Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નંબી નારાયણ સામે લાગેલા આરોપો પાયાવિહોણા, ખોટી રીતે ફસાવાયા હતા’: CBIનો ખુલાસો,...

    ‘નંબી નારાયણ સામે લાગેલા આરોપો પાયાવિહોણા, ખોટી રીતે ફસાવાયા હતા’: CBIનો ખુલાસો, કહ્યું- આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો ભાગ હતી તેમની ધરપકડ

    જાસૂસી કાંડ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર હતું અને જાણકારી લીક થવાની વાતો મનઘડત હતી: CBI

    - Advertisement -

    1994ના ઈસરો જાસૂસી કેસ મામલે તપાસ કરતી એજન્સી CBIએ કેરળ હાઇકોર્ટને જણાવ્યું છે કે એરોસ્પેસ વૈજ્ઞાનિક નંબી નારાયણ વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા હતા અને તેમને વૈશ્વિક ષડ્યંત્રના ભાગરૂપે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. 

    રિપોર્ટ્સ અનુસાર, સીબીઆઈએ કોર્ટને કહ્યું કે, જાસૂસી કાંડ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર હતું અને જાણકારી લીક થવાની વાતો મનઘડત હતી. કેરળ હાઇકોર્ટ ઈસરો જાસૂસી કાંડ મામલે ષડ્યંત્ર રચનારા આરોપીઓ દ્વારા દાખલ આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરી રહી હતી. CBIએ આ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતી દલીલો કરી હતી. 

    CBIએ એમ પણ કહ્યું કે, તેઓ મંગળવારે કેસ ડાયરી પણ રજૂ કરશે જેમાં એ બાબતના પુરાવા છે કે કઈ રીતે નંબી નારાયણની ધરપકડ તેમને જાસૂસી કેસમાં ફસાવવા માટેના એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો ભાગ હતી. એજન્સીએ આરોપીઓના જામીન ફગાવવાની માંગ કરતાં કહ્યું કે, તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી બહુ જરૂરી છે. 

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1994માં ઈસરોના વૈજ્ઞાનિક એસ નંબી નારાયણ પર ક્રાયોજેનિક એન્જીન તકનીકને માલદિવ્સની એક નાગરિક દ્વારા પાકિસ્તાનની ISIને વેચવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે કેરળ પોલીસે તેમની અને તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ડી શશિકુમારન અને કે ચંદ્રશેખર સહિતના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી. 

    કેરળ પોલીસે આઈબી ઇનપુટના આધારે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ પછીથી સીબીઆઈને કેસ સોંપવામાં આવ્યા બાદ અને એજન્સીએ તપાસ શરૂ કર્યા બાદ સામે આવ્યું હતું કે કેસ બનાવટી હતો અને નામ્બી નારાયણ સહિતના વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. CBIએ આ બાબતની જાણ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને કરી હતી અને કોર્ટે પણ રિપોર્ટને માન્ય રાખ્યો હતો અને તમામને નિર્દોષ ઠેરવ્યા હતા. 

    જોકે, ત્યારબાદ પણ કેરળની CPI(M) સરકારે આ મામલે વધુ તપાસના આદેશ આપ્યા હતા પરંતુ 1998માં સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ કરી દીધા હતા. ત્યારથી કેરળ સરકાર આ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓને છાવરતી આવી હતી. ગત એપ્રિલ 2017માં નંબી નારાયણે એક અરજી દાખલ કરીને તેમને ફસાવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની અપીલ કરી હતી. જેમાં પૂર્વ IPS આરબી શ્રીકુમાર પણ સામેલ હતા, જેમનું નામ ગુજરાત રમખાણો કેસમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરવાના કેસમાં પણ સંડોવાયેલું છે. 

    નંબી નારાયણની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની એક પેનલની રચના કરી હતી. સમિતિનો રિપોર્ટ સામે આવ્યા બાદ વર્ષ 2021માં  સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરવા માટે CBIને આદેશ આપ્યો હતો. હાલ સીબીઆઈ મામલાની તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં