Thursday, April 2, 2026
More
    Home Blog Page 406

    ‘અશાંતધારો લાગુ હોવા છતાં બિનહિંદુઓ મકાન ખરીદવા કરી રહ્યા છે પ્રયત્નો’: રાજકોટની સોસાયટીના રહીશોનો વિરોધ, ઘર બહાર ‘મકાન વેચવાનું છે’નાં બોર્ડ લાગ્યાં હોવાનો વિડીયો વાયરલ

    રાજકોટના બજરંગવાડી વિસ્તારના લોકોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં બિનહિંદુઓ દ્વારા મકાન ખરીદવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ઘટનાના વિરોધમાં સ્થાનિક સોસાયટીના રહીશોએ સાગમટે ‘આ મકાન વેચવાનું છે’નાં બોર્ડ લગાવ્યાં છે. લોકોનો દાવો છે કે બિનહિંદુઓ કાવતરાં કરીને અહીં મિલકત ખરીદવા માંગે છે. રહીશોએ વિરોધ નોંધાવી રામધૂનનું પણ આયોજન કર્યું હતું.

    હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક સોસાયટી નજરે પડી રહી છે. આ સોસાયટીના લગભગ તમામ મકાનો પર ‘આ મકાન વેચવાનું છે’નાં બેનરો મારવામાં આવ્યાં છે. વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક બિનહિંદુ લોકો અહીં મકાન ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિડીયો રાજકોટના સંવેદનશીલ વિસ્તાર ગણતા બજરંગવાડીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    સમગ્ર ઘટનામાં સ્થાનિક હિંદુ રહેવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે બેનરો લગાવવા ઉપરાંત રામધૂન અને હનુમાન ચાલીસના પાઠ પણ કરવામાં આવ્યા હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં કાયદાને નેવે મૂકીને કેટલાક બિનહિંદુઓ પ્રોપર્ટી ખરીદવા માંગે છે. આ મામલે એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા જે અશાંતધારો લગાવવામાં આવ્યો છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”

    તેમણે કહ્યું કે, “અહીં આસપાસમાં તમામ વસ્તી હિંદુઓની છે અને વિધર્મીઓને મકાન આપીને અમારી એકતા અને ભરોસો તોડવાની વાતો ચાલી રહી છે. બહારના દેશોની તાકતો અમને તોડવા માટે રોકડા રૂપિયા આપીને મકાન ખરીદવા માંગે છે.” સ્થાનિક મહિલાનું નામ કહી તેઓ જણાવે છે કે, “તેમનું મકાન ખરીદવાની તૈયારી કરી દેવામાં આવી હતી, પરંતુ અમે તેનો વિરોધ નોંધાવ્યો છે. બેનરો સાથે રામધુન અને હનુમાન ચાલીસાના પાઠ વગેરે કરી રહ્યા છીએ અને આગામી સમયમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરી સહિતની જગ્યાઓ પર અમે અરજીઓ આપવાની તૈયારી કરી રહ્યા છીએ.”

    તમિલનાડુમાં બસપા પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા, ઘરની સામે જ 6 ઈસમોએ હથિયારો સાથે કર્યો હતો હુમલો: માયાવતીની કાર્યવાહીની માંગ

    તમિલનાડુના ચેન્નઈમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અધ્યક્ષની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મૃતકનું નામ કે. આર્મસ્ટ્રોંગ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 6 લોકો સામેલ હતા, જેઓ બાઈક પર આવ્યા હતા. આર્મસ્ટ્રોંગ પોતાના ઘર પાસે પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યાના તાર ગેંગસ્ટર આર્કોટ સુરેશની હત્યા સાથે જોડાયેલા હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓ ફૂડ ડિલીવરી બોય બનીને આવ્યા હતા. હત્યા સમયે આર્મસ્ટ્રોંગ સાથે રહેલા લોકો ડરીને ભાગી છૂટ્યા હતા. હુમલો કરનારા લોકોએ તેમના માથા અને ગળા પર ઊંડા ઘા માર્યા હતા.

    આ દરમિયાન તેમણે બૂમો પાડતા પરિવાર સહિત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિક દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. હાલ સેમ્બિયમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તપાસ સોંપવામાં આવી છે. બીજી તરફ આ હત્યાથી તમિલનાડુના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સત્તાપક્ષ ડીએમકે પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, “બસપા અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા મામલે અત્યારસુધી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પ્રાથમિક તપાસ છે, અમે એક ટીમ બનાવી છે જે આ મામલે તપાસ કરશે. આરોપીઓને ઝડપી લેવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. હાલ જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાશે. હત્યામાં ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

    તમિલનાડુના પાર્ટી અધ્યક્ષની હત્યા બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, “તમિલનાડુમાં બસપાના કર્મઠ તેમજ સમર્પિત નેતા અને સ્ટેટ પાર્ટી યુનિટના અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની ગઈકાલે સાંજ તેમના આવાસની બહાર હત્યા કરી દેવામાં આવી. આ જધન્ય હુમલાથી આખા સમાજમાં દુઃખ તેમજ આક્રોશ છે. સરકારે તરત જ સખત અને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ઘટનાઓને રોકી શકાય.”

    ઉલ્લેખનીય છે કે આર્મસ્ટ્રોંગ વ્યવસાયે વકીલ હતા અને તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ પદ પર હતા. વર્ષ 2011માં તેઓ સ્ટાલિન સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને દીકરી છે. ભૂતકાળમાં તેમના પર 8 જેટલા પોલીસ કેસ દાખલ થયા હતા. આ હત્યા મામલે વિપક્ષ નેતા પલાનીસ્વામીએ સરકારને ઘેરતા કહ્યું હતું કે, કોઈ રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે તેના પર શું કહી શકાય? કાયદો-વ્યવસ્થાની હાલત શરમજનક કહી શકાય. રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી.

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઇએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, DMK સરકારમાં કોઇ પણ સામાન્ય માણસના જીવનની કોઇ કિંમત નથી.

    અમદાવાદ પહોંચે તે પહેલાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ: કોંગ્રેસ નેતાના હિંદુવિરોધી નિવેદનો સામે VHP-બજરંગ દળ કાર્યકર્તાઓમાં આક્રોશ, પોલીસે કરી અટકાયત

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (6 જુલાઈ) અમદાવાદની મુલાકાતે છે. એક તરફ કોંગ્રેસીઓ તેમના આગમનને લઈને ઉત્સાહી છે ત્યાં બીજી તરફ તાજેતરમાં તેમણે સંસદ ભવનમાં હિંદુઓને લઈને આપેલા નિવેદનને લઈને હિંદુ સંગઠનો તેમનો પુરજોર વિરોધ કરી રહ્યા છે. રાહુલના આગમન પહેલાં અમદાવાદમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ આકરો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અમુકની અટકાયત કરી લીધી હતી. 

    સોશિયલ મીડિયા પર તસવીરો ફરતી થઈ છે, જેમાં હિંદુ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને રાહુલ ગાંધીનો વિરોધ કરતા જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. એક પોસ્ટરમાં રાહુલ ગાંધીને હાથમાં પ્લેકાર્ડ લઈને ઊભેલા બતાવાયા છે, જેમાં લખવામાં આવ્યું હતું- ‘મેં ફિરોજ ખાન કા પોતા હું, ઇસીલિયે હિંદુઓ સે નફરત કરતા હું.’ અન્ય અમુક પોસ્ટરોમાં રાહુલ ગાંધીનાં હિંદુઓ વિશેનાં નિવેદનો ટાંકવામાં આવ્યાં હતાં. 

    VHPના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ નારાબાજી કરીને અને પોસ્ટરો લહેરાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. જોકે, અગાઉથી જ વિરોધ પ્રદર્શનનાં ઇનપુટ મળ્યાં હોવાના કારણે વહેલી સવારથી જ અમદાવાદ પોલીસે કાફલો ખડકી દીધો હતો. જોકે, પછીથી પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન પણ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. 

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ કરતી વખતે હિંદુઓને ટાર્ગેટ કર્યા હતા. ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” આ વિવાદિત સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ વચ્ચે હસ્તક્ષેપ કરીને કહેવું પડ્યું હતું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવો એ યોગ્ય નથી. પછીથી ગૃહમંત્રી શાહ સહિત અન્ય સાંસદોએ પણ રાહુલને ફટકાર લગાવી હતી. 

    બીજી તરફ, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તે રાત્રે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે કોંગ્રેસીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે સ્થિતિ વણસી હતી. પછીથી આ મામલે કોંગ્રેસ કાર્યકરો સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી આ 5 કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ મળશે. ઉપરાંત, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે.

    ઈરાનમાં સત્તા પરિવર્તન, કટ્ટરપંથી જલીલીને હરાવીને સુધારાવાદી મસૂદ પેઝેશ્કિયને જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી: હિજાબ-ઈન્ટરનેટ સંબંધિત નિયંત્રણો હળવાં થવાનાં એંધાણ

    2024નું વર્ષ એવું છે, જેમાં અડધી દુનિયા ચૂંટણીપ્રક્રિયા હેઠળથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચૂંટણી ગઈ. શુક્રવારે (5 જુલાઈ) જ બ્રિટનમાં પરિણામો જાહેર થયાં. નવેમ્બરમાં અમેરિકાની પણ ચૂંટણી યોજાનાર છે. દરમ્યાન તાજેતરમાં ઇરાનમાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી (Iran Presidential Election) યોજાઇ ગઈ, જેનાં પરિણામો પણ સામે આવી ગયાં છે. ઈરાનમાં આ વખતે સત્તામાં મોટું પરિવર્તન આવ્યું છે અને સુધારાવાદી તરીકે ઓળખાતા મસૂદ પેઝેશ્કિયનની (Masoud Pezeshkian) જીત થઈ છે. તેમના કટ્ટરપંથી હરીફ ઉમેદવાર સઈદ જલીલીને હરાવીને તેઓ ઈરાનના આગલા રાષ્ટ્રપતિ બન્યા છે. 

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પેઝેશ્કિયનને 53.3% મત મળ્યા હતા, જ્યારે જલીલીને 44.3% મતો મળી શક્યા. ઈરાનની ઈન્ટીરિયર મિનિસ્ટ્રી (ભારતમાં ગૃહમંત્રાલય સમકક્ષ) દ્વારા પરિણામોની આધિકારિક જાહેરાત પણ કરી દેવામાં આવી છે.  

    ગત મે મહિનામાં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 28 જૂનના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઇરાનની ક્રાંતિ પછી (1979) સૌથી ઓછું મતદાન (લગભગ 40%) નોંધાયું હતું. પ્રથમ તબક્કામાં પણ પેઝેશ્કિયન આગળ હતા પરંતુ કોઇ ઉમેદવારને બહુમતી મળી ન હતી. જેથી પ્રથમ બે ઉમેદવારો વચ્ચે બીજા તબક્કામાં ફરી ચૂંટણી યોજાઈ, જેનું મતદાન 5 જુલાઇના રોજ થયું. આખરે 6 જુલાઇની સવારે પરિણામો ઘોષિત કરવામાં આવ્યાં. 

    ઈરાનમાં કુલ 6.1 કરોડ મતદારો છે, જેમાંથી 3 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જે આજ સુધીની સૌથી ઓછી મતદાનની ટકાવારી છે. પેઝેશ્કિયનને ચૂંટણીમાં 1.7 કરોડ મતો જ્યારે હારેલા ઉમેદવાર જલીલીને 1.3 કરોડ મત મળ્યા. 

    નોંધવું જોઈએ કે ઇરાનમાં રાષ્ટ્રપતિની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવે છે. તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. છેલ્લે 2021માં ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી, જેથી કાર્યકાળ જૂન 2025માં પૂર્ણ થતો હતો, પરંતુ મે, 2024માં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના આકસ્મિક અવસાન બાદ તાત્કાલિક ચૂંટણી યોજવી પડી. 

    ઈરાનમાં રાષ્ટ્રપતિ સરકારના વડા છે અને બીજું સર્વોચ્ચ પદ છે. ‘હેડ ઑફ સ્ટેટ’ તરીકે (ભારતમાં હેડ ઑફ સ્ટેટ જેવી રીતે રાષ્ટ્રપતિ હોય છે) ત્યાં સુપ્રીમ લીડર હોય છે, જે પદે હાલ આયોતુલ્લાહ અલી ખુમૈની છે. આ પદનો કાર્યકાળ નક્કી હોતો નથી. પદ ધરાવનાર વ્યક્તિના નિધન બાદ નવી નિમણૂક કરવામાં આવે છે. જોકે, તેના માટે ચૂંટણી થતી નથી અને 11 સભ્યોની એક સમિતિ નક્કી કરે છે. કહેવાય છે કે આગલા સુપ્રીમ લીડરનું નામ નક્કી થઈ ગયું છે, પરંતુ સત્તાવાર જાહેરાત ક્યાંય કરવામાં આવી નથી. 

    કોણ છે મસૂદ પેઝેશ્કિયન?

    વાત મસૂદ પેઝેશ્કિયન કરવામાં આવે તો તેમને સુધારાવાદી નેતા માનવામાં આવે છે. વ્યવસાયે હાર્ટ સર્જન એવા આ નેતા 2008થી ઈરાનની સંસદમાં સભ્ય છે. 2016થી 2020 સુધી તેઓ ઇરાનની સંસદમાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેઓ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2011 અને 2021માં પણ તેમણે ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ 2011માં ઉમેદવારી પરત ખેંચી હતી અને 2021માં ડિસ્કવોલિફાય થયા હતા.

    પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવાના પક્ષમાં

    નવા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો બનાવવાના પક્ષમાં રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જો તેઓ સત્તા પર આવશે તો 2015ની ન્યુક્લિયર ડીલ પર કામ કરશે, જે હેઠળ ઇરાને પોતાના પરમાણુ સંવર્ધન કાર્યક્રમને સીમિત કરવાની સહમતિ દર્શાવી હતી અને તેના બદલામાં પશ્ચિમી દેશોએ અમુક નિયંત્રણોમાં ઢીલ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ, જલીલી આ ડીલના સંદર્ભમાં એ મત ધરાવતા હતા કે જે સ્થિતિ હાલ છે તેને જાળવી રાખવામાં આવે. કટ્ટરપંથી વિચારધારા ધરાવતા જલીલીને પશ્ચિમી દેશોના વિરોધી માનવામાં આવે છે. 

    પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે લોકો કટ્ટરપંથીઓથી નારાજ હતા અને અનુમાન હતું કે ઉમેદવારોમાં કોઈ વધુ પસંદગીના વિકલ્પો ન હોવાના કારણે જલીલી જ સત્તા પર આવશે અને કોઇ ખાસ પરિવર્તન જોવા નહીં મળે. પરંતુ પ્રથમ તબક્કામાં સુધારાવાદી ઉમેદવારને બઢત મળતાં બીજા તબક્કામાં થોડું મતદાન વધ્યું હતું, જેથી તેમને બહુમતી મળે અને કટ્ટરપંથીઓ સત્તામાંથી બહાર રહે. જોકે, પેઝેશ્કિયને પણ ચૂંટણી પહેલાં જ વચન આપ્યું હતું કે તેઓ ઈરાનના શિયા ધર્મતંત્રમાં કોઈ ફેરફાર નહીં કરે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાનના સુપ્રીમ લીડરને જ દેશને લગતી તમામ બાબતોના અંતિમ મધ્યસ્થી તરીકે સ્વીકારે છે. 

    હિજાબ વિવાદ વખતે જાહેરમાં લીધું હતું સ્ટેન્ડ

    2022માં ઇરાનમાં હિજાબને લઈને મોટાપાયે વિવાદ સર્જાયો હતો. મહસા અમીની નામની એક યુવતીને માત્ર હિજાબ સરખો ન પહેરવા બદલ કસ્ટડીમાં મારી નાખવામાં આવી હતી, ત્યારબાદ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ સરકારે કોઇ મચક ન આપીને હિજાબના નિયમો વધુ કડક બનાવ્યા હતા. તે સમયે પેઝેશ્કિયને જાહેરમાં કહ્યું હતું કે, ઈસ્લામિક શાસનમાં હિજાબ માટે એક યુવતીની ધરપકડ કરીને પછી તેના પરિવારને મૃતદેહ સોંપી દેવો એ ક્યારેય પણ સ્વીકાર્ય ન હોય શકે. 

    ચૂંટણી અગાઉ ટેલિવિઝન ડિબેટ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ પ્રતિબંધો હળવા કરશે તેમજ મહિલાઓને ફરજિયાત હિજાબ પહેરવા માટેના નિયમનું પાલન કરાવવા માટે થતા પોલીસ પેટ્રોલિંગ પર સંપૂર્ણપણે રોક લગાવી દેશે. તેમણે કહ્યું હતું કે, “આપણે આપણાં વર્તન, વધુ મોંઘવારી, મહિલાઓ સાથેના આપણા વ્યવહાર અને ઈન્ટરનેટ પ્રતિબંધ વગેરે બાબતોના કારણે સમાજ પરથી પકડ ગુમાવી રહ્યા છીએ. જેની ઉપર કામ કરવાની જરૂર છે.” જોકે, નોંધવું જોઈએ કે ઇરાનમાં નીતિગત બાબતો ઉપર અંતિમ નિર્ણય મોટેભાગે સુપ્રીમ લીડરની ઇચ્છાથી વિપરીત થતા નથી, પરંતુ સરકારના વડા તરીકે રાષ્ટ્રપતિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 

    ફરી વિવાદમાં TMC સાંસદ મહુઆ મોઈત્રા, મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્મા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ FIR દાખલ કરવાની NCWની માંગ

    અવારનવાર વિવાદોમાં રહેતાં મમતા બેનર્જીની પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર વિવાદોમાં સપડાયાં છે. તાજેતરમાં જ તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ મહિલા આયોગે આકરી પ્રતિક્રિયા આપતાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR કરવાની માંગ કરી છે. આયોગે આ મામલે કહ્યું હતું કે આ મહિલાઓના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. આયોગે પોલીસને કાર્યવાહી કરીને આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા પણ જણાવ્યું છે.

    મહિલા આયોગે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “રાષ્ટ્રીય મહિલા આયોગે સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા આયોગના અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનું સ્વયં સંજ્ઞાન લીધું છે. આ અભદ્ર ટિપ્પણી અપમાનજનક અને મહિલાઓના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. આયોગને નોંધ્યું છે કે આ ટિપ્પણી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 79 અંતર્ગત આવે છે. મહિલા આયોગ આ અપમાનજનક ટિપ્પણીની આકરી નિંદા કરે છે અને મહુઆ મોઇત્રા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કરે છે. તેમના વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ અને આગામી 3 દિવસમાં આયોગને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ હાથરસના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાછળ છત્રી લઈને ચાલી રહ્યો હતો. તેવામાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઈ ગયો હતો અને કેટલાક યુઝરે પૂછ્યું હતું કે તેમણે છત્રી પોતે કેમ નથી પકડી.

    PTIએ પોસ્ટ કરેલા વિડીયોને ક્વોટ કરીને પછીથી ‘પત્રકાર’ નિધિ રાઝદાને એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘તેઓ પોતાની છત્રી પોતે કેમ નથી પકડી શકતાં’? જવાબમાં મહુઆ મોઈત્રાએ ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, “તેઓ પોતાના બોસનો પાયજામો પકડવામાં વ્યસ્ત છે, માટે.”

    મોઈત્રાની આ હરકત બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ એક્શનમાં આવ્યું છે અને તેમની કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ મહુઆને જાણે તેનાથી કશો જ ફર્ક ન પડતો હોય તેમ વર્તી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શૅર કરીને પ્રતિક્રિયા આપી છે.

    મહુઆ મોઇત્રાએ લખ્યું હતું કે,” કમ ઓન, દિલ્હી પોલીસ આ સુઓમોટો આદેશ પર તરત કાર્યવાહી કરો. હું નાદિયામાં છું, જો તમને આગામી ત્રણ દિવસમાં ધરપકડ કરવાની જરૂર પડે તો હું તરત ધરપકડ કરવી લઈશ.” આ સાથે જ તેમણે ફરી એક વાર મહિલા આયોગના પ્રમુખ પર કટાક્ષ કરતા લખ્યું હતું કે,”મારી છત્રી હું જાતે પકડી શકું છું.” જોકે, પછીથી મહુઆ મોઈત્રાની પણ અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેમાં તેઓ મીડિયા સાથે વાત કરતાં જોવા મળે છે અને છત્રી કોઇ બીજા વ્યક્તિએ પકડી છે.

    નેત્રોત્સવ, ગજરાજ પૂજન અને ધ્વજારોહણ સંપન્ન, રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં: 15000 પોલીસ જવાનોએ રૂટ પર કર્યું રિહર્સલ, છાવણીમાં ફેરવાયું અડધું અમદાવાદ

    અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. મહાપર્વને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાનના મંદિરમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રા પૂર્વે ભગવાનની નેત્રોત્સવ વિધિ પણ કરવામાં આવી. આ સાથે ગજરાજ પૂજન, ધ્વજારોહણ સહિતની વિધિઓ પણ સંપન્ન કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ સુરક્ષાની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહી છે. લગભગ 23 હજાર પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે રથયાત્રા થવા જઈ રહી છે, ત્યારે યાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરીને ફૂટ માર્ચ પણ કરવામાં આવી.

    રથયાત્રા પૂર્વે શુક્રવારે (5 જુલાઈ, 2024) ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આંખો પર પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન અનુસાર આ અનુષ્ઠાનને પૂર્ણ કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે કેરી અને જાંબુનું સેવન કરવાથી ભગવાનની આંખમાં ચેપ લાગે છે અને તેથી આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ સાથે જ ભગવાનની મૂર્તિઓનું રત્નદેવી પર સ્થાપન કરી દેવામાં આવ્યું છે.

    શા માટે કરવામાં આવે છે નેત્રોત્સવ વિધિ?

    અમદાવાદમાં યોજાતી રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં સરસપુર ખાતે છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા કેરી, જાંબુ અને મીઠાઈ સહિતની વાનગીઓ વધુ માત્રામાં આરોગે છે અને તેના કારણે તેમની આંખમાં ચેપ લાગે છે. ભગવાનને આંખો આવે અને તેઓ અમાસને દિવસે મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. ભગવાનને આંખમાં ચેપ લાગેલો હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. ભગવાન જેવા મંદિરે પરત ફરે કે તરત જ નેત્રોત્સવ વિધિ કરીને તેમની આંખો પર કાળા પાટા બાંધી દેવામાં આવે છે.

    બીજી તરફ ગજરાજ પૂજનની વિધિ પણ સંપન્ન કરી દેવામાં આવી છે. યાત્રા પૂર્વે ભગવાન ગણપતિના સ્વરૂપમાં ગજરાજનું પૂજન કરવામાં આવે છે. જે મુજબ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણપતિનું આહ્વાન કરવામાં આવે છે, તે મુજબ જ ભગવાન ગણપતિને રથયાત્રાનું આમંત્રણ આપવા માટે ખાસ ગજરાજપૂજન કરવામાં આવે છે. આ માટે સંતો-મહંતો દ્વારા ગજરાજનું (હાથી) વિધિવિધાન અનુસાર પૂજન કરવામાં આવે છે. બીજી તરફ ભગવાનના નિજમંદિરનું ધ્વજારોહણ પણ કરી દેવામાં આવ્યું છે. મંદિરમાં ભવ્ય ભંડારાઓ આયોજિત કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાહવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

    પોલીસ દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે

    ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, તેવામાં અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અંદાજે 23 હજાર પોલીસ જવાનોને રથયાત્રાના બંદોબસ્તમાં લગાવવામાં આવ્યા છે. રથયાત્રાના મુખ્ય રૂટ પર પોલીસે રિહર્સલ કરી દીધું છે. આખા રૂટ પર લગભગ 1400થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના દ્વારા આખી યાત્રા પર બાઝ નજર રાખવામાં આવશે. આ કેમેરાનું લાઈવ સ્ક્રિનિંગ DG ઓફિસમાં કરવામાં આવશે, જ્યાંથી યાત્રાની તમામ બાબતો પર નજર રાખવમાં આવશે.

    આખી રથયાત્રાનો રૂટ 22 કિલોમીટર લાંબો છે, ત્યારે વિવિધ પોઈન્ટ ઉભા કરીને ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, CRPF એ QRTએ આખા રૂટ પર એક ગ્રાન્ડ રિહર્સલ પણ કર્યું, રિહર્સલમાં 15000થી પણ વધુ પોલીસ જવાનો સામેલ કરવામાં આવ્યા હતા. સાથે જ ભગવાનના મોસાળ એવા સરસપુરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ભગવાનના મામાના ઘરે મામેરા સહિતની વિધિને લઈને અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓના બેઠકના દોર શરૂ છે, તો ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીએ રથયાત્રા મુદ્દે બેઠક કરી હતી.

    બ્રિટન ચૂંટણી: ચૂંટણી અગાઉ ભારત પ્રત્યે નફરત દર્શાવનાર માર્કો ભારતીય મૂળનાં જ ઉમેદવાર સામે હાર્યા, 2022માં જ્યાં થઈ હતી હિંદુવિરોધી હિંસા ત્યાં હિંદુ ઉમેદવાર શિવાની રાજાની જીત

    બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કટ્ટર હરીફ માનવામાં આવતી લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. કિએર સ્ટારમર હવે બ્રિટનના આગામી વડાપ્રધાન હશે, જેઓ ભારતીય મૂળના ઋષિ સુનકનું સ્થાન લેશે. પરંતુ મહત્વનું એ પણ છે કે આ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વાર ભારતીય મૂળના હિંદુ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. ભારત પ્રત્યે નફરત દર્શાવનારા અને જે જગ્યાએ હિંદુ વિરોધી હિંસા થઈ અને જ્યાંના ઉમેદવારો પાકિસ્તાન સમર્થક હતા તેમની હાર થઇ છે અને તે બેઠકો પર હિંદુ ઉમેદવારો જીત્યા છે.

    પહેલા વાત કરીએ ડડલે બેઠકની. તો અહીં કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમોનું સમર્થન માંગનાર કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર માર્કો લોન્ગી હારી ગયા છે. તેમને લેબર પાર્ટીના અને ભારતીય મૂળના ઉમેદવાર સોનિયા કુમારે હરાવ્યા છે. લોન્ગીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન હિંદુ, ભાજપ, વડાપ્રધાન મોદી અને કાશ્મીરના મુદ્દાઓ પર ઝેર ઓકીને વોટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

    જોકે તેમનો આ કીમિયો કામ ન લાગ્યો અને આ વખતે સોનિયા કુમારે તેમને 1900 મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં સોનિયાને કુલ 12,215 મત મળ્યા હતા, તો માર્કો લોન્ગીને માત્ર 10,315 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. માર્કોએ આ ચૂંટણીમાં ભારતને ટાર્ગેટ કરીને મત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે તેમણે 17 જુલાઈ 2024ના રોજ એક પત્ર પણ જાહેર કર્યો હતો. આ પત્રમાં તેમણે હિંદુ ઘૃણા અને ભારતવિરોધી પ્રચાર કર્યો હતો. પત્રમાં તેમણે કાશ્મીરને પણ મુદ્દો બનાવ્યો હતો.

    તેમણે પત્રમાં ઈદ-અલ-અઝહાની મુબારક આપતાં લખ્યું હતું કે, ભારતમાં ભાજપ ફરી જીતી ગયું છે અને તેનો અર્થ તે થયો કે આવનાર સમય ‘કાશ્મીરના લોકો માટે કપરો સમય’ હશે. તેમણે લખ્યું કે, “નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા જઈ રહ્યા છે. તેનો સીધો અર્થ તે થશે કે કાશ્મીરીઓના તમામ અધિકારો પૂર્ણ થઈ જશે.” તેમણે મુસ્લિમ મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે જો તેઓ તેમને ચૂંટણી જીતાડશે તો તેઓ વધુ ઉગ્રતાથી સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. જોકે તેમનો આ કીમિયો કારગર ન નીવડ્યો અને તેમને હારનો સામનો કરવો પડ્યો. જે બેઠક પર તેમને હાર મળી છે ત્યાં 50% ખ્રિસ્તી, 6% મુસ્લિમ અને 2% શીખો વસે છે. અહીં હિંદુઓની વસતી માત્ર 1% જેટલી જ છે.

    જ્યાં હિંદુ વિરોધી હિંસા, તે લિસેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નીડર હિંદુ ઉમેદવાર વિજેતા

    એક તરફ લેબર પાર્ટીએ આખા બ્રિટનમાં બહુમતી મેળવી છે, પરંતુ લિસેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના હિંદુ ઉમેદવાર શિવાની રાજાને જીત મળી છે. તેમણે લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને હરાવ્યા છે. આ ભારતીય મૂળના વિજેતા ઉમેદવાર પોતાને ‘નીડર હિંદુ’ તરીકે ઓળખાવે છે. આ એ જ લિસેસ્ટર છે જ્યાં વર્ષ 2022માં હિંદુ વિરોધી હિંસા થઇ હતી.

    ચૂંટણીમાં શિવાની રાજાને 14,526 મત મળ્યા, જ્યારે રાજેશ અગ્રવાલને માત્ર 10,100 જ મત મળ્યા હતા. આ સિવાય લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઝુફ્ફર હકને 6329 મત મળ્યા હતા. આ બેઠક જીતવી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક છે. અહીં પાર્ટીને 37 વર્ષ બાદ જીત મળી છે. આ બેઠક પર સતત લેબર પાર્ટીનો જ કબજો રહ્યો છે. અહીંથી વિજેતા શિવાની લિસેસ્ટરમાં જન્મેલા પ્રથમ પેઢીના બ્રિટીશ નાગરિક છે અને તેઓ દ્રઢ હિંદુ છે.

    તેઓ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીથી ભણ્યાં છે અને ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેઓ અવારનવાર હિંદુ ધાર્મિક આયોજનોમાં સામેલ થતાં રહે છે. તાજેતરમાં જ તેમણે એક સ્થાનિક હિંદુ મંદિરના 50 વર્ષ પૂર્ણ થયાના સમારોહમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત કથાકાર ગીરીબાપુની કથાના આયોજનમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં.

    આ બેઠક પર હારી ગયેલા અપક્ષ ઉમેદવાર ક્લાઉડિયા વેબે ગયા વર્ષે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓ અને તેમના એક બનાવટી ‘લોકમત સંગ્રહ’ને ટેકો આપ્યો હતો. આ સમય દરમિયાન લંડનમાં ભારતીય હાઈકમિશન પર પણ ખાલિસ્તાનીઓના ટોળાએ હુમલો કર્યો હતો. તેમને મિશેલ મેરિટ નામની મહિલાને 18 મહિના સુધી હેરાન કરવા બદલ પણ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લેબર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

    હિંદુ ઉમેદવાર શિવાની રાજાની જીત આ ક્ષેત્રની ડેમોગ્રાફી અને તાજેતરના ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. લિસેસ્ટર 2022માં હિંદુઓ વિરુદ્ધ હિંસાનું કેન્દ્ર હતું, ત્યારબાદ આ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. આ તણાવ બાદ જૂના મુદ્દાઓ બહાર આવ્યા હતા. શિવાની રાજાની જીત બાદ અહીં હિંદુઓના પ્રશ્નોનો ઉકેલ આવે તેવી આશા સ્થાનિકો અને ખાસ કરીને હિંદુઓને બંધાઈ છે.

    ‘બે કેન્દ્રો ઉપર ગેરરીતિ થઈ હતી, સમગ્ર પરીક્ષા રદ કરવાનું ઔચિત્ય નથી’: NEET UG મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું, કહ્યું- તેમ કરવાથી લાખો વિદ્યાર્થીઓને નુકસાન જશે

    NEET UG પેપર લીકને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે પરીક્ષામાં ગેરરીતી થઈ છે, પરંતુ તે અમુક ઠેકાણાં પૂરતી છે અને તેના કારણે પરીક્ષા રદ કરવી યોગ્ય નથી. ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. સરકારે જણાવ્યું કે, મોટાપાયે ગેરરીતી થઈ હોવાના પુરાવા વગર પરીક્ષા રદ કરીને આખા દેશમાં ફરીથી યોજવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. 

    શુક્રવારે (5 જુલાઈ) કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, “દેશભરમાં પરીક્ષા દરમિયાન મોટાપાયે ગેરરીતી થઈ હોય તેના પુરાવા વગર, આખી પરુક્ષ જ રદ કરવી એ તર્કસંગત નહીં હોય અને પરિણામો પણ જાહેર કરવામાં આવી ચૂક્યાં છે. આગળ જણાવવામાં આવ્યું કે, “મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોઇ પણ પ્રકારની ગેરરીતી વગર પરીક્ષા આપી છે, તેમનાં હિતો સાથે કોઇ સમાધાન ન થાય તે પણ જોવાનું રહે છે.”

    જોકે સરકારે સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વર્તમાન કેસને પ્રતિકૂળ રીતે લઇ રહ્યા નથી અને NEET UG 2024ની પરીક્ષા આપનાર ઉમેદવારોની ચિંતાને સમજે છે અને તે વ્યાજબી છે. પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લેતાં પરીક્ષ રદ કરવી જોઈએ નહીં. સાથે સરકારે એ પણ ધ્યાન દોર્યું હતું કે મામલાની તપાસ CBIને આપવામાં આવી છે તેમજ સરકારે પણ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે, જે NTA દ્વારા લેવાતી પરીક્ષાઓમાં વધુ અસરકારકતા અને પારદર્શિત લાવવા માટે ભલામણો કરશે. આ સાથે કેન્દ્ર સરકારે પેપર લીક વિરોધી કાયદો પણ અમલમાં મૂક્યો હોવાનું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું. 

    આ જ મામલે NTA દ્વારા પણ એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં પણ જણાવવામાં આવ્યું કે, પરીક્ષાઓ રદ કરવી એ જાહેરહિતમાં નહીં હોય અને ગેરરીતી માત્ર પટના અને ગોધરા જેવાં કેન્દ્રોમાં જ જોવા મળી છે. આગળ કહેવામાં આવ્યું કે, NTAનો ડેટા જણાવે છે કે ક્યાંક છૂટીછવાયા ગેરિટીના કિસ્સા બન્યા હોય તો તેનું જોડાણ જે કેસ ચાલી રહ્યો છે તે નેટવર્ક સાથે હોવાનું જાણવા મળ્યું નથી કે તેનાથી પરીક્ષાને અસર થઈ નથી. 

    ઉલ્લેખનીય છે કે 4 જૂનના રોજ NEET UGનાં પરિણામો જાહેર થયા બાદ વિવાદ ચાલી રહ્યો છે, જે આખરે કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકાર અને NTAને એફિડેવિટ દાખલ કરીને જવાબ માગ્યો હતો, જે રજૂ કરવામાં આવ્યો. હવે 8 જુલાઇના રોજ કોર્ટ આગલી સુનાવણી હાથ ધરશે. 

    હાથરસમાં મૃતકોના પરિવારને મળવા પહોંચેલ રાહુલ ગાંધીની તમિલનાડુ લઠ્ઠાકાંડના પીડિતો જોઈ રહ્યા છે 15 દિવસથી રાહ: રાજ્યમાં સત્તાપક્ષ જોઈને આંસુ સારતા કોંગ્રેસ નેતા

    છેલ્લા પંદર દિવસમાં દેશમાં એવી 2 મોટી દુર્ઘટનાઓ ઘટી જેમાં અઢળક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પ્રથમ ઘટના DMK અને કોંગ્રેસના ગઠબંધન શાસિત તમિલનાડુની છે, જ્યાં ઝેરીલો દારુ (લઠ્ઠો) પીવાથી 65થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી ઘટના છે ઉત્તર પ્રદેશના હાથરસની (Hathras), અહીં એક સત્સંગના કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં 130 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે આ બંને ઘટનાઓ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાથરસના પીડિતોને ગળે વળગાળી રહેલા રાહુલ ગાંધીના તમિલનાડુ લઠ્ઠાકાંડ પીડિત પરિવારો તરફ આંખ આડા કાન નજરે પડી રહ્યા છે.

    તમિલનાડુમાં લઠ્ઠાકાંડ અને કોંગ્રેસ મૌન, CBI તપાસનો વિરોધ

    પ્રથમ વાત કરીએ તમિલનાડુના લઠ્ઠાકાંડની, તો કોંગ્રસ અને ડીએમકેના ગઠબંધનની સરકારવાળા આ રાજ્યમાં આવેલા કલ્લાકુરિચ (Kallakurichi) જિલ્લાના કરુણાપુરમ (Karunapuram) ગામે લઠ્ઠાકાંડ થયો હતો. ઝેરી દારુ પીવાના કારણે અત્યાર સુધી 65 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 120થી વધુ લોકો ઝેરી દારુ પીવાના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. જેમને આ ઝેરી દારૂની અસર થઈ, તેમની હજુ પણ સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને આખા દેશમાં સોંપો પડી ગયો છે.

    કોંગ્રેસ અને DMKના ગઠબંધનવાળી સરકારે તપાસના આદેશ આપ્યા અને અત્યાર સુધી કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં અવી. તાજી માહિતી અનુસાર તાજેતરમાં જ કુડ્ડાલોરના એક પેટ્રોપ પંપ પાસેથી 2000 લીટર કેમિકલ મળી આવ્યું છે, જેમાંથી ઝેરી દારુ બનાવવામાં આવે છે. લોકલ CB-CID તપાસ કરી રહી છે અને CBI તપાસની માંગ ઉઠી રહી છે, પરંતુ તમિલનાડુની સરકારે આ મામલે CBI તપાસનો વિરોધ કર્યો છે. સરકારે બુધવારે (4 જુલાઈ 2024) મદ્રાસ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે એવી કોઈ જ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે તપાસ CBIને સોંપવામાં આવે.

    કોંગ્રસ અહીં ગઠબંધનમાં હોવા છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પણ વાર તમિલનાડુ તરફ દ્રષ્ટિ નથી કરી. મૃતકોના પરિવારને સાંત્વના તો દૂર, એક સામાન્ય ટ્વિટ કરીને શોક પણ પ્રકટ નથી કર્યો. કોંગ્રેસ તરફે કોઈપણ પ્રતિક્રિયા સામે ન આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પ્રતિક્રિયા આપવા કહ્યું છે, તેમણે પત્રમાં લખ્યું છે કે, “મને આશ્ચર્ય થાય છે કે આપના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીએ આવડી મોટી આપદા વચ્ચે મૌન ધારણ કરી રાખ્યું છે. કેટલાક મુદ્દા પર આપણે પાર્ટીથી ઉપર ઉઠવાની આવશ્યકતા છે.”

    ઉત્તર પ્રદેશના હાથરસની દુર્ઘટના, યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ

    બીજી ઘટના છે, ઉત્તર પ્રદેશના હાથરસની. ગત મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં એક ‘ભોલે બાબા’ના (Bhole Baba) મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

    થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ 130થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

    આ સમગ્ર મામલે કૂલ 22 આયોજકો સામે FIR નોંધવામાં આવી છે. તેમાં મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકરનું નામ પણ સામેલ છે. બાકીના તમામ લોકો અજ્ઞાત છે.’ ‘માનવધર્મ’માં માનનારા ભોલે બાબા ઘટના બાદથી જ ફરાર છે. મોડી રાત્રે પોલીસે બાબાના આશ્રમો પર દરોડા પાડયા હતા પરંતુ તેઓ મળ્યા નહોતા. દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ રાતભર તેની શોધમાં દરોડા પાડતી રહી હતી. બીજી તરફ એક સ્થાનિક વકીલે હાઈકોર્ટમાં અરજી કરીને CBI તપાસની માંગણી કરી છે.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત આખી ઘટના પર નજર રાખી રહ્યા છે. ઉચ્ચ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ક્યાય પણ બાંધછોડ ન કરવામાં આવે.

    હાથરસના પીડિતોને ખભો આપવા ગયેલા રાહુલ ગાંધીને તમિલનાડુના મૃતકો ન દેખાયા?

    આ બંને ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. બંને ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને અને અનેક પરિવારો ઉઝડ્યા છે. પરંતુ વિપક્ષ આવી દુઃખદ ઘટનામાં પણ જાણે પક્ષપાત કરી રહ્યો છે. કોંગ્રેસ અને DMKના ગઠબંધનવાળા રાજ્ય તમિલનાડુમાં ઝેરી દારુ પીવાના કારણે જે લોકો મોતને ભેટ્યા છે, વિપક્ષે તેની ભાળ લેવાનું તો દૂર, સાચો-ખોટો દિલાસો પણ નથી આપ્યો. બીજી તરફ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને લઈને કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે.

    તમિલનાડુની હ્રદય કંપાવનારી ઘટના પર આંખ આડા કાન કરનાર રાહુલ ગાંધી તાજેતરમાં જ હાથરસ દુર્ઘટનાગ્રસિત પરિવારોને મળ્યા હતા. અહીં તેમણે પીડિતોને ગળે લગાવીને તેમને સાંત્વના આપી હતી. જેમણે પોતાના પરિવારોને ખોયા છે, તેમને રાહુલે કહ્યું હતું કે હવે તેઓ (Rahul Gandhi) તેમનું પરિવાર છે. આ દરમિયાન તેમણે સરકાર પર પણ સવાલો ઉભા કર્યા હતા. રાહુલ ગાંધી અહીં લગભગ દોઢ કલાકથી વધુ સમય રોકાયા હતા. અને 4 પરિવારોની મુલાકાત લઈને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તેમની દરેક રીતે મદદ કરશે.

    હાથરસની ઘટના તાજી છે. રાજ્યની સરકાર એક્શનમાં આવી ચૂકી છે અને આકરી તેમજ કડક કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ તમિલનાડુની ઘટનાને 15 દિવસ થવા આવ્યા, ત્યાં પણ આખેઆખા પરિવારો ઉજડી ગયા છે, પણ રાહુલ ગાંધીના પેટનું પાણી નથી હલ્યું. હાથરસની ઘટનામાં સરકાર સામે સવાલો ઉભા કરીને પીડિતો માટે ન્યાય માંગી રહેલા રાહુલ ગાંધીને તેમની પાર્ટીના ગઠબંધનવાળી સરકાર છે, તેવા તમિલનાડુની ત્રાસદી માટે મૌન શા માટે છે? મુલાકાત તો દૂરની વાત છે, રાહુલ ગાંધીએ પોતાના X હેન્ડલ પરથી મૃતકોને શ્રદ્ધાંજલિ કે પીડિત પરિવારને હિંમત આપતી એક નાનકડી પોસ્ટ પણ નથી કરી. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો રાહુલ ગાંધીની સંવેદનાઓ જે-તે રાજ્યના સત્તાપક્ષને જોઇને જાગતી હોય તેવું લાગી રહ્યું છે.

    પંજાબમાં ક્રાંતિવીર સુખદેવના વંશજ, શિવસેના નેતા સંદીપ થાપર પર ધોળા દહાડે જીવલેણ હુમલો: જાહેર રસ્તા પર તલવાર લઈને ઘેરી વળ્યું નિહંગોનું જૂથ; અઠવાડિયા પહેલાં પોલીસે ઘટાડી હતી સુરક્ષા

    પંજાબ શિવસેનાના નેતા સંદીપ થાપર ઉપર ધોળા દહાડે જાહેર રસ્તા પર હુમલો થયો છે. ઘટના શુક્રવારે (5 જુલાઈ) લુધિયાણા સિવિલ હૉસ્પિટલ પાસે બની, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલો કરનારા નિહંગ શીખો હતા. જેમણે તલવાર વડે સંદીપ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    58 વર્ષીય સંદીપ થાપર ભગતસિંહના સાથી બલિદાની ક્રાંતિવીર સુખદેવના વંશજ છે. તેઓ પંજાબ શિવસેનાના નેતા છે. શુક્રવારે (5 જુલાઈ) તેઓ લુધિયાણા સિવિલ હૉસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં અહીં ભાજપ નેતા રવિન્દર અરોડાની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેઓ સંવેદના ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. આ ટ્રસ્ટ હૉસ્પિટલના દર્દીઓને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા અને મૃતકોની અંતિમવિધિ માટે ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડે છે. સંદીપ થાપર કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો. 

    ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં સંદીપ અને તેમનો ગનમેન મોપેડ પર જતા જોવા મળે છે. અચાનક ત્યાં હાથમાં તલવાર લઈને નિહંગ શીખોના પહેરવેશમાં ચાર વ્યક્તિઓ ત્યાં આવે છે અને માથાકૂટ કરવા માંડે છે. દરમિયાન ગનમેન મોપેડ પરથી ઉતરી જાય છે અને સંદીપ આરોપીઓને બે હાથ જોડીને કશુંક કહેતા નજરે પડે છે. ત્યારબાદ અચાનક આરોપીઓ તલવાર વડે સંદીપના માથા અને ગળાના ભાગે ઘા કરી દે છે અને ઉપરાછાપરી મારે છે. જેથી સંદીપ થાપર નીચે ઢળી પડે છે. પછી પણ એક વ્યક્તિ તેમને તલવારથી મારતો રહે છે. ત્યારબાદ આરોપીઓ ભાગી છૂટે છે. આ દરમિયાન સુરક્ષાકર્મી ગનમેન કશું જ કરતો જોવા મળતો નથી. 

    રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ આસપાસના લોકોએ સંદીપ થાપરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની અન્ય એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. 

    સ્થાનિક પોલીસે જણાવ્યા અનુસાર, આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    બીજી તરફ, ઘટના બાદ પંજાબના શિવસેનાના નેતાઓએ સિવિલ હૉસ્પિટલની બહાર પોલીસ તંત્ર સામે પ્રદર્શન કર્યું હતું અને સરકાર પર પણ આરોપ લગાવ્યા હતા. પંજાબ શિવસેનાની યુવા પાંખના પ્રમુખ સુમિત અરોડાએ કહ્યું કે, સંદીપ થાપર સાથે 3 સુરક્ષાકર્મીઓ રહેતા હતા, પરંતુ પોલીસે એક અઠવાડિયા પહેલાં જ સુરક્ષા પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ એક ગનમેન આપવામાં આવ્યો હતો. પંજાબના શિવસેના પ્રમુખે કહ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસ હિંદુ સંગઠનોના નેતાઓની સુરક્ષા પ્રત્યે ધ્યાન આપી રહ્યા નથી.