Saturday, November 9, 2024
More
    હોમપેજરાજકારણસનાતન ધર્મ વિરોધી નિવેદન બદલ દેશભરમાં થયેલી FIR ક્લબ કરવા માટે સુપ્રીમ...

    સનાતન ધર્મ વિરોધી નિવેદન બદલ દેશભરમાં થયેલી FIR ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા ઉદયનિધિ સ્ટાલિન, કોર્ટે કહ્યું- પોતાની સરખામણી મીડિયા કે પત્રકારો સાથે ન કરી શકો

    સ્ટાલિનના વકીલ તરફથી રિપબ્લિક ટીવી, અર્ણબ ગોસ્વામી અને મોહમ્મદ ઝુબૈરના કેસ ટાંકવામાં આવ્યા અને માંગ કરવામાં આવી કે સનાતન વિરોધી નિવેદન માટે દેશમાં જેટલી FIR નોંધવામાં આવી છે, તેટલી એક જ ઠેકાણે ક્લબ કરવામાં આવે. 

    - Advertisement -

    સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ દેશભરમાં અનેક ઠેકાણે નોંધાયેલી FIR એક ઠેકાણે ક્લબ કરવા માટે તમિલનાડુના મંત્રી અને સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જે સુપ્રીમ કોર્ટે સ્વીકારી નથી. સ્ટાલિને અર્ણબ ગોસ્વામી, રિપબ્લિક અને મોહમ્મદ ઝુબૈરના કેસ ટાંકીને રાહત માંગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે, તેઓ રાજકારણી છે અને મીડિયા સાથે પોતાની સરખામણી કરી શકે નહીં. આ ઉપરાંત, સ્ટાલિને નૂપુર શર્માનો કેસ પણ ટાંક્યો હતો. 

    સુપ્રીમ કોર્ટે ઉદયનિધિ સ્ટાલિનની અરજી પર સોમવારે (1 એપ્રિલ) સુનાવણી હાથ ધરી હતી. દરમ્યાન, સ્ટાલિનના વકીલ તરફથી રિપબ્લિક ટીવી, અર્ણબ ગોસ્વામી અને મોહમ્મદ ઝુબૈરના કેસ ટાંકવામાં આવ્યા અને માંગ કરવામાં આવી કે સનાતન વિરોધી નિવેદન માટે દેશમાં જેટલી FIR નોંધવામાં આવી છે, તેટલી એક જ ઠેકાણે ક્લબ કરવામાં આવે. 

    આ દલીલ પર જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે નોંધ્યું કે, સ્ટાલિન પોતાની સરખામણી મીડિયા અને પત્રકારો સાથે કરી શકે નહીં અને તેમની વાત જુદી હતી. કોર્ટે કહ્યું, “અંતે તો તમે નિવેદનો પોતાની જાતે જ આપ્યાં હતાં. તમે જે કેસના સંદર્ભો આપ્યા છે તેઓ તો ન્યૂઝ-મીડિયાના માણસો હતા, જેઓ TRP મેળવવા માટે પોતાના બોસની સૂચના પણ કામ કરી રહ્યા હતા. તમે મીડિયા સાથે પોતાની સરખામણી ન કરી શકો.”

    - Advertisement -

    નૂપુર શર્માનો કેસ પણ ટાંક્યો

    આ જ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિન તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં ભાજપ નેતા નૂપુર શર્માનો પણ કેસ ટાંક્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે, નૂપુર શર્માનો કેસ પણ જુદો હતો અને વર્તમાન કેસ સાથે સરખામણી કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર પર ટિપ્પણી કર્યા બાદ દેશભરમાંથી ઇસ્લામીઓએ તેમને ધમકીઓ આપી હતી અને પછીથી ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ FIR પણ કરવામાં આવી. પછીથી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં હતાં, જ્યાં કોર્ટે FIR દિલ્હીમાં ક્લબ કરી આપી હતી. 

    જોકે, ઉદયનિધિના કેસમાં કોર્ટે સવાલ કર્યો કે સ્ટાલિને શા માટે બંધારણના અનુચ્છેદ 32 (મૌલિક હકો ભોગવવા માટે રાહત) હેઠળ અરજી દાખલ કરી અને તેમણે વાસ્તવમાં CrPCની કલમ 406 હેઠળ (કેસ અને અપીલ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટને મળતા હક) દાખલ કરવાની જરૂર હતી. કોર્ટે તેમને CrPC 406 હેઠળ અરજી દાખલ કરવા માટે આદેશ કર્યો છે અને મામલાની આગામી સુનાવણી 6 મેના રોજ મુકરર કરી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે, જેમ આ રોગોનો મૂળભૂત નાશ જરુરી છે, એમ જ સનાતન ધર્મનો પણ નાશ જરૂરી છે. તેમના આ નિવેદન બાદ દેશભરમાં ખૂબ ટીકા થઈ હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં