Thursday, April 2, 2026
More
    Home Blog Page 405

    ‘પંથ અને પરિવારમાંથી પંથ પહેલાં…’: માતાએ કહ્યું હતું- તે ખાલિસ્તાની નથી, અમૃતપાલ સિંઘે નિવેદન નકારીને પોતાના જ પરિવારને આપી દીધી ચેતવણી

    પંજાબની ખંડૂર સાહિબ લોકસભા બેઠકથી ચૂંટણી જીતનાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘે શુક્રવાર (5 જુલાઈ, 2024)ના રોજ સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. અમૃતપાલ સેફ હાઉસમાં લગભગ 50 મિનિટ સુધી તેના પિતા અને કાકાને મળ્યો હતો. આ પછી તેને આસામની દિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન અમૃતપાલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પોતાને ખાલસા પંથનો પુત્ર ગણાવ્યો અને ખાલસા રાજ્યની માંગને પણ વ્યાજબી ગણાવી છે. તેનું આ નિવેદન તેની માતાના એક બયાન બાદ આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે અમૃતપાલ સિંઘ ખાલિસ્તાની નથી.

    ‘વારિસ પંજાબ દે’ નામના ખાલિસ્તાન સમર્થક સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંઘે પોતાને પોતાની માતાના નિવેદનથી પણ વિરુદ્ધ ગણાવી દીધો છે. અમૃતપાલની માતાએ કહ્યું હતું કે, પંજાબના યુવાનોના પક્ષમાં બોલવાથી અમૃતપાલ ‘ખાલિસ્તાન સમર્થક’ નથી બની જતો. તે ખાલિસ્તાન સમર્થક નથી. તેમણે કહ્યું, “અમૃતપાલે બંધારણના દાયરામાં રહીને ચૂંટણી લડી હતી અને હવે તેને ખાલિસ્તાન સમર્થક ન કહેવો જોઈએ.”

    માતાના આ નિવેદન બાદ શનિવારે (6 જુલાઈ 2024) અમૃતપાલની સોશિયલ મીડિયા સાઇટ X પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે મને માતાજી દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે ખબર પડી ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મને વિશ્વાસ છે કે, તેમણે અજાણતાં આ નિવેદન આપ્યું હશે, તેમ છતાં મારા પરિવાર કે મને સમર્થન આપનાર કોઈપણ વ્યક્તિ તરફથી આવું નિવેદન આવવું જોઈએ નહીં.”

    અમૃતપાલના X હેન્ડલ પર આગળ લખવામાં આવ્યું કે, “ખાલસા રાજ્યનું સ્વપ્ન જોવું એ કોઈ ગુનો નથી, તે ગર્વની વાત છે. જે માર્ગ માટે લાખો શીખોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, તે માર્ગથી પીછેહઠ કરવાનું અમે સપનું પણ નથી જોઈ શકતા. મેં સ્ટેજ પરથી બોલતી વખતે ઘણી વાર કહ્યું છે કે, જો મારે પંથ અને કુટુંબ વચ્ચે પસંદગી કરવી હોય તો હું હંમેશા પંથને પસંદ કરીશ.”

    વધુમાં કહેવામાં આવ્યું કે, “ઇતિહાસનું વાક્ય આ સંદર્ભમાં ખૂબ જ સચોટ છે જ્યાં બંદા સિંઘ બહાદુરનો 14 વર્ષનો યુવાન સાથીદાર આ સિદ્ધાંતનું મુખ્ય ઉદાહરણ છે. જ્યારે માતાએ તેના પુત્રને બચાવવા માટે શીખ હોવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે કિશોરે કહ્યું કે, જો તે શીખ નથી તો તે તેની માતા પણ નથી. આ ઘટના માટે આ ઉદાહરણ ખૂબ સટીક છે, પરંતુ સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી તે સમજી શકાય તેવું છે.” તે આગળ લખે છે કે, “આ માટે હું મારા પરિવારને સલાહ આપું છું કે, શીખ રાજ્ય પર સમાધાન વિશે વિચારવું પણ અસ્વીકાર્ય છે. આશા છે કે, ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. તે કહેવું ઘણી દૂરની વાત છે કે, ભવિષ્યમાં વિચારતી વખતે આવી ભૂલ ન કરવી જોઈએ. પોસ્ટમાં છેલ્લે લખ્યું છે કે, “ગુરુ પંથ કા ગુલામ અમૃતપાલ સિંઘ બાંદી ડિબ્રુગઢ જેલ આસામ.”

    અમૃતપાલ સિંઘે ખંડૂર સાહિબ લોકસભા બેઠક પર 1,97,120 મતોથી જીત મેળવી છે. તેને કુલ 4,04,430 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કુલબીર સિંઘ ઝીરાને કુલ 2,07,310 મત મળ્યા હતા. વર્ષ 2019માં અહીંથી કોંગ્રેસના જસબીર સિંઘ ગિલ જીત્યા હતા. અમૃતપાલ હાલમાં NSA હેઠળ આસામની જેલમાં બંધ છે. જેલમાં રહીને તે ચૂંટણી લડ્યો હતો.

    ‘એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર અ ફ્યુચર’: સુપ્રીમ કોર્ટે ફેક કરન્સીના કેસમાં પકડાયેલા આરોપી જાવેદને આપ્યા જામીન

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અરજી પર સુનાવણી દરમિયાન ફેક કરન્સીના કેસમાં 4 વર્ષ પહેલાં પકડાયેલા એક આરોપીને જામીન આપ્યા. જેની ઓળખ જાવેદ ગુલામ નબી શેખ તરીકે થઈ છે. જામીન પાછળનું કારણ ટ્રાયલમાં વિલંબ થતો હોવાનું આપવામાં આવ્યું. કોર્ટે કહ્યું કે, ગુનો ગમે તેટલો ગંભીર હોય પરંતુ કોર્ટ કે પ્રોસિક્યુશન જો સમય પર ઝડપી ટ્રાયલ ન ચલાવી શકતા હોય તો તેમણે જામીનનો વિરોધ ન કરવો જોઈએ. 

    જાવેદની ધરપકડ ફેબ્રુઆરી, 2020માં મુંબઈ એરપોર્ટ પરથી કરવામાં આવી હતી. તેની પાસેથી ₹23.86 લાખની કિંમતની ₹2,000ની ચલણી નોટો મળી આવી હતી. જે હવેથી ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવી છે, પરંતુ ત્યારે તે સર્ક્યુલેશનમાં હતી. કેસ પછીથી NIAને સોંપી દેવામાં આવ્યો, જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે જાવેદે દુબઈના એક ભાગેડુ ગુનેગાર પાસેથી આ રકમ મેળવી હતી. 

    જાવેદ ધરપકડ બાદથી જ જેલમાં બંધ હતો. તેણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે માન્ય રાખી ન હતી. હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં નિર્ણય કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું હતું કે જામીન આપવાથી ભારતની અર્થવ્યવસ્થાને જોખમ ઊભું થશે. ત્યારબાદ જાવેદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જ્યાં જે. બી પારડીવાલા અને ઉજ્જવલ ભૂયાનની બેન્ચે તેની અરજી પર સુનાવણી કર્યા બાદ જામીન મંજૂર કર્યા. 

    2 જજની બેન્ચે આદેશમાં કહ્યું કે,  “ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ ઘણી વખત પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંત ભુલી જાય છે કે જામીનને સજા આપવાના ભાગરૂપે રોકી શકાય નહીં.” કોર્ટે કહ્યું કે, “ગુનો ગમે તેટલો ગંભીર કેમ ન હોય પરંતુ આરોપીને બંધારણ અનુસાર ઝડપી ટ્રાયલ માંગવાનો હક છે. કોર્ટે કહ્યું કે, દરેક આરોપીને બંધારણનો આ હક મળે છે અને તે દરેક કેસમાં લાગુ પડે છે, પછી ગુનાની ગંભીરતા ભલે ગમે તેટલી હોય. 

    કોર્ટે આ દરમિયાન પ્રખ્યાત વાક્ય ‘એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર અ ફ્યુચર’ પણ ટાંક્યું હતું. ગુજરાતીમાં આ વાક્યનો ભાવાનુવાદ એવો થાય કે, ‘દરેક સંતનો એક ભૂતકાળ હોય છે અને દરેક પાપી કે ગુનેગારનું ભવિષ્ય.’ આ વાક્ય ઓસ્કાર વાઇલ્ડના એક પ્રખ્યાત નાટક ‘આ વુમન ઑફ નો ઇમ્પોર્ટન્સ’માંથી લેવામાં આવ્યું છે, જેનો પછીથી ઘણાં સાહિત્ય સંદર્ભોમાં ઉપયોગ થતો રહ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ ભૂતકાળમાં ઘણી વખત આદેશોમાં આ વાક્યનો ઉપયોગ કરતી રહી છે. એપ્રિલ, 2022માં કોર્ટે એક 4 વર્ષીય બાળકીની હત્યા અને રેપના ગુનેગાર મોહમ્મદ ફિરોઝની સજા ઘટાડતી વખતે પણ સુપ્રીમ કોર્ટે આ વાક્ય કહ્યું હતું.

    જાવેદને જામીન આપતા આદેશમાં કોર્ટે એમ પણ કહ્યું કે, ગુનેગારો જન્મજાત હોતા નથી. સાથે આગળ કહેવામાં આવ્યું કે, અપરાધિક ન્યાયશાસ્ત્રનો વ્યાપક સિદ્ધાંત કહે છે કે આરોપી પર જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય છે. તેને હળવાશથી લઇ શકાય નહીં, પછી ભલે તેની વિરુદ્ધ લાગેલી કલમ ગમે તેટલી સખત કેમ ન હોય.”

    જમ્મુ-કાશ્મીરમાં 6 આતંકવાદીઓ ઠાર, કુલગામમાં સેનાનું ઑપરેશન: 2 જવાનો વીરગતિ પામ્યા

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે (7 જુલાઈ) સતત બીજા દિવસથી એન્કાઉન્ટર ચાલુ છે. મુદરઘમ અને ચિન્નિગમ ફ્રિસલમાં હમણાં સુધીમાં 6 આતંકી ઠાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ સેનાના 2 જવાનો પણ વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મુદરઘમમાં બે-ત્રણ આતંકીઓ અને ચિન્નિગમ ફ્રિસલમાં એક આતંકી છુપાયેલો હોવાની સંભાવના છે. સુરક્ષાદળોએ સંયુકત રીતે ઓપરેશન શરૂ કરીને શોધખોળ હાથ ધરી છે. બંને જગ્યાઓ પર ઓપરેશન ચાલી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 6 આતંકી ઠાર મરાયા છે. રવિવારે (7 જુલાઈ) મુદરઘમમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે પહેલાં શનિવારે (6 જુલાઈ) એક જવાન આતંકીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ કુલગામના ચિન્નિગમ ફ્રિસલમાં પણ 4 આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોને તેના મૃતદેહો પણ મળ્યા છે. તે સાથે જ આ અથડામણમાં વધુ એક જવાન વીરગત થઈ ચૂક્યા છે. આતંકીઓ સાથેની અથડામણમાં હમણાં સુધીમાં 2 જવાન વીરગત થયા છે.

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં આતંકીઓએ રવિવારે (7 જુલાઈ) સવારે એક આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. જેમાં એક જવાન ઘાયલ થયો હોવાના સામાચાર સામે આવ્યા છે. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં તમામ આતંકીઓ ગાઢ જંગલમાં નાસી છૂટયા હતા. ત્યારબાદ સેના અને સુરક્ષાદળોએ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ પણ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું છે. 3 આતંકીઓ હજુ પણ તે વિસ્તારમાં છુપાયા હોવાનું જાણવા મળ્યું છે. તેથી સુરક્ષાદળોએ ભારે ફોર્સ સાથે ઓપરેશન શરૂ કર્યું છે.

    નોંધવા જેવું છે કે, છેલ્લા એક મહિનામાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર કરી દીધા છે. તેમાં ડોડામાં 11-12 જૂનના રોજ સતત બે હુમલા કરનારા આતંકી અને ઉરીમાં ઘૂસણખોરી કરનારા આતંકીઓના એન્કાઉન્ટર સામેલ છે. તાજેતરમાં જ રિયાસીમાં આતંકી હુમલો થયો હતો. જેમાં વૈષ્ણોદેવી જઈ રહેલા હિંદુ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના લીધે બસ ખીણમાં પડી ગઈ હતી અને 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદથી સતત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

    તમિલનાડુ: ચર્ચના પાદરીએ સગીર બાળકીનું યૌન શોષણ કર્યું, પોક્સો હેઠળ ગુનો દાખલ થયા બાદ ધરપકડ

    તમિલનાડુના કાંચીપુરમ ખાતે ચર્ચના પાદરીએ સગીર વયની બાળકીનું યૌન શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ચર્ચમાં માળીનું કામ કરતા શ્રમિકની દીકરીને જોઇને પાદરીએ નજર બગડી હતી. ઘટનાને લઈને કાયદેસર ફરિયાદ કરવામાં આવતાં પોલીસે પોક્સો હેઠળ પાદરીની ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસાર, સગીર બાળકીનું યૌન શોષણ કરનાર પાદરીનું નામ દેવરાક્કમ છે અને તે કાંચીપુરમની ચર્ચમાં પાદરી તરીકે કામ કરે છે. પીડિત બાળકી તેના પિતા સાથે આ જ ચર્ચમાં રહે છે. બાળકીની માતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેના પિતા અને તે અહીં રહેવા આવી ગયાં હતાં. પિતા ચર્ચમાં માળીનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપ છે કે બાળકી રાત્રે જ્યારે ઊંઘી રહી હતી ત્યારે પાદરીએ તેનું યૌન શોષણ કર્યું હતું. ડઘાઈ ગયેલી બાળકી ઘટના બાદ પોતાના જૂના ઘરે ચાલી ગઈ હતી.

    બાળકીને અચાનક આવેલી જોઈ બધા ચોંકી ઉઠ્યા

    બાળકીને આમ અચાનક આવેલી જોઈ તેના સગા-સંબંધી અને આસપાસના રહેવાસીઓને શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. થોડા પ્રયત્નો બાદ પીડિતાએ પાદરી દ્વારા પોતાની સાથે કરવામાં આવેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું. પાદરીની કરતૂતની જાણ થતાં જ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ બાદ કાંચીપુરમ પોલીસે તેની ધરપકડ કરી અને પોક્સો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    ધરપકડ બાદ પાદરીને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેની કરતૂતોને જોતાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિતાની ઉંમર 14 વર્ષ છે અને તે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસ હાલ પાદરી વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી રહી છે.

    એક થી વધુ વાર બાળકીનું યૌન શોષણ કરવામાં આવ્યું: પોલીસ

    ઘટનામાં ચોંકાવનારી બાબત તે છે કે આરોપી પાદરીએ પીડિતાનું અનેક વાર યૌનશોષણ કર્યું હતું. આ મામલે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પૂછપરછમાં સામે આવ્યું હતું કે 54 વર્ષીય પાદરીએ એકથી વધુ વાર પીડિતા પર યૌન અત્યાચાર ગુજાર્યો હતો. અમે બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી છે. રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ.” હાલ તમિલનાડુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    હાથરસ કાંડ: મુખ્ય સેવાદાર મધુકર ‘રાજકીય પાર્ટી’ના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ, પોલીસ ફન્ડિંગની પણ કરી રહી છે તપાસ; અત્યાર સુધી 9ની ધરપકડ

    ઉત્તર પ્રદેશમાં હાથરસમાં થયેલી દુર્ઘટના મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે. યુપી પોલીસે હાથરસ કાંડ કેસમાં શનિવારે (6 જુલાઈ) 2 આરોપીઓની ધરપકડ કરી છે. તે બંને આરોપીઓ સત્સંગમાં સેવાદાર હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડના એક દિવસ પહેલાં જ સત્સંગના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકરને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. હવે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

    હાથરસ કાંડ મામલે પોલીસે શનિવારે (6 જુલાઈ) હાથરસના કેલોરા વિસ્તાર અને ગોપાલપુર કચોરી પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી. બંનેનાં નામ રામપ્રકાશ શાક્ય અને સંજુ યાદવ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સેવાદાર મધુકર સહિત હમણાં સુધીમાં કુલ 9 ધરપકડ થઈ હોવાના સમાચાર છે. તાજેતરમાં ઝડપાયેલા બંને આરોપીઓ પણ સત્સંગમાં સેવાદાર તરીકે કાર્ય કરી રહ્યા હતા. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

    યુપી પોલીસે દાવો કર્યો છે કે, કોઈ રાજકીય સંગઠને તાજેતરમાં જ મધુકરનો સંપર્ક કર્યો હતો. પોલીસે કહ્યું કે, પોલિટિકલ કનેક્શન અને નાણાકીય લેવડદેવડ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ આ મામલે ઝડપી અને સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, જો કોઈ રાજકીય પાર્ટી આ ગતિવિધિમાં સામેલ હશે તો તેના વિરુદ્ધ ‘સખતમાં સખત’ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ પૂછપરછ દરમિયાન મધુકરે પણ આ અંગેની માહિતી આપી હતી.

    હાથરસ પોલીસ અનુસાર, પૂછપરછ દરમિયાન મધુકરે ખુલાસો કર્યો છે કે, થોડા સમય પહેલાં જ કેટલાક રાજકીય પક્ષોએ તેમનો અને સત્સંગના આયોજકોનો સંપર્ક કર્યો હતો. પોલીસે કહ્યું કે, સત્સંગ દરમિયાન નાણાંની લેવડદેવડને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેથી તે જાણી શકાય કે, આવા કાર્યક્રમોને પોલિટિકલ પાર્ટીઓ ફંડ આપી રહી છે કે નહીં. હાથરસ SP નિપુણ અગ્રવાલે જણાવ્યું કે, મધુકરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શુક્રવારની રાત્રે પકડવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ નામક વ્યક્તિ સાથે જોડાયેલો હતો. તે 2 જુલાઈના રોજ યોજાયેલા સત્સંગનો મુખ્ય આયોજક હતો અને તેની પરવાનગી પણ તેણે જ મેળવી હતી.

    શું હતી ઘટના?

    નોંધનીય છે કે, મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં ‘ભોલે બાબા’ના મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘરે જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

    થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ 130 લોકોનાં મોત થયાં છે.

    જગતના નાથની નગરચર્યા શરૂ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ; શણગારેલા ગજરાજ સાથે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ

    રવિવારે (7 જુલાઈ, 2024) અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢી બીજના પાવન પર્વ પર અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળ્યા છે. રથયાત્રાના પ્રારંભ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રાને નિહાળવા માટે લોકો અમદાવાદ સુધી આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ પૂર્ણ કર્યા બાદ ભગવાનને નગરચર્યા માટે રવાના કરવામાં આવ્યા હતા.

    અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળી ચૂક્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. નોંધવા જેવું છે કે, અમદાવાદની આ રથયાત્રા ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે પુરી સહિત દેશભરમાં જગન્નાથ ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે. રથયાત્રાનો પ્રારંભ થયા પહેલાં પહિંદ વિધિ કરવી પણ અનિવાર્ય ગણવામાં આવે છે.

    જગન્નાથ મંદિરમાં પારંપરિક પૂજા-અર્ચના બાદ ભગવાન જગન્નાથને બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પહિંદ વિધિ પૂર્ણ કરી હતી, જેમાં તેમણે સોનાની સાવરણીથી ભગવાનની યાત્રાના માર્ગને સ્વચ્છ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. તે જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાનના દર્શન કર્યા હતા. તે સિવાય ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, પોલીસ કમિશનર જીએસ મલિક, સેક્ટર 1 JCP નીરજ બડગુજરે પણ ભગવાનની રથયાત્રાના દર્શન કર્યા હતા. પોલીસ કમિશનર જીએસ મલિકે સૌપ્રથમ રથનું નિરીક્ષણ કર્યું હતું અને ભગવાનના દર્શન કરીને મંગલકામના કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળે છે. દર વખતની જેમ આ વખતે પણ લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાયા છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રાના ઘણા દિવસો પહેલાં જ સુરક્ષાની તમામ તૈયારીઓ આદરી દેવામાં આવે છે. રાજ્ય મંત્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા રહે છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે.

    સુરતમાં 6 માળની જર્જરિત ઈમારત ધરાશાયી, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ: એક મહિલાનો બચાવ, હજુ ત્રણ-ચાર વ્યક્તિઓ ફસાયાની આશંકા

    સુરત (Surat) શહેરમાં એક જર્જરિત મકાન (Building Collapsed) તૂટી પડવાની ઘટના બની છે, જેમાં અમુકને ઈજા પહોંચી છે. ઘટના બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનામાં અમુક લોકોને ઈજા પહોંચી હોવાનું કહેવાય છે, બીજી તરફ ત્રણથી ચાર લોકો હજુ દબાયા હોવાની આશંકા છે. ઘટના બની તે સમયે એક જ ફ્લેટમાં માણસો હતા, તેથી વધુ જાનહાનિ થઈ નથી. 

    ઘટના સુરતના પાલી ગામના સચિન વિસ્તારની છે. અહીં એક છ માળની ઈમારત તૂટી પડી હતી. બિલ્ડિંગમાં ચારથી પાંચ ફ્લેટ ખુલ્લા હતા, જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવાર રહેતા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ઇમારત ધસી પડી. તે સમયે નાઇટ શિફ્ટમાં કામ કરનારા અમુક પોતાના ફ્લેટમાં હાજર હતા, જેઓ દબાયા હોવાની આશંકા છે. હાલ રાહત-બચાવકાર્ય ચાલી રહ્યું છે. 

    જાણકારી મળતાં જ સુરત કલેક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, ચોર્યાસી ધારાસભ્ય સંદીપ પટેલ, મેયર દક્ષેશ માવાણીથી માંડીને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ, ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતાં તેમણે આવીને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. શરૂઆતના ઑપરેશનમાં એક મહિલાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેને હાલ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

    સર્ચ ઑપરેશન દરમિયાન લાઇવ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે હજુ ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા છે, જેમના રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, મદદ માટે NDRF અને SDRFની ટીમો પણ બોલાવવામાં આવી છે. 

    સુરત CP અનુપમ સિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, “પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક મહિલાને સહીસલામત કાઢવામાં આવી છે. અહીંના ચોકીદાર તરફથી જાણવા મળ્યું છે કે અહીં ચાર-પાંચ જ ફ્લેટ ખુલ્લા હતા અને ઘટના બની ત્યારે બાકીના મજૂરી કામે બહાર ગયા હતા અને એક જ પરિવાર હાજર હતો. હજુ અમુક ફસાયા હોવાની આશંકા છે. હાલ અમે ઝડપથી રેસ્ક્યુ પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. 

    વધુ જાણકારી અનુસાર, ઈમારતનું બાંધકામ 2017માં થયું હતું. જર્જરિત હોવાના કારણે તેના માલિકોને પાલિકા તરફથી નોટિસ પણ આપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. છતાં અહીં અમુક શ્રમિક પરિવારો ભાડેથી રહેતા હતા. વધુ વિગતો પોલીસની અને પાલિકાની તપાસ બાદ જ સામે આવી શકશે. 

    ‘રાજા શેખ સામે લવ જેહાદનો કેસ કરજો’: જિમ ટ્રેનર સાથે પત્નીના અનૈતિક સંબંધોના કારણે આત્મહત્યા કરનાર ભરૂચના યુવકે પિતાને લખ્યો હતો પત્ર, પત્નીના આપઘાત બાદ પુત્રની હત્યા કરી પોતે પણ પડતું મૂક્યું

    તાજેતરમાં ભરૂચમાં એક કરુણાજનક કિસ્સો સામે આવ્યો, જ્યાં પત્નીએ પહેલાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધા બાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. કારણ મહિલાના એક મુસ્લિમ જિમ ટ્રેનર યુવક સાથે અનૈતિક સંબંધો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. તાજેતરમાં મૃતક પતિએ તેના પિતાને લખેલા અંતિમ પત્રની વિગતો સામે આવી છે, જેમાં તેણે મુસ્લિમ યુવક સામે લવ જેહાદનો કેસ કરવા માટે કહ્યું હતું. 

    સમગ્ર વિગતો એવી છે કે, ભરૂચની ભોલાવ કોલોનીમાં સિનિયર સેક્શન એન્જિનિયર જતિન મકવાણા પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. બે દિવસ પહેલાં ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. પછીથી તપાસ કરતાં સામે આવ્યું હતું કે, પતિ-પત્નીએ આપઘાત કર્યો હતો અને પુત્રની પુરુષે હત્યા કરી નાખી હતી. જતીનનો મૃતદેહ સુરવાડી પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. 

    તપાસ બાદ સામે આવ્યું કે, મૃતક જતીને પુત્રની હત્યા બાદ પોતે પણ આપઘાત કરવા જતાં પહેલાં તેના પિતાને મેસેજ કરીને સ્યુસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેણે પત્નીના અમદાવાદના એક જિમ ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને તેમના ઝઘડા થતા રહેતા હતા અને અનેક વખત સમજાવવા છતાં મહિલાએ રાજા શેખ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, મૃતક જતીનના પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રની બદલી 4 મહિના પહેલાં જ અમદાવાદથી ભરૂચ થઈ હતી. જ્યારે તેઓ અમદાવાદ રહેતા ત્યારે જતીનની પત્ની તૃપલ એક જિમમાં જતી હતી, જ્યાં રાજા શેખ સાથે ‘મિત્રતા’ થઈ હતી, જે પછીથી લગ્નેતર સંબંધોમાં પરિણમી. બાબતની જાણ જતીનને થતાં તે તૃપલને જૂનાગઢ તેના પિયર મૂકી આવ્યો હતો, પણ ગત 12 જૂને જઈને ફરી લઇ આવ્યો હતો. 

    અહેવાલ અનુસાર, ભરૂચ આવ્યા પછી પણ તૃપલ અને રાજાના સંબંધો ચાલુ જ રહ્યા હતા. જેને લઈને ફરી બંને વચ્ચે ઝઘડા થયા હતા અને તૃપલે 19 જૂનના રોજ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસર ન થતાં બચી ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર, તે પહેલાં પણ કાયમ આત્મહત્યાની ધમકી આપતી રહેતી હતી. 

    જતીને તેના પિતાને એક કૉલ ડિટેલ મોકલી હોવાનું કહેવાય છે, જેમાં 1 જૂનથી 19 જૂન દરમિયાન 60થી વધુ કલાક વાત થઈ હોવાનું સામે આવ્યું હતું. જતીને સંભાવના વ્યક્ત કરી હતી કે આ વાતચીત જિમ ટ્રેનર રાજા શેખ સાથે જ થઈ હશે. 

    બીજી તરફ, જતીને એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજા શેખની માતાએ પણ તૃપલ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તને કોઇ ન સાચવે તો અહીં આવતી રહેજે. સાથે આ મામલામાં તૃપલની માતાનો પણ વાંક હોવાનો તેણે આક્ષેપ સ્યુસાઇડ નોટમાં કર્યો હતો.   

    22 જૂનના રોજ જતીને પિતાને લખ્યો હતો પત્ર 

    જતીનના મૃત્યુ બાદ સામે આવ્યું કે, તેણે 22 જૂનના રોજ પણ માતા-પિતાને એક પત્ર લખ્યો હતો, જેમાં પત્નીના અનૈતિક સંબંધો વિશે વાત કરી હતી. જેમાં તેણે જિમ ટ્રેનર મુસ્લિમ યુવકો હિંદુ યુવતીને ફસાવતા હોવાનું લખ્યું હતું અને સાથે એમ પણ કહ્યું હતું કે રાજ શેખ વિરૂદ્ધ લવ જેહાદનો કેસ નોંધવામાં આવે. 

    ભાસ્કરે એક અહેવાલમાં આ પત્રની વિગતો પણ પ્રકાશિત કરી છે. પત્રમાં તેણે લખ્યું હતું કે, “તૃપલે મારી, (પુત્રનું નામ)ની અને આપણા બધાની જીંદગી ખરાબ કરી નાખી છે, પણ રાજા શેખને છોડતાં નહીં, (તેની સામે) લવ જેહાદનો કેસ કરજો. તેનું આ જ કામ છે. આજે મારી જીંદગી બગડી, કાલે બીજાની બગડશે.”

    ‘મુસ્લિમ યુવકો જિમ ટ્રેનર બનીને હિંદુ છોકરીઓને ફસાવે છે’

    આગળ તેણે લખ્યું હતું કે, “જિમમાં આવા જ ધંધા ચાલે છે. મુસ્લિમ યુવકો જિમ ટ્રેનર બનીને હિંદુ છોકરીઓને ફસાવે છે અને જીવન બરબાદ કરી નાખે છે. મારી આત્માને શાંતિ મળે તેના માટે રાજા શેખને મોટામાં મોટી સજા મળે અને જીમમાં ચાલતા આવા ધંધા બંધ થાય. રાજા શેખે જ મારી અને તૃપલની જિંદગી બગાડી છે.” તેણે લખ્યું હતું કે તેની આ વાત સમાજ સુધી પહોંચાડવી જરૂરી છે. 

    પોલીસ કરી રહી છે તપાસ 

    મામલામાં હાલ ભરૂચ રેલવે પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. જાણવા મળ્યા અનુસાર, રાજા શેખની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આપઘાત વિશે જાણકારી આપતાં પોલીસે કહ્યું કે, પહેલાં પત્નીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. હાલ FSLની ટીમ તપાસ કરી રહી છે.”

    ‘હિંદુઓના અપમાનનો આ પ્રથમ કિસ્સો નહીં, દર વખતે સાંખી ન લેવાય’: અમદાવાદમાં જે હિંદુ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યું પ્રદર્શન, તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું- માફી ન માંગે ત્યાં સુધી ચાલુ રહેશે વિરોધ

    શનિવારે (6 જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. પરંતુ આ મુલાકાત પહેલાં અમદાવાદમાં તેમની સામે મોટાપાયે વિરોધ પ્રદર્શનો થયાં, જે હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યાં. કારણ હતું તાજેતરમાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલું ભાષણ, જેમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા જતાં હિંદુઓ વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર અનેક ફોટા ફરતા થયા હતા જેમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને રાહુલ ગાંધીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” તેમણે આપેલા આ નિવેદનના કારણે જ હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં હિંદુ સંગઠનોએ ‘મેં ફિરોજ ખાન કા પોતા હું, ઇસીલિયે હિંદુઓ સે નફરત કરતા હું.’ તેમજ રાહુલ ગાંધીના ફોટા પર તેમના નિવેદનોને ટાંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક હિંદુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

    આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત પ્રાંતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત સાથે વાત કરી હતી. તેમણે આ આખા વિરોધ પ્રદર્શનને લઈને જણાવ્યું હતું કે, “આ કોઈ પહેલી વાર નથી કે રાહુલ ગાંધીએ હિંદુ સમુદાયનું અપમાન કર્યું હોય. રાહુલ ગાંધી, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીની આ નીતિ અને રીતી રહી છે. તાજેતરમાં રાહુલે જે સંસદમાં કહ્યું, તે આ વાતની સાબિતી છે.” તેમણે રાહુલ ગાંધીના ભૂતકાળના નિવેદનોને ટાંકીને કહ્યું હતું કે, “મંદિરમાં જનારાઓ મહિલાઓની છેડતી કરે છે’ તે પ્રકારના અનેક નિવેદનો પણ તેઓ આપી ચૂક્યા છે.

    હિંદુ હંમેશા ભોગવતો આવ્યો છે, તો હિંસક ક્યાંથી?: હિતેન્દ્રસિંહ

    “હવે તો સંસદમાંથી રાહુલ ગાંધીએ હિંદુઓને એક વાર નહીં, અનેક વાર હિંસક કહ્યા છે. આ બાબતને કેમ ચલાવી લેવાય? હિંદુ સમાજ દર વખતે આ બાબત સાંખી લે તેમ નથી. હિંદુ સમાજ અહિંસામાં માનનારો છે. ઈતિહાસ ઉઠાવીને જુઓ, તો ક્યાંય એક પણ ઉદાહરણ એવું નથી કે હિંદુ સમાજે કોઈ પર આક્રમણ કર્યું હોય. હિંદુઓ ક્યારેય કોઈ હિંસામાં નથી જોડાયા. હા, હિંદુઓ વિરુદ્ધ હિંસા થવાનાં હજારો-લાખો ઉદાહરણો તમને મળી જશે. તો રાહુલ ગાંધી હિંદુઓને હિંસક કેવી રીતે કહી શકે?”

    હિતેન્દ્રસિંહે આગળ જણાવ્યું કે, “રાહુલ ગાંધી મહોબ્બતની દુકાન કરી-કરીને સંસદ સુધી તો પહોંચી ગયા. પરંતુ પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ તેમણે તેમની દુકાન બંધ કરી દીધી. હવે રાહુલ ગાંધીની દુકાન હિંદુઓ માટે નહીં, પરંતુ લઘુમતી કોમ માટે જ છે. તેઓ પાછલા બારણે માત્ર ધર્મ વિશેષ માટે જ આ મહોબ્બતની ચાલી રહી છે. તેમના પૂર્વજો અને તે પોતે, સતત તૃષ્ટિકરણની રાજનીતિ કરતા આવ્યા છે અને હજુ પણ કરશે.”

    જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો વિરોધ યથાવત રહેશે: હિતેન્દ્રસિંહ

    તેમણે કહ્યું કે, “આજે અમદાવાદમાં આજે તેમની મુલાકાત દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમગ્ર હિંદુ સમુદાય અને સાધુ-સંતો દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થયા અને રાજીવ ગાંધી ભવન નજીક રાહુલ ગાંધીનો વિરોધ કરીને તેમની માફીની માંગણી સાથે તેમનું પૂતળાદહન કર્યું છે. જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હિંદુ સમુદાય તેમનો વિરોધ ચાલુ જ રાખશે.”

    ગુજરાતનો પ્રવાસ માત્ર નાટક, તમિલનાડુ પર કેમ જીભ નથી ઊપડતી?

    રાજકોટ અગ્નિકાંડના પીડિતોની મુલાકાત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “તેઓ પોતાની તૃષ્ટિકરણની રાજનીતિમાં એક્સપર્ટ છે. ગુજરાતમાં આવીને રાજકોટ અગ્નિકાંડ અને અન્ય પીડિતોની મુલાકાત એ માત્ર એક નાટક છે. ગઈકાલે જેમ તેમણે ઉત્તર પ્રદેશના હાથરસ જઈને સંવેદનાનું નાટક કર્યું, એવું જ નાટક તેઓ ગુજરાતમાં કરવા માંગે છે. કેમ તેઓ તમિલનાડુમાં ન ગયા? ત્યાં તેમની ગઠબંધનની સરકાર છે તો ત્યાં તેમની પહેલી જવાબદારી બને. શું ત્યાં ઝેરી દારુ પીને જે લોકોના મૃત્યુ થયા તે માણસ નહોતા? રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પર કેમ કશું નથી બોલી રહ્યા? તે બધી બાબતો પર તેમની જીભ કેમ ઊપડતી નથી?”

    હિતેન્દ્રસિંહે જણાવ્યું કે, “રાહુલ ગાંધીને તેમ લાગે છે કે ગુજરાતમાં આવા નાટક કરીને તેઓ ગુજરાતના હિંદુઓમાં પોતાનું સ્થાન બનાવી લેશે, તો તેઓ હજુ વહેમમાં છે. અહીંના હિંદુઓ તેમની એકતરફી મહોબ્બતની દુકાનને જાકારો આપશે. તેમને હેતુ માત્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.” ભાજપ અને હિંદુ કાર્યકર્તાઓ પર હુમલો કરનાર આરોપી કોંગ્રેસીઓની મુલાકાત વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “મેં પહેલાં જ કહ્યું, એમનો આખો આ પ્રવાસ માત્ર એક દેખાડાથી વધુ કશું જ નથી. આમ કરીને તેઓ કોંગ્રેસીઓને ખુશ કરવા માંગે છે. પણ ગુજરાતની જનતા હોંશિયાર છે અને તેની દુકાન અહીં નહીં જ ચાલવા દે.”

    શા માટે કરવામાં આવી રહ્યો છે વિરોધ?

    ઉલ્લેખનીય છે કે જેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ કરતી વખતે હિંદુઓને ટાર્ગેટ કર્યા હતા. ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” આ વિવાદિત સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ વચ્ચે હસ્તક્ષેપ કરીને કહેવું પડ્યું હતું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવો એ યોગ્ય નથી. પછીથી ગૃહમંત્રી શાહ સહિત અન્ય સાંસદોએ પણ રાહુલને ફટકાર લગાવી હતી.

    રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તે રાત્રે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે કોંગ્રેસીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે સ્થિતિ વણસી હતી. પછીથી આ મામલે કોંગ્રેસ કાર્યકરો સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    સિયાચિનમાં બલિદાન થઈ ગયા હતા કેપ્ટન અંશુમન સિંઘ, કીર્તિચક્રથી (મરણોત્તર) કરાયા સન્માનિત: પત્નીએ કહ્યું- ‘તેઓ હીરો હતા, સાથીઓને બચાવવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું’

    શુક્રવારે (5 જુલાઈ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતીય સેનાના વીરતા પુરસ્કારો એનાયત કર્યા. જેમાં એક નામ હતું કેપ્ટન અંશુમન સિંઘ. સિયાચીનમાં ફરજ દરમિયાન તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમને કીર્તિ ચક્ર (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના વતી તેમનાં પત્ની સ્મૃતિ અને માતાએ આ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો. 

    પુરસ્કાર સ્વીકાર્યા બાદ સ્મૃતિએ કેમેરા સામે વીરગતિ પ્રાપ્ત પતિ સાથેનાં સંસ્મરણો કહ્યાં હતાં. તેમણે કહ્યું કે, અંશુમન સિંઘ કહેતા કે મારું મૃત્યુ સામાન્ય નહીં હોય અને હું છાતીમાં પિત્તળ લઈને મરીશ.” 

    આગળ તેઓ જણાવે છે કે, “અમે કોલેજના પહેલા જ દિવસે મળ્યાં હતાં. હું નાટકીય રીતે નથી કહી રહી, પણ ખરેખર એ પહેલી નજરે થતા પ્રેમ જેવું હતું. એક જ મહિનામાં તેમની (અંશુમન) પસંદગી AFMC (આર્મડ્ ફોર્સ મેડિકલ કોલેજ)માં થઈ ગઈ. અમે મળ્યાં હતાં એન્જિનિયરિંગ કોલેજમાં, પરંતુ તેઓ પછી મેડિકલ કોલેજમાં સિલેક્ટ થઈ ગયા. તેઓ બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હતા.”

    તેમણે આગળ કહ્યું, “લગભગ 8 વર્ષ સુધી અમે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યાં. ત્યારબાદ અમે લગ્ન કર્યાં. દુર્ભાગ્યપૂર્ણે બે જ મહિનામાં તેમનું પોસ્ટિંગ સિયાચિનમાં થઈ ગયું.” 24 કલાક પહેલાં જ અંશુમાન સાથે થયેલી વાતચીતને લઈને સ્મૃતિ કહે છે કે, “18 જુલાઈએ અમે વાત કરી હતી કે આગલાં 50 વર્ષમાં અમારું જીવન કેવું હશે. તેઓ કહેતા હતા કે સંતાનો હશે, તેમના માટે ઘર બનાવીશું અને ઘણું… પણ 19મીની સવારે હું જાગી અને મને કોલ આવ્યો કે તેઓ રહ્યા નથી…!’ 

    સ્મૃતિ કહે છે કે, થોડા કલાકો સુધી અમે સ્વીકારવા જ તૈયાર ન હતાં કે આવું કશુંક બની ગયું છે. પરંતુ પછીથી પુષ્ટિ પણ કરી દેવામાં આવી. અમે કાયમ એવું વિચારતા રહ્યા કે કદાચ આ સાચું નહીં હોય. આજ સુધી હું સ્વીકારી શકતી ન હતી. કાયમ વિચારું છું કે કદાચ એ સાચું નહીં હોય. પણ હવે જુઓ…મારા હાથમાં કીર્તિ ચક્ર છે…એ જ સત્ય છે.”

    ‘તેઓ હીરો હતા’ તેમ કહીને સ્મૃતિ આગળ ઉમેરે છે કે, “અમે અમારા જીવનમાં થોડુઘણું ચલાવી લઈશું. તેમણે પણ જીવનમાં બહુ મેનેજ કર્યું હતું. તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, જેથી અન્ય ત્રણ પરિવારો બચી શકે.”

    આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતવાસીઓ કેપ્ટન અંશુમન સિંઘને તેમના સર્વોચ્ચ બલિદાન માટે નમન કરી રહ્યા છે તો બીજી તરફ વીરાંગના સ્મૃતિને પણ નમન થઈ રહ્યાં છે. 

    સાથીઓને બચાવવા જતાં વીરગતિ પામ્યા હતા કેપ્ટન અંશુમન સિંઘ

    કેપ્ટન અંશુમન સિંઘ જુલાઈ, 2023માં વીરગતિને પ્રાપ્ત થયા હતા. સિયાચીનમાં પોસ્ટિંગ દરમિયાન 19 જુલાઇની રાત્રે આર્મી એમ્યુનેશન ડમ્પ (હથિયારો રાખવાનું સ્થાન)માં શોર્ટ સર્કિટના કારને આગ લાગી ગઈ હતી. દરમિયાન, કેપ્ટન અંશુમન સિંઘ ફાઇબર ગ્લાસની હટમાં ફસાયેલા અન્ય જવાનોની મદદ કરી રહ્યા હતા. પરંતુ એટલી વારમાં આગ નજીકના મેડિકલ સેન્ટર સુધી પ્રસરી ગઈ અને જેથી અંશુમન ત્યાં રાખેલી દવા અને મેડિકલ ઉપકરણો બચાવવા માટે કૂદ્યા, પરંતુ આટલી ઊંચાઈએ તેજ ગતિથી વાતા પવનના કારણે આગ ક્ષણવારમાં પ્રસરી ગઈ અને તેઓ બહાર ન નીકળી શક્યા. તેઓ સિયાચીનમાં જ વીરગતિ પામ્યા.

    ભારત સરકારે તેમને કીર્તિ ચક્રથી (મરણોત્તર) સન્માનિત કર્યા છે, જે સેનામાં શાંતિસમયનો બીજો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર છે. ભારતીયો એક અવાજે કહી રહ્યા છે કે કેપ્ટને આપેલા બલિદાનને ક્યારેય ન ભૂલી શકાય, ન તેમનું આ ઋણ કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ચૂકવી શકશે.