Wednesday, July 24, 2024
More
  હોમપેજગુજરાત‘હિંદુઓના અપમાનનો આ પ્રથમ કિસ્સો નહીં, દર વખતે સાંખી ન લેવાય’: અમદાવાદમાં...

  ‘હિંદુઓના અપમાનનો આ પ્રથમ કિસ્સો નહીં, દર વખતે સાંખી ન લેવાય’: અમદાવાદમાં જે હિંદુ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યું પ્રદર્શન, તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું- માફી ન માંગે ત્યાં સુધી ચાલુ રહેશે વિરોધ

  તાજેતરમાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, "જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” તેમણે આપેલા આ નિવેદનના કારણે જ હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે.

  - Advertisement -

  શનિવારે (6 જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. પરંતુ આ મુલાકાત પહેલાં અમદાવાદમાં તેમની સામે મોટાપાયે વિરોધ પ્રદર્શનો થયાં, જે હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યાં. કારણ હતું તાજેતરમાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલું ભાષણ, જેમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા જતાં હિંદુઓ વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર અનેક ફોટા ફરતા થયા હતા જેમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને રાહુલ ગાંધીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” તેમણે આપેલા આ નિવેદનના કારણે જ હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં હિંદુ સંગઠનોએ ‘મેં ફિરોજ ખાન કા પોતા હું, ઇસીલિયે હિંદુઓ સે નફરત કરતા હું.’ તેમજ રાહુલ ગાંધીના ફોટા પર તેમના નિવેદનોને ટાંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક હિંદુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

  આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત પ્રાંતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત સાથે વાત કરી હતી. તેમણે આ આખા વિરોધ પ્રદર્શનને લઈને જણાવ્યું હતું કે, “આ કોઈ પહેલી વાર નથી કે રાહુલ ગાંધીએ હિંદુ સમુદાયનું અપમાન કર્યું હોય. રાહુલ ગાંધી, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીની આ નીતિ અને રીતી રહી છે. તાજેતરમાં રાહુલે જે સંસદમાં કહ્યું, તે આ વાતની સાબિતી છે.” તેમણે રાહુલ ગાંધીના ભૂતકાળના નિવેદનોને ટાંકીને કહ્યું હતું કે, “મંદિરમાં જનારાઓ મહિલાઓની છેડતી કરે છે’ તે પ્રકારના અનેક નિવેદનો પણ તેઓ આપી ચૂક્યા છે.

  - Advertisement -

  હિંદુ હંમેશા ભોગવતો આવ્યો છે, તો હિંસક ક્યાંથી?: હિતેન્દ્રસિંહ

  “હવે તો સંસદમાંથી રાહુલ ગાંધીએ હિંદુઓને એક વાર નહીં, અનેક વાર હિંસક કહ્યા છે. આ બાબતને કેમ ચલાવી લેવાય? હિંદુ સમાજ દર વખતે આ બાબત સાંખી લે તેમ નથી. હિંદુ સમાજ અહિંસામાં માનનારો છે. ઈતિહાસ ઉઠાવીને જુઓ, તો ક્યાંય એક પણ ઉદાહરણ એવું નથી કે હિંદુ સમાજે કોઈ પર આક્રમણ કર્યું હોય. હિંદુઓ ક્યારેય કોઈ હિંસામાં નથી જોડાયા. હા, હિંદુઓ વિરુદ્ધ હિંસા થવાનાં હજારો-લાખો ઉદાહરણો તમને મળી જશે. તો રાહુલ ગાંધી હિંદુઓને હિંસક કેવી રીતે કહી શકે?”

  હિતેન્દ્રસિંહે આગળ જણાવ્યું કે, “રાહુલ ગાંધી મહોબ્બતની દુકાન કરી-કરીને સંસદ સુધી તો પહોંચી ગયા. પરંતુ પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ તેમણે તેમની દુકાન બંધ કરી દીધી. હવે રાહુલ ગાંધીની દુકાન હિંદુઓ માટે નહીં, પરંતુ લઘુમતી કોમ માટે જ છે. તેઓ પાછલા બારણે માત્ર ધર્મ વિશેષ માટે જ આ મહોબ્બતની ચાલી રહી છે. તેમના પૂર્વજો અને તે પોતે, સતત તૃષ્ટિકરણની રાજનીતિ કરતા આવ્યા છે અને હજુ પણ કરશે.”

  જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો વિરોધ યથાવત રહેશે: હિતેન્દ્રસિંહ

  તેમણે કહ્યું કે, “આજે અમદાવાદમાં આજે તેમની મુલાકાત દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમગ્ર હિંદુ સમુદાય અને સાધુ-સંતો દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થયા અને રાજીવ ગાંધી ભવન નજીક રાહુલ ગાંધીનો વિરોધ કરીને તેમની માફીની માંગણી સાથે તેમનું પૂતળાદહન કર્યું છે. જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હિંદુ સમુદાય તેમનો વિરોધ ચાલુ જ રાખશે.”

  ગુજરાતનો પ્રવાસ માત્ર નાટક, તમિલનાડુ પર કેમ જીભ નથી ઊપડતી?

  રાજકોટ અગ્નિકાંડના પીડિતોની મુલાકાત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “તેઓ પોતાની તૃષ્ટિકરણની રાજનીતિમાં એક્સપર્ટ છે. ગુજરાતમાં આવીને રાજકોટ અગ્નિકાંડ અને અન્ય પીડિતોની મુલાકાત એ માત્ર એક નાટક છે. ગઈકાલે જેમ તેમણે ઉત્તર પ્રદેશના હાથરસ જઈને સંવેદનાનું નાટક કર્યું, એવું જ નાટક તેઓ ગુજરાતમાં કરવા માંગે છે. કેમ તેઓ તમિલનાડુમાં ન ગયા? ત્યાં તેમની ગઠબંધનની સરકાર છે તો ત્યાં તેમની પહેલી જવાબદારી બને. શું ત્યાં ઝેરી દારુ પીને જે લોકોના મૃત્યુ થયા તે માણસ નહોતા? રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પર કેમ કશું નથી બોલી રહ્યા? તે બધી બાબતો પર તેમની જીભ કેમ ઊપડતી નથી?”

  હિતેન્દ્રસિંહે જણાવ્યું કે, “રાહુલ ગાંધીને તેમ લાગે છે કે ગુજરાતમાં આવા નાટક કરીને તેઓ ગુજરાતના હિંદુઓમાં પોતાનું સ્થાન બનાવી લેશે, તો તેઓ હજુ વહેમમાં છે. અહીંના હિંદુઓ તેમની એકતરફી મહોબ્બતની દુકાનને જાકારો આપશે. તેમને હેતુ માત્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.” ભાજપ અને હિંદુ કાર્યકર્તાઓ પર હુમલો કરનાર આરોપી કોંગ્રેસીઓની મુલાકાત વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “મેં પહેલાં જ કહ્યું, એમનો આખો આ પ્રવાસ માત્ર એક દેખાડાથી વધુ કશું જ નથી. આમ કરીને તેઓ કોંગ્રેસીઓને ખુશ કરવા માંગે છે. પણ ગુજરાતની જનતા હોંશિયાર છે અને તેની દુકાન અહીં નહીં જ ચાલવા દે.”

  શા માટે કરવામાં આવી રહ્યો છે વિરોધ?

  ઉલ્લેખનીય છે કે જેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ કરતી વખતે હિંદુઓને ટાર્ગેટ કર્યા હતા. ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” આ વિવાદિત સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ વચ્ચે હસ્તક્ષેપ કરીને કહેવું પડ્યું હતું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવો એ યોગ્ય નથી. પછીથી ગૃહમંત્રી શાહ સહિત અન્ય સાંસદોએ પણ રાહુલને ફટકાર લગાવી હતી.

  રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તે રાત્રે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે કોંગ્રેસીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે સ્થિતિ વણસી હતી. પછીથી આ મામલે કોંગ્રેસ કાર્યકરો સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં