઉલ્લેખ કર્યો. ઇમરજન્સી 26 જૂનથી જ લાગુ કરવામાં આવી હતી, જ્યારે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર 25 જૂનની મધ્યરાત્રિએ કર્યા હતા. 

    કોંગ્રેસને સ્પીકર દ્વારા ‘કટોકટી’નો ઉલ્લેખ કરવો પસંદ પડ્યો નથી. ગુરુવારે (27 જૂન) લોકસભા સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સ્પીકરને પત્ર લખીને આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું કે, સ્પીકરની ખુરશી પરથી આ પ્રકારની ‘રાજકીય’ વાતો કહેવી એ સંસદના ઇતિહાસમાં અગાઉ ક્યારેય થયું નથી. આગળ કહ્યું કે, નવા ચૂંટાયેલા સ્પીકર માટે જો આ બાબત પ્રાથમિકતામાં આવતી હોય તો તે વધુ ગંભીર મુદ્દો બની જાય છે. 

    વેણુગોપાલે આગળ કહ્યું કે, “સંસદીય પરંપરાનું અપમાન કરતી આવી ઘટના પર હું સમગ્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી ગહન ચિંતા અને વ્યથા વ્યક્ત કરું છું.”

    ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી એક એવો મુદ્દો છે, જેના કારણે કોંગ્રેસે છેલ્લાં 75 વર્ષમાં અનેક વખત વિપક્ષોના પ્રહારોનો સામનો કરવો પડ્યો છે. ઈન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે દેશને કટોકટી હેઠળ ધકેલી દીધો હતો અને બંધારણથી માંડીને લોકશાહીનું ચીરહરણ થયું હતું. આ બાબત લોકસભા સ્પીકરે જાહેરમાં પણ કહી અને ચિંતા વ્યક્ત કરી હતી. 

    ઓમ બિરલાએ કહ્યું હતું કે, “આ ગૃહ 1975માં દેશમાં આપાતકાલ લગાવવાના નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરે છે. તેની સાથે જ તમામ લોકોની સંકલ્પશક્તિઓની પ્રશંસા કરીએ છીએ, જેમણે ઇમરજન્સીનો પુરજોર વિરોધ કરીને ભારતના લોકતંત્રની રક્ષા કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. 25 જૂનના એ દિવસને આપણે ભારતના ઇતિહાસના એક કાળા અધ્યાય તરીકે યાદ રાખીશું.”

    તેમણે આગળ કહ્યું કે, “આ દિવસે તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં ઇમરજન્સી લગાવી અને બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણ પર પ્રચંડ પ્રહાર કર્યા હતા. ભારતની ઓળખ સમગ્ર દુનિયામાં લોકતંત્રની જનની તરીકે છે. ભારતે હંમેશા લોકતાંત્રિક મૂલ્યોનું સમર્થન કર્યું છે. તેમ છતાં ઇન્દિરા ગાંધી દ્વારા તાનાશાહી થોપી દેવામાં આવી અને લોકતાંત્રિક મૂલ્યોને કચડવામાં આવ્યાં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ઘોંટવામાં આવ્યું.” તેમણે વિસ્તૃત રીતે જણાવ્યું હતું કે, કઈ રીતે વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહે ઇમરજન્સી સામે લડેલા નાગરિકોની સ્મૃતિમાં 2 મિનીટનું મૌન પણ પાળ્યું હતું. 

    સ્પીકરના આ સમગ્ર સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદો નારાબાજી કરતા રહ્યા હતા. મજાની વાત એ છે કે આ જ કોંગ્રેસ અત્યારે તાનાશાહીની બૂમો પાડતી રહે છે, પણ જ્યારે ઇન્દિરા ગાંધીની ખરી તાનાશાહી જેવી કરુતૂતોની વાત આવે ત્યારે મોઢાં સિવાય જાય છે. 

    RSS નેતાની હત્યાના કેસમાં જેલમાં બંધ હતા PFIના 26 માણસો, 17ને કેરળ હાઈકોર્ટે ‘મૌલિક અધિકારો’ને ટાંકીને આપી દીધા જામીન: UAPA હેઠળ દાખલ થઈ ચૂકી છે ચાર્જશીટ

    તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટે પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન PFI સાથે સંકળાયેલા 17 વ્યક્તિઓને એક હત્યાના કેસમાં જામીન આપ્યા. આ તમામ ઉપર વર્ષ 2022માં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાની હત્યાનો આરોપ લાગ્યો હતો. જોકે, આ જ કેસના નવ આરોપીઓના જામીન કોર્ટે રદ કરી દીધા હતા. 

    17 આરોપીઓના જામીન મંજૂર કરતાં કોર્ટે કહ્યું કે, “કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે આરોપીઓ સામે લાગેલા આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા છે, પરંતુ કોર્ટે આ હકો પર લગાવવામાં આવતાં નિયંત્રણો નહીં પરંતુ આરોપીઓના મૌલિક અધિકારોના પક્ષમાં ઝુકાવ દાખવવો પડશે.” કેરળ હાઈકોર્ટની બે જજની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. નોંધનીય છે કે આ તમામ આરોપીઓ સામે વર્ષ 2022માં UAPA હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી છે. 

    કોર્ટે જામીન આપતાં શરતો પણ મૂકી છે. જે અનુસાર, આરોપીઓએ ટ્રાયલ કોર્ટમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાના રહેશે અને સ્પેશિયલ કોર્ટની પરવાનગી સિવાય રાજ્યની સરહદ છોડી શકશે નહીં. આ સિવાય, તેમણે NIAના અધિકારીઓને પોતાનાં સરનામાં અને ગતિવિધિઓની જાણકારી આપવાની રહેશે, તથા જ્યારે એજન્સી તપાસ માટે બોલાવે ત્યારે અચૂક હાજર રહેવું પડશે. આરોપીઓ માત્ર એક જ મોબાઈલ નંબર વાપરી શકશે અને તે NIAની GPS સિસ્ટમ સાથે જોડવાનો રહેશે, જેથી તેઓ ક્યાં ફરે છે તેની જાણકારી એજન્સી પાસે પણ રહી શકે. 

    ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ, 2022ના રોજ RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછીથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની જ એક શાખા SDPIના માણસોની સંડોવણી સામે આવી હતી. શ્રીનિવાસન પર તેમની દુકાન પાસે એક ટોળાએ હુમલો કરી દીધો હતો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. આ કેસની તપાસ પછીથી NIAએ હાથ પર લીધી હતી અને UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કટ્ટરપંથી સંગઠન PFI પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સંગઠન પર રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી ગતિવિધિઓને જોતાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેના અનેક નેતાઓ-કાર્યકરો સામે કેસ નોંધીને ધરપકડ પણ કરવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનના માણસો અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે.