Monday, September 9, 2024
More
    હોમપેજદેશ‘એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર અ ફ્યુચર’: સુપ્રીમ કોર્ટે...

    ‘એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર અ ફ્યુચર’: સુપ્રીમ કોર્ટે ફેક કરન્સીના કેસમાં પકડાયેલા આરોપી જાવેદને આપ્યા જામીન

    જાવેદ ધરપકડ બાદથી જ જેલમાં બંધ હતો. તેણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે માન્ય રાખી ન હતી. હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં નિર્ણય કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું હતું કે જામીન આપવાથી ભારતની અર્થવ્યવસ્થાને જોખમ ઊભું થશે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અરજી પર સુનાવણી દરમિયાન ફેક કરન્સીના કેસમાં 4 વર્ષ પહેલાં પકડાયેલા એક આરોપીને જામીન આપ્યા. જેની ઓળખ જાવેદ ગુલામ નબી શેખ તરીકે થઈ છે. જામીન પાછળનું કારણ ટ્રાયલમાં વિલંબ થતો હોવાનું આપવામાં આવ્યું. કોર્ટે કહ્યું કે, ગુનો ગમે તેટલો ગંભીર હોય પરંતુ કોર્ટ કે પ્રોસિક્યુશન જો સમય પર ઝડપી ટ્રાયલ ન ચલાવી શકતા હોય તો તેમણે જામીનનો વિરોધ ન કરવો જોઈએ. 

    જાવેદની ધરપકડ ફેબ્રુઆરી, 2020માં મુંબઈ એરપોર્ટ પરથી કરવામાં આવી હતી. તેની પાસેથી ₹23.86 લાખની કિંમતની ₹2,000ની ચલણી નોટો મળી આવી હતી. જે હવેથી ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવી છે, પરંતુ ત્યારે તે સર્ક્યુલેશનમાં હતી. કેસ પછીથી NIAને સોંપી દેવામાં આવ્યો, જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે જાવેદે દુબઈના એક ભાગેડુ ગુનેગાર પાસેથી આ રકમ મેળવી હતી. 

    જાવેદ ધરપકડ બાદથી જ જેલમાં બંધ હતો. તેણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે માન્ય રાખી ન હતી. હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં નિર્ણય કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું હતું કે જામીન આપવાથી ભારતની અર્થવ્યવસ્થાને જોખમ ઊભું થશે. ત્યારબાદ જાવેદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જ્યાં જે. બી પારડીવાલા અને ઉજ્જવલ ભૂયાનની બેન્ચે તેની અરજી પર સુનાવણી કર્યા બાદ જામીન મંજૂર કર્યા. 

    - Advertisement -

    2 જજની બેન્ચે આદેશમાં કહ્યું કે,  “ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ ઘણી વખત પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંત ભુલી જાય છે કે જામીનને સજા આપવાના ભાગરૂપે રોકી શકાય નહીં.” કોર્ટે કહ્યું કે, “ગુનો ગમે તેટલો ગંભીર કેમ ન હોય પરંતુ આરોપીને બંધારણ અનુસાર ઝડપી ટ્રાયલ માંગવાનો હક છે. કોર્ટે કહ્યું કે, દરેક આરોપીને બંધારણનો આ હક મળે છે અને તે દરેક કેસમાં લાગુ પડે છે, પછી ગુનાની ગંભીરતા ભલે ગમે તેટલી હોય. 

    કોર્ટે આ દરમિયાન પ્રખ્યાત વાક્ય ‘એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર અ ફ્યુચર’ પણ ટાંક્યું હતું. ગુજરાતીમાં આ વાક્યનો ભાવાનુવાદ એવો થાય કે, ‘દરેક સંતનો એક ભૂતકાળ હોય છે અને દરેક પાપી કે ગુનેગારનું ભવિષ્ય.’ આ વાક્ય ઓસ્કાર વાઇલ્ડના એક પ્રખ્યાત નાટક ‘આ વુમન ઑફ નો ઇમ્પોર્ટન્સ’માંથી લેવામાં આવ્યું છે, જેનો પછીથી ઘણાં સાહિત્ય સંદર્ભોમાં ઉપયોગ થતો રહ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ ભૂતકાળમાં ઘણી વખત આદેશોમાં આ વાક્યનો ઉપયોગ કરતી રહી છે. એપ્રિલ, 2022માં કોર્ટે એક 4 વર્ષીય બાળકીની હત્યા અને રેપના ગુનેગાર મોહમ્મદ ફિરોઝની સજા ઘટાડતી વખતે પણ સુપ્રીમ કોર્ટે આ વાક્ય કહ્યું હતું.

    જાવેદને જામીન આપતા આદેશમાં કોર્ટે એમ પણ કહ્યું કે, ગુનેગારો જન્મજાત હોતા નથી. સાથે આગળ કહેવામાં આવ્યું કે, અપરાધિક ન્યાયશાસ્ત્રનો વ્યાપક સિદ્ધાંત કહે છે કે આરોપી પર જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય છે. તેને હળવાશથી લઇ શકાય નહીં, પછી ભલે તેની વિરુદ્ધ લાગેલી કલમ ગમે તેટલી સખત કેમ ન હોય.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં