Thursday, July 18, 2024
More
  હોમપેજદેશહાથરસ કાંડ મામલે યુપી પોલીસની કડક કાર્યવાહી: 22 આયોજકો સામે નોંધાઈ FIR,...

  હાથરસ કાંડ મામલે યુપી પોલીસની કડક કાર્યવાહી: 22 આયોજકો સામે નોંધાઈ FIR, રાતભર થયા પોસ્ટમોર્ટમ, હાઈકોર્ટમાં CBI તપાસ માટેની અરજી

  22 આયોજકો સામે સિકંદરારાઉ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તેમાં મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકરનું નામ પણ સામેલ છે. બાકીના તમામ લોકો અજ્ઞાત છે.' 'માનવધર્મ'માં માનનારા ભોલે બાબા ઘટના બાદથી જ ફરાર છે.

  - Advertisement -

  યુપીમાં હાથરસ કાંડ મામલે હવે કાર્યવાહી તેજ થઈ ગઈ છે. હાથરસમાં ‘ભોલે બાબા’ના સત્સંગ બાદ થયેલી ભાગાદોડીમાં 130થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો હાલ પણ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત છે. અલીગઢ, હાથરસ, એટા અને આગ્રામાં રાતભર મૃતદેહોના પોસ્ટમોર્ટમ થયા છે. યુપી પોલીસે પણ કાર્યવાહી અનુસાર, 22 આયોજકો સામે FIR નોંધી છે. આ સાથે જ હવે બુધવારે (3 જુલાઇ) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી સહિતના તમામ નેતાઓએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

  હાથરસ કાંડ મંગળવારે (2 જુલાઇ) 1 કલાકે ફૂલરઈ ગામમાં બન્યો હતો. મંગળવારે જ મોડી રાત્રે 22 આયોજકો સામે સિકંદરારાઉ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તેમાં મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકરનું નામ પણ સામેલ છે. બાકીના તમામ લોકો અજ્ઞાત છે.’ ‘માનવધર્મ’માં માનનારા ભોલે બાબા ઘટના બાદથી જ ફરાર છે. મોડી રાત્રે પોલીસે બાબાના આશ્રમો પર દરોડા પાડયા હતા પરંતુ તેઓ મળ્યા નહોતા. દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ રાતભર તેની શોધમાં દરોડા પાડતી રહી હતી.

  બીજી તરફ વકીલ ગૌરવ દ્વિવેદીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL દાખલ કરીને આ ઘટનાની CBI તપાસની માંગણી કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોડી રાત સુધી અધિકારીઓ પાસેથી ઘટનાની માહિતી મેળવતા રહ્યા હતા. તેઓ 3 જુલાઇના રોજ 11 કલાકે ઘટનાસ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરશે. આ સાથે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા તમામ લોકોને પણ મળશે. મહત્વની વાત એ છે કે, આયોજકોએ 80 હજાર લોકો માટેની પરમીશન માંગી હતી. તેથી પ્રશાસને પણ તે રીતે વ્યવસ્થા કરી હતી. પરંતુ સત્સંગમાં અઢી લાખ કરતાં પણ વધુ લોકો આવ્યા હતા.

  - Advertisement -

  આ સાથે જ હાલ ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે. ટીમ દ્વારા આખા વિસ્તારના ફોટો અને વિડિયોગ્રાફી કરવામાં આવ્યા છે. તમામ પુરાવા પણ તેના આધારે જોડવામાં આવશે. ઘટનાસ્થળ પર અનેક લોકોના જૂતાં-ચપ્પલો પણ મળી આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમો હાલ બાબાને શોધી રહી છે. તેમના મેનપુરી આશ્રમ ખાતે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે અન્ય આશ્રમોમાં પણ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, FIRમાં ભોલે બાબાના નામનો સમાવેશ થયો નથી.

  શું હતી ઘટના?

  નોંધનીય છે કે, મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં એક ‘ભોલે બાબા’ના મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

  થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ 130થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં